દોશી, વાલચંદ હીરાચંદ (જ. 23 નવેમ્બર 1882, સોલાપુર; અ. 8 એપ્રિલ 1953, સિદ્ધપુર) : દેશભક્ત ઉદ્યોગપતિ. રૂનો વેપાર તેમજ ધીરધારનો ધંધો કરનાર જૈન વેપારીને ઘેર વાલચંદ હીરાચંદનો જન્મ થયો હતો. તેમણે ઔરંગાબાદ, સોલાપુર, મુંબઈ તેમજ પુણે ખાતે અભ્યાસ કર્યો હતો. બી.એ.(અર્થશાસ્ત્ર)ની અંતિમ પરીક્ષા આપ્યા વગર, પિતાની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી, કૌટુંબિક ધંધામાં મદદરૂપ થવા, અભ્યાસ પડતો મૂક્યો હતો. પહેલી વારની પત્નીના અવસાન બાદ, 1930માં ફરી વાર લગ્ન કર્યાં હતાં. તે બધી જ્ઞાતિઓની વ્યક્તિઓ સાથે ભળતા. ખાનપાનની બાબતમાં કોઈ પણ પ્રકારનો બાધ રાખતા ન હતા. અસ્પૃશ્યતાના વિરોધી તથા આંતરજ્ઞાતીય લગ્નના એટલા જ વિરોધી હતા.

કૉલકાતા ખાતે 1906માં રાષ્ટ્રીય કૉંગ્રેસના અધિવેશન પ્રસંગે, દાદાભાઈ નવરોજીએ આપેલા સંવેદનશીલ ભાષણે યુવાન વાલચંદ હીરાચંદની રાષ્ટ્રીય લાગણીઓને પડકારી હતી. દાદાભાઈ નવરોજીએ પોતાના ભાષણમાં હાકલ કરતાં જણાવ્યું હતું કે સૂત્રો પોકારવા તથા વિરોધ દર્શાવવા, મોરચાઓ કાઢીને બ્રિટિશ સલ્તનત સામે લડત આપવા ઉપરાંત, ભારતની ગરીબી નાથવા માટે, ભારતમાં જ પોતાના ઉદ્યોગો વિકસાવી, ઉત્પાદન વધારવું જરૂરી છે, જેથી લોકોને બ્રિટિશ વસ્તુઓ ખરીદવાની ફરજ ન પડે અને ભારતના જ ઉદ્યોગોના વિકાસ દ્વારા ભારતની ગરીબીને નાબૂદ કરી શકાય. વાલચંદ હીરાચંદે આ હાકલમાંથી પ્રેરણા મેળવી. પોતાના જીવન દરમિયાન, ભારતમાં જ વિવિધ ઉદ્યોગો સ્થાપી બ્રિટિશ ઉદ્યોગોની હરીફાઈ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો.

વાલચંદ હીરાલાલ દોશી

તે પોતે ઓછું ખર્ચાળ અને સાદું જીવન જીવતા હતા. તેમણે એરોપ્લેન, જહાજો, તેમજ મોટરઉદ્યોગ સ્થાપ્યા છતાં પોતે તો હાથે કાંતેલી અને વણેલી ખાદીનાં જ કપડાં પહેરતા હતા. અંગ્રેજ સરકારની નીતિઓનો તે જબરો પ્રતિકાર કરતા. એક પ્રસંગે તો તેમણે કહ્યું હતું કે અંગ્રેજ સરકાર ભારતને ઇંગ્લૅન્ડનો કૃષિપેદાશોનો મુલક જ માને છે, જેમાં કાચા માલનું ઉત્પાદન કરી, અંગ્રેજોએ બનાવેલ વહાણોમાં, અંગ્રેજી પેઢીઓ મારફત, ઇંગ્લૅન્ડના ઉદ્યોગોને પહોંચાડી, ત્યાં પ્રક્રિયાઓ કરી, ફરીથી ત્યાંથી જ અંગ્રેજ વેપારીઓ મારફત ભારતમાં અંગ્રેજ પેઢીઓને તૈયાર માલ મોકલાવે છે. તેમની ટીકાઓ શુષ્ક લાગણીઓનો પ્રતિસાદ નહોતો. તેઓ મક્કમપણે માનતા કે ભારતમાં પોતાની માલિકીના પાયાના ઉદ્યોગો સ્થાપવા અત્યંત જરૂરી છે. તેમણે વિશાખાપટ્ટનમ ખાતે જહાજ-ઉદ્યોગ, બૅંગાલુરુ ખાતે ઍરોપ્લેન બનાવવાનું કારખાનું તથા મુંબઈમાં કુર્લા ખાતે મોટર-ઉદ્યોગ સ્થાપીને, ભારતના ઉદ્યોગવિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. તેઓ ખાંડ-ઉદ્યોગ તથા બાંધકામ-ઉદ્યોગ સાથે પણ સંકળાયેલા હતા.

