દ્વિપદી નામકરણપદ્ધતિ

March, 2016

દ્વિપદી નામકરણપદ્ધતિ : સજીવ સૃષ્ટિમાં રહેલા વિવિધ પ્રકારના સજીવોની ઓળખ માટે બે પદ ધરાવતા નામવાળી વૈજ્ઞાનિક પદ્ધતિ. આ પદ્ધતિમાં પ્રથમ શબ્દ સજીવની પ્રજાતિ (genus) અને બીજો શબ્દ જાતિ (species) દર્શાવે છે. આમ પ્રજાતિ અને જાતિના બે શબ્દોના જોડાણથી બનતા વૈજ્ઞાનિક નામને દ્વિપદી કે દ્વિનામી (binomial) નામ કહે છે અને આ પદ્ધતિને દ્વિપદી નામકરણપદ્ધતિ કહે છે.

સજીવોનાં સ્થાનિક તેમજ જુદી જુદી ભાષાઓમાં જુદાં જુદાં નામ હોય છે; દા. ત., ઘરચકલી માટે સ્પૅરો (અંગ્રેજી), મોઈનુ ડોમેસ્ટિક (ફ્રેંચ), ગોરીઓન (સ્પૅનિશ), પાર્ડલ (પોર્ટુગીઝ), હોસ્પલિઁગ (જર્મન), સ્યુઝુમ (જાપાની). તેનું દ્વિપદી નામ Passer domesticus છે. એવાં પણ ઉદાહરણો છે કે વનસ્પતિનું સામાન્ય નામ એક હોય છતાં તેમની જાતિઓ જુદી જુદી હોઈ શકે; દા. ત., પાઇન નામ પાઇનસ, ઑરોકેરિયા, એગેથિસ, કેલીટ્રીસ કે કેશ્યૂરિનાની જાતિ માટે વપરાય છે. તેથી ઓળખમાં ગૂંચવાડો ઊભો ન થાય તે માટે કોઈ પણ સજીવને સર્વમાન્ય દ્વિપદી નામથી ઓળખવામાં આવે છે.

કેરોલસ લિનિયસે (1751) ‘ફિલૉસૉફીઆ બૉટૅનિકા’ નામના પુસ્તકમાં વાનસ્પતિક નામકરણની આંતરરાષ્ટ્રીય પદ્ધતિનો પાયો દર્શાવ્યો છે. આ પુસ્તકમાં તેમણે નામકરણના કેટલાક સિદ્ધાંતો આપ્યા છે. તેમણે પ્રસિદ્ધ કરેલી ‘સ્પીસીઝ પ્લેન્ટેરમ’(1753)ની પ્રથમ આવૃત્તિમાં દ્વિપદી નામકરણપદ્ધતિને વ્યવસ્થિત સ્વરૂપ આપી તેનો ઉપયોગ કર્યો. આ પ્રયોગ યુરોપ અને અમેરિકામાં સ્વીકારાયો અને લિનિયસને ‘દ્વિપદી’ નામકરણપદ્ધતિના પિતા તરીકે નવાજવામાં આવ્યા.

વાનસ્પતિક નામકરણમાં બીજું  મહત્વનું પ્રદાન ઑગસ્ટીન ડી કેન્ડોલે(1813)નું છે. તેમણે ‘થિયરી એલિમેન્ટેઈર દ લા બૉટૅનિક’ માં નામકરણના નિયમો વિસ્તૃતપણે આપ્યા. 1867માં પૅરિસમાં યોજાયેલ પ્રથમ આંતરરાષ્ટ્રીય બૉટૅનિકલ કૉંગ્રેસમાં નામકરણની ચોક્કસ અને સરળ પદ્ધતિ પ્રથમ વાર નક્કી કરવામાં આવી; જેથી બધા દેશોના વનસ્પતિશાસ્રીઓ તેનો ઉપયોગ કરી શકે. આ કૉંગ્રેસમાં આલ્ફોન્સ ડી કૅન્ડોલેએ (ઑગસ્ટીન ડી કૅન્ડોલેના પુત્ર) વાનસ્પતિક નામકરણના નિયમો રજૂ કર્યા. કેટલાંક રૂપાંતરો સાથે સ્વીકારાયેલા આ નિયમોને ડી કૅન્ડોલેના નિયમો અથવા 1867નો પૅરિસ કોડ કહે છે. ત્યારબાદ 1930માં કેમ્બ્રિજમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય બૉટૅનિકલ કૉંગ્રેસે નામકરણ માટે મહત્વનું પ્રદાન આપ્યું. 1975માં લેનિનગ્રેડમાં યોજાયેલ બારમી આંતરરાષ્ટ્રીય બૉટૅનિકલ કૉંગ્રેસ દ્વારા સ્વીકારાયેલા નિયમો 1978માં ‘વાનસ્પતિક નામકરણની આંતરરાષ્ટ્રીય સંહિતા’ (International code of botanical nomenclature) તરીકે ઓળખાવાયા. તે જ પ્રમાણે પ્રાણીઓના નામકરણ માટે ‘પ્રાણી-નામકરણની આંતરરાષ્ટ્રીય સંહિતા’ (International code of zoological momenclature) અમલમાં આવેલ છે.

