દ્રવ્ય ગુણ રસ વીર્ય વિપાક પ્રભાવાદિ; દ્રવ્ય

March, 2016

દ્રવ્ય ગુણ રસ વીર્ય વિપાક પ્રભાવાદિ; દ્રવ્ય : આયુર્વેદમાં મુખ્યત્વે નવ કારણ દ્રવ્યો વર્ણવ્યાં છે : આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, દિશા, કાળ, આત્મા અને મન. તે પૈકી પાંચ મહાભૂતો જડ અને ચેતન બધાં દ્રવ્યોમાં હોવાથી આયુર્વેદમાં સર્વ દ્રવ્યો પંચભૌતિક ગણવામાં આવેલ છે. મહાભૂતોની અધિકતા દ્રવ્યોમાં રહેલ ગુણકર્મોને આધારે દર્શાવવામાં આવી છે અને જે દ્રવ્યમાં પૃથ્વી મહાભૂત અધિક હોય તેને પાર્થિવ કહેવામાં આવ્યું છે.

મહાભૂત : પૃથ્વીમહાભૂતપ્રધાન દ્રવ્યમાં ગુરુ, ખર, કઠિન, મંદ, સ્થિર, વિશદ, સાંદ્ર, સ્થૂલ અને ગંધ ગુણની પ્રધાનતા હોય છે અને તે પુષ્ટિ, કઠિનતા, ભારેપણું અને સ્થિરતા કરનારા છે. આ દ્રવ્યો પાર્થિવ કહેવાય છે. જલમહાભૂતપ્રધાન દ્રવ્ય જલીય અથવા આપ્ય કહેવાય છે. તેમાં દ્રવ, સ્નિગ્ધ, શીત, મંદ, મૃદુ, પિચ્છિલ તથા રસ ગુણની પ્રધાનતા હોય છે. તે ભીનાશ, સ્નિગ્ધતા, બંધન, વિષ્યન્દીપણું, કોમળતા અને પ્રસન્નતા કરનાર છે. અગ્નિમહાભૂતની પ્રધાનતાવાળાં દ્રવ્ય આગ્નેય કહેવાય છે. તેમાં ઉષ્ણ, તીક્ષ્ણ, સૂક્ષ્મ, લઘુ, રુક્ષ, વિશદ અને રૂપ એ ગુણની પ્રધાનતા હોય છે. તે દાહ, પાક, પ્રભા, પ્રકાશ અને વર્ણ કરનાર છે. વાયુમહાભૂતની પ્રધાનતાવાળાં દ્રવ્યો વાયવીય અથવા વાયવ્ય કહેવાય છે. તેમાં લઘુ, શીત, રુક્ષ, ખર, વિશદ, સૂક્ષ્મ અને સ્પર્શ એ ગુણની પ્રધાનતા હોય છે.  રુક્ષતા, ગ્લાનિ, ગતિ, વિશદતા તથા હલકાપણું (લાઘવ) કરનાર છે આકાશમહાભૂતની અધિકતાવાળાં દ્રવ્યો નાભસ અથવા આકાશાત્મક કહેવાય છે. તેમાં લઘુ, મૃદુ, સૂક્ષ્મ, શ્લક્ષ્ણ અને શબ્દ ગુણની પ્રધાનતા હોય છે. તે મૃદુતા, સૌષિર્ય એટલે છિદ્રયુક્તતા અને લઘુતા કરનાર છે.

