દૉનાતેલો [Donatello] (જ. 1386; અ. 1466) : ફ્લૉરેન્સના રેનેસાં શિલ્પી. તેઓ શિલ્પી લૉરેન્ઝો ગિબેર્તીના શિષ્ય હતા. ગૉથિક પરંપરાની અસરમાંથી મુક્ત થતાં તેમને ઠીકઠીક વાર લાગી. ભુલાઈ ગયેલા પેગન (ગ્રીકો-રોમન) વિશ્વમાંથી વિષયો લઈને તેનો પંદરમી સદીમાં રેનેસાં યુગમાં ઉપયોગ કરનાર તેઓ પ્રથમ શિલ્પી હતા. માન્તેન્યા [mantegna], બેલિની અને માઇકલ ઍન્જલો સુધ્ધાં પર ઊંડો પ્રભાવ પાડનાર દૉનાતેલોની અસર પાદુઆ નગર ઉપરાંત વેનિસ સુધી પ્રસરી. ગિબેર્તીએ પ્રયોજેલાં નિસર્ગતત્વોને બદલે માનવદેહાકૃતિમાં તેમને વધારે રસ હતો. માનવશરીરરચનાના અભ્યાસ અને તેના પૃથક્કરણ માટેના ઉત્સાહને પરિણામે તે સ્નાયુબદ્ધ માનવપાત્રો દર્શાવવામાં સફળ થયા. ક્યારેક તો પાત્રની સ્નાયુબદ્ધતા વધુ પડતી તંગ આલેખાવાથી પાત્ર જાણે પીડા અનુભવી રહ્યું હોય તેમ પણ લાગે. રોમની બીજી વારની મુલાકાત દરમિયાન પ્રાચીન શિલ્પોના અભ્યાસને કારણે તેમની કૃતિઓમાં પાછળથી મોટું પરિવર્તન આવ્યું. ક્લાસિકલ સિદ્ધાંતો પરત્વે તેમણે લાક્ષણિક અણગમો અનુભવ્યો અને તેની સહજ પ્રતિક્રિયા રૂપે પોતાની અત્યંત હૃદયસ્પર્શી શૈલી વિકસાવી. નાટ્યાત્મક અભિવ્યક્તિને કારણે તેમની કૃતિઓ સંતુલિત અને યૌવનપૂર્ણ માનવાકૃતિઓ બની શકી. 1443થી 1454 દરમિયાન તેઓ પાદુઆમાં રહ્યા. ત્યાં તૈયાર કરેલ શિલ્પ ‘ગા-તા મેલા-તા’ પ્રાચીન કાળથી માંડીને ત્યાં સુધીના સમયનું સર્વપ્રથમ અશ્વારોહી શિલ્પ હતું. યુરોપીય કળાઇતિહાસવિદોએ એમાં માનવીય ગૌરવની ઉત્કટ અભિવ્યક્તિ ઉપરાંત ચૌદમી સદીના યુરોપનાં પાશવી બળો સામે બૌદ્ધિક શક્તિના વિજયનું પ્રતીક જોયું હતું. બીજી જાણીતી કૃતિ ‘યંગ ડૅવિડ’માં સુડોળ શરીરવાળા સત્તર વરસના તરુણના હાથમાં તલવાર દર્શાવવાની સાથોસાથ મસ્તક પર ચૌદમી સદીની ફૅશન પ્રમાણે હૅટ પહેરાવી ક્લાસિકલ ગ્રીક-રોમન દેહછટા અને મધ્યયુગીન પોષાકનું સંયોજન કરી અનોખું શિલ્પ ઉપજાવ્યું. 1435 પછી તેમની કૃતિઓમાં આવેલા પરિવર્તન બાદ તેમણે સ્વતંત્ર માનવ-શિલ્પાકૃતિઓનું વિશેષ સર્જન કર્યું. તેમણે શિલ્પકૃતિનું સ્થાપત્યના વાતાવરણના પૂરક અંગ તરીકે નહિ, પરંતુ સંપૂર્ણ અને સ્વયંપર્યાપ્ત કળાકૃતિ તરીકે નિર્માણ કર્યું. એ રીતે તેઓ અર્વાચીન શિલ્પના સ્થાપક લેખાય છે.

અમિતાભ મડિયા