દાંત અને દંતવિદ્યા
દાંત પાચનતંત્રની શરૂઆતમાં આવેલી વધારાની સંરચનાઓ છે. તે ઉપલા અને નીચલા જડબાંમાં આવેલી નાની-નાની બખોલોમાં ગોઠવાયેલા છે. બંને જડબાંના હાડકામાં ઊપસેલી પટ્ટી જેવો અસ્થિપ્રવર્ધ (process) આવેલો છે. તેને વાતપુટિલ પ્રવર્ધ અથવા દંતીય પ્રવર્ધ (alveolar process) કહે છે. તેમાં દંતબખોલો અથવા દંતકોટરિકાઓ (sockets) આવેલી છે. આ દંતબખોલોમાં દાંત ગોઠવાયેલા છે. વાતપુટિલ પ્રવર્ધની સપાટી પર અવાળુ(gums, gingiva)નું આવરણ આવેલું છે. અવાળુ મોંની અંદરની દીવાલ – શ્લેષ્મસ્તર (mucosa) સાથે સળંગ જોડાયેલું હોય છે. દાંત મોંને આકાર આપવાનું તથા ખોરાકને ચાવવાનું કાર્ય કરે છે. દાંતની રચના, કાર્ય, ઉદભવ, વિકારો અને તેની સારવારના અભ્યાસને દંતવિદ્યા (dentistry) કહે છે. દંતવિદ્યામાં પણ હાલ અનેક ઉપવિદ્યાઓ (subspecialities) વિકસી છે.
દંતવિદ્યાનો ઇતિહાસ : ઈસુ ખ્રિસ્ત પૂર્વે 722થી 609નાં વર્ષોના સમયની ઈંટો પર દાંત પાડવાની ક્રિયાનો સૌપ્રથમ ઉલ્લેખ થયેલો છે. એસિરિયન તબીબે દાંતમાંના પરુને શરીરમાંના વ્યાપક રોગો સાથે સાંકળેલું હતું. દાંતના ચોકઠાના બે સુંદર નમૂનાઓ ઈસુ પહેલાં 500 વર્ષ પૂર્વે ફિનિશિયનોએ બનાવેલા હતા તે હાલ ઉપલબ્ધ છે. તેમણે કુદરતી દાંત સાથે સોનાના તારથી ચોકઠાં બાંધેલાં હતાં. ઇજિપ્તમાં પણ ઈસુ પહેલાંની છઠ્ઠી સદીમાં કૃત્રિમ દાંતનો ઉલ્લેખ થયેલો છે. હુઆંગતાઈ નામના ચીનના રાજા(ઈસુ પૂર્વે 2700 વર્ષ)ના પુસ્તકમાં દંતવિદ્યા વિશે બે પાઠ લખાયેલા છે. ભારત અને ચીનમાં અગાઉથી દાંત સાફ કરવા દાતણ વપરાતાં હતાં. આધુનિક દંતમંજક(tooth-brush)ની સૌપ્રથમ પુરાણી આવૃત્તિ ચીનમાં વિકસી હતી (1498). તેઓ ઍક્યુપંક્ચરનાં 26 બિંદુઓ વડે દાંતના રોગો અને 6 બિંદુઓ વડે અવાળુના રોગોના ઉપચાર કરતા હતા. હિપૉક્રેટિસે (460–377 ઈસુ પૂર્વે) દંતવિદ્યા વિશે લખાણો કરેલાં છે. તેવી જ રીતે ઍરિસ્ટોટલે (384–322 ઈસુ પૂર્વે) પણ દાંત વિશે લખાણો કરેલાં છે. સેલ્સસે (ઈ. સ. પૂ. 25 થી ઈ.સ. 50) દાંતમાંના ખાડા પૂરવા વિશે વિવિધ નોંધો તૈયાર કરેલી છે. દાંતમાં છિદ્રણ કરીને તેને સાફ કરવાનો સૌપ્રથમ સફળ પ્રયત્ન આર્ચિજિનસે (ઈ. સ. 100) કર્યો હતો. મેલન(ઈ. સ. 130–200)નાં લખાણોમાં ઘણી ભૂલો હતી, જેણે દંતવિદ્યાના વિકાસને લાંબા સમય સુધી અટકાવ્યો હતો. રહેઝીઝ (નવમી સદી), એવિસીના (980–1037), એબુલ્કેસિસ (1050–1122), એવેન્ઝોર (1131–1162) વગેરે વૈજ્ઞાનિક ર્દષ્ટિવાળા વિદ્વાનોએ દંતવિદ્યા વિશેની પૌરાણિક માહિતીમાં પૂરણ કરેલું છે. એબુલ્કેસિસે દાંત પાડતી વખતે જરૂરી માર્ગદર્શક નિયમો અને તેની વિધિનાં પગલાં દર્શાવેલાં. તેમના મતે સૌપ્રથમ કયો દાંત દુ:ખે છે તે નિશ્ચિત કરવું, છરી વડે દાંત અને અવાળુને અલગ કરવા, ત્યારબાદ આંગળી કે હળવા ચીપિયા વડે દાંતને હલાવીને ઢીલો પાડવો અને છેલ્લે દર્દીના માથાને બે ઢીંચણ વચ્ચે દબાવીને જોરથી મજબૂત ચીપિયા વડે દાંત ખેંચી કાઢવો. જો લોહી વહે તો બ્લૂ વિટ્રિઓલનો ભૂકો દબાવવો અથવા ગરમ સળિયા વડે ડામ દેવો. ખરેખર તો આ એક ઘણી જ પીડાકારક પ્રક્રિયા ગણી શકાય.
મધ્યયુગમાં ખ્રિસ્તીઓ દાંત સાફ કરવાની ક્રિયા તથા દાંત પાડવા સિવાયની બીજી બધી જ શસ્ત્રક્રિયાઓ અંગત મિથ્યાભિમાનની પોષક છે એમ માનતા હતા. 1460–1525 વચ્ચે લિયૉનર્ડ-દ-વિન્સીએ પારાની દાંત પરની ઝેરી અસર નોંધી હતી અને તેણે સૌપ્રથમ દાંત, અવાળુ, જડબાં વગેરેનાં સુંદર અને આધારભૂત ચિત્રો આપ્યાં. 1530માં અજ્ઞાત લેખકની ઝેને આર્ટ્ઝની નામની પુસ્તિકા દંતવિદ્યા વિશેનું પ્રથમ પ્રકાશન ગણાય છે. તે જર્મન ભાષામાં લખાયેલી હતી. લોકોપયોગી પ્રથમ પુસ્તિકા જર્મનીના વૉલ્ટર-એચ-રીફે બહાર પાડી હતી (1545). આધુનિક દંતવિદ્યામાં વેસેલિઅસ (1514–64), એમ્બ્રોઇઝ પાટે (1510–92), ગેબ્રિયલ ફેલોપિયસ (1962) અને બાર્થોલોમિયસ ઇસ્ટેશ્યિયસનાં લખાણો મહત્વનાં ગણાય છે. સત્તરમી સદીમાંના જોહાન શુલ્ટ્સ, કૉર્નેલિસ-વાન-સુલિન્જન, જોહાન સ્ટ્રૉબેલ બર્જર અને નિકોલાસ ટુલ્પનાં લખાણો ઉપયોગી રહ્યાં છે. સૌપ્રથમ સૂક્ષ્મદર્શક બનાવનાર લેવેનહુકે દાંતમાંના મુખ્ય પદાર્થ દંતિન(dentin)નું બંધારણ વર્ણવી બતાવ્યું હતું. ચાર્લ્સ એર્લને (1685) સૌપ્રથમ દંતવિદ્યાનું અંગ્રેજી પુસ્તક લખ્યું.
દંતવિદ્યામાં કૃત્રિમ અવયવો અથવા કૃત્રિમાંગ (prosthesis) બનાવવાની એક વિશેષ ઉપવિદ્યા વિકસી છે; જેની અંતર્ગત કૃત્રિમ દાંત, કૃત્રિમ દંતચોકઠું વગેરે બને છે. મૅથ્યુસ જી. પુર્મને (1684–1721) સૌપ્રથમ મીણની મદદથી ઘાટ-આકારની માહિતી મેળવીને કૃત્રિમ દાંત બનાવ્યો. ફિલીપ ફેફે તે માટે (1756) સૌપ્રથમ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો. લૉરેન્ઝ હેઇસ્ટરે (1683–1758) સૌપ્રથમ હાથીદાંતમાંથી પહેરી અને કાઢી શકાય તેવાં દાંતનાં ચોકઠાં બનાવ્યાં.
દાંત કાઢવા માટે વપરાતી ચાવી(key)નું સાધન સૌપ્રથમ સત્તરમી સદીના મધ્યમાં ઉપલબ્ધ થયું. ગેરેનજીઓટના મૂળ સાધનમાં બેન્જામિન બેલે 1786માં સુધારા કર્યા હતા. આ સાધન ઓગણીસમી સદીમાં લુપ્ત થયું. અને તેને સ્થાને દાંત કાઢવાનાં આધુનિક સાધનો વિકસ્યાં. પેરીફોકાર્ડે 1728માં દંતવિદ્યા પર પુસ્તક લખીને દંતવિદ્યાને એક વિશેષવિદ્યા (speciality) તરીકે સ્થાપિત કરી. તેમણે અનેક ધુતારાઓને ઉઘાડા પાડીને દંતવિદ્યાનાં શિક્ષણ, તત્વજ્ઞાન, કળા અને વિજ્ઞાનને સુસ્પષ્ટ કર્યાં. જહોન હંટરે 1771માં દાંતના કુદરતી વિકાસ (natural history of teeth) વિશે અને 1778માં દાંતના રોગો વિશે ઉપયોગી પુસ્તક (Practical Treatise on the Diseases of Teeth) પ્રકાશિત કર્યાં. તેમાંનાં તેમનાં લખાણો યશોદાયી ગણાય છે. નિકોલાસ ડી. ચેતન્ટે ક્ષારીય લુદ્દી વડે દાંતનું ચોકઠું બનાવાનો ઇજારો નોંધાવ્યો હતો. તેના પ્રયત્નો નિષ્ફળ ગયા પણ તેણે કૃત્રિમ-અંગ બનાવવાની નવીન પ્રક્રિયાઓ શોધી. દાંતમાંનો છિદ્રક (drill) અને અન્ય સાધનોવાળું હસ્ત-ઉપકરણ (hand piece) બનાવવાની પ્રક્રિયા જેમ્સ ને સ્મીથ(1829)નાં સંશોધનોથી થઈ. 1838માં જ્હોન લુઈએ તેમાં છિદ્રક ઉમેર્યો. 1846માં એમોસ વેસ્કોટે વીંટી અને છિદ્રક બખોલ(ring and drill socket)ની રચના ઉમેરી જેથી જુદા જુદા માપની છિદ્રક–સૂચિઓ (burs) તેમાં જોડી શકાય. તેમાં સ્પેન્સર (1848) અને શેવેલિઅરે (1850) સુધારા કર્યા. ફિલોસોપરે 1866માં પ્રથમ સ્વયંસંચાલિત યંત્ર વિકસાવ્યું. 1868માં જૉર્જ ગ્રીને વાતાન્વિત યંત્ર (pneumatic machine) વિકસાવ્યું, જેથી દંતવિદ એક હાથમાં હસ્ત-ઉપકરણ અને બીજા હાથમાં નાનો અરીસો રાખીને કામ કરી શકે. 1870માં મોરિસને પગ વડે નિયંત્રિત કરી શકાય તેવી રચના ઉમેરી. 1874માં એસ. એસ. વ્હાઇટ કંપનીએ અસરકારક અને સરળ યંત્ર બનાવીને બજારમાં મૂક્યું.
સૌપ્રથમ દંતવિદ્યાનું સામયિક અમેરિકન જર્નલ ઑવ્ ડેન્ટલ સાયન્સ જૂન, 1839માં પ્રકાશિત થયું. પ્રથમ ડેન્ટલ કૉલેજ બાલ્ટિમોર, યુ.એસ.માં પહેલી ફેબ્રુઆરી, 1840ના રોજ સ્થપાઈ. દંતવિદોનું પ્રથમ રાષ્ટ્રીય મંડળ 1834માં ન્યૂયૉર્કમાં સ્થપાયું.
સૌપ્રથમ ‘ડૉક્ટર’ની પદવી બારમી સદીમાં સમ્રાટ લોઘેર બીજાએ કાયદાના વિષય માટે આપી. 1329માં આસ્ટીની કૉલેજે પ્રથમ તબીબને ડૉક્ટરની પદવી આપી. 1842માં પછી બાલ્ટીમોરની કૉલેજમાંથી ડૉક્ટર ઑવ્ ડેન્ટલ સર્જરી અને 1869માં ડૉક્ટર ઑવ્ ડેન્ટલ મેડિસિનની પદવી અપાતી થઈ.
સિમોન પી. હુલિહેન (1810–57) મુખશસ્ત્રક્રિયા(oral surgery)ની વિદ્યાના પિતા કહેવાય છે. જોકે મુખશસ્ત્રક્રિયાની શરૂઆત કરવાનું માન જેમ્સ ઈ. ગેરિસ્ટોન (1828–95)ને જાય છે. દાંતમાંના કોહવાટ માટે ચેપ અને શોથ (inflammation) જવાબદાર છે, તેવું જ્હોન ટોમ્સે (1815–95) તથા મિલરે (1853–1907) દર્શાવ્યું હતું. જડબાંનાં હલનચલન અને ચાવવાની ક્રિયાનું સૌપ્રથમ વર્ણન વિલિયમ બોનવિલે (1833–99) કર્યું હતું. 1850ના દાયકામાં વલ્કેનાઇટ નામનો પદાર્થ દાંતના ચોકઠા માટે ઉપયોગમાં લેવાયો. તેણે દાંતના ચોકઠા બનાવવાની વિદ્યામાં ઘણી મોટી હરણફાળ ભરી. પ્રથમ પારાના ધાતુમિશ્રણ (amalgam) વપરાતાં. 1826માં ટેવુએ ચાંદીની લૂગદી બનાવી. 1877માં તેમાં સુવર્ણક્ષારો ઉમેરાયા.
સુમેળદંતવિદ્યા (orthodontics) નામની ઉપવિદ્યાના પિતા તરીકે જ્હોન એન. ફરાર (1839–1913) ગણાય છે. સુમેળદંતવિદ્યાના પાયાના સંશોધકોમાં કૅલ્વિન કેસ (1847–1923) તથા વિક્ટર જેકસન(1850–1929)નો સમાવેશ થાય છે. દાંત પાડવા માટે વપરાતી ચામડીને બહેરી કરતી સ્થાનિક નિશ્ચેતના(local anaesthesia)ની શરૂઆત 1851માં ચાર્લ્સ પ્રેવાઝના ઇન્જેક્શનની શોધથી થઈ. ઍલેક્ઝાન્ડર વૂડે 1853માં તેના વડે પીડાનાશક દવાનો ઉપયોગ કર્યો. તેઓ ઓપિયમ અને મૉર્ફિનનો ઉપયોગ કરતા. સપ્ટેમ્બર 1884માં કાર્લ કોલરે કોકેઇનની શોધ કરી સ્થાનિક નિશ્ચેતનાનો પાયો નાખ્યો. તેનો દંતવિદ્યામાં પ્રથમ પ્રયોગ વિલિયમ હૉલ્સ્ટેડે 1884માં કર્યો.
