દૉસ્તોયેવ્સ્કી, ફ્યોદોર

March, 2016

દૉસ્તોયેવ્સ્કી, ફ્યોદોર (જ. 30 ઑક્ટોબર 1821; અ. 28 જાન્યુઆરી 1881) : રશિયન નવલકથાકાર. સાંપ્રત મનોવિજ્ઞાનનાં ઘણાં તારણોની પુરોગામી ભૂમિકા પૂરી પાડનાર, અસ્તિત્વવાદી સમસ્યાઓની આગોતરી સૃષ્ટિ રચી આપનાર અને આધુનિકતાવાદી ઝુંબેશના ઉદગમ-અણસાર દાખવનાર સમર્થ લેખક. મૉસ્કોમાં જાહેર મ્યુનિસિપલ હૉસ્પિટલના એક ડૉક્ટરનાં સાત સંતાનોમાંનું બીજું સંતાન. હૉસ્પિટલના કંપાઉંડમાં જ રહેઠાણ, આથી ગરીબાઈ, માંદગી અને ઓચિંતા મૃત્યુની ઘટના એ એના નાનપણનો રોજિંદો અનુભવ હતો. પિતાની દારૂ પીવાની આદત જોર પકડતાં પરિસ્થિતિ વધુ વણસી. પિતાને નોકરીમાંથી આ કારણે બરતરફ કરાતાં કુટુંબનું જેમ તેમ ભરણપોષણ થતું. એવામાં માતાનું મૃત્યુ થયું. આવા સંજોગોમાં ફ્યોદોરને મોટા ભાઈ મિખાઈલ સાથે સેન્ટ પિટર્સબર્ગની મિલિટરી એન્જિનિયરિંગ સ્કૂલમાં મૂકવામાં આવ્યો. ત્યાં એ ચાર વર્ષ રહ્યો. દરમિયાન પિતાએ થોડી કમાણીમાંથી જે ફાર્મ ખરીદેલું એના વેઠિયાઓએ જ પિતાની હત્યા કરી નાખી. આ બાજુ એન્જિનિયરિંગની તાલીમ એને માટે કંટાળાજનક હતી. મિલિટરીની કવાયતોએ એને માંદો પાડી દીધો. ફ્યોદોર અપસ્મારનો રોગી બન્યો. એના પર વારંવાર અપસ્મારના હુમલા થતા.

ફ્યોદોર દૉસ્તોયેવ્સ્કી

1843માં મિલિટરી સ્કૂલમાંથી ગ્રૅજ્યુએટ થઈ એણે મિલિટરી ડ્રાફ્ટ્સમૅનની નોકરી સ્વીકારી. પણ પછી સાહિત્ય પર જ જીવવાનો નિરધાર કર્યો અને નોકરીમાંથી રાજીનામું આપ્યું. આ ગાળામાં પેત્રોશેવ્સ્કીના છૂપા જૂથનો સભ્ય બન્યો. આ જૂથ આદર્શવાદીઓનું હતું અને સમાજવાદ તેમજ સ્વાતંત્ર્યનાં સ્વપ્નાં જોતું હતું. પણ આ નિર્દોષ પ્રવૃત્તિ 1848ની રશિયન ક્રાન્તિ પછી જોખમકારક હતી. શરૂમાં આ પ્રવૃત્તિને સરકારે નજરઅંદાજ કરી પણ રશિયન ક્રાંતિથી ચેતેલા નિકોલાસ પહેલાએ આ વાત સાંખી નહિ અને પેત્રોશેવ્સ્કીના જૂથની ધરપકડ થઈ, તેમાં દૉસ્તોયેવ્સ્કી પણ હતો. એને પિટર અને પૉલ કિલ્લામાં લઈ જવામાં આવ્યો. મુકદ્દમાની રાહ જોતાં ત્યાં એણે યાતનામાં આઠ મહિના ગાળ્યા. 1849ના ડિસેમ્બરમાં એને મૃત્યુદંડ મળ્યો. 21 ડિસેમ્બર, 1849ના દિવસે બધાને માંચડા પાસે લાવવામાં આવ્યા. બધી તૈયારીઓ થઈ ચૂકી, ઘડીઓ ગણાતી હતી. ત્યાં સફેદ વાવટો લહેરાવતો એક અધિકારી આગળ આવ્યો અને એણે મૃત્યુદંડ અટકાવ્યો. રાજા નિકોલાસ પહેલાએ મૃત્યુદંડની આકરી સજા રદ કરી હતી.

