ધીખતી ધરા નીતિ

March, 2016

ધીખતી ધરા નીતિ : યુદ્ધ દરમિયાન લશ્કર દ્વારા અપનાવવામાં આવતી વ્યૂહરચના. આ નીતિ વડે ધસી આવતા શત્રુના સૈન્ય સામે પીછેહઠ કરતાં પહેલાં શત્રુને આગળ વધવા માટે ઉપયોગી નીવડે તેવી સાધનસામગ્રીનો નાશ કરવામાં આવે છે અને તે દ્વારા શત્રુની આગેકૂચમાં અવરોધો ઊભા કરવા માટે ભૂમિભાગ પણ વેરાન કરવામાં આવે છે. સામાન્ય રીતે ઊભા પાક, અનાજના ભંડાર, મકાનો, પુલો, યુદ્ધની સામગ્રીનું ઉત્પાદન કરતાં કારખાનાંઓ, વિદ્યુતમથકો, વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારનાં સાધનો વગેરેનો વિધ્વંસ કરવામાં આવે છે. આ પ્રકારના વિધ્વંસ માટે સામાન્ય રીતે વિસ્ફોટકો તથા દાહકોનો ઉપયોગ કરવામાં આવે છે. જે પ્રદેશમાંથી શત્રુના સૈનિકો આગેકૂચ કરવાના હોય તે વિસ્તારમાં સુરંગો  બિછાવવામાં આવે છે. ધીખતી ધરાની નીતિ વ્યૂહાત્મક પીછેહઠ કરતા લશ્કર દ્વારા અમલમાં મુકાય છે અને તે ટૂંકા ગાળાનો હેતુ સિદ્ધ કરવા માટે ઉપયોગી નીવડી શકે છે. અલબત્ત, જ્યારે યુદ્ધનું પલ્લું પલટાય છે ત્યારે આવી નીતિ અખત્યાર કરનાર સૈન્ય માટે પણ તે આત્મઘાતક સાબિત થઈ શકે છે.

1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય લશ્કરે સતલજ નદીમાંની કસુર નહેર સુરંગ દ્વારા ઉડાડી દીધેલી જેને લીધે પાકિસ્તાનના લશ્કરની અમૃતસર તરફની આગેકૂચ થંભી ગયેલી. આ જ રણનીતિને લીધે પાકિસ્તાનની લગભગ 100 જેટલી અમેરિકન બનાવટની પૅટન ટૅન્કનો નાશ થયો હતો. તેથી જ આ નહેરનો વિસ્તાર ત્યાર પછી પૅટન ટૅન્કની કબર (grave yard of Patton tanks) નામથી ઓળખાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે