નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે.

પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું હતું અને તેનો ફેલાવો 1,500 નકલોનો હતો. હાલ તેનો ફેલાવો આશરે 1 લાખ 18 હજાર નકલોનો છે. હિંદી વર્તમાનપત્રોમાં સર્વોત્કૃષ્ટ છપાઈ અને સજાવટ માટે ‘નઈ દુનિયા’ને 1974–75, 1975–76 તથા 1979નાં વર્ષોના પ્રથમ પુરસ્કારો મળેલા છે. આ વર્તમાનપત્ર ઘણી બાબતોમાં અગ્રણી રહ્યું છે; જેમ કે, 4 ડિસેમ્બર, 1948ના રોજ પ્રેસ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા(પી.ટી.આઇ.)નું પ્રથમ ટેલિપ્રિંટર ‘નઈ દુનિયા’માં સ્થાપિત થયું. 1967માં વેબ ઑફસેટ રોટરી યંત્ર દેશમાં સૌપ્રથમ ઇન્દોરમાં ‘નઈ દુનિયા’માં આવ્યું. 1978માં ફોટોટાઇપસેટિંગ ટૅકનિકનો સર્વપ્રથમ ઉપયોગ ‘નઈ દુનિયા’માં થયો. સૌથી મહત્ત્વની બાબત એ છે કે ભારતીય ભાષાઓનાં વર્તમાનપત્રોમાં ઇન્ટરનેટ સાથે પ્રથમ જોડાવાનું શ્રેય ‘નઈ દુનિયા’ને ફાળે જાય છે. આ વૃત્તપત્ર જાન્યુઆરી 1997માં ઇન્ટરનેટ સાથે જોડાયું.

વિશેષાંકો ‘નઈ દુનિયા’ની વિશેષતા છે. એ દર વર્ષે એક ફિલ્મ-વિશેષાંક પ્રકાશિત કરે છે. ‘નઈ દુનિયા’ના આ ફિલ્મ-વિશેષાંકો એટલા દળદાર અને માહિતીપ્રદ હોય છે કે તેનું દસ્તાવેજી મૂલ્ય અનેકગણું વધી જાય છે. મધ્યભારતનું નિર્માણ થયું ત્યારે ‘મધ્યભારત વિશેષાંક’ તથા 26મી જાન્યુઆરી, 1950ના રોજ ‘ગણતંત્ર દિવસ વિશેષાંક’ પણ પ્રકાશિત થયા હતા. ‘નઈ દુનિયા’નું પ્રકાશન શરૂ થયું તે જ વર્ષે દેશ બ્રિટિશ શાસનની ધૂંસરીમાંથી મુક્ત થયો હતો તે કારણે અખબારનો પ્રારંભકાળ અત્યંત કસોટીપૂર્ણ હતો. રાજ્યોનું વિલીનીકરણ, નવા પ્રાંતોનો ઉદ્ભવ તથા પ્રાદેશિક વિકાસ પ્રત્યે લોકજાગૃતિને કેવી રીતે વિકસાવવી તે પ્રશ્ન તેની સામે હતો. તે જવાબદારી આ અખબારે અત્યંત નિષ્ઠાપૂર્વક નિભાવી અને પત્રકારત્વની વિશ્વસનીયતા વધારી.

‘નઈ દુનિયા’ના સંપાદકોમાં રાજેન્દ્ર માથુર તથા રાહુલ બારપુતેનાં નામો ઉલ્લેખનીય છે. વર્તમાન સંપાદક અભય છજલાનીને 1984માં શ્રી ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કાર તથા 1986માં શ્રીકાંત વર્મા પુરસ્કાર મળેલા છે. ‘નઈ દુનિયા’એ પોતાની પ્રતિષ્ઠાનો સદુપયોગ હંમેશાં સામાજિક અને સર્જનાત્મક કાર્યો માટે કર્યો છે. 1993માં મહારાષ્ટ્રના લાતુર ધરતીકંપના અસરગ્રસ્તો માટે ‘નઈ દુનિયા ભૂકંપ રાહતકોશ’માં રૂ. 28 લાખ એકત્રિત કરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવ્યા હતા. તે જ પ્રમાણે 1996માં ‘આંધ્રપ્રદેશ વાવાઝોડા અસરગ્રસ્ત સહાયતા કોશ’માં રૂ. 5 લાખ એકઠા કરી મુખ્યમંત્રી રાહતકોશમાં આપવામાં આવ્યા હતા. રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ‘નઈ દુનિયા’એ દેશના ત્રીજા નંબરના સૌથી મોટા ઇનડોર સ્ટેડિયમ, ઇન્દોર ખાતેના ‘અભય પ્રશાલ’ના નિર્માણમાં પણ મોટું યોગદાન આપ્યું છે.

‘નઈ દુનિયા’નાં સહપ્રકાશનોમાં મધ્યપ્રદેશના પ્રથમ હિંદી આર્થિક દૈનિક ‘ભાવતાવ’ તથા મધ્યપ્રદેશના પ્રથમ રમતગમતના હિંદી પાક્ષિક ‘ખેલ હલચલ’નો સમાવેશ થાય છે.

અલકેશ પટેલ