રચના, કાર્ય અને ગોઠવણી : ઉપલા જડબાંના હાડકાને ઊર્ધ્વહનુ-અસ્થિ (maxilla) તથા નીચલા જડબાંના હાડકાને અધોહનુ-અસ્થિ (mandible) કહે છે. અવાળુ ર્દઢબંધક અને મીનાવરણના જોડાણ પર ચોંટેલું છે. અને ત્યાં તે અવાળુનીક અથવા અવાળુગર્ત (gingival sulcus) બનાવે છે. અવાળુનીકમાં કચરો અને ક્ષાર (tartar) જમા થાય છે. દાંતના મૂળ પર તંતુઓનું બનેલું એક પરિદંતિલ તંતુબંધ (periodontal ligament) નામનું આવરણ આવેલું છે જે દાંતના મૂળને દંતબખોલના હાડકા સાથે ચોંટાડી રાખે છે. ચાવતી વખતે દાંત પર આવતા દબાણને સહી લેવાનું કાર્ય (buffer action) પરિદંતિલ તંતુબંધ કરે છે.
દાંતના સામાન્ય રીતે 3 મુખ્ય ભાગ પડે છે : દાંતના બખોલમાં પુરાયેલા ભાગને દંતમૂળ(dental root)કહે છે તથા અવાળુથી બહાર દેખાતા ભાગને દંતમુકુટ (dental crown) કહે છે. તેમને ટૂંકમાં અનુક્રમે મૂળ તથા મુકુટ કહે છે. મૂળ અને મુકુટ વચ્ચેનું જોડાણ કરતા ભાગને દંતગ્રીવા (dental cervix) કહે છે. તેને ગ્રીવારેખ (cervical line) કે કંઠ પણ કહે છે. દાંત દંતિન(dentin) નામના હાડકા જેવા કઠણ અને મજબૂત પદાર્થનો બનેલો હોય છે. તે દાંતને મૂળભૂત આકાર પણ આપે છે. દંતિનમાં એક પોલાણ આવેલું છે. તેમાં મૃદુપેશી (pulp) આવેલી છે તેથી તેને મૃદુપેશીગુહા અથવા પેશીગુહા (pulp cavity) પણ કહે છે. મૃદુપેશીમાં નસો અને ચેતાતંતુઓ (nerve fibres) આવેલાં છે. તે એકબીજા સાથે સંધાનપેશી (connective tissue) વડે ચોંટેલા રહે છે. તેમાં 3 પ્રકારની નસો હોય છે. શુદ્ધ લોહી લાવતી ધમનિકા (arteriole), અશુદ્ધ લોહી લઈ જતી લઘુશિરાઓ (venules) અને લસિકા (lymph) નામનું પ્રવાહી લઈ જતી લસિકાવાહિનીઓ (lymphatics). લઘુશિરા અને ધમનિકાઓને જોડતી કેશવાહિનીઓ(capillaries)નું જાળું પણ પેશીગુહામાં આવેલું હોય છે. મુકુટ, કંઠ તથા મૂળના ઉપલા ભાગમાં પેશીગુહા આવેલી છે અને તે નીચે મૂળમાં એક પાતળી નળી રૂપે લંબાય છે. તેને મૂળનલિકા (root canal) કહે છે. મૂળનલિકાની ટોચ પર એક ટોચછિદ્ર અથવા મૂલાગ્રછિદ્ર (apical foramen) આવેલું છે. પેશીગુહામાંની નસો તથા ચેતાતંતુઓ મૂળનલિકા તથા ટોચછિદ્ર દ્વારા જડબાંમાં આવેલી નસો અને ચેતાઓ સાથે જોડાય છે.
દંતિનના મુકુટવાળા ભાગ પર એક આવરણ હોય છે. તેને મીનાવરણ (enamel) કહે છે. તે કૅલ્શિયમ ફૉસ્ફેટ અને કાર્બોનેટનું બનેલું મોતી જેવી ચમક ધરાવતું આવરણ છે. તે ચાવતી વખતે દાંતને ઘસારો ન પહોંચે તેવું રક્ષણ આપે છે. દાંતના મૂળમાંના દંતિન પર પણ એક આવરણ હોય છે. તેને ર્દઢબંધક (cementum) કહે છે. પરિદંતિલ તંતુબંધ ર્દઢબંધક અને દંતબખોલ વચ્ચે જોડાણ કરે છે. મુકુટ તથા મૂળનાં બંને આવરણો, અનુક્રમે મીનાવરણ અને ર્દઢબંધક, હાડકાં જેવાં જ હોય છે.
જીવનમાં ફક્ત એક જ વખત દાંત ઊગે તો તેને એકદંતોદભવ (monophyodont dentition) કહે છે. માણસમાં દાંત બીજી વખત પણ ઊગે છે. તેને દ્વિભવ દંતોદભવ (diphyodont dentition) કહે છે. ઉપલા અને નીચલા જડબાંમાં દાંતની એક-એક હરોળ આવેલી છે. તેને દંતપંક્તિ કહે છે. તે કમાનના આકારે ગોઠવાયેલી હોય છે; તેથી તેને દંતિલ કમાન (dental arch) પણ કહે છે.
દંતપંક્તિ એક સીધી રેખામાં હોતી નથી. તેથી તેમાં ગોઠવાયેલા દાંતને એકબીજાના સાપેક્ષ રૂપે વર્ણવવામાં આવે ત્યારે આગળ, પાછળ, મધ્યરેખાની પાસે કે મધ્યરેખાથી દૂર એમ વર્ણવાય છે. તેમના સ્થાનના વર્ણનમાં કે તેમની સપાટીઓના વર્ણનમાં તેમની નજીક આવેલી સંરચનાઓ(structures)નો સંદર્ભ લેવાય છે; જેમ કે, દાંતની હોઠના સંસર્ગમાં આવતી સપાટીને ઓષ્ઠીય (labial) કે ગલોફાના સંસર્ગમાં આવતી સપાટીને કપોલીય (buccal) કહે છે. તેવી જ રીતે નીચલી હરોળના દાંતની જીભ તરફની સપાટીને જિહવાલક્ષી (lingual) અને ઉપલી હરોળના દાંતની તાળવા તરફની સપાટીને તાલવ્ય(palatal) કહે છે. મધ્યરેખા તરફ આવેલા દાંત કે તેના ભાગને મધ્યાગ્ર(mesial) તથા તેનાથી દૂર આવેલા દાંત કે તેના ભાગને દૂરસ્થ (distal) કહે છે. ઉપલા અને નીચલા દાંતની ચાવવામાં વપરાતી સપાટી એકબીજાના સંસર્ગમાં આવતી હોઈ તેને સંસ્પર્શી અથવા સંસ્પર્શન(occlusal) – સપાટી કહે છે.
દાંતની સૂક્ષ્મરચના : દાંતની સૂક્ષ્મરચનાના અભ્યાસમાં દંતિન (dentin), મીનાવરણ (enamel), ર્દઢબંધક (cementum) અને મૃદુપેશી(pulp)ને આવરી લેવાય છે.
મીનાવરણ : તે દાંતના મુકુટ પર આવેલું કઠણ મોતી જેવું ચમકતું જાણે મીનો ચઢાવ્યો હોય તેવું આવરણ છે. તેમાં સેન્દ્રીય દ્રવ્ય (organic matter) ઓછું હોય છે. તેમાં 96 % દ્રવ્ય હાઇડ્રૉક્સિએપેટાઇટ હોય છે. સાથે થોડા પ્રમાણમાં કાર્બોનેટ, મૅગ્નેશિયમ, ફ્લોરાઇડ અને ગ્યાલકોપ્રોટીન તથા કિરેટિન જેવું એક પ્રોટીન પણ હોય છે. તે લઘુદંડ(rodlets)ની નાની નાની ભારી (bunch) જેવા દંડો(rods)નું બનેલું હોય છે. અંદરના દંતિનની સપાટીને લંબ રૂપે એકબીજાને સમાંતર સીધા દંડો સપાટી તરફ લંબાઈને ગોઠવાયેલા હોય છે તેથી તે સહેલાઈથી તૂટી શકે છે. પરંતુ દાંતની સંસ્પર્શન સપાટીવાળા વિસ્તારમાં તેઓ એકબીજાને સમાંતર હોતા નથી તેથી ત્યાં તે ચાવવાની પ્રક્રિયા વખતે થતું દબાણ સહન કરી શકે છે. મીનાવરણ મીનાબીજકોષો (ameloblasts) દ્વારા ઉત્પન્ન થાય છે. દાંતની અંદરના આવરણ – અંત:મીનાવરણીય અધિચ્છદ(inner enamel epithelium)માં આ કોષો વિકસે છે. મીનાવરણમાં દંડો, દંડાવરણો (rod sheaths) અને તેમને ચોંટાડી રાખતું આંતરદંડીય ઢબંધકારક દ્રવ્ય (inter rod cementing substance) હોય છે. તેને આંતરત્રિપાર્શ્વીય (interprismatic) દ્રવ્ય પણ કહે છે. જ્યારે દાંતની સપાટી પર ચક્તી રૂપે પદાર્થો ચોંટે ત્યારે તેમાંના ઍસિડ ઉત્પન્ન કરતાં કે પ્રોટીનને ઓગાળી કાઢતાં દ્રવ્યો મીનાવરણના બંધારણને નબળું પાડે છે અને તે દંતિન-મીનાવરણ જોડાણ (dentino-enemal junction) સુધી પહોંચે છે અને તેથી મીનાવરણીય દંડો અને તેમને ચોંટાડી રાખતા દ્રવ્યનો નાશ થાય છે. તેથી નાની દંતગુહિકા (dental cavity) અથવા પોલાણ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને દાંતનો સડો અથવા દંતકુકૃતિ (dental caries) કહે છે. મીનાવરણ જમા થવાની પ્રક્રિયા સતત ચાલુ રહેતી હોય છે. તેથી જુદી જુદી ઉંમરે જમા થયેલું મીનાવરણ છીંકણી રંગની પટ્ટિકાઓ (striae) અથવા લીટીઓ રૂપે જોવા મળે છે. તેને રેટિ્ઝયસની પટ્ટિકાઓ કહે છે. નવા ઊગેલા દાંતમાં છીછરી રેખાઓ જોવા મળે છે. તેને પરિતરંગરેખાઓ (perikymata) કહે છે. આ ઉપરાંત મીનાવરણમાં બહારની સપાટી પર 0.2 માઇક્રો મિ. જેટલું જાડું પ્રારંભિક અને 10 માઇક્રો મિ. જેટલાં જાડાં દ્વૈતીયિક તનુછદ (secondary cuticle) નામનાં પાતળાં આવરણો આવેલાં હોય છે. મીનાવરણ અથવા ઇનૅમલના દંડો ધીમે વૃદ્ધિ પામતા હોય છે. તેના વૃદ્ધિના સમયગાળાને અનુરૂપ મીનાવરણ દંડો પર આડી લીટીઓ હોય છે. તેને અનુપ્રસ્થ રેખિકાઓ (transverse striations) કહે છે, દંડો ઉપરાંત મીનાવરણમાં પટલિકાઓ (lamellae), વેલણિકાઓ (spindles) અને ગુચ્છિકાઓ (tufts) નામની સંરચનાઓ પણ હોય છે. મીનાવરણના બહારના પડ પર તથા દંતિનમાં થોડે અંતર સુધી મરેલા કોષો, અપૂરતા વિકસેલા દંડો તથા અન્ય સેન્દ્રીય દ્રવ્ય પોપડીના રૂપે જમા થાય છે. તેને મીનાવરણીય પટલિકાઓ (enamel lamellae) કહે છે. દંતિનબીજકોષો(odontoblasts)ના વેલણના આકારના તાંતણાઓ દંતિન અને મીનાવરણના જોડાણ પર હોય છે. તેને મીનાવરણીય વેલણિકાઓ (enamel spindles) કહે છે. દંતિન અને મીનાવરણ જોડાણ પાસે મીનાવરણના કેટલાક દંડો અને તેની આસપાસનું દ્રવ્ય અલ્પકૅલ્શીકૃત (hypocalcified) હોય છે. તેમાં કૅલ્શિયમ ઓછું જમા થયેલું હોય છે. તેવા ગુચ્છા જેવા વિસ્તારોને મીનાવરણીય ગુચ્છિકાઓ (enamel tufts) કહે છે.
મીનાવરણ સૌથી કઠણ પેશી છે. તે દાંત પરના ચાવતી વખતે આવતાં દબાણો તથા અન્ય ઘસારાઓને સહી લે છે. દંતિન (dentin) દાંતને આકાર અને મીનાવરણને આધાર આપે છે. મીનાવરણને અધિચ્છદીય ઉપસર્ગ (epithelial appendage) ગણવામાં આવે છે. તે એક વધારાની જોડાયેલી ચીજ (ઉપસર્ગ) છે. તેની બનાવટ માટે પ્રજીવરસ(protoplasm)ની કોઈ વિશેષ જૈવિક ક્રિયાની જરૂર પડતી નથી. જો સ્થાનિક વાતાવરણમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધુ હોય તો મીનાવરણ વધુ કઠણ બને છે.
દંતિન (dentin) : દાંતની મુખ્ય કઠણપેશીને દંતિન કહે છે. તે દાંતને મજબૂતાઈ અને આકાર આપે છે. તે એક વિશિષ્ટ પ્રકારની સંધાનપેશી (connective tissue) છે. તેના કોષોની વચ્ચેના આંતરકોષીય દ્રવ્ય(intercellular substance)માં કૅલ્શિયમ જમા થયેલું હોય છે. તેની અંદર નાની નાની નલિકાઓ હોય છે, જેમાં દંતિનબીજકોષોના પ્રજીવરસ પ્રવર્ધો(protoplasmic processes)ના તંતુઓ આવેલા હોય છે. આ કોષો પેશીગુહા તથા મૂળનલિકાની દીવાલ પર આવેલાં છે. કૅલ્શિયમવાળા આંતરકોષીય દ્રવ્યને દંતિનદળ (dentinal matrix), નલિકાઓને દંતિનનલિકાઓ (dentinal tubules) અને કોષોના તંતુઓને દંતબીજકોષીય પ્રવર્ધો (odontoblastic processes) અથવા ટૉમ્સના તંતુઓ કહે છે. દાંતમાં મૂળ જમા થયેલા દંતિનને પ્રારંભિક દંતિન કહે છે. સમગ્ર જીવન દરમિયાન દંતિન જમા થતું રહે છે. તેને દ્વૈતીયિક (secondary) દંતિન કહે છે. તેમાં દંતિનનલિકાઓ ઓછી અને અનિયમિત હોય છે. રોગ કે ઈજાને કારણે દંતિનને નુકસાન થાય તો તે સ્થળે પુનર્ગઠનીય (reparative) દંતિન જમા થાય છે. તેમાં પણ નલિકાઓ ઓછી હોય છે.
