નાગરવેલ : દ્વિદળી વર્ગના પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તે વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ Piper betle Linn. (સં. नागवल्ली, ताम्बूल, હિં. બં. મ. पान; ગુ. નાગરવેલ, પાન; ક. યલીબળી, તે. તામલ પાકુ; ફા. બર્ગતંબોલ, અ. કાન) છે. તે બહુવર્ષાયુ, દ્વિગૃહી (dioecious) વેલ છે અને સંભવત: મલેશિયાની મૂલનિવાસી છે. પ્રકાંડ અર્ધ-કાષ્ઠમય, આરોહણની ક્રિયા ટૂંકાં અપસ્થાનિક (adventitious) મૂળ દ્વારા; પર્ણો 5.0થી 20.0 સેમી. લાંબાં, પહોળાં, અંડાકાર કે હૃદયાકાર, અખંડિત, ચળકતા લીલા રંગનાં કે પીળા રંગનાં, અરોમિલ (glabrous), પર્ણ કિનારી ઘણી વાર તરંગિત, પર્ણાગ્ર ટૂંકો અને તીક્ષ્ણ (acuminate); પર્ણદંડ મજબૂત 2.0થી 2.5 સેમી. લાંબા; નર શૂકી (spike) નળાકાર અને ઘટ્ટ; માદા શૂકી 2.5થી 5.0 સેમી. લાંબી, નિલંબી (pendulous); ફળો ભાગ્યે જ ઉદભવે, કેટલીક વાર માંસલ શૂકીમાં ખૂંપેલાં અને ગાંઠો જેવી રચના બનાવે.

ભારતમાં પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તમિળનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચોરવાડમાં દરિયાકિનારે વાવેતર થાય છે. ભારતમાં લગભગ 30,000 હેક્ટરના વિસ્તારમાં નાગરવેલની ખેતી થાય છે.

વિવિધ રાજ્ય કે પ્રદેશમાં વિવિધ જાતો ઉગાડવામાં આવે છે. તેના પાનનો સ્વાદ, રંગ અને કદ તથા સોડમ જુદાં જુદાં હોય છે. બંગલા, કલકત્તી, મલબારી, કપૂરી જેવી સામાન્ય જાતો ઉપરાંત કેટલાંક રાજ્યોમાં વવાતી સુધારેલી જાતો પણ છે, જે નીચે પ્રમાણે છે :

ક્રમ રાજ્યનું નામ સુધારેલી જાત
1

2

3

4

5

6

7

8

પશ્ચિમ બંગાળ

આંધ્રપ્રદેશ

તમિળનાડુ

કર્ણાટક

મહારાષ્ટ્ર

કેરળ

મધ્યપ્રદેશ

ઉત્તરપ્રદેશ

બંગલા, મઘાઈ

દેસાવરી

ચિટ્ટુકોડી કલ્લાસકોડી, કામ્માર કશપાકુ

અંબાડી, કાનીગેલ, કસબાલી, કુમ્બાલાબાલી

ગંજેરી, કાલી

નંદનકોડી, પદુકોડી

બીલાહારી

કાકેર, કપૂરી

નાગરવેલનાં પાનની ખેતી અને જાતોની સુધારણા માટેનું સંશોધનકેન્દ્ર મહારાષ્ટ્રમાં નાગપુર પાસે (80 કિમી.ના અંતરે) રામટેક મુકામે આવેલું છે.

નાગરવેલની ખેતી માટે ઉષ્ણકટિબંધનો વિસ્તાર, ભેજવાળું હવામાન, 225 થી 475 સેમી. વરસાદ, સેન્દ્રિય તત્વવાળી ફળદ્રૂપ જમીન અને મીઠું પાણી અને છાંયવાળી જગ્યા વધુ અનુકૂળ આવે છે.

તેની ખેતી માટે મધ્યમ ગોરાડુ કે ચૂનાના તત્વવાળી ભરભરી કાળી કે જેમાં સેન્દ્રિય તત્વની ખામી ન હોય અને નિતારશક્તિ સારી હોય તેવી જમીન ઉત્તમ ગણાય છે. લાલબેસર સારી ઊંડાઈ ધરાવતી જમીન પણ માફક આવે છે. ઓછી ઊંડાઈ ધરાવતી પણ નિતારશક્તિ સારી હોય તો તેવી જમીનમાં કાંપ ભરી જમીન તૈયાર કરીને પણ પાક લઈ શકાય છે. પથરાળ પોચા ચૂનાના પથ્થરોવાળી જમીનમાં પણ મોટા, ઊંડા ખાડા કરી તેમાં કાંપ-કમ્પોસ્ટનું ખાતર અને પાંદડાં ભરીને પણ નાગરવેલના રોપ રોપી પાક લઈ શકાય છે.