ગુણ : દરેક દ્રવ્યમાં રસ, ગુણ, વીર્ય, વિપાક અને શક્તિ (પ્રભાવ) – આ  પાંચ પદાર્થ (જાણવાની બાબત) હોય જ છે. તે પોતપોતાની રીતે કાર્ય કરે છે. દ્રવ્યમાં કાર્ય કરવાની શક્તિ ગુણને આધારે છે તેથી ગુરુ વગેરે 20 ગુણોનો પરિચય આપવામાં આવ્યો છે. ગુરુ લઘુ, સ્નિગ્ધ રુક્ષ,  શ્લક્ષ્ણ, ખર, સ્થિર સર, પિચ્છિલ વિશદ, શીત ઉષ્ણ, મૃદુ કઠિન, સ્થૂલ સૂક્ષ્મ, દ્રવ સાંદ્ર, તીક્ષ્ણ અને મદ આ 10 યુગ્મો (20 ગુણો) આયુર્વેદમાં સામાન્ય કાર્મુક ગુણ તરીકે વર્ણવ્યા છે : (1) ગુરુ (ભારેપણું) પદાર્થ વાયુને હરનારા, પુષ્ટિ આપનારા, કફ કરનારા અને ચિર-પાકી (લાંબા સમયે પચનારા) છે; (2) લઘુ (હલકા) પદાર્થ અત્યંત પથ્ય, કફને હણનારા અને તરત પાકનારા છે; (3) સ્નિગ્ધ (ચીકણા) પદાર્થો વાયુને હરનારા, કફને કરનારા,  વીર્યને વધારનારા અને બળને આપનારા છે; (4) રુક્ષ (લૂખા) પદાર્થો વાયુને બહુ જ કરનારા અને કફને હરનાર છે; (5) શ્લક્ષ્ણ (લીસો) ગુણ સ્નેહ (ચીકાશ) વગરનો હોવા છતાં કઠણ અને ચીકણો હોય છે; (6) ખર (કર્કશ ખરબચડો) ગુણ કઠણતા તથા ખરબચડા ગુણને વધારે છે; (7) સ્થિર ગુણ વાયુને તથા મળને રોકનાર  છે; (8) સર ગુણ વાયુને તથા મળને પ્રવર્તાવે છે; (9) પિચ્છિલ ગુણ તાંતણાવાળો છે. બળ આપનાર છે. ભાંગેલાને સાંધનાર છે. કફ કરનાર અને ભારે છે; (10) વિશદ ગુણ ભીનાશને મટાડનાર છે અને વ્રણને રૂઝવનારો છે; (11) શીત ગુણ આહલાદ આપનારો છે. લોહીની ઘણી પ્રવૃત્તિ વગેરે(સ્રાવ)ને અટકાવનાર છે અને મૂર્ચ્છા, તરસ, બળતરા અને પસીનાને મટાડનાર છે; (12) ઉષ્ણ ગુણ શીત ગુણથી વિપરીત એટલે કે આહલાદ આપનાર નથી, લોહીની ઘણી પ્રવૃત્તિ વગેરેને રોકનાર નથી, વ્રણ વગેરેને પકવનાર છે. મૂર્ચ્છા, તરસ, બળતરા તથા પસીનાને ઉત્પન્ન કરનાર છે; (13) મૃદુ (પોચું) ગુણ કોમળતા વધારનાર છે; (14) કઠિન ગુણ કઠણપણાને વધારે છે; (15) સ્થૂલ  દેહમાં જાડાપણું કરનાર તથા સ્રોતસ્(નાડી વગેરેમાં વહનમાર્ગો)નો રોકનાર છે; (16) સૂક્ષ્મ ગુણ ઝીણાં છિદ્રોમાં પ્રવેશ કરનાર છે; (17) દ્રવ ગુણ (પ્રવાહી) ભીંજવનાર તથા ફેલાઈ જનાર છે; (18) સાંદ્ર ગુણ દ્રવ ગુણથી વિપરીત છે. સંકોચક છે; (19) તીક્ષ્ણ ગુણ ઝડપથી અસર કરનાર છે; (20) મંદ ગુણ શિથિલ અને અલ્પ ક્રિયાશીલ  લાંબા સમયે અસર પહોંચાડે છે.

રસ : દ્રવ્યની કાર્યશક્તિ રસ પર આધાર રાખે છે તેથી આયુર્વેદમાં મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કષાય – આ છ રસ અનુક્રમે ગળ્યો, ખાટો, ખારો, તીખો, કડવો, તૂરો નામથી જાણીતા છે. તેમની ઉત્પત્તિ વિશે આયુર્વેદમાં સિદ્ધાંત છે કે સોમગુણની અધિકતાથી મધુર રસ, પૃથ્વી અને  પ્રધાનતાથી અમ્લ રસ, જળ અને અગ્નિની પ્રધાનતાથી લવણ રસ, વાયુ અને અગ્નિની પ્રધાનતાથી કટુ રસ, વાયુ અને આકાશની પ્રધાનતાથી  તિક્ત રસ અને વાયુ અને પૃથ્વીની અધિકતાથી કષાય રસ બને છે.

સ્નિગ્ધતા, તૃપ્તિ, આનંદ અને મૃદુતાથી મધુર રસ જાણી શકાય છે. મુખમાં રહેલો મધુર રસ મુખને વ્યાપ્ત કરીને જાણે કે  દેતો હોય તેમ જણાય છે. ખાતાંવેંત જ જેમાં દંતહર્ષ (દાંત અંબાઈ જવા), મુખનો સ્રાવ થવો, પરસેવો આવવો, સ્વાદ જાગ્રત થવો અને મુખ તથા કંઠમાં બળતરા થાય તે અમ્લ રસ જાણવો. મોઢામાં જલદી ઓગળી જઈને ક્લેદ, વિષ્યંદ અને મૃદુતા કરે તથા મુખમાં વિદાહ કરે તેને લવણરસ જાણવો. સ્પર્શથી જે જીભને  (ચમચમાટી) કરાવે, સોયો ભોંકાયા જેવી પીડા કરે, મુખ, નાક અને આંખમાં વિદાહ કરીને સ્રાવ ઉત્પન્ન કરે તેને કટુ રસ સમજવો. જીભને સ્પર્શ થતાં જે જીભને જડ કરી દે અને જે અપ્રિય લાગે, મુખમાં વિશદતા લાવે તેને તિક્ત રસ સમજવો. જે રસ વિશદતા, સ્તંભ અને જડતાથી જીભને નિષ્ક્રિય કરે અને  જાણે કે કંઠને રૂંધી નાખતો હોય એવો તથા વિકાસી (ઓજનો નાશ કરનાર)  છે તેને કષાય રસ જાણવો.

