દીવાદાંડી : વહાણો અને આગબોટોને રાત-દિવસ નાવીય સંદર્ભસ્થળ દર્શાવી તેમના માર્ગો નક્કી કરવામાં કે આસપાસ રહેલ ભયજનક ખડકોના અસ્તિત્વની ચેતવણી આપવા ઊભો કરેલો દીવા સાથેનો મિનાર. દિવસના દીવાદાંડીના ચોક્કસ પ્રકારના રંગ જોઈને નાવિકને ખ્યાલ આવે છે, જ્યારે રાતના તેમાંથી ફેંકાતા જુદા જુદા રંગના જુદી જુદી તીવ્રતા ધરાવતા પ્રકાશથી સંકેતો મળે છે. સમુદ્રના નાવિકોની માફક વિમાનના નાવિકો માટે પણ તેના સ્થળનો સંદર્ભ અને માર્ગ નક્કી કરવા માટે દીવાદાંડીઓ રાખવામાં આવે છે. જોકે ‘દીવાદાંડી’ શબ્દ વહાણના નાવિકના માર્ગદર્શનના સંદર્ભમાં જ સામાન્ય રીતે વપરાય છે.

દીવાદાંડીઓનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. તેની રચનામાં અને પ્રકાશ મેળવવા માટેના સ્રોતોમાં વર્ષો જતાં મોટા ફેરફારો થયા છે.

ઇતિહાસ : એમ કહેવાય છે કે ફિનિશિયનો અને ઇજિપ્શિયનોએ સૌપ્રથમ દીવાદાંડીઓ બાંધેલી. જેની વિગતો મળી શકે છે તેવી સૌપ્રથમ દીવાદાંડી તે ‘પેરોઝ ઑવ્ ઍલેક્ઝાન્ડ્રિયા’. તે લગભગ ઈ. સ. પૂર્વે 280માં બાંધવામાં આવેલી. તેનું બાંધકામ પથ્થરના ચણતરથી થયેલું. તેની ઊંચાઈ 107 મી. હતી. પ્રકાશ મેળવવા તેની ટોચ પર લાકડાં બાળવામાં આવતાં હતાં. વર્ષો સુધી તે દુનિયાની સાત અજાયબીઓમાંની એક તરીકે ગણાઈ. સદીઓ સુધી તેણે દરિયાઈ પવન અને મોજાંની ઝીંક ઝીલી, પરંતુ ચૌદમી સદીના ધરતીકંપને લીધે તે ગબડી પડી.

યુરોપના દરિયાકિનારા પર રોમનોએ બાંધેલી દીવાદાંડીઓ ઇંગ્લૅન્ડમાં ડોવર કૅસલની દીવાલો પાસે અને સ્પેનમાં કોરુનામાં આજે પણ મોજૂદ છે.

આકૃતિ 1

વિશ્વની મુખ્ય દીવાદાંડીઓ

દીવાદાંડી બાંધકામ

પૂરું

થયાનું વર્ષ

ઊંચાઈ

(મીટરમાં)

રચના/

બાંધકામ

કોરડોન (ફ્રાન્સ) 1584 52 પથ્થર
એડીસ્ટોન (પ્લાયમાઉથ, ઇંગ્લૅન્ડ) 1882 41 ગ્રૅનાઇટ
કેપ હેટેરાસ (સાઉથ આટલાંટિક

કોસ્ટ, યુ.એસ.)

1789 58 ઈંટ અને

પથ્થર

બિશપ રૉક (સ્કીલી આઇલૅન્ડ) 1887 45 ગ્રૅનાઇટ
મીનોટ્સ લેજ (નૉર્થ આટલાંટિક

કોસ્ટ, યુ.એસ.)

1860 26 ગ્રૅનાઇટ
સ્પેક્ટેકલ રીફ (લેઇક હુરોન,

યુ.એસ.)

1874 26 પથ્થર
ફોવે રૉક્સ (ફ્લોરિડા કોસ્ટ,

યુ.એસ.)

1878 34 લોખંડ
કેપ હેન્રી (આટલાંટિક કોસ્ટ,

યુ.એસ.)

1881 48 લોખંડ
રોપર સૅન્ડ (જર્મની) 1885 24 લોખંડ
સેંટ જ્યૉર્જ રીફ (પૅસિફિક કોસ્ટ,

યુ.એસ.)

1891 45 પથ્થર
માર્ટિન રીફ (લેઇક હ્યુરોન,

યુ.એસ.)

1927 20 લોખંડ

ભારતમાં દીવાદાંડીઓ : ભારતનો દરિયાકિનારો ઘણો લાંબો છે. તેનું વહાણવટું પણ સદીઓ પુરાણું છે. દરિયાઈ નાવિકોને દિશાસૂચન અને ચેતવણી માટે ભારતના દરિયાકાંઠા પર અનેક દીવાદાંડીઓ બાંધવામાં આવી છે. ઘણી જૂની અને મોટી દીવાદાંડી તરીકે ઉલ્લેખ થઈ શકે તેવી બે દીવાદાંડીઓ છે : એક બંગાળની ખાડીમાં અને બીજી મુંબઈના દરિયાકિનારા પરની. આ બંને ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં બાંધવામાં આવી હતી.