તેઓ માનતા કે આર્થિક સ્વતંત્રતા એ રાજકીય કે સામાજિક સ્વતંત્રતાના પાયારૂપ છે. તે આખી જિંદગી આ સિદ્ધાંત ખાતર લડતા રહ્યા. વેપારી તેમજ સાહસિક ઉદ્યોગપતિ તરીકે તેઓ અગ્રેસર હતા અને ભારત કાંઈ પણ હાંસલ કરવાને શક્તિમાન છે તેમ તેઓ ખાતરીપૂર્વક માનતા હતા. આ માટે તેમણે બ્રિટિશરોની  શાસનપ્રણાલીનો વિરોધ કર્યો. તેમના વેપાર-ઉદ્યોગ સામે હરીફાઈમાં ઊતર્યા. ઘરઆંગણે તે સદીઓ જૂના પૂર્વગ્રહો સામે લડ્યા અને દેશને ઔદ્યોગિક ક્ષેત્રે આગવું સ્થાન અપાવવામાં પુરુષાર્થ કર્યો. યુદ્ધના સમયમાં કોઈ પણ મહત્વની ઔદ્યોગિક યોજના અમલમાં મૂકવા માટે, અંગ્રેજ સરકારની પરવાનગી લેવી જરૂરી રહેતી. આ માટે તેમણે હિંમતપૂર્વક અંગ્રેજ સરકારનાં બારણાં ખટખટાવ્યાં.

તેઓ આંતરરાષ્ટ્રીય વેપારની આંટીઘૂંટીઓ સમજતા હતા, જેનો તાર્દશ દાખલો છે તેમણે સ્થાપેલો જહાજ-ઉદ્યોગ. અંગ્રેજ સરકારના વિરોધ છતાં, તેમણે નાના નાના જહાજ-ઉદ્યોગના એકમોના રક્ષણ માટે લડત આપી. તેમની આ લડત વિજયી બનતી જોઈને વિરોધીઓએ તેમને જહાજનૂર માટેની લડતમાં જોડાવા સમજાવ્યા, પરંતુ તેનો તેમણે સાફ ઇન્કાર કર્યો.

તે સતત પરિવર્તનશીલ વ્યાપારી જગતની જરૂરિયાતો સારી રીતે સમજતા, આથી જ્યારે તેમણે જહાજ-ઉદ્યોગ સ્થાપવાનું નક્કી કર્યું ત્યારે મરીન એન્જિનિયરિંગ અને વાયરલેસ કૉમ્યુનિકેશન અને તેવી અન્ય વિદ્યાઓ ભારતવાસીઓએ હસ્તગત કરવી જોઈએ તેવો આગ્રહ પણ રાખ્યો હતો. ભારતમાં તે સમયે એક પણ ‘શિપયાર્ડ’ ન હોવાને કારણે, તેમણે વિશાખાપટ્ટનમ્ ખાતે જહાજ-ઉદ્યોગ સ્થાપ્યો, જે ભારત સ્વતંત્ર થયા પછી, સરકારે પોતાને હસ્તગત કર્યો.

તેઓ પોતે ઘણું કમાયા છતાં, આ કમાણી અન્ય સગાંવહાલાંની મહેનતથી શક્ય બની છે તેમ સમજીને તેમણે ભાઈઓ તથા સગાંસંબંધીઓમાં કમાણીની વહેંચણી કરી. તેમની કમાણીનો સારો હિસ્સો તેમણે તેમના કાકાઓને આપવા માંડ્યો; જે તેઓએ સ્વીકાર્યો નહિ કારણ કે તેઓ માનતા હતા કે આ કમાણી તો વાલચંદે પોતાના સ્વાશ્રયે મેળવેલી છે. જ્યારે વાલચંદે ઘણો આગ્રહ કર્યો ત્યારે તેઓએ તેમાંથી થોડો હિસ્સો રાખીને, બાકીનો હિસ્સો બક્ષિસ તરીકે તેમને પરત કર્યો.

રમૂજી સ્વભાવને લીધે મિત્રમંડળમાં તેમજ સગાં-સંબંધીઓમાં તેમનો સહવાસ આનંદપૂર્ણ અને આવકારદાયક રહેતો. તેમની રચનાત્મક તેમજ સંશોધક કલ્પનાશક્તિ પાછળ તેમના શારીરિક તેમજ માનસિક શ્રમનું પીઠબળ હતું. તેમની દેશભક્તિએ, નવભારતના કર્મચારીઓને રચનાત્મક અને સારાં કામો અપાવીને તથા સૌ માટે ઉદ્યોગો દ્વારા માલસામગ્રી મેળવી આપીને, નૂતન ભારતનો પાયો મજબૂત બનાવ્યો.

ઈન્દુભાઈ દોશી