દૉસ્તોયેવ્સ્કીને સાઇબીરિયામાં ચાર વર્ષની સખત મજૂરીની સજા થઈ. 1854માં એની મુદત પૂરી થતાં એને સેમિપાલાતિન્સ્કમાં ખસેડાયો. ત્યાં એણે પ્રાઇવેટ સોલ્જર તરીકે સેવા બજાવી. અંતે 1859માં એને માફી બક્ષવામાં આવી. સેમિપાલાતિન્સ્કમાં એને મારિયા ઇસાયેવાનો પરિચય થયો. એ કોઈ અધિકારીની પત્ની હતી અને એને એક બાળક હતું. આ પરિચય પ્રેમમાં પરિણમ્યો. એના પતિના મૃત્યુ પછી દૉસ્તોયેવ્સ્કીને  ખબર પડે છે કે એને બીજો પણ કોઈ પ્રેમી હતો. આમ છતાં, દૉસ્તોયેવ્સ્કી મારિયાને પરણે છે અને છેવટે એને જાણ થાય છે કે એને માત્ર પત્ની અને બાળકનું નહિ પણ પત્નીના પ્રેમીનું પણ ભરણપોષણ કરવાનું છે.

મોટા ભાઈ મિખાઈલ સાથે રહી ફ્યોદોરે એક ‘વ્રેમ્યા’ (Time) નામનું સામયિક શરૂ કર્યું. સારું ચાલ્યું. એની સર્જનાત્મકતા પૂરબહારમાં ખીલેલી. એણે જર્મની, ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડનો પ્રવાસ પણ ખેડ્યો અને જ્યાં એનું સામયિક જામવાની અણી પર હતું ત્યાં એના પર પ્રતિબંધ મુકાયો. પૉલિશ પ્રશ્ન પરના લેખને કારણે સરકારમાં કોઈ ગેરસમજ થઈ હતી. આને કારણે દૉસ્તોયેવ્સ્કી દેવામાં ડૂબી ગયો. આ નવી આપત્તિ સાથે ઝૂઝતો દૉસ્તોયેવ્સ્કી ભાંગી પડ્યો. અપસ્મારના હુમલાઓ વધી ગયા. ડૉક્ટરની સલાહ પ્રમાણે એ બહાર ફરવા ચાલ્યો ગયો. આ દરમિયાન પોલિના સુસ્લોવા સાથે એનું અત્યંત તોફાની પ્રેમપ્રકરણ રચાયું. તેના પૈસા ખૂટ્યા; એ જુગારની લતે ચઢ્યો. જે કાંઈ બચ્યું હતું તે જર્મનીના જુગાર અડ્ડા જેવા વીસબાડેનમાં ગુમાવ્યું. આ બાજુ પ્રેમી પત્નીનું અને વહાલસોયા ભાઈનું અવસાન થયું. એની હાલત કંગાલ હતી. પોલિનાનું છેલ્લું ઘરેણું પણ વેચાઈ ચૂક્યું.