ગર્ભની અંદર અંત:મીનાવરણ અધિચ્છદ (inner enamel epithelium) આવેલું છે. તેમાંથી મીનાવરણ બને છે. દંતીય અંકુર-(dental papilla)ની વચમાં તલીય પડળ (basal lamina) આવેલી હોય છે. સૌપ્રથમ તલીય પડળ દંતિન-મીનાવરણીય જોડાણમાં રૂપાંતરિત થાય છે. ત્યારબાદ દંતીય અંકુરમાંની ગર્ભની મધ્યસ્તરીય પેશી(mesenchyme)ના કોષો દંતિનબીજકોષોમાં રૂપાંતરિત થાય છે. તે દંતિન-મીનાવરણના જોડાણ પર હરોળમાં ગોઠવાય છે. તેમની વચ્ચેથી દંતીય અંકુરના કેટલાક મધ્યસ્તરીય પેશીના કોષોમાંથી તનુતંતુલો (reticulin fibres) પંખાના આકારે ફેલાય છે, જેમાંથી શ્વેતતંતુઓ (collagen) અને પૂર્વદંતિન(predentin)નું દળ બને છે. પૂર્વદંતિનમાં દંતિનબીજકોષોમાં રૂપાંતરિત થાય છે તે કૅલ્શિયમ જમા થાય છે. આ સમયે દંતિનબીજકોષો પૂર્વશ્વેતતંતુઓ(tropocollagen)ના તાંતણા બનાવે છે જેમાંથી શ્વેતતંતુઓ (collagen) બને છે. દંતિનબીજકોષોમાંથી ઝરતું દ્રવ્ય પેશીગુહાની આસપાસ વર્તુળાકારે દંતિન રૂપે જમા થાય છે. આમ દંતિન એ દંતિનબીજકોષોનું ઝરતું દ્રવ્ય અથવા સ્રાવ દ્રવ્ય (secretary product) છે. પેશીગુહાની ચારે બાજુ વર્તુળાકારે જમા થતા દંતિનને પરિપેશીગુહા દંતિન (circum-pulpal dentin) કહે છે. એક વખત દંતિનનું દળ બને એટલે તેમાં કૅલ્શિયમ જમા થાય છે. પુખ્તવયે દંતિનબીજકોષો ઘા કે રોગને કારણે દંતિનમાં જે ઘસારો પહોંચ્યો હોય તેનું પુનર્ગઠન (સમારકામ) કરવા માટેનું દંતિન બનાવે છે. પેશીગુહાની ટોચમાં દંતિનમાં ખાંચા હોય છે. તેને પેશીગુહાશૃંગ (pulpal horns) કહે છે. મોટી ઉંમરે જમા થતા દ્વૈતીયિક (secondary) દંતિનથી તે પુરાઈ જાય છે.
દંતિનમાં 30 % સેન્દ્રિય (organic) દ્રવ્યો અને 70 % અસેન્દ્રિય (inorganic) દ્રવ્યો હોય છે. સેન્દ્રિય દ્રવ્યમાં મુખ્યત્વે કૉલેજનના તંતુઓ અને મ્યૂકોપૉલિસૅકૅરાઇડ હોય છે. તે દંતિનના અણુઓને ચોંટાડી રાખવાનું કામ કરે છે. 70 % અસેન્દ્રિય દ્રવ્યમાં મુખ્યત્વે ઍપેટાઇટ હોય છે. દંતિનના જમા થવામાં અનિયમિતતા આવે તો તેમાં વૉન એબ્નરની રેખાઓ જોવા મળે છે. દંતિનના જે ભાગમાં કૅલ્શિયમ ઓછું જમા થયેલું હોય તેવા વિસ્તારોમાંથી નલિકાઓ પસાર થાય છે. આ નલિકામાં દંતિનબીજકોષોના પ્રવર્ધો પસાર થાય છે. ક્યારેક આવા વિસ્તારોનાં ઝૂમખાં દંતમૂળમાં જોવા મળે છે. તેને ટૉમ્સનું દાણાદાર સ્તર (granular layer of Tomes) કહે છે. દંતનલિકાઓમાંના પ્રવાહીને દંતીય લસિકાતરલ (dental lymph) કહે છે; પરંતુ તે ખરેખરું લસિકાતરલ (lymph) નથી હોતું.
ર્દઢબંધક (cementum) : તે એક વિશિષ્ટ પ્રકારની સંધાનપેશી છે. તેના બે કોષો વચ્ચેના આંતરકોષીય (intercellular) દ્રવ્યમાં કૅલ્શિયમ જમા થયેલું હોય છે અને તે દાંતના મૂળને ગોળ ફરતી પટલિકાઓ (lamellae) અથવા પડળો રૂપે જમા થયેલું હોય છે. તેમાં આવેલાં નાનાં પોલાણો અથવા કોષવિવરિકાઓ(lacunae)માં કોષો આવેલા હોય છે. તેમને ર્દઢબંધકકોષો (cementocytes) કહે છે. કૅલ્શિકૃત દ્રવ્ય ઉપરાંત શાર્પીના તંતુઓ પણ ર્દઢબંધકમાં જોવા મળે છે. તેમાં 55 % સેન્દ્રિય દ્રવ્ય અને 45 % અસેન્દ્રિય દ્રવ્ય હોય છે. અસેન્દ્રિય દ્રવ્ય મુખ્યત્વે કૅલ્શિયમના ક્ષારોનું બનેલું હોય છે. તેની આણ્વિક સંરચના (molecular structure) હાઇડ્રૉક્સિએપેટાઇટ જેવું હોય છે. સેન્દ્રિય દ્રવ્યમાં મુખ્યત્વે શ્વેતતંતુઓ (collagen) હોય છે.
ર્દઢબંધકનાં બે રૂપો છે – કોષીય (cellular) અને અકોષીય (acellular). કોષીય પ્રકાર (કોષોવાળો ભાગ) મૂળની ટોચ પાસે હોય છે, જ્યારે બાકીના ભાગમાં કોષો વગરનું અથવા અકોષીય ર્દઢબંધક હોય છે. કોષીય ર્દઢબંધક જાડું હોય છે. ર્દઢબંધકનું ઉત્પાદન કરતા આદિકોષોને ર્દઢબંધક-બીજકોષો (cementoblasts) કહે છે. હાડકામાંના અસ્થિબીજકોષો (osteoblasts) જેવી રીતે હાડકું બનાવે છે તેમ કદાચ ર્દઢબંધક બીજકોષો ર્દઢબંધક બનાવે છે. ર્દઢબંધક અને મીનાવરણના જોડાણના સ્થાને 60 % કિસ્સામાં ર્દઢબંધક મીનાવરણને સહેજ ઢાંકે છે; 30 % કિસ્સામાં મીનાવરણ તથા ર્દઢબંધક એકબીજાને કિનારી પર મળે છે અને 10 % કિસ્સામાં બંને વચ્ચેનું થોડુંક દંતિન ખુલ્લું બહાર દેખાય છે.
પેશીગુહા : દાંતની અંદરના પોલાણને પેશીગુહા (pulp cavity) કહે છે. તેના મુખ્ય 2 ભાગ છે – મુકુટમાં આવેલો ગુહાખંડ (chamber) અને મૂળમાં આવેલી ગુહાનલિકા કે મૂળનલિકા (root canal). તેમાં સંધાનપેશી, નસો અને ચેતાતંતુઓ આવેલાં છે. તે દાંતની મૃદુપેશી છે. તેનાં મુખ્ય 4 કાર્યો છે : દંતિન(dentin)નું ઉત્પાદન, દાંતનું પોષણ, સંવેદનાઓ(sensations)નું ગ્રહણ અને દાંતનું રક્ષણ. યાંત્રિક, ઉષ્ણતાજન્ય, રાસાયણિક કે જીવાણુજન્ય (bacterial) ઈજા કે ક્ષોભન (irritation) સામે રક્ષણ આપવા તથા થયેલી ઈજાનું સમારકામ કરવા દંતિનનું ઉત્પાદન કરાય છે. તે દાંતની પેશીને પોષણ આપે છે તથા તેમાંના ચેતાતંતુઓ ધ્રુજારી અને દુખાવાની સંવેદના ગ્રહણ કરે છે. પેશીગુહાના રોગો અને વિકારોની સારવાર એ દંતવિદનું મહત્વનું કાર્ય ગણાય છે. તે માટે પેશીગુહાના કદ, આકાર અને સ્થાનની નિશ્ચિત માહિતી જરૂરી બને છે. તે માટે વિવિધ ખૂણેથી એક્સ-રે ચિત્રણો મેળવાય છે. દાંતમાં ઉઝરડો, દબાણ કે સડો(caries) વડે ઈજા થાય ત્યારે મૃદુપેશી સમારકામ માટેનું દંતિન બનાવે છે. તે લાંબે ગાળે નુક્સાનકારક છે કેમ કે તેને કારણે પેશીગુહા નાની થાય છે. આ ઉપરાંત ઉંમર વધવાને કારણે પણ પેશીગુહા નાની થાય છે. દાંતની પેશીગુહાના રોગો અને વિકારોને અંત:દંતવિદ્યા(endodontics)ની વિવિધ પદ્ધતિઓ દ્વારા સારવાર અપાય છે.
દંતમૂળમાં એક કે તેથી વધુ ટોચ છિદ્રો હોય છે. તેના દ્વારા મૂળનલિકા દંતબખોલમાં ખૂલે છે. ક્યારેક એ મૂળનલિકાઓ મૂળમાંથી પસાર થતી હોય છે તો ક્યારેક નદીના મૂળની જેમ પહોળા ત્રિકોણાકાર વિસ્તાર(delta area)ની માફક મૂળનલિકા અનેક છિદ્રો દ્વારા બહારની તરફ ખૂલે છે. પેશીગુહાના ગુહાખંડની છતમાં થઈ કેટલાંક દંતિનનાં પ્રલંબનો (prolongations) અને પ્રવર્ધનો (projections) નીકળે છે. દરેક દાંતની બહારની સપાટી તથા તેની અંદરના પોલાણના કદ અને આકારની ઊંડાણપૂર્વકની માહિતી ઉપલબ્ધ થયેલી છે.
મૃદુપેશી (pulp tissue) : મૃદુપેશીમાં દંતિન બનાવતા દંતિન-બીજકોષો આવેલા હોય છે તથા તેમાંની નસો દંતિનનું પોષણ જાળવી રાખે છે. તેમાંના ચેતાતંતુઓ સંવેદના મેળવવાનું કાર્ય કરે છે. મૃદુપેશીમાં વિવિધ પ્રકારના સંધાનપેશીના કોષો, આંતરકોષીય પ્રવાહી, નસો, ચેતાતંતુઓ તથા લસિકાવાહિનીઓ (lymphatics) હોય છે. મૃદુપેશીમાં દંતિનબીજકોષો, તંતુબીજકોષો (fibroblasts), મધ્યસ્તરીય (mesenchymal) કોષો તથા કોષભક્ષી કોષો (phagocytes) હોય છે. મૃદુપેશીમાં આવેલા ચેતાતંતુઓ દુખાવાની સંવેદનાનું વહન કરે છે. દુખાવાની સંવેદના 2 પ્રકારની છે – તીવ્ર (sharp) અને વિલંબિત (dull). તે બંને માટે જુદા જુદા પ્રકારના ચેતાતંતુઓ હોય છે. તીવ્ર વેદનાના તંતુઓને બહેરા કરવા વધુ કઠિન હોય છે. તે સૌથી છેલ્લે ચેતાઓને બહેરી કરનારી નિશ્ચેતક (anaesthetic agent) દવાની અસરમાં આવે છે અને સૌથી પહેલાં તેમાંથી બહાર આવી જાય છે. મૃદુપેશીમાં લોહીની નસો ઘણી હોય છે અને મૃદુપેશીની ગુહા મોટી થઈ શકતી નથી તેથી અનેક પ્રકારના વિકારોમાં મૃદુપેશીમાંનું લોહીનું પરિભ્રમણ જલદીથી ઘટે છે અને તેથી તેમાં વિકારો અને રોગો જલદીથી થાય છે.
પરિદંતિલ તંતુબંધ (periodontal ligament) : તે એક પડદા જેવી પાતળી સંરચના છે. તેને પરિદંતિલ કલા (periodontal membrane) પણ કહે છે. તે દાંતના મૂળ અને જડબાંના હાડકા વચ્ચેનું જોડાણ છે તથા તે અવાળુને પણ તેના સ્થાને ચોંટાડી રાખે છે. જ્યારે દાંત મોંમાં ઊગે છે તે સમયે દાંતનું મૂળ પૂરેપૂરું વિકસેલું હોતું નથી. દંતમૂળના ર્દઢબંધક(cementum)ના તથા હાડકાના વિકાસ માટેની પેશીઓ વચ્ચે આવેલા ગર્ભીય મધ્યસ્તરપેશી(mesenchyme)ના ગૂંચળાને અંતરાલીય જાળ (intermediate plexus) કહે છે.