આ પદ્ધતિમાં પ્રજાતિના નામનો પ્રથમ અક્ષર મોટો (capital) લખવામાં આવે છે અને જાતિનું નામ નાના અક્ષરોમાં દર્શાવાય છે. દા.ત., આંબાનું દ્વિપદી નામ Mangifera indica છે; જેમાં Mangifera પ્રજાતિનું નામ અને indica જાતિનું નામ દર્શાવે છે. જો ઉપજાતિ હોય તો તેનો ઉલ્લેખ જાતિના નામ પછી કરવામાં આવે છે. જાતીય કે ઉપજાતીય નામ પછી નામકરણ કરનાર વૈજ્ઞાનિકનું નામ લખવામાં આવે છે; જેમ કે, Mangitera indica Linn. કોઈ પણ સજીવનું નામકરણ પ્રકાશનની અગ્રતા પ્રમાણે સ્વીકૃત ગણાય છે. પ્રજાતીય નામ અન્ય કોઈ પ્રાણી કે વનસ્પતિની પ્રજાતિ માટે પુન: ઉપયોગમાં લેવામાં આવતું નથી. સજીવના નામકરણ અને વર્ણનમાં સામાન્ય રીતે લૅટિન ભાષાનો ઉપયોગ થાય છે. નોમિના જનરિકા કન્ઝર્વેંડા અને નોમિના સ્પેસિફિકા કન્ઝર્વેંડામાં પ્રસિદ્ધ થયેલાં પ્રજાતિ અને જાતિનાં સ્થાયી નામોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી. કેટલીક વાર કોઈ એક વનસ્પતિનાં બે કે તેથી વધારે વૈજ્ઞાનિક નામ અપાયાં હોય છે. તે સહનામ (synonym) નીચે પ્રમાણે લખાય છે : Legenariasiceraria (MoI) Standl. syn. L. leucantha Rusby;  L. vulgaris ser (દૂધી) સજીવનું નામકરણ કરનારા વિજ્ઞાનીઓ પૈકી પહેલું નામકરણ કરનાર વિજ્ઞાનીનું નામ કૌંસમાં મૂકી, તે પછી નામકરણ કરનાર વિજ્ઞાનીનું નામ કૌંસ પછી લખવામાં આવે છે; દા. ત., દૂધી.

દ્વિપદી નામકરણમાં પ્રજાતિ અને જાતિનાં નામોની પસંદગી વિવિધ રીતે થયેલી છે :

(1) મહાન વનસ્પતિશાસ્ત્રીની સ્મૃતિમાં કેટલાંક કુળ, પ્રજાતિ અને જાતિનાં નામો રાખવામાં આવે છે; દા.ત., ડી કૅન્ડોલેના નામ ઉપરથી પ્રજાતિનું નામ કૅન્ડેલીઆ, થનબર્ગ ઉપરથી થનબર્જીઆ, સીઝાલ્પીનો પરથી કુળનું અને પ્રજાતિનું નામ સીઝાલ્પીનીએસી અને સીઝાલ્પીનીઆ, ડૉડોન પરથી ડૉડોનીઆ, બેન્થામ પરથી જાતિનું નામ બેંથામિના, હૂકરના નામ પરથી જાતિ – હૂકરીઆના.

(2) પૌરાણિક માન્યાતાવાળાં નામો પણ પ્રજાતિ કે જાતિ તરીકે પસંદ કરાય છે; દા. ત., ફાઈકસ ક્રિશ્ર્ના (પીપળાના પાન પર સૂતેલા બાલકૃષ્ણ), પીપળો; ટર્મિનાલીઆ અર્જુના (મહાભારતનું પાત્ર અર્જુન), અર્જુનસાદડ; ઓસીમમ સૅન્ક્ટમ (સૅન્ક્ટમ – પવિત્ર), તુલસી.

(3) વનસ્પતિ જે દેશમાંથી શોધાઈ હોય તેનું અથવા તેના ઉત્પત્તિસ્થાન દેશ, શહેર કે પ્રદેશનું નામ પ્રજાતિ કે જાતિ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે; દા. ત., મેંજીફેરા ઇન્ડિકા (ભારતનું મૂલનિવાસી), આંબો; કૉફીઆ અરેબિકા (અરબની મૂલનિવાસી), કૉફી; સોલેનમ સુરતેન્સીસ (સૂરત શહેર), ભોંયરીંગણી; ફાઇલેંથસ મદ્રાસપટના (મદ્રાસ શહેર), ભોંયઆમલી; ફાઇકસ બગાલેન્સીસ (બંગાળ રાજ્ય), વડ.