ત્યાં, પ્રકાશકની તારીખ સાચવવા અને નવલકથાઓને પૂરી કરવા એ અન્ના સ્નિત્કિનને સ્ટેનો તરીકે રાખે છે. અન્ના એના જીવનમાં વ્યવસ્થા લાવે છે. 46 વર્ષની વયે દૉસ્તોયેવ્સ્કી પોતાનાથી 25 વર્ષ નાની અન્નાને પરણે છે. પણ આર્થિક સ્થિતિ સુધરતી નથી. લેણદારોથી બચવા એ ફરીથી રશિયા છોડે છે. જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ, ઇટાલી ફરે છે પણ રશિયા વગર એને ચેન પડતું નથી. પૈસાની અદમ્ય લાલસા એને જુગારની લતમાંથી મુક્ત નથી કરી શકતી. છેવટે 1871માં એ રશિયા પાછો ફરે છે. પછીનાં વર્ષોમાં એ સાહિત્યની સમર્થ કૃતિઓના સર્જનમાં લાગે છે. 60 વર્ષ પૂરાં થયાં પછી ત્રીજે જ મહિને એને ફેફસાંની તકલીફ ઊભી થાય છે. પણ લખવાનું એનું કામ થંભતું નથી. એને હજી જીવનમાં બીજાં દશ વર્ષ જોઈતાં હતાં. પણ અંતકાળ આવી લાગ્યો. એની મૃત્યુયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. પણ વિવેચકોનો સામાન્ય અભિપ્રાય ત્યારે એવો હતો કે એ મોટો પ્રતિભાશાળી લેખક હોય કે ન હોય પણ મોટો ખ્રિસ્તી અને મોટો માનવતાવાદી હતો. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. કહેવાય છે કે નવલકથાકારો તો ઘણા છે પણ દૉસ્તોયેવ્સ્કી માત્ર એક છે. નવી ર્દષ્ટિનું ભાવવાસ્તવ અને એકોક્તિમાં વિશ્લેષણ આપતું એનું પોતીકું મનોવિજ્ઞાન વિશ્વસાહિત્યના ઇતિહાસમાં એને અનોખું સ્થાન અપાવે છે.

દૉસ્તોયેવ્સ્કીની સાથે મનોવૈજ્ઞાનિક સાહિત્યનો વિશિષ્ટ અર્થ સંકળાયેલો છે. નૈતિક ભાવોના વિશ્લેષણ અને આંતરિક સંઘર્ષ પૂરતું પોતાના નવલકથાજગતને સીમિત ન રાખતાં, ચિત્તની અસાધારણ અને અસ્વાભાવિક અવસ્થા સુધી એ વિસ્તારે છે. એના સમકાલીનોમાં વાસ્તવવાદની બોલબાલા હતી પણ દૉસ્તોયેવ્સ્કીનું આકર્ષણ કૌતુકવાદીઓ તરફ વિશેષ હતું. એને વાતાવરણના વર્ણનમાં કે ઘટનાઓની અસાધારણતામાં રસ નહોતો, પણ વ્યક્તિની લાગણીઓ અને એના વિચારોમાં રસ હતો. આથી એ ઘટનાઓ ઉખેળતો આવે છે, વાચકને વશીભૂત કરતો આવે છે અને હૃદયચિત્તનાં રુગ્ણ ઊંડાણોના ભયાવહ રઝળપાટમાં એ વાચકને ઘસડી જાય છે. અસહ્ય તણાવની દુ:સ્વપ્ન જેવી એની કથાઓ અપરાધ અને સજાના પરિવર્તિત લય દ્વારા મનુષ્ય, ઈશ્વર અને સમાજને પડકારે છે. સમાજની રૂઢિઓને, રાજ્યના ઘડેલા કાયદાઓને અને વસ્તુજગતની ઈશ્વરી વ્યવસ્થાને પડકારવાની એક અદમ્ય ઇચ્છા એણે મનુષ્યમાં જોઈ છે. નિયમોલ્લંઘનની વિવશતા ઘણી વાર ગુનાનું બાહ્યરૂપ ધારણ કરે છે અને દૉસ્તોયેવ્સ્કીને મન એ મનુષ્યની મૂળભૂત વિવશતા છે. મનુષ્ય પોતાની સ્થિતિ સ્વીકારી શકતો નથી અને આ સ્થિતિ માટે જવાબદાર એવા જગતને પણ સ્વીકારી શકતો નથી. આવા અભિગમ સાથે દૉસ્તોયેવ્સ્કીની નવલસૃષ્ટિ ભૂખ્યા વિદ્યાર્થીઓ, સાધ્વી વેશ્યાઓ, સ્વપીડનમાં રાચતી કન્યકાઓ, પરપીડનમાં રાચતી સુંદરીઓ, જુગારિયા પ્રેમીઓ અને ષડ્યંત્રમાં રાચતાં નાસ્તિકોથી ઊભરાય છે.