ભારતમાં લાઇટહાઉસ મંત્રાલય કેન્દ્રસરકાર હસ્તક છે. તેના છ ક્ષેત્રીય વિભાગો છે : (1) સૌરાષ્ટ્ર-કચ્છ (મુખ્ય મથક, જામનગર); (2) તળ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક (મુખ્ય મથક, મુંબઈ); (3) કેરળ, લક્ષદ્વીપ (મુખ્ય મથક, કોચીન); (4) કેરળનો થોડો ભાગ, તમિળનાડુ, આંધ્રપ્રદેશ (મુખ્ય મથક, ચેન્નાઈ); (5) આંધ્રપ્રદેશનો થોડો ભાગ, ઓરિસા, પશ્ચિમ બંગાળ (મુખ્ય મથક, કૉલકાતા); (6) આંદામાન, નિકોબાર (મુખ્ય મથક, પૉર્ટ બ્લેર).

આજે ભારતમાં કુલ 180 દીવાદાંડીઓ, 14 રેડિયો બેકન સ્ટેશનો, 53 ધુમ્મસ માટેનાં સિગ્નલ-સ્ટેશનો, 7 દીપ-જહાજો (લાઇટશિપ સ્ટેશનો) અને અનેક લાઇટ બોયાં (buoys) છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકિનારે 45 દીવાદાંડીઓ, 5 રડાર બેકન સ્ટેશનો, 3 રેડિયો બેકન સ્ટેશનો અને 12 લાઇટ બોયાં હાલની સ્થિતિમાં છે. આકૃતિ 1માં સૌરાષ્ટ્ર–કચ્છના દરિયાકિનારે આવેલ જુદા જુદા પ્રકારના ચેતવણી સંકેતકો દર્શાવ્યા છે.

આકૃતિ 2 : પૅરેબૉલિક પરાવર્તક સાથેનો દીવો

દીવાદાંડીમાં પ્રકાશ ઉત્પન્ન કરવા માટેની રીતો અને સાધનો : શરૂઆતમાં લાકડાં અને કોલસા બાળીને પ્રકાશ મેળવાતો; પરંતુ અઢારમી સદીના અંતમાં (1872માં) સ્વિસ વૈજ્ઞાનિકે ગોળ વાટનો ઉપયોગ કરતો તેલનો દીવો શોધ્યો જે તેના નામ પરથી ‘અર્ગન્ડ લૅમ્પ’ તરીકે જાણીતો થયો. આ દીવામાં વાટની ફરતે ગ્લાસની ચીમની મૂકવામાં આવતી. સોથી પણ વધુ વર્ષો માટે દીવાદાંડીના દીવા તરીકે આ દીવાએ કામ આપ્યું. 1860ના દાયકામાં ‘વેલ્સબૅક ગૅસ મૅન્ટલ લૅમ્પ’ શોધાયો. આ દીવામાં કોલ ગૅસ બાળવામાં આવતો. 1858માં ઇલેક્ટ્રિક કાર્બન આર્ક લૅમ્પનો ઉપયોગ થવો શરૂ થયો. આવો એક સૌથી વધુ શક્તિશાળી કાર્બન આર્ક લૅમ્પ 50 કરોડ કૅન્ડલ-પાવરનો પ્રકાશપુંજ ઉત્પન્ન કરે છે. 1901માં આર્થર કિટસને એક નવા પ્રકારનો દીવો શોધ્યો. તેમાં દબાણ હેઠળ કેરોસીન જેવા તેલનું બાષ્પીભવન કરી તેની બાષ્પ તાપદીપ્ત મૅન્ટલને તપાવવામાં વપરાતી. 1921માં ડેવિડ હુડે આ માટે પેટ્રોલિયમ બાષ્પનો ઉપયોગ શરૂ કર્યો. તાપદીપ્ત મૅન્ટલ એ એવી જાળી છે કે જે ગરમ થતાં પ્રકાશ આપે. આ પ્રકારની બત્તીને પૅટ્રોમૅક્સ કહેવાય છે. આવી તાપદીપ્ત બત્તીઓનો ઉપયોગ હજુ પણ પ્રચલિત છે. 1906માં સ્વીડનના નીલ ગુસ્તાફ દેલને સ્વયંનિયંત્રિત કરી શકાય તેવો ઍસેટિલીન ગૅસ બર્નર શોધ્યો. વીજળી મળી શકતી ન હોય ત્યાં મૅન્ટલ લૅમ્પ કે ઍસેટિલીન ગૅસ બર્નર આજે પણ વપરાય છે.

