નટમંડળ : અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાને ઉપક્રમે સ્થપાયેલું નિયમિત નાટકો ભજવવા માટેનું નટો અને નાટ્યવિદોનું કાયમી જૂથ. લગભગ 1948માં અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના આશ્રયે નાટ્યવિદ્યા મંદિર નામની સંસ્થા શરૂ કરવામાં આવી. આમાં નાટ્યવિદ્યામાં રસ ધરાવનારાં લગભગ પચીસેક ભાઈબહેનોએ હાજરી આપી. આમાં નાટ્યવિદ્યાસંબંધી વિવિધ વિષયો પર તજ્જ્ઞો મારફત વ્યાખ્યાનો તથા પરિસંવાદો યોજવામાં આવતાં અને તેની વ્યવસ્થા તથા સંચાલન ધનંજય ઠાકર કરતા. આ વર્ગોમાં કલાગુરુ રવિશંકર રાવળ, શેક્સપિયરનાં નાટકોના ઊંડા અભ્યાસી પ્રો. એસ. આર. ભટ્ટ વ્યાખ્યાનો આપતા. જયશંકર ‘સુંદરી’ પણ આ અરસામાં અમદાવાદ આવેલા. તેમણે પણ આ પ્રવૃત્તિમાં હોંશથી ભાગ લીધો. આ પ્રવૃત્તિના પ્રાણ સમા રસિકલાલ છો. પરીખનું માર્ગદર્શન તથા પ્રોત્સાહન ઘણું જ ઉપયોગી અને આગામી પ્રવૃત્તિના પાયામાં રહ્યું. નાટ્યવિદ્યામંદિરની પ્રવૃત્તિ વરસેક  ચાલી. પછી નાટકના પ્રયોગો કરી નાટ્યવિદ્યા પ્રસ્તુત કરવાની સહુની ઇચ્છા થઈ.

આ શુભ આશયને પાર પાડવા ગુજરાત વિદ્યાસભાએ જયશંકર ‘સુંદરી’ના સહયોગથી 1952માં નાટકો ભજવવાનો આરંભ કર્યો. પ્રથમ નાટક ‘રાઈનો પર્વત’ રમણભાઈ નીલકંઠનું હાથ ઉપર લીધું. તેને તખતાલાયક બનાવવા યશવંત શુક્લે કુશળતાપૂર્વક ટૂંકું કરી આપ્યું. આ નાટક ઘણું સફળ રહ્યું. નાટકના લેખક રમણભાઈ નીલકંઠનાં સુપુત્રી વિનોદિનીબહેને તેમાં જાલકાનું પાત્ર પણ યાદગાર રીતે ભજવ્યું. આ નાટક મારફત ઘણાં યુવાન-યુવતીઓને પ્રેરણા મળી તથા આત્મવિશ્વાસ વધ્યો.

‘રાઈના પર્વત’ની સફળતાથી પ્રોત્સાહિત થઈ એવું વિચારવામાં આવ્યું કે નટોનું એક કાયમી જૂથ રચવું અને તેમનો તથા અન્ય વ્યક્તિઓનો સાથ લઈ નિયમિત નાટકો ભજવવાં. આમ ‘નટમંડળ’ નામ ધારણ કરી દરરોજ કાર્ય કરતી સંસ્થાની સ્થાપના થઈ. આ સંસ્થાને ટેકો આપવા ગુજરાત વિદ્યાસભા પાયામાં હતી જ અને તેના દ્વારા ભારતીબહેન સારાભાઈએ આર્થિક સહાય કરી. ‘નટમંડળ’ને નાટકો ભજવવા તથા તેના રિયાજ વગેરેની સગવડ માટે ભારતીબહેને તેમનો મિરઝાપુરનો એક બંગલો પણ વાપરવા આપ્યો.

નટમંડળ ગુજરાતી નાટકો ઉપરાંત બંગાળી તથા અંગ્રેજી નાટકોના અનુવાદો પણ ભજવતું. શરદચંદ્રનું બંગાળી નાટક ‘વિજયા’ ઘણું સફળ રહ્યું; તેમાં દીનાબહેને યાદગાર અભિનય કરી બતાવ્યો. જૂની ધંધાદારી રંગભૂમિનું નાટક ‘જુગલ જુગારી’ પણ નવા સ્વાંગમાં સફળતાપૂર્વક ભજવ્યું. થોડા સમયમાં નટમંડળમાં સારા પ્રમાણમાં કુશળ નટોનું જૂથ તૈયાર થઈ ગયું. આ જૂથમાં જૂની ધંધાદારી રંગભૂમિના વિખ્યાત નટ પ્રાણસુખ નાયક જોડાયા અને નટમંડળે ‘મિથ્યાભિમાન’ નાટક ભજવવાનું હાથ ઉપર લીધું. આ નાટકમાં જીવરામ ભટ્ટની મુખ્ય ભૂમિકામાં પ્રાણસુખભાઈએ કદી ન ભુલાય તેવો અભિનય કર્યો. આ બધાં નાટકોના ઘણા પ્રયોગો થયા.

અંગ્રેજી નાટકોનાં ભાષાંતર-રૂપાંતરમાં જે. બી. પ્રિસ્ટલીના લખેલા ‘ઍન ઇન્સ્પેક્ટર કૉલ્સ’નું ‘કલ્યાણી’ નામથી કરાયેલું રૂપાંતર સફળતાથી ભજવાયું. ઇબ્સનના ‘લેડી ફ્રૉમ ધ સી’નું ભાષાંતર યશવંત શુક્લે કર્યું અને તે ‘સાગરઘેલી’ના નામથી ભજવાયું. યુરોપની રંગભૂમિ ઉપર પણ ભજવવું ઘણું અઘરું ગણાતું આ નાટક પણ નટમંડળ દ્વારા સફળતાથી ભજવાયું, આ રીતે નાટકો ભજવવાની તાલીમથી નટમંડળ ઘણું મજબૂત બન્યું અને તેના પરિણામસ્વરૂપ ગુજરાતી લોકકથા ઉપર આધારિત અને રસિકલાલ છો. પરીખરચિત ‘મેનાં ગુર્જરી’ નાટક તૈયાર કરવામાં આવ્યું. આ નાટક ઘણું જ સફળ રહ્યું. અમદાવાદની આજુબાજુનાં ગામડાંમાંથી આ નાટક જોવા લોકો ગાડાંમાં બેસીને આવતા અને નાટક જોયા પછી બાકીની રાત ગાડાંમાં સૂઈ જઈ પૂરી કરતા. આ નાટકના સેંકડો પ્રયોગ થયા. મુખ્ય અભિનેત્રી દીનાબહેનનું નાટ્યકૌશલ્ય ખૂબ વખણાયું. અનસૂયાબહેન સુતરિયા, કળાબહેન શાહ, પ્રભાબહેન પાઠક, ગુલબહેન, કૈલાસ પંડ્યા, ભાનુભાઈ ત્રિવેદી, નરોત્તમ શાહ, નરેન્દ્રભાઈ જેવા અનેક કલાકારો નટમંડળની નીપજ ગણી શકાય. 1971 પછી નટમંડળની પ્રવૃત્તિ બંધ પડી.

ધનંજય ઠાકર