જ્યારે દાંતનું મૂળ અને હાડકાનો પ્રવર્ધ પૂરેપૂરાં વિકસે ત્યારે અંતરાલીય જાળ પરિદંતિલ તંતુબંધમાં રૂપાંતરિત થાય છે. પરિદંતિલ તંતુબંધમાં શ્વેતતંતુઓ (collagen fibers), જાળતંતુઓ (reticular fibres), તંતુબીજકોષો (fibroblasts), ર્દઢબંધક બીજકોષો (cementoblasts), અસ્થિબીજકોષો (osteoblasts), અધિચ્છદીય કોષો (epithelial cells), નસો, ચેતાઓ અને લસિકાનલિકાઓ (lymphatics) હોય છે. વિવિધ પ્રકારના બીજકોષો (blast cells) જે તે પ્રકારની પેશીની રચના કરે છે, જેમ કે તંતુબીજકોષોમાંથી તંતુઓ (fibres), ર્દઢબંધક-બીજકોષોમાંથી ર્દઢબંધક (cementum), અસ્થિબીજકોષમાંથી હાડકું વગેરે બને છે. તંતુબંધ મુખ્ય 4 કાર્ય કરે છે : પેશીપ્રસર્જન (tissue formation), પોષણ, આધાર (support) અને સંવેદનાનું વહન કરવું. તેમાંના બીજકોષો દ્વારા પરિદંતિલ તંતુબંધ દાંતની વિવિધ પેશીઓ બનાવે છે, તેમાંની નસો તેમનું પોષણ કરે છે અને તેમાંના ચેતાતંતુઓ સ્પર્શ, દબાણ અને દુખાવાની સંવેદનાનું વહન કરે છે. પરિદંતિલ તંતુબંધનો મુખ્ય ભાગ શ્વેતતંતુઓ (collagen fibres) બનાવે છે તે દાંતને હાડકાની બખોલમાં જકડી રાખે છે તથા અવાળુને પણ આધાર આપે છે. પરિદંતિલ તંતુબંધ 0.15 થી 0.38 મિમી. જેટલો જાડો હોય છે અને 0.25 મિમી. જેટલો પહોળો હોય છે. ઉંમર વધવાની સાથે તેનું કદ ઘટે છે. પરિદંતિલ તંતુબંધના તંતુઓ 7 જૂથમાં ગોઠવાયેલા છે. (1) મુક્ત અવાળુલક્ષી (free gingival) તંતુઓ દાંતની ગ્રીવા (neck) અને અવાળુનાં મુખ્ય પડળ (lamina propria)ને જોડે છે અને અવાળુને તેના સ્થાને ગોઠવી રાખે છે. (2) પારપટલ (transseptal) તંતુઓ બે દાંતની ગ્રીવાને જોડે છે અને તે જડબાંની બખોલની દીવાલની ટોચ પરથી પસાર થાય છે. (3) વાતપુટિલ શીર્ષરેખ(alveolar crest)લક્ષી તંતુઓ દાંતની ગ્રીવા અને જડબાંના હાડકાના વાતપુટિલ પ્રવર્ધની ટોચ વચ્ચે જોડાયેલા હોય છે. તે દાંતને હાલી જતા કે ગોળ ફરી જતા રોકે છે. (4) સમક્ષિતિજ તંતુઓ દાંતની ગ્રીવા અને હાડકા સાથે જોડાય છે અને તે દાંતને ગોળ ફરતા અટકાવે છે. (5) તિર્યક (oblique) અથવા ત્રાંસા તંતુઓ હાડકા અને દાંતના મૂળ પરના ર્દઢબંધકને જોડે છે. તે તંતુઓનું સૌથી મોટું જૂથ છે તથા તે ચાવતી વખતે દાંતને બખોલમાં ઊંડો ઊતરી જતો અટકાવે છે. (6) દંતમૂળની ટોચના (apical) તંતુઓ દાંતના મૂળના ટોચથી પંખાની માફક ફેલાયેલા હોય છે અને હાડકા સાથે દાંતને ચોંટાડે છે. તે દાંતને ગોળ ફરી જતો અટકાવે છે. (7) આંતરમૂલીય (inter-radicular) તંતુઓ બે દાંતના મૂળની વચ્ચેના હાડકાની શીર્ષરેખ (crest) પરથી દાંતના ર્દઢબંધક સાથે પંખાની માફક ફેલાઈને ચોંટે છે અને દાંતને બખોલમાંથી બહાર નીકળી જતો અટકાવે છે.
દાંતના દેખાવનો અભ્યાસ : તેમાં તેની સપાટી પર આવેલી વિવિધ નિશાનીઓનો અભ્યાસ કરાય છે. પાંખડી અથવા દલ (cusp), લઘુગંડિકા (tubercle), શૃંખલા (cingulum), ઉદરેખ (ridge), કિનારીની ઉદરેખ (marginal ridge), ત્રિકોણાકાર ઉદરેખ, આડી ઉદરેખ, કોટર (fossa), નીક (sulcus), ખાંચ (groove), ખંડ (lobe), સૂક્ષ્મખન (pit) વગેરે. વિવિધ પ્રકારની નિશાનીઓ દાંતની સપાટી પર જોવા મળે છે. તેને આધારે દાંતની સપાટીઓનાં ચિત્રો પણ તૈયાર કરી શકાય છે. બોલીના લંબમાપક(gauge)ની મદદથી દાંતની સપાટીઓનાં માપ મેળવી શકાય છે.
દંતલક્ષી શરીરરચનાશાસ્ત્ર(dental anatomy)ના અભ્યાસમાં બંને જડબાંનાં હાડકાં, તેમનાં પોલાણો, તેમના સાંધા, તેમની સાથે જોડાતા તંતુબંધો (ligaments) અને સ્નાયુઓ તથા તેમની નસો અને ચેતાઓનો અભ્યાસ પણ આવરી લેવાય છે.
દંતોદભવ (dentition) : દાંત બનવાની ક્રિયાને દંતોદભવ કહે છે. તેના મુખ્ય 4 તબક્કાઓ ગણી શકાય : (1) કૅલ્શીકરણ (calcification), (2) મુકુટબંધારણ, (3) ઊગમ (eruption) અને (4) મૂળબંધારણ. સામાન્ય રીતે ગર્ભ-અવસ્થાના 12થી 16મા અઠવાડિયામાં (3થી 4 મહિનામાં) દૂધિયા દાંતનું કૅલ્શીકરણ શરૂ થાય છે. દાંતમાં કૅલ્શિયમ જમા થવાની ક્રિયાને કૅલ્શીકરણ કહે છે. જન્મ પછી 4થી 12 મહિનામાં મુકુટ બનવાની ક્રિયા (મુકુટબંધારણ) પૂરી થાય છે અને તેથી 7થી 30 મહિના(સરેરાશ 10થી 29 મહિના)ની ઉંમરે દાંત ઊગે છે. દાંત ઊગવાના બનાવને ઊગમ કહે છે. ત્યારે તે મોંની બખોલમાં દેખાય છે. લગભગ 1½થી 3 વર્ષની ઉંમર સુધીમાં મૂળ બનવાની ક્રિયા (મૂળબંધારણ) પરિપૂર્ણ થઈ રહે છે.
કાયમી દાંતનું કૅલ્શીકરણ જન્મથી શરૂ કરીને 10 વર્ષની ઉંમરમાં પૂરું થાય છે, મુકુટનું બંધારણ 2થી 3 વર્ષે શરૂ કરીને 12થી 16 વર્ષે પતે છે, 6થી 7 વર્ષથી માંડીંને 17થી 21 વર્ષ સુધી કાયમી દાંત ઊગે છે અને તેમના મૂળનું બંધારણ 9 વર્ષથી માંડીને 18થી 25 વર્ષ સુધીમાં પૂરું થાય છે. એક્સ-રે વડે લેવાયેલાં ચિત્રણોની મદદથી કૅલ્શીકરણની શરૂઆત તથા મુકુટ અને મૂળના બંધારણની ક્રિયા પતવાની માહિતી મેળવી શકાય છે.
છોકરાઓ અને છોકરીઓના દંતોદભવમાં થોડોક સમયગાળાનો તફાવત રહે છે. દૂધિયો દાંત જો વહેલો પડી જાય અથવા ન પડે કે જન્મથી ન હોય અથવા તો તેમાં કોઈ ખાસ કુરચના (malformation) થઈ હોય તો કાયમી દાંતના ઉદભવ અને સંસ્પર્શન(occlusion)માં તકલીફ ઉદભવે છે. દાંતના વિકાસ માટે દાંતની અંદર 4 કે વધુ દંતપ્રસર્જનનાં કેન્દ્રો વિકસે છે. દાંતનો વિકાસ જડબાંના હાડકામાંનાં ખાંચ અથવા પોલાણો(crypts)માં થાય છે. પહેલાં મુકુટ અને ત્યારપછી મૂળ બને છે. મુકુટ અને મૂળની સાથે સાથે તેમનાં આવરણો પણ બને છે. મુકુટ અને મૂળની બનાવટનું કાર્ય પૂરું થાય એટલે દાંત મોંની અંદરની દીવાલ–શ્લેષ્મકલા–ને વીંધીને મોંની બખોલમાં બહાર આવે છે. તેને દાંત ઊગવાની ક્રિયા કહે છે. દાંત ઊગે ત્યારપછી પણ તેના મુકુટનો વિકાસ ચાલુ રહે છે. ઊગતા દાંતનું મૂળ લગભગ અર્ધા જેટલું જ વિકસેલું હોય છે તેથી તેનો વિકાસ વધુ સમય સુધી ચાલુ રહે છે. મૂળની ટોચ જ્યારે પૂરેપૂરી બની રહે ત્યારે દાંત બનાવવાની પ્રક્રિયા પતે છે. ઉંમર વધવાની સાથે પેશીગુહા (pulp cavity) નાની થાય છે. તેથી નાનાં બાળકો કરતાં મોટી ઉંમરની વ્યક્તિના દાંત ઓછા સંવેદનશીલ હોય છે.
સામાન્ય રીતે પ્રથમ કાયમી દાઢ 6 વર્ષની વયે મોંમાં ઊગી નીકળે છે. તે સમયે એક પણ દૂધિયો દાંત પડી ગયેલો હોતો નથી. તે દૂધિયા દાંતની છેલ્લી દાઢ પછીની જગ્યામાં ઊગે છે. દૂધિયા દાંત કાયમી દાંત કરતાં નાના હોય છે. તેમની ગ્રીવારેખ (cervical line) સુસ્પષ્ટ હોય છે અને તેમનો કંઠ (neck) સાંકડો હોય છે. તેમનો રંગ ઝાંખો અને તેમનાં મૂળ વધુ ફેલાયેલાં હોય છે.
દૂધિયા દાંત : દાંત ઊગવાની ક્રિયાને ઊગમ (eruption) કહે છે. દરેક વ્યક્તિના જીવનમાં બે વખત દાંત ઊગે છે. બાળપણમાં ઊગતા દાંતને દૂધિયા (milky) કે પતનશીલ (deciduous) દાંત કહે છે. તે 6 મહિનાની ઉંમરથી ઊગવા માંડે છે. કુલ 20 દૂધિયા દાંત હોય છે. બંને જડબાંના 10–10, જેમાં 2 જોડ છેદક દાંત (incisor), એક જોડ ભેદક દાંત અથવા રાક્ષી દાંત (cannine) અને બે જોડ દાઢ (molar) હોય છે. છેદક દાંત પથ્થર ઘડવાના ટાંકણા (chisel) જેવા આકારના હોય છે. તે ખોરાકની વસ્તુને કાપે છે. તે બે જોડમાં હોય છે : મધ્ય (central) છેદક અને પાર્શ્વ (lateral) છેદક. ફૂલની પાંખડીના જેવા આકારવાળા અને તીક્ષ્ણ કિનારીવાળા ચીરતા દાંતને ભેદક દાંત કહે છે. તેની સંસ્પર્શી સપાટી એક પાંદડીના જેવી હોય છે તેથી તેને એકદલીય (cuspid) દાંત કહે છે. છેદક તથા ભેદક દાંતને એકએક મૂળ હોય છે. ઉપલી દાઢને 3 અને નીચલી દાઢને 2 મૂળ હોય છે. દાઢની સંસ્પર્શી સપાટી 4 પાંખડીઓ (cusps) ધરાવે છે. 6થી 12 વર્ષની વયે બધા જ દૂધિયા દાંત ક્રમશ: ખરી પડે છે.
કાયમી દાંત : કાયમી દાંત 6 વર્ષની વયથી ઊગવા માંડે છે. તેને કાયમી દંતોદભવ (permanant dentition) કહે છે. તેમાં કુલ 32 દાંત ઊગે છે. તે દેખાવે દૂધિયા દાંત જેવા જ હોય છે; પરંતુ તેમાં કેટલોક તફાવત પણ હોય છે. 4 પાંખડીઓવાળી દૂધિયા દાંતની 2 જોડને સ્થાને 2 પાંખડીઓવાળી કાયમી દાંતની પૂર્વદાઢ(pre-molar)ની 2 જોડ હોય છે. પૂર્વદાઢની સંસ્પર્શી સપાટી પર 2 પાંખડીઓ હોવાથી તેને દ્વિદલીય (bicuspid) દાંત કહે છે. પૂર્વદાઢને 1 મૂળ હોય છે; પરંતુ ઉપલી હરોળની પ્રથમ પૂર્વદાઢને 2 મૂળ હોય છે. પૂર્વદાઢની પાછળ કાયમી દાઢની 3 જોડ ઊગે છે. જેમ જેમ જડબું મોટું થતું જાય તેમ તેમ કાયમી દાઢની પ્રથમ જોડ 6 વર્ષની ઉંમરે અને બીજી જોડ 12 વર્ષની વયે ઊગે છે. કાયમી દાઢની 3જી જોડ 18 વર્ષની વય પછી ઊગે છે માટે તેને ડહાપણની દાઢ (wisdom tooth) પણ કહે છે. ઉત્ક્રાંતિની ર્દષ્ટિએ આધુનિક માનવનું જડબું નાનું થયેલું છે અને તેથી ઘણી વખત 3જી દાઢને ઊગવાની જગ્યા હોતી નથી. આવા સંજોગોમાં તે જડબાંના વાતપુટિલ પ્રવર્ધમાં ફસાઈને રહી જાય છે. તેને અંતર્બદ્ધ દાંત (impacted tooth) કહે છે. જો તે દબાણ કરે કે દુખાવો કરે તો તેને શસ્ત્રક્રિયા કરીને દૂર કરાય છે. કેટલીક વ્યક્તિમાં તે પૂરેપૂરી વિકસતી નથી. દાઢ ખોરાકને દળીને લોટ અથવા ચૂર્ણ (powder) જેવો બનાવે છે. દાંત વડે કપાઈને, ચિરાઈને તથા દળાઈને ખોરાકના અણુઓ છૂટા પડે છે. અને લાળ સાથે ભળી શકે છે. પાચનક્રિયાનું તે પ્રથમ પગલું છે.
