નવ્યન્યાય : ભારતના ન્યાયશાસ્ત્ર એટલે કે તર્કશાસ્ત્રની એક શાખા. ભારતીય તર્કશાસ્ત્રની બે મુખ્ય શાખાઓ છે : (1) પ્રાચીન ન્યાય અને (2) નવ્યન્યાય. પ્રાચીન ન્યાયમાં અક્ષપાદમુનિનો ન્યાયસૂત્રગ્રંથ, તેના ઉપર વાત્સ્યાયનનું ન્યાયભાષ્ય, ભાષ્ય ઉપર ઉદદ્યોતકરનું વાર્ત્તિક, વાર્ત્તિક ઉપર વાચસ્પતિ મિશ્રની તાત્પર્યટીકા, તેના ઉપર ઉદયનની પરિશુદ્ધિ ટીકા વગેરે ગ્રંથોનો તેમજ જયન્ત ભટ્ટની ન્યાયમંજરી ઇત્યાદિ કૃતિઓનો સમાવેશ થાય છે. પ્રાચીન ન્યાય પ્રમાણ, પ્રમેય વગેરે સોળ પદાર્થોની, ઉદ્દેશ (નામનિર્દેશ સાથે પદાર્થ-સંખ્યા ગણાવવી) લક્ષણ અને પરીક્ષણની પદ્ધતિથી ચર્ચા કરે છે. બીજી બાજુ, નવ્યન્યાય પ્રાચીન ન્યાયના એકમાત્ર પદાર્થ પ્રમાણને, અર્થાત્ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દપ્રમાણ – એ ચાર પ્રમાણોને કેન્દ્રમાં રાખીને, પદાર્થનાં લક્ષણ, પરીક્ષણ અને પરિષ્કાર (= દોષ-દૂરીકરણ, શુદ્ધીકરણ) ઉપર ભાર મૂકે છે.

નવ્યન્યાય પ્રમાણમીમાંસા હોવા ઉપરાંત ભાષાશાસ્ત્રીય અધ્યયન પણ છે. તેમાં વિચારને અત્યંત ચોકસાઈથી પ્રસ્તુત કરવા માટે, અવચ્છેદક (ઘટત્વ), અવચ્છિન્ન (ઘટ), આધેયતા (અગ્નિત્વ), આધારતા (પર્વતતા), અનુયોગિતા (પર્વતતા), પ્રતિયોગિતા (અગ્નિત્વ) વગેરે વિશિષ્ટ પદાવલિનો પ્રયોગ કરવામાં આવે છે. વિચારકને અભિપ્રેત વિચારથી ભિન્ન કોઈ પણ ખ્યાલ પ્રસ્તુત વિચારમાં પ્રવેશી જાય તેવી છટકબારીને બંધ કરવા માટે, નવ્યન્યાયની વિશિષ્ટ પદાવલિ અત્યંત ઉપયોગી છે.

