દેસાઈ, (ડૉ.) હરિપ્રસાદ વ્રજરાય (જ. 2૦ નવેમ્બર 188૦, ગોધરા, જિ. પંચમહાલ; અ. 31 માર્ચ 195૦, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી સ્વાતંત્ર્યસૈનિક અને અમદાવાદના ઉમદા સામાજિક કાર્યકર. શાળેય શિક્ષણ અમદાવાદમાં થયું. પછી અમદાવાદની બી. જે. મેડિકલ સ્કૂલમાં અભ્યાસ કરી કોલકાતા યુનિવર્સિટીમાંથી 1906માં એલ.સી.પી.એસ. થઈને ડૉક્ટર બન્યા હતા. પૂર્વજો મૂળ અલીણા ગામના બ્રહ્મક્ષત્રિય. તેમની કર્મભૂમિ અમદાવાદ હતી. તેમણે અમદાવાદના સારંગપુરમાં તેમની પ્રૅક્ટિસ શરૂ કરી. તેઓ વિદ્યાર્થી અવસ્થાથી વ્યાયામ-પ્રવૃત્તિના સમર્થક રહ્યાં હતા. વ્યાયામથી પોતાનું શરીર મજબૂત બનાવ્યું હતું. તેમણે બંગભંગની લડતમાં સક્રિય ભાગ લીધો હતો. ઈ. સ. 19૦5થી 1918 સુધી તેમણે સ્વદેશી મિત્રમંડળ ચલાવ્યું. ગાંધીજીને અમદાવાદમાં આવીને તેમની કર્મભૂમિ બનાવવાનું તેમણે સૌપ્રથમ નિમંત્રણ પાઠવ્યું હતું. ગાંધીજીએ અમદાવાદ આવીને આશ્રમ સ્થાપ્યો ત્યારબાદ ડૉ. હરિપ્રસાદે તેમની બધી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો હતો. હોમરૂલ આંદોલન દરમિયાન તેમણે સ્વરાજનો સંદેશો લોકોમાં ફેલાવ્યો હતો. દેશની સ્વતંત્રતાના સંગ્રામમાં ભાગ લઈને તેમણે ચાર વખત જેલવાસ ભોગવ્યો હતો. ‘પૅટ્રિયૉટિક સોલ’ નામના તેમણે સંપાદિત કરેલા પુસ્તકે અનેક લોકોમાં રાષ્ટ્રભક્તિ જાગ્રત કરી હતી. તેમણે દસક્રોઈ તાલુકા કૉંગ્રેસ સમિતિ, અમદાવાદ શહેર કૉંગ્રેસ સમિતિ તથા ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઘણાં વરસો સુધી કામ કર્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં અને તેની આરોગ્ય સમિતિ, સંગ્રહાલય સમિતિ, ગ્રંથાલય સમિતિ, વૃક્ષારોપણ અને બગીચા સમિતિ વગેરેમાં તેમણે પચીસ વર્ષ સુધી કામ કર્યું. તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટી આરોગ્ય સમિતિના પ્રમુખ હતા. એમણે જાતે ઝાડુ લઈ પોળોને સાફ કરી 3000 ટન જેટલો કચરો દુર કરાવ્યો હતો. તેમણે ઘેર-ઘેર સંડાસ બનાવડાવ્યા હતા. તે દરમિયાન અમદાવાદ શહેરને તેમણે સાત વખત કાળજીપૂર્વક સાફ કરાવ્યું હતું. અમદાવાદ શહેરની વિવિધ સામાજિક, રાજકીય અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા. તેઓ ઈ. સ. 1930માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા હતા. અમદાવાદમા શહેર મ્યુઝિયમ સ્થાપવાનો સૌપ્રથમ પ્રયત્ન તેમણે કર્યો હતો.
તેમણે ગુજરાત સાહિત્યસભાના ઉપ-પ્રમુખ, ગુજરાત વિદ્યાસભાના મંત્રી, ગોખલે સોસાયટીના મંત્રી, ગૂજરાત વિદ્યાપીઠના લલિતકલા વિભાગના ડીન (વિદ્યાવારિધિ) અને ‘પ્રેમધર્મ’ના તંત્રી તરીકે સેવાઓ આપી હતી. તેમણે ‘કુમાર’ માસિક સ્થવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ઈ. સ. 1946માં તેઓ મુંબઈની ધારાસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. એ રીતે અમદાવાદની વિવિધ સાહિત્યિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે તેઓ ઓતપ્રોત થયેલા હતા. તેમણે વ્યાયામ પરિષદ, યુવક પરિષદ, ગ્રંથાલય પરિષદ વગેરેના પ્રમુખ તરીકે પણ કામ કર્યું હતું.
તેમણે ‘સંસારના સુખ’, ‘પાપીની દર્શક’, ‘મેલેરિયા તાવ’, ‘દાદાભાઈ નવરોજજી’, ‘આરોગ્યની વાતો’, ‘સાહિત્યનો વિકાસ કેમ થાય?’, ‘સાહિત્યનાં પ્રેરકબળો’, ‘કળાને ચરણે’, ‘રસદર્શન’, ‘નાના હતા ત્યારે’, ‘સ્વાધ્યાય’, ‘ઉચ્ચ/જીવન’, ‘વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન’, ‘આરોગ્યની વાતો’, ‘આરોગ્યશાસ્ત્ર’, ‘આરોગ્ય તનનું, મનનું અને દેશનું’, ‘જીવનસંદેશ’, ‘બાળકલ્યાણ’, ‘સાહિત્યને ચરણે’ વગેરે પુસ્તકો લખ્યાં છે. તેમને વાચન-લેખનનો તથા વ્યાખ્યાનો આપવાનો શોખ હતો.
જયકુમાર ર. શુક્લ
અનિલ રાવલ