દેવલ, ગોવિંદ બલ્લાળ

March, 2016

દેવલ, ગોવિંદ બલ્લાળ (જ. 13 નવેમ્બર 1855, હરિપુર, જિ. સાંગલી; અ. 14 જૂન 1916) : મરાઠી રંગભૂમિના આદ્ય નાટકકાર તથા નાટ્ય-દિગ્દર્શક. એમના બે મોટા ભાઈઓ નાટ્યકલામાં પ્રવીણ હોવાથી એમને નાનપણથી જ નાટકમાં રસ હતો.

ગોવિંદ બલ્લાળ દેવલ

1878માં મૅટ્રિક પાસ થઈને બેલગાંવના સુવિખ્યાત નાટકકાર અણ્ણા-સાહેબ કિર્લોસ્કરના સંપર્કમાં આવ્યા અને એમની નાટ્યપ્રવૃત્તિનો આરંભ થયો. તે પછી એમણે પુણેની ઇજનેરી કૉલેજમાં  કૃષિવિજ્ઞાનની ડિગ્રી મેળવી અને શરૂઆતનાં કેટલાંક વર્ષો શિક્ષકની નોકરી કરી. પછીથી નાટ્યપ્રવૃત્તિમાં ઝંપલાવ્યું.

દેવલ અને શંકરરાવ પાટકરે પુણેમાં સ્થાપેલી આર્યોદ્ધારક નાટક મંડળીએ પહેલાં શેક્સપિયરના ‘ઑથેલો’ નાટકના કરેલા રૂપાંતરમાં અજિતસિંહનું પાત્ર ભજવ્યું. 1880માં સ્થપાયેલી કિર્લોસ્કર મંડળીમાં પણ એમણે નાટકોનાં ગીતો લખ્યાં હતાં. ‘શાકુંતલ’ નાટકમાં એમણે શકુંતલાનાં પદો લખ્યાં હતાં તેનાથી પ્રસિદ્ધિ મળી. એ કુશળ નાટ્યશિક્ષક હોવાથી નાના જોગળેકર, ગણપતરાવ બોડસ તથા બાળ ગાંધર્વ જેવા સુપ્રસિદ્ધ નટોને એમના માર્ગદર્શનનો લાભ મળ્યો હતો. એમણે કુલ સાત નાટકો લખ્યાં હતાં; ત્રણ અંગ્રેજી નાટકોને આધારે, ત્રણ સંસ્કૃત નાટકોના આધારે અને એક સ્વતંત્ર. તેમાં ‘ઑથેલો’ પરથી કરેલા ‘ઝુંઝારરાવ’ (1890) અને મૉલિયરના ‘ગૉનારેલ’ પરથી કરેલા ‘ફાલ્ગુનરાવ’(1893)નો તથા સંસ્કૃત નાટકો ‘મૃચ્છકટિક’ (1889), ‘વિક્રમોર્વશીય’ (1889) તથા ‘શાપસંભ્રમ’નો સમાવેશ થાય છે. ગંધર્વ નાટકમંડળી માટે એમણે રચેલું ‘સંગીતનાટક સંશયકલ્લોલ’  અત્યંત લોકપ્રિય બન્યું. એના વિનોદી સંવાદ અને ર્દશ્યયોજના જોઈને ઇંદોરના મહારાજાએ એમને પારિતોષિક આપ્યું હતું. એમનું અત્યંત મહત્વનું પ્રદાન ‘સંગીત શારદા’ (1899) નાટક હતું. એમાં બાલવિવાહની સમસ્યા ર્દશ્યાંકિત થઈ છે. એમણે બાલવિવાહ પર કરેલો આકરો પ્રહાર લોકોએ વધાવી લીધો હતો.

અરુંધતી દેવસ્થળે