નળ સરોવર : અમદાવાદથી નૈર્ઋત્ય તરફ 59.55 કિમી.ના અંતરે અમદાવાદ-સુરેન્દ્રનગરની જિલ્લા સરહદ નજીક અમદાવાદ જિલ્લામાં આવેલું સરોવર. ભૌગોલિક સ્થાન : 22° 48´ ઉ.અ. અને 72° 03´ પૂ. રે.. તેનું કુલ ક્ષેત્રફળ 126.11 ચોકિમી. છે. લંબાઈ 32 કિમી. અને પહોળાઈ 6 કિમી જેટલી છે. આ સરોવર સાવ છીછરું છે. વર્ષના મોટા ભાગ દરમિયાન તેમાં ઓછું-વધતું પાણી રહે છે; તેમ છતાં 1.83 મીટરથી વધુ ઊંડું પાણી રહેતું નથી. સરોવર આસપાસની જમીન શુષ્ક અને સપાટ છે. ક્યાંક ક્યાંક કાંટાવાળા છોડવા જોવા મળે છે. સરોવરની ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ બાજુઓને કોઈ ચોક્કસ કાંઠો નથી, તેમાં છૈયા અને બરુ જેવા છોડ ઊગે છે. પૂર્વ બાજુએ ઓછી-વત્તી ઊંચાઈવાળા રેતીના ઢૂવા જોવા મળે છે. વર્ષાઋતુ પૂરી થતાં પાણી ઘટવા લાગે છે અને ખારું બનતું જાય છે. માર્ચના અંતે સરોવરની સૂકી સપાટી પર મીઠાના કણોની પોપડી જોવા મળે છે. સરોવરની વચ્ચે વચ્ચે 300થી વધુ ટાપુઓ બની રહે છે, તે પૈકી પાનવડ ટાપુ સૌથી મોટો છે. ઉત્તર ગોળાર્ધના શીત કટિબંધની વિષમ ઠંડીથી બચવા સારુ છેક સાઇબીરિયાથી ઘાસવાળા ટાપુઓ પર શિયાળાની શરૂઆતથી પક્ષીઓ આવવા માંડે છે અને માર્ચ સુધી અહીં રહે છે. કેટલાંક પક્ષીઓ માળા બાંધી પ્રજનન માટે પણ રહેતાં હોય છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી પક્ષીઓની સૌથી વધુ સંખ્યા હોય છે.

નળ સરોવરનું રમણીય દૃશ્ય

નળ સરોવર પક્ષીવિદો માટે, અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓ માટે તીર્થસમાન બની રહે છે. લગભગ 60 પ્રકારનાં જળચર પક્ષીઓ અહીં આવે છે. તે પૈકી કંકણસાર, ધોળી કંકણસાર, કાળી કંકણસાર, જળમાંજાર, કાળો જળમાંજાર, જળકૂકડી, માછીમાર ઘુવડ, ટીંટોડી, ધોળી આંખ કરચિયો, ચોટલીવાળો પેણ, વાંકી ચાંચ, શિકરો, ઘરખોદ, પાન-લેઉઆ, ચમચો, કીચડિયો, ગુજબ, ઢોંક, કાળી બતક, ઊજળી નાની બતક, સફેદ પંખાવલી, સુરખાબ, સારસ, તારોડિયો, કબૂતર, પોપટ, કાજિયું (કોરોમન્ટ), સર્પગ્રીવા, ઊલટી ચાંચ, આદ-દસાડી, વિલાયતી ખલીલી, જળ-કાગડો, કુંજ, બ્રાહ્મણી બતક, ઢોર-બગલો, રાજહંસ, દેવાક વગેરે પક્ષીઓ છે.

આ સરોવરના કાંઠે વીરમગામ તાલુકાનાં શાહપુર, કથલા, વેકરિયા, કુમરખણ અને કમીજલા ગામો તેમજ ધોળકા તાલુકાનાં દેવડથલ અને શિયાળ ગામો આવેલાં છે. આ ગામોમાં રહેતા કોળી, પઢાર વગેરે આ સરોવરમાંથી માછલીઓ પકડે છે. સરોવરના કિનારા નજીક થેક નામનાં બિયાં થાય છે, જે દુકાળ વખતે ખોરાક તરીકે વપરાય છે.

અહીં ગુજરાત સરકારના પ્રવાસનખાતા તરફથી ‘હૉલિડે હોમ’માં રહેવા-જમવાની તથા જલવિહારની સુવિધા થયેલી છે. અમદાવાદથી સાણંદ થઈને અને વીરમગામથી પણ નળ સરોવર જઈ શકાય છે. અહીં નજીકમાં હિંગળાજ માતાનું મંદિર છે.

નળ સરોવર એ એક વખતે અહીં અસ્તિત્વ ધરાવતા છીછરા સમુદ્રી ફાંટાનો અવશેષ હોવાનું જણાય છે. પ્રાગ્ઐતિહાસિક કાળમાં ખંભાતનો અખાત કચ્છના અખાત સાથે નળ સરોવર મારફતે જોડાયેલો હતો, અને સૌરાષ્ટ્ર એક અલગ ટાપુ હતો. બે અખાતને જોડતા નીચા ભૂમિભાગ વચ્ચે આવેલું આ સરોવર સંભવત: મૂળ ટેથીસ સમુદ્રના ભાગરૂપ હશે. નદીઓનાં પુરાણથી તેની બંને બાજુઓનો ભાગ ઊંચો આવતો ગયો અને સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ બન્યો, વચ્ચેનો છીછરો ખાડો સરોવર રૂપે જળવાઈ રહ્યો છે. અહીંથી લંગરના અવશેષો મળી આવેલા છે, જે તે મૂળ સમુદ્રનો ભાગ હોવાની સાક્ષી પૂરે છે. જ્યારે ખૂબ વરસાદ પડે ત્યારે કચ્છના નાના રણનું વધારાનું પાણી નળ સરોવરમાં થઈને ખંભાતના અખાતમાં વહે છે.

શિવપ્રસાદ રાજગોર