દિવસ : સૂર્યને અનુલક્ષીને પૃથ્વીની અક્ષીય ગતિને આધારે નક્કી કરવામાં આવતો સમયગાળો.

ખગોળવિજ્ઞાન વિકસ્યું, એ પહેલાના સમયમાં દિવસ એટલે સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો હતો. પરંતુ હવે દિવસની એ વ્યાખ્યા બદલાઈ ગઈ છે.

હવે દિવસને પૃથ્વીના પોતાની ધરી ઉપરના પરિભ્રમણ સાથે સાંકળી લેવામાં આવ્યો છે. દિવસ એટલે ઉજાસ એવો અર્થ હવે રહ્યો નથી. હવે એક મધ્યરાત્રિથી બીજી મધ્યરાત્રિના  સમયગાળાને એક દિવસ ગણવામાં આવે છે. ઉજાસ અને અંધારાના સંદર્ભે દિવસને ગણીએ તો ઉનાળા કરતાં શિયાળાનો દિવસ ટૂંકો હોય છે. જોકે વર્ષભરના દિવસોને એકસરખા કલાકોમાં વિભાજિત કરાયા છે, જેનું માપન સગવડભરી રીતે સૂર્યચક્ર (sun dial) વડે કરાય છે. આમ નિરીક્ષકના યામોત્તર (meridian) ઉપરથી સૂર્ય સતત બે વખત પસાર થાય એ વચ્ચેનો સમયગાળો એટલે સૌર દિવસ (solar day); પરંતુ પૃથ્વી ઉપવલયાકાર (elliptical) ભ્રમણકક્ષામાં સૂર્યની ફરતે પરિક્રમણ કરતી હોઈ, તે જુલાઈ કરતાં જાન્યુઆરીમાં વધુ ઝડપથી ફરે છે તેમજ પૃથ્વીના નમન(inclination)ને પગલે સૂર્ય અયનાન્તે (solstice) (એટલે કે 21મી જૂન દક્ષિણાયન અને 22મી ડિસેમ્બર ઉત્તરાયણે) થોડો વધુ ઝડપી લાગે છે, આ કારણસર સૌર દિવસની લંબાઈમાં થોડી વધઘટ થતી રહે છે. ઋતુ સાથે દિવસની લંબાઈમાં ફેરફાર ન થાય એવી વધતી જતી જરૂરિયાતને પગલે સરેરાશ સૂર્ય(mean sun)નો અમલ કરાયો છે. આમ, સરેરાશ સૌર દિવસ એ નિરીક્ષકના યામોત્તર બિંદુએથી સતત બે વખત પસાર થતા સરેરાશ સૂર્યનો સમયગાળો છે, જે વર્ષભર સરખો રહે છે. જોકે કેટલાક ખગોળીય હેતુઓ માટે મેષ રાશિના પ્રથમ બિંદુથી કે નિરીક્ષકના યામોત્તર પરથી સતત બે વખત સૂર્ય પસાર થાય એ વચ્ચેનો સમય વધુ અનુકૂળ છે. આને સંપાતિક દિવસ (sidereal day) કહે છે, જે પૃથ્વીના ભ્રમણને કારણે તારાની પશ્વાદભૂના સંદર્ભે એક પરિભ્રમણનો સમયગાળો છે.

આમ, સૌર દિવસ અને સંપાતિક દિવસ વચ્ચેનો સંબંધ જોઈએ તો સૌર દિવસ સંપાતિક દિવસ કરતાં મોટો છે. એક સૌર દિવસ એટલે 1.002737909 સંપાતિક દિવસ થાય. મતલબ કે એક સૌર દિવસ 24 કલાક 3 મિનિટ 56.55 સેકન્ડનો થાય. એ જ પ્રમાણે એક સંપાતિક દિવસ એટલે 0.997269566 સૌર દિવસ થાય. મતલબ કે એક સંપાતિક દિવસ 23 કલાક 56 મિનિટ અને 4.09 સેકન્ડનો થાય.

પૃથ્વીના સંદર્ભે અન્ય ગ્રહોના દિવસની ગણતરી પણ કરાઈ છે. એ પ્રમાણે જોતાં બુધનો સંપાતિક દિવસ પૃથ્વીના 58.66 દિવસનો થાય ! શુક્રનો સંપાતિક દિવસ પૃથ્વીના 243 દિવસનો, મંગળનો સંપાતિક દિવસ પૃથ્વીના 24 કલાક 37 મિનિટ અને 23 સેકન્ડનો, ગુરુનો સંપાતિક દિવસ પૃથ્વીના 9 કલાક 55 મિનિટ 30 સેકન્ડનો, શનિનો સંપાતિક દિવસ પૃથ્વીના 10 કલાક 40 મિનિટ જેટલો, યુરેનસનો સંપાતિક દિવસ પૃથ્વીના 17 કલાક 14 મિનિટ તેમજ નેપ્ચૂનનો સંપાતિક દિવસ પૃથ્વીના 17.5 કલાક જેટલો થાય છે. પ્લૂટોનો સંપાતિક દિવસ પૃથ્વીના 6.39 કલાક જેટલો થતો હોવાનું મનાય છે.

અશોકભાઈ પટેલ