નહેરુ (નેહરુ) સ્ટેડિયમ : નવી દિલ્હીના લોદી માર્ગ પાસે આવેલું અદ્યતન સુવિધાઓ ધરાવતું રમતગમતનું સ્ટેડિયમ. 15 એકર જમીન પર 60,254 પ્રેક્ષકોને સમાવતું આ સ્ટેડિયમ નવમા એશિયાઈ રમતોત્સવનું મુખ્ય કેન્દ્ર હતું. એ એશિયાઈ રમતોત્સવના ઉદ્ઘાટન અને સમાપનનો ભવ્ય કાર્યક્રમ અહીં યોજાયો હતો. પં. જવાહરલાલ નહેરુના નામ સાથે સંકળાયેલા આ વિશાળ સ્ટેડિયમમાં જુદી જુદી ખેલકૂદ સ્પર્ધાઓ યોજવામાં આવે છે.

1989માં ખેલકૂદની એશિયાઈ સ્પર્ધા અને 2010માં રાષ્ટ્રસમૂહ સ્પર્ધાનું અહીં આયોજન થયું હતું અને 2010ની રાષ્ટ્રસમૂહ સ્પર્ધાને માટે વધુ સુવિધા ઊભી કરવાને કારણે 78,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ 60,254 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ બન્યું.

1984માં ઑસ્ટ્રેલિયા સામેની એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચો આ સ્ટેડિયમમાં રમવામાં આવી હતી અને 1991માં દક્ષિણ આફ્રિકામાં એકદિવસીય મૅચો અહીં ખેલાઈ હતી.

વિવિધ દોડની રમતો માટે આઠ લાઇનનો કિરમજી રંગનો ‘સિન્થેટિક ટ્રૅક’ બનાવવામાં આવ્યો છે. મેદાનની વચમાં ૧૦૫ × ૭૦ મીટરનું લીલુંછમ મેદાન ફૂટબૉલની રમત માટે બનાવ્યું છે. આ સ્ટેડિયમમાં ઊંચો કૂદકો, લાંબો કૂદકો, એકસાથે ત્રણ કૂદકા, વાંસકૂદકો; હથોડો, ભાલો, રકાબી, ગોળો વગેરે ફંગોળવાની રમતોનું પણ આયોજન થઈ શકે છે. સ્ટેડિયમના ચાર ખૂણે 57 મીટરની ઊંચાઈએ વિદ્યુતના પ્રકાશની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેડિયમના ઉત્તર ભાગમાં 23 × 9 મીટરનું સ્કોરબોર્ડ બનાવ્યું છે, જેમાં હિંદી અને અંગ્રેજી ભાષામાં કમ્પ્યૂટરીકૃત સ્કોર અને અન્ય માહિતીની જાહેરાત ઝળહળતા પ્રકાશમાં આકર્ષક રીતે કરી શકાય છે. આ મેદાનની સંભાળ સ્પૉટર્સ ઑથૉરિટી ઑવ્ ઇન્ડિયા રાખે છે. સ્પૉટર્સ ઑથૉરિટી ઑવ્ ઇન્ડિયા(SAI)નું અહીં મુખ્ય કાર્યાલય આવેલું છે.

નાનુભાઈ સુરતી

કુમારપાળ દેસાઈ