દૉસ્તોયેવ્સ્કીના લેખનના ત્રણ તબક્કા છે. એની પહેલી નવલકથા ‘પુઅર ફૉક’ (1846) આમ તો ગરીબ પીડિત શહેરીજનોની ઊર્મિલ કથા છે પણ ‘નવો ગોગોલ જન્મ્યો છે’ એવા પ્રશસ્તિવચન સાથે એ સારી પ્રસિદ્ધિ પામી. પછીની ‘ધ ડબલ’(1846)ને ઠંડો આવકાર મળ્યો. પણ દૉસ્તોયેવ્સ્કી એને મહત્વની નવલકથા ગણે છે અને તેથી ‘અ સેંટ પિટર્સબર્ગ પોએમ’ (1877) નામે એનું પુન:પ્રકાશન કરે છે. 1859માં એણે ‘ધ વિલેજ ઑવ્ સ્ટીપનચિકોરો’ અને ‘અંકલ્સ ડ્રીમ’ – એમ બે હાસ્યનવલ આપી. પણ બીજા તબક્કામાં એ સાઇબીરિયાની એની યાતનાના અનુભવોને ખપે લગાડીને ‘ધ હાઉસ ઑવ્ ડેડ’ (1860–62) અને ‘ધી ઇન્સલ્ટેડ ઍન્ડ ઇન્જર્ડ’ (1861) બે નવલકથા આપે છે. એના પશ્ચિમ યુરોપના પ્રવાસસંદર્ભે એણે ‘વિન્ટર નોટ્સ ઑન ધ સમર ઇમ્પ્રેશન્સ’ (1863) પુસ્તક આપ્યું છે.

દૉસ્તોયેવ્સ્કીનો ત્રીજો અને અંતિમ તબક્કો પરિવર્તિત દૉસ્તોયેવ્સ્કીનો છે. એનું આરંભબિન્દુ ‘નોટ્સ ફ્રૉમ અન્ડરગ્રાઉન્ડ’-(1864)માં છે. શરૂની ‘ધ ડબલ’ નવલકથામાં વિભાજિત અને વિચ્છિન્ન ચેતનાના અંશો જે દેખાયા હતા તે હવે પૂર્ણ વિકસિત સ્વરૂપે બહાર આવવા લાગ્યા. અપરાધ અને રહસ્યને તાકતી આ પછીની નવલકથાઓમાં કુતૂહલ, આશ્ચર્ય, પરાકાષ્ઠા, નિકટવર્તી હાસ્ય અને ભયને ઉપસાવતી એની રચનારીતિ અભૂતપૂર્વ હતી. અપરાધના મનોવિજ્ઞાનને સ્પર્શતી ઉત્તમ કથાનકવાળી એની ‘ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ’ (1866), જુગારલતને પ્રતિબિંબિત કરતી ‘ધ ગૅમ્બલર’ (1866) તો ધ્યાન ખેંચે છે જ, પણ કઠિન પરિસ્થિતિ વચ્ચે અને રશિયા પાછા ફર્યા પછી એ સમર્થ નવલકથાઓ આપે છે : ‘ઇડિયટ’ (1868), ‘બેસી’ (1871–72), ‘ધ પઝેઝ’ (1871). ઉપરાંત એક ટૂંકી નવલ ‘ધી ઈટર્નલ હસબન્ડ’ (1870) પણ રચે છે. રાષ્ટ્રવાદી અભિપ્રાયો પ્રગટ કરતાં લખાણોનું એનું પુસ્તક ‘ધ ડાયરી ઑવ્ અ રાઇટર’ (1873–74) અને પ્રમાણમાં દુર્બોધ કહી શકાય એવી નવલકથા ‘અ રૉ યૂથ’ (1875) પછી છેલ્લે દૉસ્તોયેવ્સ્કી એની ઉત્તમ નવલકથા ‘ધ બ્રધર્સ કારામાઝોવ’ (1880) પ્રગટ કરે છે. અનેક સ્તર પર પથરાયેલું આ નવલકથાનું કથાનક વૃદ્ધ કારામાઝોવની હત્યા અને એના પુત્રોના અપરાધમાનસને અભિવ્યક્ત કરે છે.