આવી પદાવલિનું એક ઉદાહરણ લઈએ. પ્રતિજ્ઞા (proposal) એ ન્યાયના પંચાવયવી ન્યાયનો પ્રથમ અવયવ છે (પ્રતિજ્ઞા, હેતુ, સોદાહરણ વ્યાપ્તિ, ઉપનય અને નિગમન). पर्वतो वह्मिमान्   પર્વત અગ્નિવાળો છે એ પ્રતિજ્ઞાનું સ્વરૂપ છે. પ્રાચીન ન્યાયમાં સૂત્રકાર અક્ષપાદે પ્રતિજ્ઞાનું લક્ષણ આપ્યું  साध्यनिर्देशः प्रतिज्ञा (ન્યા. સૂ. 1-1-33). વાક્યમાં સાધ્યનો નિર્દેશ કરવો તે પ્રતિજ્ઞા છે. નવ્યન્યાયમાં ગંગેશ ઉપાધ્યાય પ્રતિજ્ઞાનું લક્ષણ આપે છે  उद्देश्याङनुमितिहेतुलिङगपरामर्शप्रयोजकवाक्यार्थज्ञानजनकत्वे सति उद्देस्यानुमिति-अन्यूनअनतिरिक्तविषयकशाब्दज्ञानजनकं वाक्यं प्रतिज्ञा। (‘તત્ત્વ-ચિન્તામણિ’, કૉલકાતા આવૃત્તિ, પૃ. 77). પર્વત અગ્નિવાળો છે  આ પ્રતિજ્ઞાવાક્યમાં ‘પર્વત’ એ ઉદ્દેશ્ય છે. તેના વિશેની અનુમિતિ એટલે ‘પર્વત અગ્નિવાળો છે’ એવું જ્ઞાન. તેવી અનુમિતિના હેતુરૂપ, લિંગ-પરામર્શ(ધૂમરૂપી લિંગ, વ્યાપક એવા અગ્નિથી વ્યાપ્ય છે એવા વિચાર)ના પ્રયોજક હેતુરૂપ વાક્યાર્થનું જ્ઞાન. તેવા જ્ઞાનને જે વાક્ય ઉત્પન્ન કરે છે અને સાથે સાથે, પર્વતરૂપ ઉદ્દેશ્ય વિશેના અનુમિતિ(પર્વત અગ્નિવાળો છે એ અનુમિતિ)થી નહિ ઓછું, નહિ વધુ એવા વિષયવાળા શબ્દજ્ઞાનને જે વાક્ય ઉત્પન્ન કરે છે તે વાક્યને પ્રતિજ્ઞા કહે છે.

નવ્યન્યાયના પ્રસિદ્ધ વિદ્વાન રઘુનાથ શિરોમણિ, ઉપરના લક્ષણમાં પરિષ્કાર કરીને, ‘પ્રતિજ્ઞા’નું નવું લક્ષણ રચે છે – प्रकृतन्यायावयवत्वे सतिप्रकृतानुमितिपक्षविशेष्यकप्रकृतानुमितिसाध्यप्रकारक–प्रकृतानुमितिपक्षविशेषतानिरूपितप्रकृतानुमितिसाध्यप्रकारताविलक्षणविषयताशून्यशब्दज्ञानजनकं वाक्यं प्रतिज्ञा । (‘દીધિતિ’, પૃ. 167, ‘તત્ત્વચિન્તામણિ’ કૉલકતા આવૃત્તિ 1872). ‘પર્વત અગ્નિવાળો છે’ એ પ્રતિજ્ઞાવાક્ય પ્રસ્તુત પંચાવયવી ન્યાયના એક અવયવરૂપ છે. સાથે સાથે એ વાક્યમાં પ્રસ્તુત અનુમિતિનો પક્ષ (-પર્વત) વિશેષ્ય બને છે અને પ્રસ્તુત અનુમિતિનું સાધ્ય (-અગ્નિ) પ્રકાર (=વિશેષણ) બને છે (અગ્નિવાળો પર્વત). વળી, વિશેષ્યતા અને પ્રકારતા(=વિશેષણતા)ને નિરૂપિત  નિરૂપક સંબંધથી જોડવા માટે કહે છે કે, પ્રસ્તુત અનુમિતિનો પક્ષ (-પર્વત) જેમાં વિશેષ્ય બને તેવી વિશેષ્યતાથી નિરૂપિત એવી, પ્રસ્તુત અનુમિતિનું સાધ્ય (-અગ્નિ) જેમાં પ્રકાર (=વિશેષણ) બને તેવી, પ્રકારતાથી ભિન્ન વિષય હોય તેવી સ્થિતિથી રહિત, શબ્દજ્ઞાનને ઉત્પન્ન કરનારું વાક્ય તે પ્રતિજ્ઞા.

રઘુનાથના ‘પ્રતિજ્ઞા’ના આ લક્ષણમાં પરિષ્કાર કરીને ગદાધર ભટ્ટાચાર્યે પ્રતિજ્ઞાનું નવું સુદીર્ઘ લક્ષણ, पक्षताव्छेदकाव्छिन्नविशेष्यतानिरूपित…. એ પ્રકારની નવ્યન્યાયની પરિભાષામાં આપેલું છે. નવ્યન્યાયમાં વ્યાપ્તિનાં લક્ષણો, સંયોગ, સમવાય સંબંધ ઉપરાંત અવચ્છેદકતા, નિરૂપકતા વગેરે અનેક સંબંધો, અભાવનું સ્વરૂપ વગેરે વિશે ગહન અને વ્યાપક મીમાંસા કરેલી છે.