નાગરવેલનાં પાન અને પુષ્પો

સામાન્ય રીતે સોપારી કે નારિયેળના બગીચામાં જ્યારે નાગરવેલનો મિશ્રપાક લેવાનો હોય ત્યારે તો જે મુખ્ય પાક માટે તૈયાર કરેલ જમીન હોય તે જ ઉપયોગમાં લેવાય છે. ઝાડની બાજુમાં 60થી 120 સેમી. પહોળા અને 30થી 60 સેમી. ઊંડા ખાડા કરી તેમાં કમ્પોસ્ટનું પાંદડાંવાળું ખાતર, રાખ અને ભરભરી ચોખ્ખી માટીનું મિશ્રણ ભરવામાં આવે છે.

જ્યારે મિશ્રપાકના બદલે એકલા નાગરવેલનો પાક લેવાનો હોય ત્યારે જમીનને આડી ઊભી ખેડી 10 થી 12 ટન જેટલું છાણિયું ખાતર ભેળવી સમાર મારી તૈયાર કરવામાં આવે છે.

નાગરવેલનું વાવેતર કટકા કલમ દ્વારા કરવામાં આવે છે. એક વર્ષ જૂના 30થી 45 સેમી. લંબાઈવાળા ટુકડા કે જેમાં લગભગ પાંચ આંખ (કક્ષકલિકા) હોય તે પૈકી નીચેની બેથી ત્રણ આંખવાળો ભાગ જમીનમાં દબાવી બે આંખો બહાર રહે તે રીતે પાંગારા કે શેવટીના છોડના થડની નજીક બે લાઇન વચ્ચે 1 મીટરનું અને બે છોડ વચ્ચે દરેક લાઇનમાં 30થી 45 સેમી. જેટલું અંતર રાખી રોપવામાં આવે છે. રોપણીનો સમય હવામાન પર આધાર રાખે છે. કેરળ, મૈસૂર અને અસમના કેટલાક વિસ્તારોમાં જૂન માસમાં વરસાદ શરૂ થતાં જ રોપણી કરવામાં આવે છે. ચેન્નાઈમાં જુલાઈથી ઑગસ્ટ દરમિયાન રોપવામાં આવે છે. દક્ષિણ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને મૈસૂરના કેટલાક ભાગોમાં રોપણી ઑગસ્ટ-સપ્ટેમ્બર અથવા ઑક્ટોબર સુધી લંબાવાય છે, જે મોટેભાગે મિશ્રપાક તરીકે લેવાય છે.

નાગરવેલના રોગો : પાદક્ષય, ફૂગ અને જીવાણુથી થતાં પાનનાં ટપકાં ; છોડનો સુકારો ; પાનનો કોહવારો ; ભૂકી છારો ; મૂળનો સડો અને કૃમિથી નાગરવેલને થતા રોગો.

  1. 1. પાદક્ષય અને પાનનો કોહવારો : આ રોગ Phytophthora parasitica નામની ફૂગથી થાય છે. ફૂગનું આક્રમણ થતાં સૌપ્રથમ જમીનની ઉપરનો થડનો ભાગ કાળો થાય છે, અને પાન પીળાં થઈ સુકાય છે. આવાં સુકાયેલાં પાન, વેલા પર લટકેલાં રહે છે. આ રોગની અસરથી જમીન પાસેના થડની બેથી ત્રણ આંતરગાંઠ સુધીનો ભાગ કાળો બને છે અને મૂળની પેશીઓ સડી ગયેલી જોવા મળે છે.

ફૂગના આક્રમણથી, પાનની ધાર સુધી પાણીપોચા જખમો થાય છે. પાનની અંદર તેનો વિકાસ ઝડપથી થવાથી પાન કોહવાય છે. રોગવાળું પાન બદામી કે ઘેરા બદામી રંગનું થઈ કાળું થઈ જાય છે. ક્રમશ: આ રોગ છોડ ઉપરનાં મોટાભાગનાં પાન ઉપર પ્રસરે છે, ખાસ કરીને જમીનથી 25થી 50 મિમી. અંતરે. ખાવાના ઉપયોગમાં લેવાતાં હોવાથી રાસાયણિક દવાનો છંટકાવ હાનિકારક છે. પરંતુ વાડીમાં પિયતપદ્ધતિમાં ફેરફાર કરવાથી અને છાંયડાના પ્રમાણમાં ઘટાડો કરવાથી રોગ નિયંત્રણમાં રહે છે. બોર્ડો મિશ્રણ અને પૅરેનૉક્સનો છંટકાવ રોગને કાબૂમાં રાખે છે.

