ધ્રુવીય ઉપગ્રહ પ્રમોચક વાહન

March, 2016

ધ્રુવીય ઉપગ્રહ પ્રમોચક વાહન (Polar Satellite Launch Vehicle–PSLV) : ભારતના ઉપગ્રહ પ્રમોચક વાહનની ત્રીજી પેઢીનું વાહન. પહેલી અને બીજી પેઢીમાં અનુક્રમે ઉપગ્રહ પ્રમોચક વાહન (SLV-3) અને સંવર્ધિત (augmented) અંતરીક્ષયાન પ્રમોચક વાહન(ASLV)નો સમાવેશ થાય છે. ધ્રુવીય ઉપગ્રહ પ્રમોચક વાહનની મદદથી, તેના નામને અનુરૂપ 1,000 કિગ્રા. વજનના ઉપગ્રહને 900 કિમી.ની ઊંચાઈએ ધ્રુવીય ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરી શકાય છે. ભારતના દૂર-સંવેદન ઉપગ્રહને પ્રક્ષેપિત કરવા માટે, આ પ્રમોચક વાહનનો વિકાસ કરવામાં આવ્યો છે. તેનાં વજન અને કદ અંગેની વિગત નીચે પ્રમાણે છે :  પ્રક્ષેપણ પહેલાં (બળતણ સાથે) કુલ વજન : 283 ટન, ઊંચાઈ : 44 મીટર, વ્યાસ : 2.8 મીટર. વાહનના કુલ ચાર તબક્કા છે. પહેલો અને ત્રીજો તબક્કો ઘન બળતણ વડે કામ કરે છે, જ્યારે બીજો અને ચોથો તબક્કો પ્રવાહી બળતણ વડે કામ કરે છે. પહેલા તબક્કાના રૉકેટ દ્વારા મહત્તમ ધક્કો મેળવવા માટે તેની બંને બાજુએ ત્રણ ત્રણ બૂસ્ટર રૉકેટ જોડવામાં આવેલાં છે.

ધ્રુવીય ઉપગ્રહ ઉપકરણ

ચોથા તબક્કાના રૉકેટની અંદર મૂકેલા પેલોડ(ઉપગ્રહ)ને રક્ષણ આપવા માટે બહારની બાજુ પર ઉષ્મા-કવચ (heat-shield) રાખવામાં આવ્યું છે. પ્રમોચન દરમિયાન તેના જુદા જુદા તબક્કા તથા ઉષ્મા-કવચ નિર્ધારિત ઊંચાઈએ સ્વયંસંચાલિત રીતે છૂટાં પડી જાય તેવી રચના કરવામાં આવેલી હોય છે. આ ઉપરાંત પ્રમોચન દરમિયાન વાહનનું માર્ગદર્શન, દિશાનિયંત્રણ તથા સ્થિરીકરણ, કમ્પ્યૂટર-આધારિત તંત્ર-રચના દ્વારા થાય છે. તેની કામગીરીથી ઉડ્ડયન-પથ તથા ઉપગ્રહની શરૂઆતની ભ્રમણકક્ષા અંગેની માહિતી, રેડિયો-સંકેત દ્વારા, ભૂમિ પર મળે છે.

આ વાહનનું પહેલું વિકાસલક્ષી પ્રમોચન શ્રી હરિકોટા પ્રમોચન-મથક પરથી 30 સપ્ટેમ્બર, 1993ના રોજ કરવામાં આવ્યું હતું, જે નિષ્ફળ નીવડ્યું હતું. ત્યારપછીનું બીજું પ્રમોચન 15 ઑક્ટોબર, 1994ના રોજ  સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું અને તે દ્વારા 804 કિગ્રા. વજનના આઇ.આર.એસ.પી. 2 ઉપગ્રહને 820 કિમી.ની ઊંચાઈએ ધ્રુવીય સૂર્ય સમક્રમિક (Polar Sun-synchronous) ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો.

પરંતપ પાઠક