ધીરો (જ. અઢારમી સદીનો ઉત્તરાર્ધ; અ. 1825) : મધ્યકાલીન ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિ. બારોટ જ્ઞાતિમાં એમનો જન્મ અને વતન વડોદરા જિલ્લાનું ગોઠડા ગામ.

કાફી-ગાયકની મુદ્રામાં કવિ ધીરો (પારંપરિક રેખાચિત્ર)

જ્ઞાનમાર્ગી પરંપરાના આ કવિ વિશેષ જાણીતા છે ‘તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ’–એવી કાફી રાગમાં ગવાતી અને ‘કાફી’ તરીકે જાણીતી પદરચનાઓથી. એવી જ એમની પ્રસિદ્ધ ‘અંબાડીએ ગજરાજને ગળિયો. ઘોડાને ગળી ગયું જીન’ જેવી ‘અવળવાણી’ પણ પ્રસિદ્ધ છે. એમની રચનાઓમાં મોટેભાગે તત્વવિચાર, અધ્યાત્મ અને ઉપદેશ નિરૂપાયાં છે. ‘પ્રશ્નોત્તરમાલિકા’ એમની 217 કાફીઓમાં રચાયેલી સુદીર્ઘ ઉપદેશાત્મક પણ અદ્વૈતવેદાંત નિરૂપતી રચના છે. ગુરુ, માયા, મન, તૃષ્ણા, યૌવન જેવા વિષયોનું ત્રીસ ત્રીસ કાફીઓમાં વર્ણન કરતી ઉદબોધનાત્મક શૈલીની નોંધપાત્ર રચના ‘સ્વરૂપની કાફીઓ’ ગણી શકાય. આ ઉપરાંત ‘જ્ઞાનબત્રીસી’ વૈરાગ્ય અને ભક્તિનો બોધ આપે છે અને કવિની વેધક ચિકિત્સક ર્દષ્ટિનો પરિચય કરાવે છે.

એમનો ‘જ્ઞાનકક્કો’ બોધપ્રધાન છે. ‘સુરતીબાઈનો વિવાહ’માં મનની લગનીનું આત્મા સાથેનું લગ્ન વર્ણવાયું છે. સંપ્રદાય પર એમણે પ્રહારો કરેલા છે. ગુરુધર્મ અને શિષ્યધર્મ – બંનેમાં એ વિષયોને અનુક્રમે જ્ઞાનોપદેશ અને શિખામણ માટે પ્રયોજ્યા છે. ‘યોગમાર્ગ’માં એમણે યોગ વિશે ઘણી મહત્વની માહિતી આપી છે. ગરબીઓ, ધોળ, વાર, બારમાસ જેવા કાવ્યપ્રકારો પણ એમણે ખેડ્યા છે. એમણે કૃષ્ણલીલાનાં અને રણછોડજી આદિની ભક્તિનાં પદો પણ લખ્યાં છે. આ કવિની વાણી ઓજસ્વતી છે – એમનાં જ્ઞાન-અધ્યાત્મ-ઉપદેશનાં પદોમાં; તો કૃષ્ણવિષયક રચનાઓનાં પદોમાં એ વાણી લલિત પણ બની શકી છે. ‘દ્રૌપદી વસ્ત્રાહરણ’ જેવી કથાત્મક –આખ્યાનાત્મક રચનાઓ પણ એમણે આપી છે. કવિ ચિરંજીવ છે એમની કાફીઓથી.

ચિમનલાલ ત્રિવેદી