મધુર રસ શરીરને જન્મથી અનુકૂળ હોવાથી રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, ઓજસ અને વીર્યને વધારનાર છે; આયુષ્યવર્ધક છે; છ ઇન્દ્રિયો એટેલે કે પાંચ જ્ઞાનેન્દ્રિય અને મનને પ્રસન્ન રાખનાર, બલ અને વર્ણ  પિત્ત, ઝેર અને પવનનો નાશ કરનાર, તૃષા અને દાહ શાંત કરનાર, ત્વચા, કેશ, કંઠ અને બળને હિતકર, પ્રસન્ન રાખનાર, જીવનશક્તિદાતા, તર્પણ, બૃંહણ, સ્થિરતા કરનાર, ઉર:ક્ષતને સંધાન કરનાર, નાક, કંઠ, મુખ, હોઠ અને જીભને ખુશ કરનાર, દાહ અને મૂર્ચ્છા શાંત કરનાર, ભમરા અને કીડીઓને અતિપ્રિય તથા સ્નિગ્ધ, શીત અને ભારે  છે. અમ્લ રસ અન્નમાં રુચિ કરાવે છે, અગ્નિને પ્રદીપ્ત કરે છે, દેહને પુષ્ટ કરે છે તથા સચેત બનાવે છે, મનને જાગ્રત કરે છે, ઇન્દ્રિયોને મજબૂત કરે છે, બલ વધારે છે, વાયુનું અનુલોમન કરે છે, હૃદયનું તર્પણ કરે છે, મુખને સ્રાવયુક્ત કરે છે, ખાધેલા પદાર્થને ક્લેદયુક્ત કરે છે અને પચાવે છે. લઘુ તથા ઉષ્ણ છે. લવણરસ પાચન, ક્લેદન, અગ્નિદીપક, છેદન, ભેદન, ચ્યાવન (ખસેડનાર), તીક્ષ્ણ, વિષ્યંદી, વાતહર, જડતા અને સંઘાતનો નાશ કરનાર, સર્વ રસોનો દુશ્મન (ઢાંકી દેનારો), મુખને સ્રાવયુકત કરનાર, કફનો સ્રાવ કરનાર, માર્ગોનું શોધન કરનાર, આહારમાં રુચિ કરનાર, આહારમાં વપરાતો તથા શરીરના સર્વ અવયવોમાં કોમળતા લાવનારો છે. કટુ (તીખો) રસ  મુખ શુદ્ધ કરે છે, અગ્નિને પ્રદીપ્ત કરે છે, નાકમાં સ્રાવ કરે છે, આંખોમાં પાણી લાવે છે, ઇન્દ્રિયોને ઉત્તેજિત કરે છે, ભોજનમાં રુચિ વધારે છે. લઘુ, ઉષ્ણ અને રુક્ષ છે. કફનું શમન કરે છે. તિક્ત (કડવો) રસ પોતે અણગમતો હોવા છતાં અરુચિનો નાશ કરે છે. વિષહર, કૃમિનાશક, મૂર્ચ્છા, દાહ, ખંજવાળ, કુષ્ઠ  તૃષા શાંત કરનાર છે; જ્વરહર, દીપન,  પાચન, ધાવણ શુદ્ધ કરનાર, લેખન (પાતળું કરનાર), ક્લેદ, મેદ, વસા, મજ્જા, લસીકા, પરું, સ્વેદ, મળ, મૂત્ર, પિત્ત અને કફનું શોષણ કરનાર તથા રુક્ષ, શીત અને લઘુ છે. કષાય (તૂરો) રસ સંશમન કરનાર, સંગ્રાહી, સંધાન કરનાર, પીડન રૂઝવનાર, શોષક, સ્તંભક, કફ, રક્ત અને પિત્તને  કરનાર, શરીરના ક્લેદને ચૂસી લેનાર, રુક્ષ, શીત અને લઘુ છે.