  1. 2. મૂળનો સડો અને સુકારો : એક કરતાં વધારે વ્યાધિજનથી થાય છે. તેમાં Pythium vexans, Sclerotium, શેલ્ફસીયાઇ, Rhizoctonia solani તેમજ Diplodia; પેલીક્યુલેરિયા; Glomerella અને Macrophomina પ્રજાતિની ફૂગોને લીધે આ રોગ થાય છે.

કેટલાક વિષાણુઓ અને કૃમિઓ પણ નાગરવેલમાં આ રોગ પેદા કરે છે.

સુકારો (wilt) Sclerotium rolfsii Saci. વડે થાય છે. ઊંડી ખેડ, પાકની ફેરબદલી અને જમીનને 1 : 20થી 1 : 50 ના પ્રમાણમાં ફૉર્મેલિન આપવાથી રોગ-નિયંત્રણ થાય છે. Oidium piperis નામની ફૂગ દ્વારા ભૂકી છારો થાય છે. તેનું નિયંત્રણ એક કે બે વાર સલ્ફરની ભૂકી આપવાથી થાય છે. પર્ણને ટપકાંનો રોગ Glomerella cingulata દ્વારા થાય છે. પ્રકાંડ પર થતા આ રોગને અટકાવવા બોર્ડો મિશ્રણ કે પૅરેનૉક્સની ચિકિત્સા આપવામાં આવે છે.

આ વનસ્પતિ પર મોલોમશી(Disphinctus spp.), મીલીબગ (Ferrisiana virgata Ckll.; Pseudococcus), મધુયૂકા (aphids) અને ઇતરડી (mites) જેવા કીટકો રોગો ઉત્પન્ન કરે છે. મોલોમશી પાયરોડસ્ટ અથવા 0.1 % ડી.ડી.ટી.નો છંટકાવ કરવાથી નિયંત્રિત કરી શકાય છે. મીલીબગ માટે 0.06 % મેલેથિયોનનો છંટકાવ ઉપયોગી છે. મધુયૂકાનું અસરકારક નિયંત્રણ ફોલીડોલના છંટકાવથી કરી શકાય છે. ઇતરડીના નિયંત્રણ માટે લાઇમ-સલ્ફર વૉશ આપવામાં આવે છે.

તાજા પાનના રાસાયણિક બંધારણના એક વિશ્લેષણ મુજબ તે પાણી 85.4 %; પ્રોટીન 3.1 %; મેદ 0.8 %; કાર્બોદિત 6.1 %; રેસા 2.3 %; અને ખનિજદ્રવ્ય 2.3 %; કૅલ્શિયમ 230 મિગ્રા.; ફૉસ્ફરસ 40 મિગ્રા.; લોહ 7 મિગ્રા.; કૅરોટીન (વિટામિન ‘એ’ તરીકે) 9600 ઈ.યુ; થાયેમિન 70.0 માગ્રા. (microgram); રિબોફ્લેવિન, 30 માગ્રા.; નિકોટિનિક ઍસિડ 0.7 મિગ્રા.; વિટામિન ‘સી’ 5 મિગ્રા. અને આયોડિન 3.4 માગ્રા./100 ગ્રા. ધરાવે છે. તેના પાનમાં પોટૅશિયમ નાઇટ્રેટ 0.26 % થી 0.42 % જેટલા ઊંચા પ્રમાણમાં હોય છે. ખાવા માટેના પાનના મૂલ્યનો આધાર તેમાં રહેલા બાષ્પશીલ તેલ અને શર્કરાના પ્રમાણ પર રહેલો છે. મુંબઈનાં નાગરવેલનાં પાનમાં અપચાયક (reducing) શર્કરા (ગ્લુકોઝ તરીકે) 0.6 % થી 2.5 %; અનપચાયક (non-reducing) શર્કરા (સુક્રોઝ તરીકે) 0.6 % થી 2.5 %; કુલ શર્કરા 2.4 % થી 5.6 %; સ્ટાર્ચ 1.0 % થી 1.2 %; બાષ્પશીલ તેલ 0.8 % થી 1.8 % અને ટૅનિન 1.0 % થી 1.3 % હોય છે.

બાષ્પશીલ તેલ અને પર્ણનો નિષ્કર્ષ (Micrococcus pyogenes var. albus અને var. aureus, Bacillus subtilis અને B. megaterium, Diplococcus pneumoniae, Streptococcus pyogenes, Escherichia coli, Salmonella typhosa, Vibrio comma, Shigella dysenteriac, Proteus vulgaris, Erwnia carotovoral pseudomonas solanacacrum, sarcina lutea જેવાં કેટલાક ગ્રામ-પૉઝિટિવ અને ગ્રામ-નૅગેટિવ બૅક્ટેરિયાનો પ્રતિરોધ કરે છે. તેની પ્રતિરોધી ક્રિયાશીલતા ચૅવિકોલની હાજરીને લઈને હોઈ શકે. આ ઉપરાંત બાષ્પશીલ તેલ અને પર્ણનો નિષ્કર્ષ Aspergillus niger, A. oryzae, Curvularia lunata, Fusarium oxysporum સામે ફૂગનાશક પ્રક્રિયા દર્શાવે છે.

