દો બીઘા જમીન : હિંદી ચલચિત્ર. બીજા વિશ્વયુદ્ધ પછી ઇટાલીના ચલચિત્રસર્જક દ સીકાનાં સર્જનોમાં નિરૂપિત નવયથાર્થવાદથી પ્રભાવિત થઈને ભારતમાં જે ચલચિત્રો બન્યાં તેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર બિમલ રૉય દિગ્દર્શિત ‘દો બીઘા જમીન’ મહત્વપૂર્ણ સર્જન છે. નિર્માણ વર્ષ : 1953, શ્વેત અને શ્યામ, ભાષા : હિંદી, નિર્માણસંસ્થા : બિમલ રૉય પ્રોડક્શન, નિર્માતા-દિગ્દર્શક : બિમલ રૉય, પટકથા : હૃષીકેશ મુખરજી, સંવાદ : પોલ મહેન્દ્ર, ગીતકાર : શૈલેન્દ્ર, છબિકલા : કમલ બોઝ, સંગીત : સલીલ ચૌધરી, મુખ્ય કલાકારો : બલરાજ સહાની, નિરૂપા રૉય, મુરાદ, નાના પળસીકર, રતનકુમાર, જગદીપ, નાસીરહુસેન.

ગ્રામીણ જીવનની સમસ્યાઓનું જીવંત ચિત્રણ રજૂ કરતા અને ગ્રામીણોને ગામ છોડીને શહેરમાં જઈને વસવા વિવશ કરતાં કારણો પર પ્રકાશ પાડતા આ ચલચિત્રમાં એ પણ દર્શાવાયું છે કે માણસ જ માણસનો સૌથી મોટો શત્રુ છે. ચાર ગીતો ધરાવતા આ ચલચિત્રનાં કેટલાંયે ર્દશ્યોનું શૂટિંગ કૉલકાતાની સડકો પર કરાયું છે. મુંબઈના મેટ્રો છબિઘરમાં કોઈ વિદેશી ચલચિત્રની જેમ પ્રદર્શિત થયેલા આ ચલચિત્રને દેશમાં અને વિદેશમાં ખૂબ સારો આવકાર મળ્યો હતો.

બલરાજ સહાની અને નિરૂપા રૉય અભિનીત ‘દો બીઘા જમીન’નું એક પ્રભાવક ર્દશ્ય

પોતાની બે વીઘાં જમીનનો ટુકડો જમીનદારના હાથમાં જતો બચાવી શકાય એ માટે શંભુ અને તેનો દીકરો પોતાના ખેતરમાં ખૂબ પરિશ્રમ કરે છે, પણ તેઓ જમીનદારનું કરજ ચૂકવી શકતા નથી.

જમીનદાર એ જમીનનો ટુકડો શહેરના એક શ્રીમંતને વેચી દેવા ઇચ્છે છે; કારણ કે તેના ખૂબ સારા પૈસા મળે તેમ છે. જમીનદારનું કરજ ચૂકવી શકાય તે માટે શંભુનો પરિવાર કૉલકાતા જાય છે. ત્યાં શંભુ કૉલકાતાની સડકો પર રિક્ષા ખેંચવાની કાળી મજૂરી કરે છે. પાઈ પાઈ કરીને પૈસા ભેગા કરી જ્યારે શંભુ તેના પરિવાર સાથે ગામડે પાછો ફરે છે ત્યારે જુએ છે તો તેની બે વીઘાં જમીન પર એક કારખાનું ખડું થઈ ચૂક્યું છે. બલરાજ સહાની, નિરૂપા રૉય અને નાના પલસીકર જેવાં કલાકારોનો અભિનય આ ચલચિત્રમાં તેની ચરમ સીમાએ જોઈ શકાય છે. કાન ફિલ્મોત્સવમાં પારિતોષિક મેળવનાર આ ચલચિત્રને શ્રેષ્ઠ ચલચિત્ર માટે અને શ્રેષ્ઠ દિગ્દર્શન માટેનાં ફિલ્મફેર પારિતોષિક પણ મળ્યાં હતાં.

હરસુખ થાનકી