વિશુદ્ધ રીતે વિચારને પ્રસ્તુત કરવામાં ભાષાના સામર્થ્યની ચરમ સીમા સુધી પહોંચવાના પ્રયાસમાંથી, નવ્યન્યાયની પરિભાષા સહજ રીતે જન્મી છે. એ કૃત્રિમ નથી. પશ્ચિમના સાંકેતિક તર્કશાસ્ત્ર (symbolic logic) અને નવ્યન્યાયની વચ્ચે ઘણું સામ્ય છે. પશ્ચિમમાં સાંકેતિક તર્કશાસ્ત્રનો આવિર્ભાવ થોડાં વર્ષો પૂર્વે થયો; જ્યારે ભારતમાં નવ્યન્યાયની વિચારણા ઈ. સ. ની બારમી સદીથી પ્રારંભાઈ છે. અમેરિકા, જાપાન વગેરે દેશોના વિદ્વાનો નવ્યન્યાયમાં ખૂબ રસ લેતા થયા છે. તેથી ભારતીય વિદ્વાનો પણ નવ્યન્યાયના અભ્યાસ તરફ વળ્યા છે.

નવ્યન્યાયની ત્રણ શાખાઓ છે : (1) મિથિલા શાખા (બિહાર), (2) નવદ્વીપ (=નદિયા) શાખા (બંગાળ) અને (3) તાંજોર શાખા (ચેન્નાઈ).

મિથિલા શાખાના આદ્ય સ્થાપક ગંગેશ ઉપાધ્યાય મનાય છે. તેમણે ‘તત્વચિન્તામણિ’ નામનો ગ્રંથ રચ્યો. તેમાં પ્રત્યક્ષાદિ પ્રમાણોને આધારે ચાર ખંડોની રચના કરી : જેમ કે પ્રત્યક્ષખંડ, અનુમાનખંડ, ઉપમાનખંડ અને શબ્દખંડ. ગંગેશ ઉપાધ્યાય(ચૌદમી સદી)ની પૂર્વે નવ્યન્યાયની ભૂમિકા રચાઈ ચૂકી હતી. ચંદ્ર, દિવાકર ઉપાધ્યાય, પ્રભાકર ઉપાધ્યાય, તરણિ મિશ્ર, સોન્દડ ઉપાધ્યાય, મણિકણ્ઠ, શશધર વગેરે ગંગેશની પૂર્વેના નવ્યનૈયાયિકો છે. ગંગેશના ‘તત્વચિન્તામણિ’ ગ્રંથ ઉપર, તેમના પછી લગભગ 600 વર્ષ સુધી, ટીકા-સાહિત્ય રચાતું રહ્યું. ગંગેશે ‘તત્વચિન્તામણિ’ ગ્રંથમાં, પોતાની પૂર્વેનાં પાંચ વ્યાપ્તિ-લક્ષણો નોંધીને તેમની મર્યાદાઓ બતાવી. તેમણે પરિષ્કાર કરીને વ્યાપ્તિનું નવું લક્ષણ આપ્યું. ત્યારબાદ સિંહવ્યાઘ્ર નામનાં વ્યાપ્તિલક્ષણો રચાયાં. ‘ચતુર્દશલક્ષણી’ નામે પ્રસિદ્ધ, વ્યાપ્તિનાં ચૌદ લક્ષણો રઘુનાથ શિરોમણિએ પોતાની, ‘તત્વચિન્તામણિ’ ઉપરની ‘દીધિતિ’ ટીકામાં આપ્યાં. આમ વ્યાપ્તિલક્ષણના વિચારને અત્યંત વિશુદ્ધ કરવા માટે તેમાં પરિષ્કારો થતા રહ્યા. ‘તત્વચિન્તામણિ’માં એક એક વિષયને લઈને જુદા જુદા વાદ રચવામાં આવ્યા; જેમ કે, મંગલવાદ, પ્રામાણ્યવાદ, પ્રમાલક્ષણવાદ, અન્યથાખ્યાતિવાદ, પ્રત્યક્ષલક્ષણવાદ, સંનિકર્ષવાદ, સમવાયવાદ, અનુપલબ્ધિવાદ, અભાવવાદ વગેરે.