આ વેલનાં પાનને ભારતના લોકો ચૂનો અને કાથો લગાવી તેમાં સોપારી, ઇલાયચી, વરિયાળી મેળવીને ખાય છે. ભોજન પછી પાન ખાવાનો ભારતમાં ખાસ રિવાજ છે. નાગરજ્ઞાતિમાં પાન ખાવાનો રિવાજ વિશેષ છે.

ધન્વન્તરિ નિઘંટુમાં પાનના શ્વેત અને કૃષ્ણ એમ બે પ્રકાર દર્શાવે છે. રાજનિઘંટુકારે શ્રીવાટી, અમ્લવાટી, સતસા, ગૃહાગરે, અમ્લસરા, પટુલિકા અને વ્હેસનીયા એમ સાત પ્રકાર બતાવ્યા છે. અમ્લસરા માળવામાં અને પટુલિકા આંધ્રમાં અને વ્હેસનીયા સમુદ્રતટના પ્રદેશમાં થાય છે. ગુજરાતમાં કપૂરી અને દેશી જાતો થાય છે.

કાશીનાં બનારસી પાન સુગંધીવાળાં અને રુચિકર છે.

પાનનો રસ કડવો, તીખો, તૂરો; વિપાક તીખો; વીર્ય-ઉષ્ણ; કફ-દોષઘ્ન હોય છે.

પાન સ્વરને સુધારનાર, દીપન, રુચિકર, પિત્તપ્રકોપક, વાતકફ, મોંની ચીકાશ, દુર્ગંધ, શરદી અને ખાંસીનો નાશ કરનાર છે. પાનમાં એક પ્રકારની સુગંધ તથા ઉષ્ણ બાષ્પશીલ તેલ હોય છે. પાન ઉત્તમ દીપન, પાચન બલ્ય શોથઘ્ન, વેદનાસ્થાપક અને વ્રણરોપક હોય છે. કાર્બોલિક ઍસિડથી પણ અધિક જંતુઘ્ન છે.

દમ અને ફેફસાંની શ્વાસનલિકાના સોજામાં પાનનો રસ અપાય છે. કંઠરોહિણી(ડિફ્થેરિયા)માં પાનના રસને ગરમ પાણીમાં મેળવી કોગળા કરવાથી રોગનાં જંતુઓ નાશ પામે છે અને ગળાનો સોજો ઓછો થાય છે તેમજ કફ છૂટે છે. ભોજન પછી પાન ખાવાથી લાળનું પ્રમાણ વધીને હોજરીને ઉત્તેજના મળવાથી પાચનનું કાર્ય સારી રીતે થાય છે. પાન કૃમિઘ્ન છે. ગાંઠના સોજા પર પાન ગરમ કરી બાંધવાથી સોજો અને પીડા ઓછાં થાય છે. સ્તનશોથ પર પાન ગરમ કરી બાંધવાથી ધાવણ ઓછું થઈ સોજો ઊતરે છે.

આંખના દુખાવામાં પાનનો રસ કાઢી તેમાં સમાન ભાગે મધ મેળવી આંખમાં ટીપાં પાડવામાં આવે છે.

હાથીપગામાં સાત પાનનો કલ્ક કરી, સહેજ સિંધાલૂણ અને ગરમ પાણી સાથે ખાવાથી આ રોગ મટે છે.

સ્ત્રીઓ નાગરવેલના પાનના ડીંટડા ઉપર દિવેલ લગાડી નાનાં બચ્ચાંના ગુદાદ્વારમાં મૂકી ઝાડો કરાવવા માટે ગુદવર્તી(સપોઝિટરી) તરીકે વાપરે છે. આ રીતે બાળકોને સરળતાથી દસ્ત થાય છે.

બાળકોને છાતીમાં કફ થાય ત્યારે ઘીનો દીવો કરી ઉપર ચાળણી ઢાંકી તેની ઉપર પાન રાખી પાનને ગરમ કરી બાળકોની છાતી પર શેક કરવામાં આવે છે, જેથી કફ સરળતાથી છૂટે છે.

ગંધાતા ઘા ઉપર પાનનું ડ્રેસિંગ સારું છે. તેનાથી ઘા જલદી રુઝાય છે.

કાન્તિલાલ ગોવિંદલાલ મહેતા

આદિત્યભાઈ છ. પટેલ

રાજેન્દ્ર ખીમાણી

બળદેવભાઈ પટેલ

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