દંતીય સૂત્રો : સસ્તન પ્રાણીઓના દૂધિયા દાંત તથા કાયમી દાંતની ગોઠવણીને વિશેષ સૂત્રો દ્વારા પણ દર્શાવી શકાય છે. છેદક દાંતને ‘I’ની સંજ્ઞા વડે, ભેદક દાંતને ‘C’ની સંજ્ઞા વડે, પૂર્વદાઢને ‘P’ તથા દાઢને ‘M’ સંજ્ઞા વડે ઓળખવામાં આવે છે. માણસના દૂધિયા દાંત માટેનું સૂત્ર નીચે મુજબ છે :
એક બાજુ (ડાબી કે જમણી) પર ઉપલા જડબાંમાં 2 અને નીચલા જડબાંમાં 2 છેદક (I) દાંત, ઉપલા અને નીચલા જડબાંમાં એક એક ભેદક (C) દાંત અને ઉપલા અને નીચલા જડબાંમાં બે બે દાઢ (M) આવેલી હોય છે. તેથી એક બાજુના ઉપલા અને નીચલા જડબાંના દાંતનો સરવાળો 10 થાય છે. અને કુલ 20 દાંત થાય. રોજેરોજના ચિકિત્સાલક્ષી (clinical) વ્યવહારમાં દરેક જડબાંના એક બાજુના દાંતને Aથી E સુધીની સંજ્ઞા અપાય છે. જેમાં મધ્ય છેદકને A, પાર્શ્વ છેદકને B, ભેદકને C, તથા બંને દાઢને D અને E ની સંજ્ઞા અપાય છે. તે નીચે મુજબ દર્શાવાય છે :
તેથી ડાબી બાજુના ઉપલા છેદકને ની સંજ્ઞા વડે, જમણા ઉપલા છેદકને વડે, નીચલા ડાબા છેદકને અને નીચલા જમણા છેદકને વડે દર્શાવાય છે. એક અન્ય પદ્ધતિને વિશ્વવ્યાપી (universal) પદ્ધતિ કહેવાય છે, જેમાં જમણી ઉપલી પાછલી દાઢને Aની સંજ્ઞા અપાય છે અને ત્યાંથી શરૂ કરીને T સુધીની સંજ્ઞાઓ અપાય છે :
આ જ પ્રમાણે કાયમી દાંત માટે પણ દંતીય સૂત્ર અને સંજ્ઞાઓ અપાય છે. કાયમી દાંત માટેનું દંતીય સૂત્ર છે :
જેમાં P = પૂર્વદાઢ, M = દાઢ, I = છેદક દાંત અને C = ભેદક દાંત છે. વિશ્વવ્યાપી અને ચિકિત્સાલક્ષી સંજ્ઞાકરણમાં ABCDને સ્થાને 1,2,3,4 વગેરે વપરાય છે. તેથી વિશ્વવ્યાપી સંજ્ઞાસૂત્ર નીચે મુજબનું થાય છે :
તથા ચિકિત્સાલક્ષી સંજ્ઞાસૂત્ર નીચે મુજબનું થાય છે :
ચિકિત્સાલક્ષી સંજ્ઞાઓ પ્રમાણે બંને છેદકને 1 તથા 2, ભેદકને 3, પૂર્વદાઢને 4 તથા 5 તેમજ દાઢને 6, 7 તથા 8 સંજ્ઞા મળે છે. ઉપલી જમણી છેલ્લી દાઢને વડે તથા પહેલા છેદકને વડે દર્શાવાય છે. તેવી જ રીતે ઉપલી ડાબી બાજુ પર તે બંનેને અનુક્રમે વડે; નીચલી ડાબી બાજુ પર વડે તેમજ નીચલી જમણી બાજુએ તેમને વડે દર્શાવાય છે. ચિકિત્સાલક્ષી સંજ્ઞાકરણ-(notation)ને પામરનું સંજ્ઞાકરણ પણ કહે છે. કમ્પ્યૂટર અને અન્ય શબ્દવ્યાપારી (word processing) પ્રણાલીઓમાં વિશ્વવ્યાપી સંજ્ઞાકરણની પદ્ધતિ વપરાય છે. પામર પદ્ધતિને કમ્પ્યૂટર સાથે સુસંગત કરવા આંતરરાષ્ટ્રીય દંતવિદ્યા મહાસંઘ (Federation Dentaire International, FDI) દ્વારા તેમાં જે ફેરફાર કરાયો છે તેને વિશ્વઆરોગ્ય સંસ્થા (WHO) તથા આંતરરાષ્ટ્રીય દંતીય સંશોધન સંઘ (International Association for Dental Research) દ્વારા પણ સ્વીકારાયો છે. તેમાં મધ્યમાં આવેલા છેદક દાંતને 1નો ક્રમ આપીને દાઢ સુધી ક્રમશ: ક્રમાંક અપાય છે. બંને જડબાંની બંને બાજુએ તે પ્રમાણે કરાય છે. આ બે આંકડાવાળી સંજ્ઞાકરણની પદ્ધતિમાં દશકનો આંકડો ઉમેરાય છે જેમાં કાયમી દાંતમાં ઉપલી જમણી બાજુ માટે 1, ઉપલી ડાબી બાજુ માટે 2, નીચલી ડાબી બાજુ માટે 3, નીચલી જમણી બાજુ માટે 4 નો આંકડો લખાય છે તેવી જ રીતે દૂધિયા દાંત માટે અનુક્રમે 5, 6, 7 અને 8ના આંકડા લખાય છે. તેમને નીચે મુજબ દર્શાવાય છે :
FDI પદ્ધતિમાં 11નો આંકડો અગિયારને બદલે એક એક એમ બોલાય છે. તેવી રીતે જ બીજા બધા આંકડા બોલાય છે.
ચાવવાની ક્રિયા (ચર્વણ, mastication) : તે એક ખૂબ સંકુલ પ્રક્રિયા છે. તેમાં ઉપર નીચે 16 થી 20 મિમી.ના ગાળામાં અને આજુબાજુ 3થી 5 મિમી.ના ગાળામાં નીચલું જડબું હાલે છે. બંધ મોં ખૂલીને પાછું બંધ થવાની ક્રિયાને એક ચક્ર કહીએ તો સામાન્ય રીતે દર 0.6 થી એક સેકન્ડે એક ચક્ર પૂરું થાય છે.
ખોરાકના પ્રકાર પ્રમાણે અને વ્યક્તિગત તફાવત પ્રમાણે ચાવવાની ક્રિયાનું ચક્ર પૂરું થવાનો દર રહે છે. 80 % થી 90 % ચક્રોમાં ઉપલી અને નીચલી હરોળનું સંસ્પર્શન મધ્યસ્થિતિમાં થાય છે. તેથી તેને મધ્યસ્થ સંસ્પર્શન (centric occlusion) કહે છે. મોં ખોલતી અને બંધ કરતી વખતે થોડીક ક્ષણો માટે ઉપલી અને નીચલી હરોળના દાંત એકબીજાને અડતા હોય તેવી જ રીતે એક બાજુથી બીજી બાજુ ખસે અથવા સરકે છે. તેને સંસ્પર્શિત સ્થિતિમાં સરકવું અથવા સંસ્પર્શિત સરણ (contact glide) કહે છે.
કઠણ ખોરાક લેતા ઑસ્ટ્રેલિયન આદિવાસીઓમાં સંસ્પર્શિત સરણનો ગાળો 2.8 ± 0.35 મિમી. જેટલો વધુ હોય છે જ્યારે આધુનિક પકવેલો ખોરાક લેતી વ્યક્તિમાં તે 0.9 ± 0.36 મિમી. જેટલો ઓછો રહે છે. ચાવવાનું દબાણ 40થી 170 મિ. સેકન્ડ જેટલા સમય માટે મધ્યસ્થ સુસ્પર્શનની સ્થિતિમાં સૌથી વધુ રહે છે. મોં ખોલવા અને બંધ થવાની ક્રિયા વચ્ચે લગભગ 100 મી. સેકન્ડ માટે બંને જડબાં એકબીજાની નજીક સ્થિર રહે છે.
ચર્વણની પ્રક્રિયાની તૈયારી ખોરાક દેખવાની સાથે, હાથમાં પકડવાની સાથે કે તેની સુગંધ મેળવવાની સાથે શરૂ થાય છે. મોંમાં હોઠ, જીભ, અવાળુ અને શ્લેષ્મકલામાંના ચેતાતંતુઓ વડે કોળિયાનું કદ, આકાર, કઠણતા વગેરે જાણી શકાય છે. તેના આધારે ચાવવાના સ્નાયુઓનું બળ નક્કી કરાય છે. દાંતની આસપાસની પેશીમાં જરૂરી બળ અંગેની સંવેદના મેળવતા ચેતાતંત્રીય સ્વીકારકો(nerve receptors)ને પરિદંતિલ સ્વીકારકો (periodontal receptors) કહે છે. જીભ, તાળવા અને ગલોફાની શ્લેષ્મકલા તથા પરિદંતિલ સ્વીકારકોની મદદથી જેટલા પ્રમાણમાં કોળિયો પોચો અને ચવાયેલો થયો હોય તેટલા પ્રમાણમાં ચર્વણના સ્નાયુઓ(muscles of mastication)નું બળ પણ ઘટાડાય છે.
સારણી 1 : કાયમી દાંતના બનતા ખૂણા
હરોળ | દાંત | મધ્ય–દૂરસ્થ
તલમાં ખૂણો* |
ચહેરા–જિહવાલક્ષી
તલમાં ખૂણો* |
ઉપલી હરોળ | મધ્યછેદક(1)
પાર્શ્વછેદક(2) ભેદક (3) પૂર્વદાઢ (4) પૂર્વદાઢ (5) દાઢ (6) દાઢ (7) |
2
7 17 9 5 10 8 |
28
26 16 5 6 8* 10 |
નીચલી હરોળ | મધ્યછેદક (1)
પાર્શ્વછેદક (2) ભેદક (3) પૂર્વદાઢ (4) પૂર્વદાઢ (5) દાઢ (6) દાઢ (7) |
2
0 6 6 9 10 14 |
22
23 12 9 9 20 20 |
* મધ્ય-દૂરસ્થતલ, mesiodistal plane, ચહેરાજિહવાલક્ષી તલ (faciolingual plane)
દંતીય સુસ્પર્શન (occlusion) : બંધ મોંમાં ઉપલી અને નીચલી હરોળના દાંત એકબીજાની નજીક જે સ્થિતિમાં રહે તેને સંસ્પર્શન અથવા દંતીય સંસ્પર્શન કહે છે. આ વિભાવનામાં ચૂર્ણન પ્રણાલી (masticatory system) અને મોંના ચલનવર્તન(motor behaviour of mouth)ને પણ આવરી લેવાય છે. તેથી દાંત, જડબાંના સાંધા તથા માથા અને ડોકના સ્નાયુનાં કાર્યનો તેમાં સમાવેશ કરાય છે.
સંસ્પર્શનના અભ્યાસ માટે મુખ્યત્વે 9 બાબતો પર ધ્યાન અપાય છે : (1) સંસ્પર્શનનો વિકાસ, (2) દંતીય કમાનનો આકાર, (3) દંતીય કમાનના ક્ષતિપૂરક (compensating) વળાંકો, (4) અલાયદી રીતે થતો દરેક દાંતનો ખૂણો (સારણી 1), (5) દરેક દાંતની છેદક અને સંસ્પર્શન સપાટીની કાર્યલક્ષી વિશેષતા, (6) મધ્યસ્થ સંસ્પર્શનની સ્થિતિમાં દરેક દાંતનું તેના વિરોધી ધર્મવાળા દાંતના સંદર્ભમાં સ્થાન, (7) મધ્યસ્થ સંસ્પર્શનમાં દરેક દાંતનો સ્થિર સ્થિતિમાં સ્થાનસંદર્ભ, (8) મધ્યસ્થ સંસ્પર્શનમાં ચાવતી વખતે દરેક દાંતનો સ્થાનસંદર્ભ (anatomic relation) તથા (9) ચેતા-મનોવર્તનલક્ષી પાસાં (neuro-behavioral aspects).
જ્યારે મોં બંધ હોય ત્યારે દાંતની સંસ્પર્શન સપાટીમાંના ખાડા અને ઊપસેલા ભાગ એકબીજા સાથે બંધ બેસે છે કે નહિ તેનો અભ્યાસ કરાય છે. ચાવવાની પ્રક્રિયામાં બંને હરોળના દાંત એકબીજાની નજીક આવે ત્યારપછી થોડીક ક્ષણો માટે એકબીજા પર સરકે છે. તેને સંસ્પર્શિત સરણ (contact glide) કહે છે. તે સમયે પણ તેમની સંસ્પર્શન સપાટી પરના ખાડા અને ઊપસેલા ભાગ એકબીજાને અનુકૂળ વળાંકવાળા છે કે નહિ તેનો પણ અભ્યાસ કરાય છે. આમ, સંસ્પર્શન-પ્રણાલીના અભ્યાસમાં સ્થિરસ્થિતિ તથા ચલિતસ્થિતિ – એમ બંને સ્થિતિઓનો અભ્યાસ આવરી લેવાય છે. બચકું ભરતી વખતે કે ચીરતી વખતે નીચલું જડબું આગળની તરફ ખસે છે. તેને લીધે થતી સંસ્પર્શનની સ્થિતિને પૂર્વચાલી સંસ્પર્શન (protrusive occlusion) કહે છે. સ્થિર સ્થિતિમાં કે ચાવતી વખતે ઉપલી અને નીચલી હરોળના દાંતની સંસ્પર્શનક્ષમતાને જાળવી રાખવું જરૂરી બને છે. તેને સંસ્પર્શનસ્થિરતા (occlusal stability) કહે છે. દાંતને થતી ઈજા કે રોગ તેમજ જડબાંનાં હાડકાં, સ્નાયુઓ તથા સાંધાના રોગ કે વિકારોમાં આ સ્થિરતા ઘટે છે.
મુખરોગવિદ્યા (oral pathology) : મોં અને મોંની આસપાસના વિસ્તારોના રોગો, વિકારો તથા વિકૃતિઓના અભ્યાસને મુખરોગવિદ્યા (oral pathology) કહે છે. તેમાં તેનાં કારણો, પ્રક્રિયા તથા તેમની સંરચના તેમજ કાર્ય પરની અસરને આવરી લેવાય છે. તેમાં સામાન્ય રીતે દાંતના આકાર, સંરચના તથા કાર્યના વિકારોને, દાંતને આધાર આપતા અને તેને વીંટાળી દેતી (investing) સંરચનાઓના વિકારોને, મોંના પોલાણમાંની બધી જ સંરચનાઓ જીભ, તાળવું, અવાળુ વગેરેના વિકારોને, જડબાં, લાળગ્રંથિ તથા લમણાનાં હાડકાં અને નીચલા જડબા વચ્ચેના જોડાણ-(temporomandibular joint)ના વિકારોને આવરી લેવાય છે. (અવાળુ તથા તેના રોગો માટે જુઓ વિ. કો ખંડ–1, પાન 518).
દાંતના વિકારો (disorders) અને વિકૃતિઓ (structural abnormalities) : જ્યારે એક કે વધુ દાંત સામાન્ય કદથી મોટા હોય ત્યારે તેને મહાદંતિતા (macrodontia) કહેવાય છે. એક કે વધુ દાંત તેમના સામાન્ય કદથી નાના હોય તો તેને લઘુદંતિતા (microdontia) કહે છે. જો બધા જ દાંતની જન્મજાત ગેરહાજરી હોય તો તેને નિષ્દંતિતા (anodontia) કહે છે. બધા જ દાંત પડી ગયા હોય તેવી સ્થિતિને અદંતિતા કહે છે અને આવી વ્યક્તિને અદંતિલ (edentulous અથવા edentate) કહે છે.
દાંતના વિકાસ વખતે કેટલીક અનિયમિતતાઓ થાય ત્યારે તેમાં સંરચનાલક્ષી વિકૃતિઓ આવે છે. તેમને કુરચનાઓ (anomalies) પણ કહે છે. જો મીનાવરણ (enamel) વિકસ્યું ન હોય તો તેને મીનાવરણીય અલ્પવિકસન (enamel hypoplasia) કહે છે. સારણી 2માં જન્મજાત કુરચનાઓ દર્શાવી છે. કુરચનાઓ 2 પ્રકારની છે : વિકાસલક્ષી (developmental) અને આકારલક્ષી (related to form and shape).
અપર્યાપ્ત દંતિનજનન(dentinogenesis imperfecta)માં દાંતના મુકુટમાંના દંતિનનું ઉત્પાદન અપૂર્ણ અને અયોગ્ય પ્રકારનું થાય છે. આ વિકારને વારસાગત અપારદર્શક દંતિન(hereditary opalescent dentin)નો વિકાર પણ કહે છે. તેમાં અપૂર્ણપારદર્શક અથવા પારભાસક(transparent)થી માંડીને અપારદર્શક દાંત બને છે. તેમાં દંતિન પરના મીનાવરણ(enamel)ના ઘસારાને કારણે (attrition) પોપડીઓ (chipping) થાય છે. દાંતનું મૂળ તૂટી જવાથી દંતમૂલભંગ (root fracture) થવાની સંભાવના વધુ રહે છે. તેમાં મૂળભૂત સ્વરૂપે દંતિનમાં પૂરતા પ્રમાણમાં ક્ષાર જમા થયલો હોતો નથી. તેને કારણે મૂળ ટૂંકાં રહે છે અને પેશીગુહા પુરાયેલી હોય છે. આવો વિકાર હાડકામાં પણ થાય છે. જેને અપર્યાપ્ત અસ્થિજનન (osteogenesis imperfecta) કહે છે.