દૉસ્તોયેવ્સ્કીની નવલકથાઓમાં વિચારો નાયક છે. પણ એ વિચારોને એણે અનુભવ્યા છે. આપણે જેમ ઠંડું કે ગરમ, ભૂખ કે તરસ અનુભવીએ છીએ તેમ, દૉસ્તોયેવ્સ્કીએ વિચારોને અનુભવ્યા છે. વિચારોનો એ ઉદભાવક અને પ્રબંધક ગણાયો છે. પણ વિચારો એટલા વૈયક્તિક છે, એટલા સ્પર્શગમ્ય છે, જીવંત અને સંકુલ છે કે એ જીવંત વસ્તુ બને છે. એમ કહેવાયું છે કે દોસ્તોયેવ્સ્કી અમૂર્ત પર માંસમજ્જા મૂકે છે અને વિચારોને અત્યંત યાતનાગ્રસ્ત સ્ત્રીપુરુષોમાં પલટી નાખે છે. પણ તેથી એને પ્રતિરૂપણ માનવાની જરૂર નથી. એ કથાનકની ઉપેક્ષા કર્યા વગર પૂરી નાટ્યાત્મકતાથી, સંવાદપ્રચુરતાને આગળ ધરે છે; ત્યાં સુધી કે એની નવલકથાને એકાદ શબ્દ પણ ઉમેર્યા વગર સીધા નાટકમાં રૂપાંતરિત કરી શકીએ. સંવાદો પણ એટલા વૈયક્તિક છે કે પ્રત્યેક પાત્રને પોતાનો કાકુ અને વાણીલય મળ્યો છે. સાથે સાથે દૉસ્તોયેવ્સ્કી સંવાદ અને કથનાત્મક ભાગ વચ્ચે ખાસ્સો વિરોધ રાખે છે. સંવાદના પ્રમાણમાં એનો કથનાત્મક ભાગ હંમેશાં શિથિલ, નીરસ અને અખબારિયો લાગે છે. આવો વિરોધ સંવાદોને વધુ પ્રભાવક બનાવે છે.

વૈયક્તિક યાતના અને વૈયક્તિક કલ્મષ ઈશ્વરના પરમ શુભત્વ અને પૂર્ણત્વ સાથે કઈ રીતે સમાધાન થઈ શકે, શાશ્વત સંવાદિતામાં એ કઈ રીતે વિચલિત થઈ શકે એ દૉસ્તોયેવ્સ્કીની અપરાધપૂર્ણ નવલસૃષ્ટિનો પ્રાણપ્રશ્ર્ન રહ્યો છે. મનુષ્ય તરફના અપરાધને કારણે મનુષ્ય પોતાની યાતના દ્વારા એનું મૂલ્ય ચૂકવે છે એવો ધ્વનિ એની સમગ્ર સર્જનસૃષ્ટિના કેન્દ્રમાં છે.

ચન્દ્રકાન્ત ટોપીવાળા