ગંગેશ ઉપાધ્યાય પછી મિથિલામાં જયદેવ મિશ્ર નવ્યન્યાયના પંડિત થયા. કહેવાય છે કે તેઓ ગમે તેવા વિદ્વાનને એક પક્ષ(પખવાડિયા)માં પરાજિત કરી દેતા. તેથી તેમનું ઉપનામ પક્ષધર મિશ્ર પડી ગયું. પક્ષધર મિશ્રે ગંગેશની ‘તત્વચિન્તામણિ’ ઉપર ‘આલોક’ ટીકા લખી. ત્યારબાદ જલેશ્વર વાહિનીપતિ, રુદ્ર ન્યાયવાચસ્પતિ, રઘુદેવ ન્યાયાલંકાર, જયરામ ન્યાયપંચાનન વગેરે વિદ્વાનોએ ‘આલોક’ ઉપર ટીકાઓ રચી.

જયદેવ મિશ્રના શિષ્ય રુચિદત્ત મિશ્રે ગંગેશની ‘તત્વચિન્તામણિ’ ઉપર ‘પ્રકાશ’ ટીકા રચી. હાલ પણ બિહારમાં, વિશેષત: દરભંગામાં નવ્યન્યાયનું અધ્યયન-સંશોધન ચાલુ છે.

નવ્યન્યાયની બીજી શાખા, બંગાળમાં નવદ્વીપ(નદિયા)માં સોળમી સદીથી આરંભાઈ. આ નવદ્વીપ શાખાના વાસુદેવ સાર્વભૌમ નામના વિદ્વાન ‘તત્વચિન્તામણિ’ને કંઠસ્થ કરીને, મિથિલા(બિહાર)માંથી નદિયા(બંગાળ)માં લાવ્યા એમ કહેવાય છે. એ સમયે કોઈને મિથિલામાંથી બહાર ગ્રંથ લઈ જવાની છૂટ ન હતી. વાસુદેવ સાર્વભૌમે ‘તત્વચિન્તામણિ’ ઉપર ‘સાર્વભૌમનિરુક્તિ’ ટીકા રચી. ત્યારબાદ વાસુદેવના શિષ્ય રઘુનાથ શિરોમણિએ ‘તત્વચિન્તામણિ’ ઉપર પ્રસિદ્ધ ટીકા ‘દીધિતિ’ લખી. નવ્યનૈયાયિકોમાં રઘુનાથ શિરોમણિ સૌથી વધુ મૌલિક અને ક્રાંતિકારી વિદ્વાન થયા. તેમણે નવ્યન્યાયની પરિભાષાને અત્યંત ચોક્કસ બનાવી. વૈશેષિકોની દ્રવ્યાદિ પદાર્થોની માન્યતામાં, સર્વપ્રથમ ન્યાયભૂષણકાર ભાસર્વજ્ઞે અને ત્યારબાદ રઘુનાથ શિરોમણિએ આમૂલ ક્રાંતિ કરી. એ ક્રાંતિને દર્શાવતો, ‘પદાર્થતત્વ-નિરૂપણ’ નામનો ગ્રંથ રઘુનાથે રચ્યો.

ત્યારબાદ નદિયા શાખામાં મથુરાનાથ તર્કવાગીશ (સત્તરમી સદી) થયા. તેમણે રચેલી ટીકાઓ ‘માથુરી’ નામે પ્રસિદ્ધ છે. મથુરાનાથ તર્કવાગીશે ત્રણ ટીકાઓ લખી : (1) ‘તત્વચિન્તામણિરહસ્ય’ (2) ‘તત્વચિન્તામણિ-આલોક રહસ્ય’ અને (3) ‘તત્વચિન્તામણિ-દીધિતિ-રહસ્ય’. મથુરાનાથે વિપુલ પ્રમાણમાં અન્ય ટીકા-સાહિત્ય રચ્યું.