સારણી 2 : દાંતની જન્મજાત કુરચનાઓ (congenital anomalies)
કુરચના | વિકૃતિ | |
અ. | વિકાસલક્ષી કુરચનાઓ : | |
1. | મીનાવરણીય અલ્પવિકસિન
(enamel hypoplasia) |
મીનાવરણ(enamel)નો ઓછો
વિકાસ. |
2. | અપર્યાપ્ત મીનાવરણજનન
(amelogenesis imperfecta) |
મીનાવરણનું અયોગ્ય કે
અપૂર્ણ સર્જન. |
3. | અપર્યાપ્ત દંતિનજનન
(dentinogenesis imperfecta) |
દંતિન(dentin)નું અયોગ્ય
અને અપૂર્ણ સર્જન. |
4. | દંતમૂલીય કુવિકસન (dentinal
dysplasia) |
દાંતના અયોગ્ય વિકાસને
કારણે દાંતનું મૂળ ન બને. |
5. | અલ્પફૉસ્ફેટ-રુધિરતા
(hypophosphatasaemia) |
લોહીમાં ફૉસ્ફેટની ઊણપથી
થતો દાંતનો વિકાર. |
6. | ફૉસ્ફેટેઝ-ઉત્સેચકની અલ્પતા
(hypophosphatasia) |
જન્મજાત ફૉસ્ફેટેઝ નામના
ઉત્સેચકોની ખામીથી થતો દાંતનો વિકાર. |
7. | સ્થાનિક દંતીય દુર્વિકસન
(regional odontodysplasia) અથવા છદ્મદંત (ghost tooth) |
કોઈ એક દાંતનો
અયોગ્ય વિકાસ. |
8. | દંતિન અને મીનાવરણ અવિકસન
(dentin-enamal aplasia) |
દંતિન તથા મીનાવરણનો
વિકાસ ન થવો. |
આ. | આકારલક્ષી કુરચનાઓ : | |
1. | સંયુક્તન (fusion) | બે દાંતનું એકબીજાને ચોંટી
જવું. |
2. | સહસર્જન (concrescence) | બે દાંતનાં મૂળ એકસાથે
ઉત્પન્ન થવાથી જોડાઈ જાય તે. |
3. | દંતવંકિતા (dilaceration) | દાંતની લંબઅક્ષમાં ખૂણો બને |
4. | પક્ષીપાદ દંત (talon cusp) | પક્ષીના પગની જેમ દાઢની
પાછળ તરફ લંબાયેલા પ્રવર્ધવાળી સપાટી. |
5. | અધિક ક્રમાંકી દાંત
(supernumerary tooth) |
વધારાની સંખ્યાના દાંત |
મીનાવરણ(enamel)ના ઓછા વિકાસનું કારણ તેના સર્જન વખતે ઉદભવતા વિકારો છે; તેથી કાં તો તેનો વિકાસ અટકે છે અથવા ઓછો થાય છે. તેથી મીનાવરણ અલ્પવિકસનના વિકારમાં મીનાવરણમાં ખાડા અને ખાંચા પડે છે. વધુ તીવ્ર વિકારમાં આવા ખાડા અને ખાંચા દાંતના મુકુટ પર સમક્ષિતિજ રેખાઓમાં ગોઠવાયેલા જોવા મળે છે અને ક્યારેક તે છેક દંતિન (dentin) સુધી ઊંડા પણ હોય છે. મીનાવરણ બનતું હોય કે તેમાં કૅલ્શિયમ જમા થતું હોય તે સમયે તાવ આવે, ઉપદંશ(syphilis)નો રોગ થયેલો હોય, અપૂરતું પોષણ મળે કે અતિ-ફ્લોરિલતા (fluorosis) થાય તો મીનાવરણ બનાવવાની ક્રિયા – મીનાવરણજનન(melogenesis) – અસરગ્રસ્ત થાય છે અથવા અપૂરતા કૅલ્શિયમને કારણે બનેલું મીનાવરણ તૂટી જાય છે.
મીનાવરણ પર 3 પ્રકારની વિકૃતિઓ જોવા મળે છે : (1) સામાન્ય દેહધાર્મિક ક્રિયાઓમાં ઘર્ષણજન્ય ઈજા, (2) અસામાન્ય ઘર્ષણકારી અને વિકારકારી (pathological) ઈજા અને (3) દાંતના ભાગોનો રસાયણજન્ય નાશ. ચાવવાની સામાન્ય દેહધાર્મિક ક્રિયા વખતે થતા દાંતના મીનાવરણના ઘસારાને સામાન્ય ઘર્ષણજન્ય ઈજા (attrition) કહે છે. અસામાન્ય ઈજા; દા. ત., દંતમંજનથી ઈજા, બાહ્યપદાર્થથી ઈજા વગેરે. અન્ય પ્રકારની થતી ઈજા વિકારકારી (pathological) છે. તેનાથી પડતા ઉઝરડાને અસામાન્ય ઘર્ષણજન્ય ઈજા કે ઉઝરડા (abrasion) કહે છે. સામાન્ય રીતે દાંતના ખુલ્લા ભાગ તથા ક્યારેક સંસ્પર્શન-સપાટી પર ઉઝરડા થાય છે. જીવાણુજન્ય (bacterial) રસાયણો સિવાયનાં રસાયણોથી થતા નાશને રસાયણજન્યનાશ (erosion) કહે છે. જીવાણુજન્ય રસાયણોથી થતા દાંતના નાશને દંતીય કુકૃતિ અથવા દાંતનો સડો (dental caries) કહે છે. કાર્બોનેટેડ પીણાનું અતિસેવન, લીંબુ કે અન્ય સાઇટ્રસ ફળોને સતત ચૂસવાની ટેવ કે વારંવાર પેટમાંનું ખાટું પ્રવાહી મોંમાં આવે તો દાંતનો રસાયણજન્ય નાશ થાય છે. સામાન્ય રીતે તે દાંતની હોઠ કે ગલેફા તરફની સપાટી પર જોવા મળે છે.
દાંતની સંપૂર્ણ બનાવટ થયા પછી કોઈ પણ કારણસર જે નવું દંતિન (dentin) જમા થાય તેને દ્વૈતીયિક દંતિન (secondary dentin) કહે છે. તે પેશીગૃહાની ગોળફરતે જમા થાય છે. દંતિનને ઈજા થાય કે તેની નલિકાઓ ખુલ્લી થાય ત્યારે પ્રક્રિયા રૂપે કઠણ દંતિન જમા થાય છે. તેને દંતિનકાઠિન્ય (sclerotic dentin) કહે છે. તે સામાન્ય દંતિન કરતાં વધુ પ્રમાણમાં પારભાસક (translucent) બને છે. દ્વૈતીયિક દંતિનનાં મુખ્ય કારણોમાં દંતિનના ઉઝરડા, દંતિનનો નાશ, દાંતનો સડો (dental caries), દાંત પરની શસ્ત્રક્રિયા, દાંત તૂટવો, મોટી ઉંમર થવી વગેરે ગણાય છે.
પેશીગુહામાં કૅલ્શિયમયુક્ત પદાર્થ જમા થાય તો તેને પેશી-પથરી અથવા પેશી-અશ્મરી (pulp stone) કહે છે. તેને દંતિનલ (denticle) પણ કહે છે. તે બે પ્રકારની હોય છે : દંતિન બીજકોષો (odontoblasts) દ્વારા બનતી પેશીપથરી સાચી પથરી ગણાય છે જ્યારે મૃદુપેશીમાંની દુ:ક્ષીણતાને કારણે ઉદભવતી પથરી ખોટી પથરી ગણાય છે. પરિદંતિલ-કલામાં થતા કૅલ્શિયમવાળા પદાર્થોને ર્દઢબંધલ (cementicle) કહે છે.
જ્યારે દાંત બની રહ્યો હોય ત્યારે કોઈ ઈજાને કારણે તેનો નવો બનતો ભાગ મૂળ બની ગયેલા ભાગ પર ખૂણો બનાવે ત્યારે તેને દંતવક્રિતા કે દંતવંકિતા (dilaceration) કહે છે.
કેટલાક વિકારોમાં દાંતના મૂળ પર આવેલા ર્દઢબંધક(cementum)નું ઉત્પાદન વધે છે. તેને અતિર્દઢબંધકતા (hypercementosis) કહે છે. તે દાંતના શોથજન્ય વિકારો (inflammatory disorders)માં, દાંત પરના ઉઝરડા, દાંતનો નાશ, કુસ્પર્શન (malocclusion), દાંતનો વધુ પડતો ઉપયોગ, દાંત કચકચાવવાની ટેવ, દાંતનો પેજેટનો રોગ વગેરે વિવિધ રોગો – વિકારોમાં જોવા મળે છે.
દંતડાઘ એટલે દાંત પર ડાઘા પડવા. તેને શાસ્ત્રીય રીતે દંતવર્ણકતા (dental pigmentation) કહે છે. તે મર્યાદિત કે વ્યાપક હોય છે. તેનાં મુખ્ય આંતરિક કારણોમાં ગર્ભની રક્તકોષલયતા (erythroblastosis foetalis), જન્મજાત કમળો, પોર્ફાયરિયા, નાના બાળકની ટેટ્રાસાઇક્લિન વડે સારવાર કરવી તથા વૃદ્ધત્વ છે. મોટી ઉંમરે દંતિન કાઠિન્ય અને મૃદુપેશીમાં થતો ઘટાડો દાંતનો રંગ બદલે છે.
દંતભંગ (fracture of a tooth) એટલે દાંત તૂટી જવો. તે સામાન્ય રીતે આકસ્મિક ઈજાથી થાય છે. દાંતના બે ટુકડા વચ્ચેની તિરાડમાં સૌપ્રથમ લોહી તથા પેશીનું પ્રવાહી ઝમે છે. ત્યારબાદ તેમાં તંતુબીજકોષો (fibroblasts) અને પેશીચરકોષો (wandering cells) પ્રવેશે છે અને પુનર્ગઠન શરૂ થાય છે. સંધાનપેશી (connective tissue) અને લોહીની નસો તેમાં વિકસે છે. અને તે સમયે થોડા પ્રમાણમાં દંતિનનું પુન: શોષણ થાય છે. તેમાં ત્યારપછી ર્દઢબંધક (cementum) જમા થાય છે અને પરિદંતિલકલાના જેવા શ્વેતતંતુઓ (collagen) જમા થાય છે. જો દાંતના બંને ટુકડા વચ્ચે ઓછી જગ્યા હોય તો પૂરેપૂરું જોડાણ થાય છે. જો તિરાડ વધુ પહોળી હોય તો બંને ટુકડા અલગ રહે છે, અને તેમાં ક્યારેક હાડકું બને છે. પેશીગુહાના કોષો કાર્યરત થઈને દ્વૈતીયિક દંતિન (secondary dentin)નું ઉત્પાદન કરે છે. દ્વૈતીયિક દંતિન વધુ ઘનતાવાળું (dense) હોય છે અને પેશીગુહાને ખુલ્લી પડી જતી અટકાવે છે.
જડબાંના હાડકામાંથી ન ઊગી શકતા દાંતનાં અનેક કારણો છે. તેને અંતર્બદ્ધ (impacted) દાંત કહે છે. તેમાં દાંત બનાવતી કે જડબાં બનાવતી ગર્ભીય પેશીનો વિકાર અથવા અન્ય કારણો હોય છે. ક્યારેક દાંત અને જડબાંનાં હાડકાં એકબીજાને ચોંટેલાં રહે છે. ક્યારેક વારસાગત કારણો, અંત:સ્રાવી ગ્રંથિ(endocrine glands)ના વિકારો કે અન્ય સંલક્ષણો (syndromes) જવાબદાર હોય છે.
દાંત મોડા ઊગવાનાં પણ અનેક કારણો હોય છે; જેમ કે, ગલગ્રંથિ (thyroid gland) કે પીયૂષિકા-ગ્રંથિ(pituitary gland)ના કાર્યની ઊણપ હોય, વિટામિન ‘ડી’ ની ઊણપ હોય કે કેટલાક અન્ય જન્મજાત કે અન્ય સંલક્ષણો હોય તો દાંત મોડા ઊગે છે; દા. ત., અકાસ્થિજનનજન્ય વામનતા (achondroplastic dwarfism), અસ્થિ-અશ્મરિતા (osteopetrosis), હાંસડી અને ખોપરીના હાડકાની દુ:અસ્થિલતા (dysostosis), ગાર્ડનરનું સંલક્ષણ (syndrome), મૉંગોલિતા (mongolism), અવાળુની તંતુઅર્બુદતા (fibromatosis gingivae) વગેરે. ગાર્ડનરના સંલક્ષણમાં જડબાંના હાડકામાં અનેક ગાંઠો થાય છે, આંતરડાંમાં ઘણા મસા (polyps) થાય છે તથા અનેક વધારાના અને જડબાંમાં ભરાઈ રહેલા દાંત ઊગે છે. આ સાથે ચામડીમાં અને અન્ય સ્થળે પણ નાની નાની ગાંઠો થાય છે.
દાંત શોષાઈ જવાની ક્રિયાને દંતીય પુન:શોષણ (resorption of teeth) કહે છે. ક્યારેક તેનું કારણ જાણી શકાતું નથી તો ક્યારેક તેનું કારણ દાંતના મૂળની ટોચ આસપાસ શોથકારી (inflmmatory) વિકાર, કોષ્ઠ (cyst) કે ગાંઠ હોય છે તો ક્યારેક તેનું કારણ ચાવતી વખતે આવતું વધુ પડતું દબાણ હોય છે. ક્યારેક જડબાંમાંનો અંતર્બદ્ધ (impacted) દાંત ફરીથી શોષાઈ જાય છે.
દાંત ઊગે ત્યારે ક્યારેક અવાળુ સૂજીને લાલ થઈ જાય છે અને જાણે ત્યાં શોથજન્ય વિકાર (inflammatory disorder) થયો હોય તેવું ર્દશ્ય થાય છે. તેને દંતઊગમલક્ષી અવાળુશોથ (eruption gingivitis) કહે છે. ત્રીજી અથવા ડહાપણની દાઢ ઊગે ત્યારે ક્યારેક પેશીમાં સોજો આવે, મોઢું ખોલવામાં તકલીફ પડે (મુખબદ્ધતા, trismus), પરુ થાય અને સ્થાનિક લસિકાગ્રંથિઓ(lymph nodes)માં વેળ ઘાલે છે.
