નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં આવે છે. નક્ષલના સંઘર્ષ પહેલાં આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં પણ ગિરિજનો દ્વારા આ જ પ્રકારનો સંઘર્ષ કરવામાં આવેલ. આજે નક્સલવાદ આંધ્રપ્રદેશ, બિહાર, ઓરિસા અને મધ્યપ્રદેશના અમુક જિલ્લાઓમાં વારંવાર રાજકીય હિંસા આચરી સરકારી તંત્રને હંફાવવા જેટલો પ્રભાવ ધરાવે છે.

નક્સલવાદી પરિબળો ભારતીય સામ્યવાદી પક્ષ (C. P. I.) અને ભારતીય સામ્યવાદી માર્કસવાદી પક્ષ(C. P. M.)થી અલગ થઈ ભારતીય સામ્યવાદી પક્ષ(માર્કસવાદી-લેનિનવાદી) [C. P. I. (ML)]ના નેજા હેઠળ એકત્ર થયાં. અમુક અંશે આનાં મૂળ આંતરરાષ્ટ્રીય સામ્યવાદી ચળવળમાં ચીન અને સોવિયેત સંઘનાં પ્રભાવક્ષેત્રો વચ્ચે સર્જાયેલા ભંગાણમાં હતાં. નક્સલવાદીઓ સોવિયેત સંઘ દ્વારા ત્રીજા વિશ્વની સરકારો અને શાસક વર્ગને અપાતી સહાયનો વિરોધ કરતા હતા.

નક્સલવાદીઓની દૃષ્ટિએ સંસદીય લોકશાહી અને બંધારણીય માર્ગો દ્વારા કદાપિ સામ્યવાદી ક્રાંતિ અને શોષણવિહોણા સમાજની રચના થઈ શકે નહિ. તેમના મત મુજબ સંસદીય લોકશાહી પ્રણાલી ભારતની દારુણ ગરીબી અને સામાજિક તથા આર્થિક વિષમતાને દૂર કરવામાં નિષ્ફળ ગઈ છે. મુખ્ય પ્રવાહના બે સામ્યવાદી પક્ષો પણ ચૂંટણીના રાજકારણની મર્યાદાઓને કારણે માર્કસ અને લેનિને ચીંધેલાં મૂળ સામ્યવાદી દૃષ્ટિકોણ અને પદ્ધતિઓથી દૂર ફંટાઈ શોષક અને જમીનદાર વર્ગો તરફ કૂણું વલણ દાખવતા થયા છે એવો નક્સલવાદીઓનો આક્ષેપ છે. નક્સલવાદ ઉગ્ર અને હિંસક આંદોલનો દ્વારા શોષક વ્યક્તિઓ અને વર્ગનો શારીરિક રીતે જ વિનાશ કરવામાં  માને છે. આ માટે ગેરીલા પદ્ધતિની લડતોને તે ગ્રામ-વિસ્તારમાં ઉત્તેજન આપે છે. શહેરી કામદારોને બદલે ગ્રામીણ વિસ્તારના નીચલા સ્તરના ખેડૂતોને નક્સલવાદીઓ ક્રાંતિની આધારશિલા ગણે છે. ભારતની જ્ઞાતિપ્રભાવિત અને સામંતશાહી સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન માટે આ સિવાયના અન્ય કોઈ ઉકેલમાં નક્સલવાદ માનતો નથી.

1960 અને 1970ના દાયકાની શરૂઆતની સફળતા બાદ નક્સલવાદી આંદોલનને સર્વાંગી પીછેહઠ કરવી પડી છે. હવે આ ચળવળ 40 જેટલાં જૂથોમાં વિભાજિત થઈ ગઈ છે. આંધ્રપ્રદેશ પીપલ્સ વૉર ગ્રૂપ (PWG) અને બિહારમાં રણબીર સેનાના નેજા હેઠળ ક્યારેક છૂટક હિંસાની ઘટનાઓ આ જૂથો સર્જી શકે છે. કેટલાંક નક્સલવાદી જૂથો તો હવે પંચાયત સ્તરની સ્થાનિક ચૂંટણીઓમાં ભાગ લેતાં પણ થયાં છે.

25 મે, 2013ના રોજ છત્તીસગઢમાં કૉંગ્રેસના 33 નેતાઓ નક્સલ વિસ્તારમાં ઝુંબેશ ચલાવવા માટે પ્રવાસે હતા ત્યારે તેમાંની 28 વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. આમાંના મોટાભાગના નેતાઓ શરણે જવા તૈયાર હોવા છતાં આ કૃત્ય આચરવામાં આવેલું. તેમાં છત્તીસગઢ પ્રદેશ કૉંગ્રેસના નેતા, તેમના પુત્ર તથા કેન્દ્રના પૂર્વ માહિતીપ્રધાન વિદ્યાચરણ શુક્લનો સમાવેશ થતો હતો. આ સૌ કૉંગ્રેસ પક્ષની પરિવર્તનયાત્રામાંથી પાછા ફરી રહ્યા હતા ત્યારે દર્ભ ખીણ વિસ્તારમાં આ ઘટના બની હતી. આ સંદર્ભમાં છત્તીસગઢ નક્સલવાદી હિંસાથી ઘેરાયેલું રાજ્ય છે. તેના ઘણા પ્રદેશો 2014 સુધી નક્સલવાદના પ્રભાવ હેઠળ છે. 2014માં કેન્દ્રીય અનામત પોલીસદળના 8 પોલીસકર્મીઓ પણ તેમાં માર્યા ગયા હતા. ‘રેડ કોરીડોર’(Red Corridor)નો વિસ્તાર જેમાં ઝારખંડ, ઓડિશા, મહારાષ્ટ્ર અને બિહાર રાજ્યના કેટલાક વિસ્તારો સમાયેલા છે ત્યાં આ આત્યંતિક પ્રવૃત્તિ ફૂલીફાલી છે.