મથુરાનાથ પછી જગદીશ તર્કાલંકારે (સત્તરમી સદી) ‘તત્વચિન્તામણિ’ ઉપર ‘મયૂખ’ ટીકા લખી. ‘તત્વચિન્તામણિ-દીધિતિ’ ઉપર જગદીશે ‘પ્રકાશિકા’ ટીકા રચી, જે ‘જાગદીશી ટીકા’ નામે પ્રસિદ્ધ છે. તેમણે ‘શબ્દશક્તિપ્રકાશિકા’ નામનો, શબ્દના સામર્થ્યને નિરૂપતો ગ્રંથ રચ્યો. તેમાં વ્યાકરણ અને તત્વજ્ઞાન બંને વિશે વિવેચન કરવામાં આવ્યું. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ ‘શબ્દશક્તિપ્રકાશિકા’ ગ્રંથ અત્યંત ઉપયોગી સિદ્ધ થયો છે.

જગદીશ તર્કાલંકાર પછી, નદિયાની નવ્યન્યાયની શાખામાં ગદાધર ભટ્ટાચાર્ય (ઈ. સ. સત્તરમી સદી) નામના વિદ્વાન થયા. તેમણે ‘તત્વચિન્તામણિ’ ઉપર ‘પ્રકાશિકા’ ટીકા લખી. ગદાધરની ટીકાઓ ‘ગાદાધરી’ નામે પ્રસિદ્ધ છે.

નવ્યન્યાયની ત્રીજી શાખા તે ચેન્નાઈ(મદ્રાસતામિલનાડુ)ની તાંજોર શાખા. ડૉ. વી. રાઘવનને નવ્યન્યાયની કેટલીક હસ્તપ્રતો મળી આવી. તેમાં દક્ષિણના વિદ્વાનોએ રચેલી નવ્યન્યાયની ટીકાઓ હતી. તેમાં એક ટીકા ‘તર્કચૂડામણિ’ નામની હતી. તેના રચયિતા વેદાન્તના વિદ્વાન ધર્મરાજ અધ્વરીન્દ્ર હતા. બીજી ટીકા ‘ન્યાયશિખામણિ’ હતી. તેના પ્રણેતા, ધર્મરાજના પુત્ર રામકૃષ્ણ અધ્વરીન્દ્ર હતા. આ બંને ટીકાઓ, અનુક્રમે, ‘તત્વચિન્તામણિ’ના અનુમાનખંડ અને શબ્દખંડ ઉપર રચાયેલી રુચિદત્ત મિશ્રની ‘પ્રકાશ’ ટીકા ઉપર અને પ્રત્યક્ષખંડ ઉપર લખાયેલી રુચિદત્ત મિશ્રની ‘પ્રકાશ’ ટીકા ઉપર રચાયેલી હતી. આજે પણ બિહાર અને બંગાળની જેમ કર્ણાટકમાં નવ્યન્યાયનું અધ્યયન, અધ્યાપન અને સંશોધન ચાલી રહ્યું છે.

ઉપર દર્શાવ્યું તેમ, કોઈ પણ શાસ્ત્રના વિચારની રજૂઆતમાં, અભિપ્રેતથી જુદો વિચાર ઘૂસી ન જાય તે માટે અત્યંત ચોકસાઈ સાથે રચાયેલી, નવ્યન્યાયની અવચ્છેદકાવચ્છિન્ન જેવી પદાવલિરૂપ, અતિશય ઝીણા છિદ્રવાળી ગળણીથી ગાળીને કોઈ પણ વિચારને અત્યંત સુનિશ્ચિતતા સાથે પ્રસ્તુત કરવામાં નવ્યન્યાય ખૂબ ઉપયોગી છે. આજે અને ભવિષ્યમાં પણ, વેદાન્ત, વ્યાકરણ, અલંકાર જેવા કોઈ પણ શાસ્ત્રના હાર્દને પામવા નવ્યન્યાયનું જ્ઞાન પ્રાય: અનિવાર્ય ગણાય છે.

લક્ષ્મેશ વ. જોશી