દાંતનો સડો : તેને દંતીય કુકૃતિ (dental caries) પણ કહે છે. એ દાંતનો સૌથી વધુ થતો વિકાર છે. તેમાં જીવાણુ (bacteria) અને રસાયણોને કારણે દાંતના હાડકા જેવા મજબૂત ભાગો દંતિન (dentin), મીનાવરણ (enamel) અને ર્દઢબંધક (cementum)માંનું કૅલ્શિયમ અને અન્ય અસેન્દ્રિય પદાર્થો ઘટી જાય છે અને તે તૂટી જાય છે. આવા દાંતને સડી ગયેલો દાંત અથવા કુકૃત દાંત (carious tooth) કહે છે. આ વિકાર સર્જાવા માટેનાં કારણભૂત પરિબળોને સમજાવવા 3 જુદી જુદી સંકલ્પનાઓ (concepts) વિચારાયેલી છે: (1) અમ્લજન્ય (acidogenic) વિભાવના, (2) પ્રોટિનલયી (proteolytic) વિભાવના અને (3) પ્રોટિનલયી કિલેશન(proteolytic-chelation)ની વિભાવના.
એવું મનાય છે કે દાંતના સડાના માટે જીવાણુઓ જવાબદાર છે. તે માટે 1890માં મિલરે પરોપજીવી અને રાસાયણિક પરિબળોની વિભાવના (chemico-parasitic theory) મૂકી હતી. તે આજે પણ સ્વીકાર્ય ગણાય છે. મોંમાં રહેતા ઘણા જીવાણુઓ કાર્બોહાઇડ્રેટ્સમાંથી લૅક્ટિક ઍસિડ બનાવી શકે છે અને પછી તેના અમ્લકારી (acidic) વાતાવરણમાં તે જીવે છે. દાંત પરનાં સ્થાનિક કારણોને લીધે ચોક્કસ દાંત પર સડાની પ્રક્રિયા શરૂ થાય છે. જેના મોંમાંના દાંતમાં સડો થાય તેના મોંમાં લૅક્ટિક ઍસિડ ઉત્પન્ન કરતા જીવાણુઓની સંખ્યા ઘણી વધુ હોય છે. લૅક્ટિક ઍસિડ ઉત્પન્ન કરતા અને સડો કરતા જીવાણુઓમાં લૅક્ટોબેસિલાઇ, કેટલાક સ્ટ્રૅપ્ટોકોકાઇ (દા. ત., એસ. મ્યુટન્સ) તથા અન્ય જીવાણુઓનો સમાવેશ થાય છે.
લાળમાંના ખાંડ કે ખાંડ જેવા ગળ્યા શર્કરાભ પદાર્થો (mucoids) અને સૂક્ષ્મજીવોનો નિક્ષેપ (precipitation) પાતળી પોપડી રૂપે દાંતની સપાટી પર ચોંટે ત્યારે તેને દંત-ચકતી (dental plaque) કહે છે. તે દાંતનો સડો અને અવાળુશોથ(gingivitis)ની શરૂઆત કરે છે. આમ શર્કરાવાળા કાર્બોદિત પદાર્થો (carbohydrates) અને લૅક્ટિક ઍસિડ બનાવતા સૂક્ષ્મજીવો જ્યારે દાંતના સતત સંપર્કમાં આવે ત્યારે સડાની પ્રક્રિયાની શરૂઆત થાય છે. તેમાં અન્ય પરિબળો સાથ પુરાવે છે, જેમ કે અપૂર્ણ રૂપે તૈયાર થયેલો દાંત, ઘટેલો લાળનો સ્રાવ, લાળની ચીકાશમાં વધારો, લાળનાં જીવાણુનાશક દ્રવ્યોમાં ઘટાડો તથા પોચો અને અતિશોધિત (highly refined) કાર્બોહાઇડ્રેટવાળો ખોરાક (દા.ત., ખાંડ, ચૉકલેટ વગેરે). ચાવતી વખતે ઉપલા અને નીચલા જડબાંના દાંત એકબીજાને યોગ્ય રીતે સ્પર્શે તેને સુસ્પર્શન (occlusion) કહે છે. જ્યારે તેમાં કોઈ વિકાર થાય ત્યારે તેને કુસુસ્પર્શન (malocclusion) કહે છે. કુસુસ્પર્શન પણ દાંતમાં સડો લાવવામાં એક પરિબળ તરીકે કાર્ય કરે છે.
દાંતના સડાને કારણે દાંતનો કેટલોક ભાગ પોલો થઈ જાય છે. સડાથી થતા પોલાણનો આકાર શંકુ જેવો હોય છે. દાંતના ઉપલા મીનાવરણ(enamel)ની સપાટ સપાટીમાં સડો થાય ત્યારે તેના શંકુ આકારના પોલાણનો પાયો મીનાવરણની સપાટી પર હોય છે; પરંતુ તેના ખાંચા અને ખાડાવાળા ભાગમાં સડો થાય તો તેના શંકુનો પાયો દંતિન અને મીનાવરણના જોડાણ પર હોય છે. દંતિનમાં સડો થાય ત્યારે પણ તેના શંકુનો પાયો દંતિન અને મીનાવરણના જોડાણ પર આવેલો હોય છે.
મીનાવરણ(enamel)માંના સડામાં મુખ્યત્વે કૅલ્શિયમના પ્રમાણમાં ક્રમશ: ઘટાડો થાય છે. આંતરત્રિપાર્શ્ર્વીય દ્રવ્યમાંના કૅલ્શિયમમાં ઘટાડો થવાથી મીનાવરણના દંડો (rods) ખુલ્લા પડે છે અને તેમના પરની રેખાઓ અને પટ્ટિકાઓ સ્પષ્ટ દેખાય છે (segmented appearance). આ સમયે દંડો તૂટવા માંડે છે અને પોલાણ સર્જાય છે. તેને કારણે મીનાવરણમાં દોષવિસ્તારના 3 જુદા જુદા સ્પષ્ટ વિભાગો પડે છે. દંતિનના સડામાં દંતિન-નલિકાઓમાં 5 જુદા જુદા સ્પષ્ટ વિભાગો પડે છે : (1) દંતિનનું પેશીદળ (matrix) છૂટું પડે છે અને તેમાંનું કૅલ્શિયમ જતું રહે છે. કૅલ્શિયમના આ પ્રકારના નાશની ક્રિયાને અકૅલ્શીકરણ (decalcification) કહે છે. તેને પૂર્ણ અકૅલ્શીકરણનો વિસ્તાર કહે છે. (2) સૂક્ષ્મજીવોએ જ્યાં પેસારો કર્યો હોય ત્યાં અકૅલ્શીકરણની શરૂઆત થાય છે. તેને અકૅલ્શીકરણના આરંભનો વિસ્તાર કહે છે. (3) દંતિનબીજકોષો(odontoblasts)ના રેસાઓ(processes)માં કૅલ્શિયમ જવાથી થતો કાઠિન્યવિસ્તાર (sclerotic zone). તેને કારણે દંતિનનલિકાઓ પુરાઈ જાય છે. (4) દંતિનબીજકોષોમાં કૅલ્શિયમવાળા બિંદુવિસ્તારો ઉત્પન્ન થાય અને તેમાં મેદીય દુ:ક્ષીણતા (fatty degeneration) થાય છે. (5) સૌથી બહાર શંકુ આકારના પોલાણની કિનારી પર સામાન્ય દંતિનવાળો વિસ્તાર હોય છે. જ્યારે સડાની પ્રક્રિયા અટકી જાય ત્યારે તેને સડાનો અટકાવ, કુકૃતિસ્તંભન (arrest of caries) અથવા કૃકૃતિ-રૂઝ (healed caries) કહે છે.
જુદા જુદા દાંતમાં સડો થવાની સંભાવના જુદી જુદી રહે છે. તેમની સડો થવાની સંભાવના, ઘટતા જતા ક્રમે, સારણી 3માં દર્શાવી છે.
સારણી 3 : દાંતનો સડો (કુકૃતિ) થવાની સંભાવનાનો દર (ઊતરતા ક્રમે)
દાંત | સડો થવાની સંભાવનાનો દર | |
(1) | નીચલી પહેલી બે દાઢ | સૌથી વધુ |
(2) | ઉપલી પહેલી બે દાઢ | ઊતરતા ક્રમે ઘટતો દર |
(3) | ઉપલા વચલા છેદક (incisor) | ઊતરતા ક્રમે ઘટતો દર |
(4) | ઉપલા બાજુ પરના છેદક | ઊતરતા ક્રમે ઘટતો દર |
(5) | ઉપલી બંને પૂર્વદાઢ | ઊતરતા ક્રમે ઘટતો દર |
(6) | નીચલી બંને પૂર્વદાઢ | ઊતરતા ક્રમે ઘટતો દર |
(7) | નીચલા છેદક | ઊતરતા ક્રમે ઘટતો દર |
(8) | ઉપલા ભેદક (canines) | ઊતરતા ક્રમે ઘટતો દર |
(9) | નીચલા ભેદક | સૌથી ઓછો |
દાંતના મુકુટનું બહારનું આવરણ મોતી જેવું સફેદ અને ચમકતું હોય છે. તેથી તેને મીનાવરણ (enamel) કહે છે. જ્યારે તેમાં રંગના ડાઘા જેવી કુરૂપતા થાય ત્યારે તેને દાંતની છાંટધારી કુરૂપતા (mottling) કહે છે. તેનું કારણ મીનાવરણનો અપૂરતો વિકાસ છે. શાસ્ત્રીય રીતે તેને મીનાવરણનું અલ્પવિકસન (hypoplasia) કહે છે. મુખ્યત્વે તે કાયમી દાંતમાં જોવા મળે છે. ક્યારેક તે દૂધિયા દાંતમાં પણ થાય છે. તેને કારણે મીનાવરણ ચમક વગરનું (dull), અપારદર્શક અને ચૉક જેવું સફેદ દેખાય છે. જો વિકારની તીવ્રતા વધુ હોય તો દાંત પીળો, આછો છીંકણી કે ગાઢા છીંકણી રંગનો થાય છે. સામાન્ય રીતે બંને જડબાંના આગળના દાંતની હોઠ તરફની સપાટી પર તે જોવા મળે છે. જો પીવાના પાણીમાં 1 પીપીએમ કરતાં વધુ ફ્લોરિન હોય તો દંતીય કુરૂપતા જોવા મળે છે. આ પ્રકારના દાંતમાં સડાનો વિકાર ઓછો થાય છે. તેની કોઈ ખાસ સારવાર ઉપલબ્ધ નથી. કુરૂપ થયેલા દાંતના મુકુટ પર કૃત્રિમ આવરણ ચઢાવીને ઢાંકી શકાય છે.
દાંતમાંની મૃદુપેશી(pulp)માં પણ અનેક પ્રકારના રોગો અને વિકારો થાય છે. તેનાં કારણો મુખ્યત્વે 4 વિભાગમાં દર્શાવી શકાય છે : (1) જીવાણુજન્ય, (2) રાસાયણિક, (3) ઉષ્ણતાજન્ય અને (4) ઈજાજન્ય. સામાન્ય રીતે દાંતના સડાને કારણે થતા પોલાણમાં થઈને જીવાણુઓ મૃદુપેશીને અસરગ્રસ્ત કરે છે. દાંતમાં લોહીની નસો દ્વારા ભાગ્યે જ ચેપ ફેલાય છે. દાંતમાંના પોલાણમાં ચચરાટ કરતાં રસાયણો મૂકવામાં આવે તો મૃદુપેશીને રાસાયણિક ઈજા પહોંચે છે. દાંતના સડા(કુકૃતિ)ની સારવારમાં સરખું પોલાણ કરવા માટે કરાતી ક્રિયાઓથી ગરમી ઉત્પન્ન થાય છે. ક્યારેક અપૂરતા પ્રમાણમાં અવાહકતા કરાયેલી હોય તેવા ધાતુના પોલાણપૂરકો (cavity fillings) પણ મૃદુપેશીમાં ગરમીનું વહન કરે છે. તે ગરમીને કારણે મૃદુપેશીને નુકસાન થાય છે. દાંત પર બહારથી ઈજા થાય અથવા દાંતમાં પોલાણ કરતી વખતે ક્યારેક મૃદુપેશીને યાંત્રિક ઈજા થાય છે.
મૃદુપેશીના રોગો અને વિકારને 5 જૂથમાં મૂકી શકાય છે : (1) નિવર્તનીય બિંદુસ્થાની મૃદુપેશીશોથ (reversible focal pulpitis), (2) ઉગ્ર પેશીશોથ (acute pulpitis), (3) દીર્ઘકાલી (chronic) મૃદુપેશીશોથ, (4) દીર્ઘકાલી અતિવિકસનશીલ (chronic hyperplastic) મૃદુપેશીશોથ અથવા મૃદુપેશી મસા (pulp polyp) તથા (5) મૃદુપેશીનો કોષનાશ (necrosis) અને પેશીનાશ (gangrene).
નાનાં બાળકો અને યુવાનોના દૂધિયા દાંત કે પહેલી દાઢમાં ક્યારેક દાંતના સડાના પોલાણમાંથી મૃદુપેશીની ગાંઠ જેવી અતિવિકસિત પેશી બહાર આવે છે. તેના પર સ્તરીકૃત લાદીસમ અધિચ્છદ(stratified squamous epithelium)નું આવરણ હોય છે. આ પ્રકારના ગાંઠ જેવા પેશીના અતિવિકસનને મૃદુપેશીમસા અથવા પેશીમસા (pulp polyp) કહે છે.
મૃદુપેશીમાં ચેપ લાગે તથા તેને કારણે મૂળની ટોચની આસપાસનો ભાગ પણ અસરગ્રસ્ત થાય તો ક્યારેક તેમાંથી પરિટોચ ચિરશોથગડ (periapical granuloma), ટોચલક્ષી પરિદંતિલ કોષ્ઠ (apical periodontal cyst), પરિટોચ ગૂમડું (periapical abscess), જડબાંનાં હાડકાંમાં ફેલાયેલા ચેપથી થતો સમજ્જા-અસ્થિશોથ (osteomyelitis), પરિઅસ્થિકલાશોથ (periostitis), પેશીકોષશોથ (cellulitis) વગેરે વિવિધ આનુષંગિક તકલીફો થાય છે. આ બધી તકલીફોમાં મૂળની ટોચની આસપાસની પેશી, હાડકું કે તેના આવરણમાં ઉગ્ર કે લાંબા ગાળાનો ચેપ (infection) અને શોથ (inflammation) ફેલાય છે. ઉગ્ર ચેપ સોજો કરે છે અથવા ગૂમડું કરે છે. લાંબા સમયનો ચેપ ગાંઠ જેવી ચિરશોથગડ કરે છે. હાડકાંમાં ફેલાતો ચેપ ઉગ્ર કે દીર્ઘકાલી હોય છે.
મૃદુપેશીના ચેપ અને પેશીનાશને કારણે ઘણી વાર દાંતના મૂળની ટોચ પાસે લાંબા સમયના શોથની ગાંઠ જેવી પરિટોચ ચિરશોથગડ (periapical granuloma) થાય છે. તેનું એક્સ-રે વડે ચિત્રણ મેળવીને નિદાન કરી શકાય છે. તેમાં વિવિધ પ્રકારના કોષો હોય છે. લાંબા ગાળે તેમાંથી ટોચલક્ષી પરિદંતિલ કોષ્ઠ (apical periodontal cyst) બને છે. તે પ્રવાહી ભરેલી નાની પોટલી બનાવે છે.
