ધ્યાનચંદ (જ. 29 ઑગસ્ટ 1905, અલ્લાહાબાદ; અ. 3 ડિસેમ્બર 1979, દિલ્હી) : ભારતીય હૉકીના વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ મેળવનાર સર્વોત્કૃષ્ટ ખેલાડી અને સુકાની. પંદર વર્ષની ઉમરથી તેમણે હૉકી રમવાની શરૂઆત કરી હતી જેમાં પ્રાપ્ત કરેલ નિપુણતાને કારણે 1922માં ભારતીય લશ્કરમાં સિપાહી તરીકે ભરતી થયા અને છેક મેજરના પદ સુધી પહોંચ્યા હતા. હૉકીના સફળ ખેલાડીમાં આવશ્યક એવા તમામ ગુણો ધરાવતા ધ્યાનચંદ બુદ્ધિમત્તા, આંખોની ચપળતા, કાંડાની તાકાત અને હરણ જેવી ઝડપી ગતિથી વિશ્વશ્રેષ્ઠ ખેલાડી બન્યા હતા. 1928માં ભારતની હૉકી ટીમમાં ઑલિમ્પિક સ્પર્ધા માટે તેઓ પસંદગી પામ્યા અને તે વર્ષે 29મી મેએ ઍમસ્ટર્ડામમાં યોજાયેલી ઑલિમ્પિક હૉકી સ્પર્ધામાં ધ્યાનચંદની કાબેલિયતને કારણે ભારત વિશ્વવિજેતા બન્યું હતું. 1932ની ઑલિમ્પિકની અંતિમ સ્પર્ધામાં અમેરિકા સામે ભારતે 24 ગોલ કરીને વિશ્વવિક્રમ કર્યો હતો. તેમાં આઠ ગોલ ધ્યાનચંદના અને દસ ગોલ એમના ભાઈ રૂપસિંહના હતા. 1935માં ભારતીય ટીમ ન્યૂઝીલૅન્ડના પ્રવાસે ગઈ ત્યારે ભારતીય ટીમે કુલ 584 ગોલ કર્યા અને હરીફ ટીમોએ માત્ર 40 ગોલ કર્યા હતા. આમાં ભારત તરફથી 200 ગોલ સેન્ટર-ફૉર્વર્ડ ખેલાડી તરીકે ધ્યાનચંદે કરેલા. આ પ્રવાસ દરમિયાનની બધી જ 48 મૅચોમાં ભારતીય ટીમે વિજય મેળવ્યો હતો. 1936ની બર્લિન ઑલિમ્પિકમાં હૉકી માટેના સમર્પિત ધ્યાનચંદે પગાર ગુમાવીને પણ ભાગ લીધો. આ સમયે ભારતના એમ.એન. મસૂર અને લિયોનલ ઈમેટ જેવા ખેલાડીઓ ફૉર્મ ગુમાવી બેઠા હતા. આ કપરી પરિસ્થિતિમાં અંતિમ સ્પર્ધામાં ભારતીય ટીમે 8 વિરુદ્ધ 1 ગોલથી જર્મનીને પરાજય આપ્યો, જેમાં ધ્યાનચંદે 6 ગોલ કર્યા હતા. ઑલિમ્પિકમાં ભાગ લેનારા લશ્કરી માણસોની હિટલરે યોજેલી પાર્ટીમાં પણ ધ્યાનચંદ સામેલ થયા હતા. 1947માં પૂર્વ આફ્રિકાના પ્રવાસમાં ધ્યાનચંદે 61 ગોલ નોંધાવ્યા હતા. સ્ટિક પરનો કાબૂ, મિડફીલ્ડની શાનદાર રમત અને ત્રણ ત્રણ પ્રતિસ્પર્ધીઓના ઘેરાને ભેદીને દડાને કોઈ જુદી જ દિશામાં મોકલી આપવાની શક્તિ ધ્યાનચંદ પાસે હતી. 1928, 1932 અને 1936ની ઑલિમ્પિકમાં ધ્યાનચંદે કુલ 33 ગોલ નોંધાવીને ભારતીય વિક્રમ રચ્યો હતો.

ધ્યાનચંદ

ધ્યાનચંદ

1995ની 29મી ઑગસ્ટે એમની નેવુંમી જન્મતિથિએ નવી દિલ્હીના નૅશનલ સ્ટેડિયમ પર બિપિન બિહારીદાસે બનાવેલી એમની કાંસ્ય મૂર્તિ મૂકવામાં આવી છે. એમના પાસિંગ અને સ્ટિકવર્કને કારણે ધ્યાનચંદ ‘હૉકીના જાદુગર’ તરીકે ઓળખાયા. 1936 પછી તેઓ ગ્વાલિયર રિયાસતના લશ્કરમાં જોડાયા હતા અને ત્યાંથી નિવૃત્ત થયા પછી ભારતની હૉકી ટીમને પ્રશિક્ષણ આપવાની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. 1956માં ‘પદ્મભૂષણ’નો ઇલકાબ મેળવનાર ધ્યાનચંદે ‘ધ ગોલ’ નામે એમની આત્મકથા લખી છે. ધ્યાનચંદના પુત્ર અશોકકુમાર પણ ભારતીય હૉકી ટીમના કલાત્મક હૉકી ખેલનાર ખેલાડી બન્યા હતા. સૌજન્યશીલ અને નિષ્ઠાવાન ધ્યાનચંદ નખશિખ સજ્જન ખેલાડી હતા.

તેમની સ્મૃતિમાં ભારતમાં દર વર્ષે ‘ધ્યાનચંદ ટ્રૉફી સ્પર્ધા’ યોજાય છે જેમાં દેશવિદેશની ખ્યાતનામ હૉકી ટીમો ભાગ લે છે.

કુમારપાળ દેસાઈ

નાનુભાઈ સુરતી