2011 પછી નક્સલવાદ ધીમો પડ્યો પરંતુ નક્સલવાદી પ્રવૃત્તિઓ અટકી નથી. 2013માં છત્તીસગઢ રાજ્યના બસ્તર વિસ્તારના સકુમા ગામમાં અને એ જ રીતે 2014માં આ જ સ્થળે 14 સેંટ્રલ રિઝર્વ પોલીસદળના જવાનોની હત્યા કરવામાં આવી. 2015માં 7 સ્પેશિયલ ટાસ્ક ફૉર્સના અને 5 છત્તીસગઢનાં સશસ્ત્ર દળોના જવાનોની સુકમા ખાતેના કંકરલંકા ખાતે બે બે અલગ બનાવોમાં હત્યા થઈ હતી.

બીજી તરફ 2016માં આંધ્ર-ઓડિશા રાજ્યોની સીમા-રેખાઓ પર લગભગ 24 જેટલા નક્સલવાદીઓની પણ હત્યા થઈ હતી. 2017માં છત્તીસગઢના સકુમા ખાતે 24 સેન્ટ્રલ રિઝર્વ પોલીસદળના જવાનોની હત્યાથી હાહાકાર ફેલાઈ ગયો હતો. છત્તીસગઢ રાજ્યના બસ્તરનો દક્ષિણ ભાગ નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર જણાય છે.

છેલ્લા બે દાયકામાં એટલે કે 2007થી 2017 સુધીમાં નક્સલી હિંસાએ 12,000 લોકોનો ભોગ લીધો છે. તેમાં 2,700 જેટલા સુરક્ષાદળના જવાનો અને 9,300 જેટલા નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે. જોકે છેલ્લાં 25 વર્ષમાં નક્સલો દ્વારા થતી હિંસામાં 25 ટકાનો ઘટાડો નોંધાયો છે એમ ગૃહમંત્રાલયે તૈયાર કરેલ અહેવાલ જણાવે છે. એપ્રિલ, 2010 પછી નક્સલવાદી દળોમાં ઘટાડો નોંધાયો હતો, જે ઘટાડો 65 ટકાએ પહોંચ્યો હતો. બીજી બાજુ નક્સલો દ્વારા શરણાગતિ સ્વીકારી લેવાની ઘટનાઓ પણ વધી હતી અને તેમાં 185 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

નક્સલવાદ પ્રેરિત વિસ્તારોમાં ભારતની કેન્દ્ર સરકારે અમલમાં મૂકેલી ‘નૅશનલ પૉલિસી ઍન્ડ ઍકશન પ્લાન અનુસાર છેલ્લાં ત્રણ વર્ષમાં આ વિસ્તારોમાં 307 પોલીસમથકો બંધાયાં છે. 5,412 કિમી. રોડનું બાંધકામ કરવામાં આવ્યું છે. 2,187 મોબાઇલ ટાવર ઊભાં કરાયાં છે અને 2,882 મોબાઇલ ટાવરનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. વધુમાં નવી બૅંક શાખાઓ, એ.ટી.એમ. કેન્દ્રો અને 1,789 પોસ્ટઑફિસો શરૂ કરવામાં આવનાર છે. નક્સલવાદ અને માઓવાદથી ઘેરાયેલા 35 જિલ્લાઓમાં માળખાગત સુવિધા વિસ્તારાઈ રહી છે જેથી રોજગારીની તક વધે, ગરીબીનું પ્રમાણ ઘટે અને પ્રજા વિકાસનાં ફળ ચાખી શકે. આ પાછળનો મુખ્ય હેતુ પ્રજા નક્સલવાદી હિંસામાંથી પાછી ફરે તે છે.

આ નક્સલવાદીઓ વનપેદાશો પરના તેમના પરંપરાગત અધિકારોની માંગ કરે છે તેમજ તેમને સીમિત આદિવાસી સ્વાતંત્ર્ય જોઈએ છે. વનવિસ્તારોના જમીન ટોચમર્યાદાના કાયદામાં પણ તેઓ કેટલાક સુધારા ચાહે છે. આ બાબતે સરકારે સક્રિયતાથી વિચારી સમજદારીપૂર્વક કામ કરવાની આવશ્યકતા રહે છે. તે વિના આ સમસ્યા ઊકલે તેમ નથી.

રક્ષા મ. વ્યાસ

અમિત ધોળકિયા