દીવાદાંડીમાં પ્રકાશને કેન્દ્રિત કરી દૂર સુધી ફેંકવો આવશ્યક છે. આ માટે જુદા જુદા પ્રકારના પરાવર્તકો (reflectors) અને વક્રીકારકો(refractors)નો ઉપયોગ થાય છે. 1781માં સ્વીડનના કાર્લસ્ટને સૌપ્રથમ ઘડિયાળ જેવા યંત્ર દ્વારા સંચાલિત ફરતા દીવાનો ઉપયોગ કર્યો. 1890માં દીવાને દર 15 સેકંડે ઘુમાવી શકાય તેવી શોધ થઈ. આને કારણે વારાફરતી પ્રકાશ અને અંધકાર ઉદભવે તેવી પ્રણાલી ઊભી થઈ શકી. આકૃતિ 2માં ‘પૅરેબૉલિક રિફ્લેક્ટર’ દ્વારા એકદિશ સમાંતર કિરણો મળી રહે છે તે દર્શાવ્યું છે.

દીવાદાંડીની ઊંચાઈના પ્રમાણમાં પ્રકાશ દૂર ફેંકી શકાય છે. નીચેની સારણીમાં દીવાદાંડીની ઊંચાઈ અને કેટલા અંતરે પ્રકાશ ફેંકી શકાય છે તે દર્શાવ્યું છે :

દીવાદાંડીની ઊંચાઈ

(મીટરમાં : સમુદ્રસપાટીથી)

હવા સ્વચ્છ હોય તો કેટલા

અંતર સુધી પ્રકાશ ફેંકી શકાય.

(કિમી.માં)

10 11.7
15 14.5
20 17.0
30 20.0
40 24.0
50 26.0
75 33.0
100 37.0

દીવાદાંડીમાં થયેલ વિકાસ : સમયની સાથે દીવાદાંડીના મકાનના બાંધકામની રચના અને પ્રકાશની વ્યવસ્થામાં ઘણા ફેરફારો થયા છે. બાંધકામમાં લાકડું, પથ્થર અન ઈંટોને બદલે સિમેન્ટ-કૉંક્રીટનો ઉપયોગ; પાયાની રચનામાં સ્ટીલના ‘કેઇસ’(caissons)નો (1880); અગાઉથી ઢાળીને તૈયાર કરેલ કૉંક્રીટના સ્તંભો (1930); સ્ટીલ પાઇલ્સ વગેરેનો ઉપયોગ પ્રચલિત થયો છે. ઉપરના ભાગે ‘ટેલિસ્કૉપિક સ્ટીલ ફ્રેઇમ્ડ સ્ટ્રક્ચર’ વધુ પસંદ થાય છે (આકૃતિઓ 3 અને 4).

આકૃતિ 3 : રત્નાગિરિમાં આવેલી દીવાદાંડી

વર્ષ 1970 પછી દીવાદાંડીમાં પ્રકાશ માટે વપરાતી ટૅક્નૉલૉજીમાં પણ ઘણો વિકાસ થયો છે. ઇલેક્ટ્રૉનિક ઉપકરણોને લીધે આ શક્ય બન્યું છે. પ્રકાશના સ્રોત તરીકે અક્રિયવાયુ ઝેનોનનો ઉપયોગ કરતા આર્ક-લૅમ્પ, સૌર ઊર્જા બૅટરીઓ, ન્યૂક્લિયર બૅટરીઓ વગેરેનો ઉપયોગ શરૂ થયો છે. આધુનિક નવોત્થાન(innovations)માં ‘વેગા લાઇટ્સ’ (Vega Lights) અને LED(light emitting diode)ના ઉપયોગને ગણાવી શકાય.

આધુનિક દીવાદાંડી માત્ર પ્રકાશ ફેંકીને ચેતવણી આપવા ઉપરાંત  સંકેતો પણ મોકલે છે, જેનો વ્યાપ 6.4 થી 12.8 કિમી. સુધીનો હોય છે. સાથોસાથ રેડિયો અને રડાર સંકેતદીપ(beacon)ની પણ વ્યવસ્થા હોય છે, જેના દ્વારા સ્થળનો સંદર્ભ જાણી શકાય છે.

જ્યાં સ્થાયી માળખું (મકાન) ચણી શકાય તેમ ન હોય તેવી સ્થિતિમાં દરિયામાં બોયાં કે ‘લાઇટશિપ’નો ઉપયોગ કરી દીવાદાંડીનું કામ કરવામાં આવે છે (આકૃતિઓ 5 અને 6).

આકૃતિ 4 : હવાઈના કાઉઈ ટાપુ પર આવેલ કિલાઉ પૉઇન્ટ લાઇટહાઉસ જે કૉંક્રીટના બાંધકામનો સારો નમૂનો છે. આ લાઇટહાઉસ દરિયાની સપાટી પરની 6584 સેમી., ઊંચાઈ પર આવેલ ટેકરી પર બાંધવામાં આવેલ છે. તેની પોતાની ઊંચાઈ 1585 સેમી. છે. હોનોલુલુ તરફ આવતાં જહાજો માટે આ લાઇટહાઉસ બહુ ઉપયોગી છે.

આકૃતિ 5 : દીપનૌકા

આકૃતિ 6 : બોયું

વિકસિત ઇલેક્ટ્રૉનિક નૌસંચાલનના ઉપયોગને કારણે હવે દીવાદાંડીની અગત્ય ઘટતી જાય છે. હાલ સમગ્ર દુનિયામાં લગભગ 1400 દીવાદાંડીઓ વપરાશમાં છે.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