દ્વિપક્ષી વ્યાપારી કરાર

March, 2016

દ્વિપક્ષી વ્યાપારી કરાર : બે દેશો વચ્ચે વ્યાપાર અંગે કરવામાં આવતા વિશિષ્ટ કરારો. આર્થિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના વિકાસની સાથોસાથ કેટલીક બાબતોને કરારો દ્વારા નિયંત્રિત કરવાનો પ્રશ્ન બે વિશ્વયુદ્ધો વચ્ચેના ગાળામાં વધુ ધ્યાન ખેંચે તેવો બન્યો હતો. આવા કરારોનો મુખ્ય ઉદ્દેશ બે દેશો વચ્ચેના વ્યાપારમાં એકબીજાને વિશિષ્ટ સવલતો આપવાનો હોય છે. આવી સવલતો કાં તો ઉદાર ધોરણે નક્કી કરવામાં આવતાં આયાત-પરિમાણો(import quotas) રૂપે હોય છે અથવા આયાત-જકાતમાં અપાતી છૂટ રૂપે હોય છે.

બે દેશો એકબીજા સાથેના આવા દ્વિમુખી વ્યાપારી કરારમાં એક દેશ બીજા દેશને કઈ સવલતો કેટલા પ્રમાણમાં આપશે એ અંગે ચોક્કસ ધારાધોરણોને આધારે કેટલીક શરતો નક્કી કરે છે. તેમાંની સમાન વર્તાવ કલમ (reciprocal clause) અગત્યની ગણાય છે.

છેક સત્તરમી સદીથી દ્વિમુખી વ્યાપારી કરારોમાં સમાન વર્તાવ કલમને સ્થાન આપવામાં આવતું રહ્યું છે અને અઢારમી સદીના મધ્યભાગ સુધીમાં તો ભાગ્યે જ કોઈ એવો વ્યાપારી કરાર થયો હશે જેમાં વ્યક્ત કે અવ્યક્ત રૂપે આ  કલમનો નિર્દેશ કરવામાં આવ્યો ન હોય. આ કલમ પરસ્પરના વ્યાપારના વિસ્તરણ માટે અનિવાર્ય છે. વિકસિત દેશો જ્યારે અલ્પવિકસિત દેશો સાથે કરાર કરે છે ત્યારે તેવા કરારોમાં અલ્પવિકસિત દેશોની  સ્વરૂપગત આર્થિક મર્યાદાઓને કારણે તેમના કરતાં વિકસિત દેશોને વધુ સવલતો મળતી હોય તેવું ભૂતકાળમાં બન્યું છે. આ પ્રકારના અન્યાયને દૂર કરવા અને આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન આપવા માટે દ્વિમુખી વ્યાપારી કરારમાં દાખલ કરવામાં આવતી સમાન વર્તાવ કલમ ખૂબ ઉપયોગી બને છે.

સમાન વર્તાવ કલમ બિનશરતી તેમજ શરતી એમ બે પ્રકારની હોય છે. જો अ દેશ क દેશમાંથી થતી આયાતને અમુક લાભ આપે તો તે લાભ ब દેશને તાત્કાલિક અને આપોઆપ પ્રાપ્ત થાય અને તે માટે ब દેશે अ દેશને કોઈ વિશિષ્ટ લાભ આપવાનો રહે નહિ. અહીં બિનશરતી સમાન વર્તાવ કલમ અમલમાં આવે છે. યુરોપના મોટાભાગના દેશોએ 1850 સુધી અને ત્યારપછી પણ આ કલમનો અમલ કર્યો છે. વર્સેઇલ્સના કરાર મુજબ જર્મનીએ પણ મિત્ર રાષ્ટ્રોને પાંચ વર્ષ માટે સમાન વર્તાવ કલમ લાગુ કરવાની સંમતિ આપી હતી.

अ દેશે ब દેશને આપેલો લાભ જો ब દેશ अ દેશને આપવા સંમત થાય તો જ ઉપર્યુક્ત લાભ મળે તેમ હોય તો અહીં શરતી સમાન વર્તાવ કલમ અમલમાં છે તેમ કહી શકાય. અમેરિકાએ 1922 સુધી આ શરતી સમાન વર્તાવ કલમનો અમલ કર્યો હતો.

દ્વિમુખી વ્યાપારી કરારની સમાન વર્તાવ કલમનો સાર્વત્રિક અમલ થાય તો બધા દેશોમાંથી થતી આયાતોને એકસરખું જકાતનું ધોરણ લાગુ થાય. આ સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન આપવાના આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના ઉદ્દેશ સાથે દ્વિમુખી વ્યાપારી કરારો સુસંગત છે તેમ કહી શકાય. આવા કરારો આંતરરાષ્ટ્રીય સ્તરે બહુપક્ષીય મુક્ત વ્યાપારની પ્રક્રિયામાં અવરોધો ઊભા કરે છે અને તેટલે અંશે તે આંતરરાષ્ટ્રીય વ્યાપારના વિસ્તરણ અને વિકાસને અટકાવે છે. આ પરિસ્થિતિ ટાળવા માટે 1947માં ‘ગૅટ’ (General Agreement on Tariff & Trade — GATT) કરાર કરવામાં આવ્યો, જેનો મુખ્ય ઉદ્દેશ મુક્ત આંતરરાષ્ટ્રીય વ્યાપારની પ્રક્રિયા દરમિયાન ઉદભવતા અવરોધો દૂર કરવાનો છે. એ નીતિ ગૅટના અનુગામી તરીકે અસ્તિત્વમાં આવેલા વિશ્વવેપાર સંગઠન (WTO) નીચે ચાલુ રાખવામાં આવી છે.

અરૂક્ષા મ. શાહ