(4) વનસ્પતિનું અગત્યનું લક્ષણ પણ જાતિના નામ તરીકે પસંદ  કરાય છે; દા. ત., ક્લાઇટોરીઆ બાઇફ્લોરા (બાઇફ્લોરા–બે પુષ્પ), ગોકર્ણ; મેગ્નોલીઆ ગ્રાન્ડીફ્લોરા (ગ્રાન્ડીફલોરા-મોટું પુષ્પ), ચંપો; પૉલિઆલ્થીઆ લોંજીફોલીઆ (લોંજીફોલીઆ – લાંબાં પર્ણો), આસોપાલવ; વાઇટિસ ક્વૉડ્રેન્ગ્યુલેરિસ (ક્વૉડ્રેન્ગ્યુલેરિસ – ચાર ખૂણાવાળું પ્રકાંડ), હાડસાંકળ; કૅપ્પેરિસ એફાઇલા (ઍફાઇલા–પર્ણરહિત), કૅરડો.

વનસ્પતિના પુષ્પનો રંગ પણ જાતિના નામકરણ માટે વપરાય છે; દા. ત., લૉસોનીઆ આલ્બા (આલ્બા – સફેદ પુષ્પ), મેંદી; કોમ્બ્રિટમ કૉક્સિનિયમ (કૉક્સિનિયમ – લાલ પુષ્પ), મધવેલ; બોહીનીઆ પરપરીઆ (પરપરીઆ –જાંબલી પુષ્પ), આસેતરો.

(5) વનસ્પતિના સ્વરૂપ અથવા વસવાટનાં લક્ષણોનો પણ જાતિના નામકરણમાં ઉપયોગ થાય છે; દા.ત., સિક્વોયા જાયજેન્શિયા (જાયજેન્શિયા – મહાકાય); રીન્કોશિયા મીનીમા (મીનીમા – અલ્પકદ), નાની કમળવેલ; બોરહેવિયા ડિફ્યુસા (ડિફ્યુસા – જમીન પર પથરાવું), પુનર્નવા; આઇપોમિયા ઍક્વેટિકા (ઍક્વેટિકા – પાણી), નારાવેલ; એરેચિસ હાઈપોજિયા (હાઈપોજિયા – અધોભૂમિક), મગફળી; ટ્રિબ્યુલસ ટેરેસ્ટ્રીસ (ટેરસ્ટ્રીસ, જમીન), ગોખરુ.

(6) વનસ્પતિની જાતિનું નામ બીજી વનસ્પતિની પ્રજાતિ કે જાતિનાં લક્ષણને અનુલક્ષીને રાખવામાં આવે છે;
દા. ત., કેસિયા માઇમોસૉઇડિસ (માઇમોસા પ્રજાતિ જેવાં પર્ણ); નિકોશિયાના પ્લંબેજીનીફોલિયા (પ્લંબેગો જેવાં પર્ણ), તમાકુની જાત; સીમ્બોપોગોન સિટ્રેટસ (લીંબુના જેવી વાસ ધરાવતાં પર્ણ), લીલી ચા.

આમ દ્વિપદી નામકરણમાં પ્રયોજાતા પ્રજાતિ અને જાતિના શબ્દો  સરળ અને અર્થપૂર્ણ હોય છે.

દ્વિપદી નામકરણ માટેની અત્યંત આધુનિક સંહિતાઓ અને તેની સાથે સંગત સંશોધનો નીચે મુજબ છે :

લંડનમાં 1958માં મળેલી પ્રાણીવિજ્ઞાનની પંદરમી આંતરરાષ્ટ્રીય કૉંગ્રેસે પ્રાણી-નામકરણની આંતરરાષ્ટ્રીય સંહિતા આપી. પ્રાણીવિજ્ઞાનની સોળમી આંતરરાષ્ટ્રીય કૉંગ્રેસે, 1963માં પ્રાણી-નામકરણની આંતરરાષ્ટ્રીય સંહિતામાં સુધારા કર્યા. સૂક્ષ્મજીવવિજ્ઞાનની અમેરિકન સોસાયટીએ (1975) બૅક્ટેરિયાના નામકરણની આંતરરાષ્ટ્રીય સંહિતા તૈયાર કરી. વાઇરસ વર્ગીકરણ વિજ્ઞાનની આંતરરાષ્ટ્રીય સમિતિના ત્રીજા અહેવાલમાં (1979) વાઇરસનું વર્ગીકરણ અને નામકરણ આપવામાં આવેલ છે.

જૈમિન વિ. જોશી