આ છ રસ જુદા જુદા કે એકત્ર કરી માપસર બરાબર ઉપયોગમાં લેવાથી પ્રાણી માત્રનો ઉપકાર કરવા સમર્થ બને છે. સર્વ રસોનો નિયમિત ઉપયોગ આરોગ્યપ્રદ છે. એથી વિપરીતપણે એક કે વધુ રસ અતિ માત્રામાં ઉપયોગમાં લેવાથી અપકાર (નુકસાન) કરનારા બને  માટે ડાહ્યા માણસે તેમનો સમજપૂર્વક પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ.

વીર્ય : સઘળું જગત અગ્નિષોમીય છે. અગ્નિને કારણે કેટલાંક દ્રવ્યમાં ગરમી અને સોમના કારણે દ્રવ્યોમાં ઠંડી વધારે હોવાથી વિદ્વાનો એ પદાર્થોમાં રહેલ કાર્યશક્તિ(વીર્ય)ને બે પ્રકારની દર્શાવી છે : ઉષ્ણવીર્ય વાયુ અને કફને હણે છે અને પિત્તને અતિશય વધારે છે. શીતવીર્ય  હણે છે પણ વાયુ અને કફના રોગો કરે છે. કેટલાક આચાર્યો વીર્યને મૃદુ, તીક્ષ્ણ, ગુરુ, લઘુ, સ્નિગ્ધ, રુક્ષ, ઉષ્ણ અને શીત એમ આઠ પ્રકારનું માને છે; પરંતુ ખરેખર દ્રવ્યોનું વર્ગીકરણ શીત અને ઉષ્ણ – એમ બે પ્રકારમાં કરવામાં આવે છે. દ્રવ્યની સર્વ ક્રિયા વીર્ય દ્વારા થાય છે. વીર્ય-રહિત દ્રવ્ય  કરી શકતું નથી. દ્રવ્યમાં રહેલા રસનું જ્ઞાન જીભની સાથે દ્રવ્યનો સંયોગ થવાથી થાય છે. વિપાકનું જ્ઞાન શરીરમાં અંતિમ પરિણામથી  થતા  કર્મ વડે થાય છે અને શરીરમાં જ્યાં સુધી દ્રવ્ય રહે ત્યાં સુધી તેની  ક્રિયાથી શરીરની સાથેના સંબંધથી વીર્ય જાણી શકાય છે.

વિપાક : જઠરાગ્નિ સાથે સંયોગ થવાથી દ્રવ્યના રસોનું પરિણામ થયા પછી જે બીજો રસ ઉત્પન્ન થાય છે તે વિપાક કહેવાય છે. વિપાક એટલે વિશેષ પાક. જે છેલ્લામાં છેલ્લું પરિણામ અથવા આખરી સ્વરૂપ અથવા નિષ્ઠાપાક કહેવાય છે.

મધુર અને લવણ રસનો વિપાક ઘણું કરીને મધુર થાય છે. અમ્લ (ખાટા) રસનો વિપાક અમ્લ થાય છે અને તીખા, કડવા અને તૂરા  રસનો વિપાક તીખો (કટુ) થાય છે. મધુર વિપાક કફને ઉત્પન્ન કરે છે અને વાયુ તથા પિત્તને હરે છે. ખાટો વિપાક પિત્તને ઉત્પન્ન કરે છે. વાયુ તથા કફ સંબંધી રોગોને મટાડે છે. તીખો વિપાક વાયુને ઉત્પન્ન કરે છે, અને કફ તથા પિત્તનો નાશ કરે છે, રસની ક્રિયા કરતાં વિપાક બળવાન  કરે છે.

પ્રભાવ : દ્રવ્યમાં રસ, વીર્ય અને વિપાકની સમાનતા દેખાય પણ કર્મમાં ભિન્નતા હોય તો તે તેનો પ્રભાવ જાણવો; દા. ત., દંતી અને ચિત્રક રસ, વીર્ય અને વિપાકમાં સમાન હોવા છતાં દંતી-વિરેચન કરાવે છે તે તેનો પ્રભાવ છે.

દ્રવ્યની ક્રિયા : કેટલાંક દ્રવ્ય રસથી કાર્ય કરે છે, કેટલાંક વીર્યથી,  કેટલાંક ગુણથી તો કોઈક વિપાકથી અને કોઈક પ્રભાવથી કાર્ય કરે છે. રસના બળને વિપાક હણે છે; રસ તથા વિપાક બંનેને વીર્ય હણે છે  અને રસ, વિપાક તથા વીર્ય આ ત્રણેને પ્રભાવ હણે છે. આ પ્રમાણેની ક્રિયા દ્રવ્યમાં કુદરતી રહેલી હોય છે.

ભાનુપ્રસાદ મનસુખરામ નિર્મળ