દાંત, અવાળુ, સ્નાયુઓ, તેમની ચેતાઓ (nerves), મોંની દીવાલ કે બે જડબાં વચ્ચેના સાંધામાં રોગ કે વિકાર થાય ત્યારે મોં ખોલવામાં તકલીફ પડે છે. તેને મુખબદ્ધતા (trismus) કહે છે. તેનાં મુખ્ય કારણોમાં ડહાપણી દાઢના મુકુટની આસપાસના અવાળુમાં શોથ કે ચેપ લાગે, જડબાંનાં હાડકાં કે સાંધા પાસે ગૂમડું થાય, ચાવવાના સ્નાયુઓનો રોગ થાય, નીચલું જડબું ખસી જાય, ધનુર્વા થાય કે પાનમસાલા, તમાકુ અને સોપારીના સેવનથી મોંની દીવાલમાં તંતુઓનું જાળું બને ત્યારે મોં ખોલવામાં તકલીફ પડે છે.
દાંતના સંબંધના કેટલાક વિકારોમાં પ્રવાહી ભરેલી પોટલી જેવી કોષ્ઠ (cyst) થાય છે. દાંતના મીનાવરણ (enamel) બનાવતી પેશીમાં દાંત જે સમયે બનતો હોય ત્યારે ક્યારેક કોષ્ઠ બને છે. આવી કોષ્ઠ દાંતના આખા મુકુટની આસપાસ હોય છે. તેને દંતધારી કોષ્ઠ (dentigerous cyst) કહે છે. ક્યારેક નવજાત શિશુમાં જડબાંનાં હાડકાંના વાતપુટિલ પ્રવર્ધ પર સફેદ, કોષ્ઠ જેવી અનેક નાની નાની ગંડિકાઓ થાય છે. તે દંતીય પડળ(dental lamina)માંથી બનતી નવજાત શિશુની અવાળુલક્ષી કોષ્ઠો (gingival cysts of new born) હોય છે. સામાન્ય રીતે તેની કોઈ સારવાર કરવાની જરૂર હોતી નથી. ક્યારેક પાતળા ગડીઓવાળા આવરણવાળી દંતજન્ય શૃંગીકોષ્ઠો (odontogenic keratocysts) થાય છે તેના વિવિધ પ્રકારો છે. તે શસ્ત્રક્રિયાથી દૂર કર્યા બાદ ઘણી વખતે ફરી ફરીને થયાં કરે છે. આ ઉપરાંત દાંતની વિવિધ પેશીઓમાં વિવિધ પ્રકારની ગાંઠો થાય છે.
નિદાન અને સારવારનું આયોજન : મોં અને દાંતના રોગોના નિદાનમાં દર્દીની શારીરિક અને દાંત સંબંધિત તકલીફોની સમયાનુસાર અનુક્રમે લેવાયેલી નોંધ, સંપૂર્ણ શારીરિક અને મૌખિક તપાસ, પ્રયોગ-શાળાકીય કસોટીઓ, એક્સ-રે-ચિત્રણો તથા પેશીની સૂક્ષ્મરચનાનો અભ્યાસ જરૂરી બને છે. મોંની તપાસમાં દાંત, અવાળુ, મોંના દરેક ખૂણા તથા અન્ય ભાગોની ઝીણવટથી તપાસ કરાય છે. દાંત અને તેની મૃદુપેશી સંવેદિત અને સજીવ છે કે નહિ તે પણ ખાસ જોવાય છે. તે માટે નિરીક્ષણ, સ્પર્શન (palpation), ટકોરા મારીને કરાતું પરીક્ષણ (percussion) પારપ્રકાશન (transillumination); વિદ્યુતલક્ષી, ઉષ્ણતાલક્ષી તથા રાસાયણિક કસોટીઓ; મોંના જીવાણુઓ તથા અન્ય સૂક્ષ્મજીવોનો અભ્યાસ, મોંમાં ખરતા કોષો તથા પેશીનો ટુકડો લઈને કરાતી કોષવિદ્યાલક્ષી (cytological) કે પેશીપરીક્ષણ(biopsy)લક્ષી તપાસ, દાંતના આકાર અને કદની માહિતી મેળવવા તેમની છાપ (impression) અને બીબાં (casts) બનાવવાની પદ્ધતિ, સામાન્ય ફોટોગ્રાફ્સ તથા એક્સ-રે-ચિત્રણો વગેરે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરાય છે. અવાળુમાં કે દાંતની આસપાસની પરિદંતિલ પેશીમાં ભરાયેલા પરુની પુટિકામાંથી પ્રવાહી મેળવીને તેનો સૂક્ષ્મદર્શક વડે અભ્યાસ કરાય છે. તે માટે આસપાસ પરુ ન ફેલાય તેની સાવચેતી રખાય છે.
દાંતના રોગના દર્દીઓનું સૌથી મહત્વનું એકમાત્ર લક્ષણ દુખાવો છે. ક્યારેક પડી ગયેલા દાંતની જગ્યામાં કે એકદમ તંદુરસ્ત દાંતમાં દુખાવો થાય છે. તેને છદ્મપીડા (phantom pain) કહે છે. તે ક્યારેક માનસિક કારણોસર અથવા દાંત સિવાયની પેશીના વિકારોમાં જોવા મળે છે. દાંત અને મોંના રોગોમાં દુખાવો ઉપરાંત ઝણઝણાટી કે બહેરાપણા જેવી પરાસંવેદના (parasthesia), સોજો, અવાળુમાં લોહી પડવું, દુર્ગંધ, બેસ્વાદપણું વગેરે અન્ય લક્ષણો પણ થાય છે. દાંતના વિકારના નિદાનમાં ક્ષય, મધુપ્રમેહ, લોહીનું કૅન્સર, લોહી વહેવાનો રોગ, ઉપદંશ (syphilis), હર્પિસ ઝોસ્ટર જેવા અનેક અન્ય શારીરિક રોગો અંગે પણ તપાસ કરાય છે, કેમ કે ઘણી વખતે દાંત કે તેની આસપાસની પેશીમાં થતા વિકારો આ પ્રકારના રોગો સાથે સંબંધિત હોય છે.
દાંત અને મોંના રોગોના નિદાનમાં દાંત, અવાળુ તથા આખા મોંની અંદરની દીવાલ, જીભ, મોંનું તળિયું, અગ્રગળું (fauces), તાળવું, કાકડા, ગળું, હોઠ, ડોક, ચહેરો, બંને જડબાં વચ્ચે આવેલા સાંધા તથા ગળા અને કાનની આગળ આવેલી લસિકાગ્રંથિઓની ઝીણવટથી તપાસ કરાય છે. આ ઉપરાંત દર્દીની સંપૂર્ણ શારીરિક તપાસ પણ કરાય છે.
નિદાન માટે ઘણી વખત કરાતી પ્રયોગશાળાલક્ષી તપાસણીમાં લોહીના કોષોની સંખ્યાનું ગણન, મૂત્રપિંડ, યકૃત (liver) અને અન્ય અવયવોના કાર્ય અંગે માહિતી આપતી વિવિધ જૈવરાસાયણિક કસોટીઓ, કેટલીક રુધિરરસવિદ્યા(serology)ની કસોટીઓ, સૂક્ષ્મજીવો માટેની સૂક્ષ્મદર્શક વડે તથા સંવર્ધનલક્ષી (culture) તપાસણી, ચામડીમાં કરાતી કેટલીક કસોટીઓ, પેશાબ, નિષ્કાસિત પ્રવાહીઓ (aspirated fluids), લાળ વગેરેની તપાસ તથા કેટલીક વિશેષ તપાસો જેવી કે અંતસ્ત્વકીય (intradermal) એસ્કોરબિક ઍસિડ કસોટી વગેરેનો સમાવેશ થાય છે.
દાંતના રોગોના નિદાનમાં એક્સ-રે-વિદ્યાનો મોટો ફાળો છે. વિવિધ પ્રકારનાં એક્સ-રે-ચિત્રણો વડે તપાસ કરાય છે; દા. ત., મોંની અંદરની (અંતર્મુખીય, intraoral) તપાસ દ્વારા દાંતના મૂળની ટોચના વિસ્તાર કે ઉપલા અને નીચલા દાંત વચ્ચેના સુમેળ વિશે જાણી શકાય છે. બહિર્મુખીય (extraoral) એક્સ-રે-તપાસ દ્વારા જડબાંનાં હાડકાં અને સાંધાની જાણકારી મળે છે. સમગ્ર દાંત અને જડબાનું સામૂહિક વિશિષ્ટ પ્રકારનું એક્સ-રે-ચિત્રણ પણ લેવાય છે. તેને સમગ્રદંતપંક્તિચિત્રણ (orthopentogram) કહે છે. અંતર્મુખીય એક્સ-રે-ચિત્રણપદ્ધતિમાં ચિત્રણ માટેની પ્લેટ મોંમાં મુકાય છે અને બહારથી એક્સ-રે તેના પર ફેંકવામાં આવે છે. અંતર્મુખીય એક્સ-રે ચિત્રણો 3 પ્રકારનાં છે : (1) પરિટોચલક્ષી અથવા પરિશિખરલક્ષી (periapical) એક્સ-રે-ચિત્રણોમાં મોંમાં પ્લેટ મૂકવામાં આવે છે. તેના દ્વારા દંતમૂળની ટોચ અને આસપાસના વિસ્તારની માહિતી મળે છે. (2) ઉપલા અને નીચલા દાંત વચ્ચે પ્લેટ પકડી રાખવા માટે પ્લેટ સાથે એક જાડું પૂઠું જોડેલું હોય છે જેને બે દાંત વચ્ચે પકડી રખાય છે. તેની મદદથી દાંતના સ્થાન વિશે માહિતી મળે છે. (3) સુસ્પર્શન (occlusion) વખતે લેવાતા અંતર્મુખીય એક્સ-રે-ચિત્રણો વડે વાંકા દબાયેલા કે ફસાઈ ગયેલા દાંતની માહિતી મળે છે. તૂટી ગયેલા દાંત, દાંતની વચ્ચે ફસાયેલો બાહ્ય પદાર્થ તથા અન્ય કેટલાક વિકારોની માહિતી પણ તેના દ્વારા મળે છે. ક્યારેક વિકિરણરોધક (radio-opaque) પદાર્થોની મદદથી વિશેષ પ્રકારનાં એક્સ-રે-ચિત્રણો પણ મેળવાય છે. દાંત વિશે ત્રિપરિમાણી (three dimensional) માહિતી મેળવવા ત્રિપરિમાણદર્શક (stereoscope) નામના સાધનનો ઉપયોગ કરાય છે. તેવી જ રીતે બહારથી લેવાતાં એક્સ-રે-ચિત્રણોમાં પણ વિવિધ પ્રકારો હોય છે.
દાંતના રોગો સિવાય પણ દાંતમાં થતા દુખાવાનાં વિવિધ કારણો હોય છે. કઠણ પદાર્થને ખૂબ જોરથી ચાવવાને કારણે ક્યારેક દાંતના મૂળની આસપાસની પેશી(પરિદંતિલ પેશી, periodontal tissue)માં દુખાવો થાય છે. ક્યારેક પરિદંતિલશોથ (periodontitis), ઉપલા જડબામાં વિવરશોથ (sinusitis), ત્રિશાખી ચેતાપીડ (trigeminal neuralgia), બંને જડબાંનાં હાડકાંના સાંધાના રોગો કે તેના પર કામ કરતા સ્નાયુઓના વિકારો પણ દાંતમાંથી દુખાવો થતો હોય તેવી પીડા કરે છે. નાકની આસપાસ તથા કપાળમાં આવેલાં હાડકાંનાં પોલાણોને વિવર (sinuses) કહે છે. તેમાં શરદી પછી જ્યારે ચેપ ફેલાય ત્યારે તેને વિવરશોથ (sinusitis) કહે છે. ચહેરાની સંવેદનાનું વહન કરતી ચેતા (nerve)ને ત્રિશાખી ચેતા કહે છે. તેના વિકારમાં ત્રિશાખી ચેતાપીડ થાય છે. દંતિન અતિસંવેદી હોય, મૃદુપેશીમાં લોહીનું પરિભ્રમણ વધ્યું હોય, દાંતના મૂળની ટોચ પાસે ગૂમડું (પરિટોચગડ અથવા પરિશિખરગડ, periapical abscess) હોય, જડબાંમાં ગૂમડું હોય, અવાળુશોથ થયેલું હોય તોપણ દાંતમાં દુખાવો થાય છે. ક્યારેક આસપાસના અવયવો અને વિસ્તારો, (દા. ત., ગળું, નાક, કાન, ગ્રંથિઓ વગેરેના રોગો) કે શરીરના વ્યાપક રોગો (દા. ત., કેન્દ્રીય ચેતાતંત્રના રોગો, માનસિક રોગો) વગેરેમાં પણ દાંતની આસપાસ દુખાવો થાય છે.
અવાળુમાં સોજો આવે, લોહી પડે તો તેનો રંગ લાલ કે જાંબુડી થાય કે તેની પરની છાંટ (stippling) અર્દશ્ય થાય તો તે અવાળુશોથ (gingivitis)નાં લક્ષણો અને ચિહનો ગણાય છે. ક્યારેક તેમાં વ્યાપક ચાંદાં પડે કે તેનો પેશીનાશ (necrosis) થાય તો તેને પેશીનાશી વ્રણકારી અવાળુશોથ (necrotizing ulcerative gingivitis) કહે છે. તેના નિદાનમાં તેને અન્ય રોગોથી અલગ પડાય છે; જેમ કે, સિગારેટ પીવાની ટેવથી મોઢું આવી જવું, ઈજાજન્ય ચાંદાં, ચકતીકાઠિન્ય(lichen planus)નો મોંની પેશીનો નાશ કરતો તીવ્ર વિકાર, મધુપ્રમેહ જેવા કેટલાક ચયાપચયી વિકારો (metabolic disorders), હર્પિસ જૂથના વિષાણુઓ(viruses)નો ચેપ, ઉગ્ર ચેપી એકકેન્દ્રીકોષિતા (acute infactive mononucleosis), ઍલર્જીજન્ય અવાળુશોથ, પેમ્ફીગસ વગેરે.
અવાળુનો સોજો કે અવાળુ જાડું થઈ જવાનાં વિવિધ કારણો હોય છે. જડબાંમાં ગૂમડું થવું, જડબાંના હાડકામાં ચેપ લાગવો, ઉપદંશ, ઍક્ટિનોમાયકોસિસનો રોગ, અવાળુ કે દાંતની આસપાસ પ્રવાહી ભરેલી પોટલી જેવી કોષ્ઠ (cyst), અવાળુનું અતિવિકસન (hyperplasia) કે અતિવૃદ્ધિ (hypertrophy), અવાળુ કે હાડકામાં ગાંઠ, સગર્ભાવસ્થા, ડાયલેન્ટિન સોડિયમ નામની દવાનું લાંબા ગાળાનું સેવન, ખોરાકના કણો ભરાઈ રહેવા, પથરી થવી, દાંતનાં પોલાણોના પૂરણ (fillings) કે તેમના બરાબર બંધ ન બેસતા હોય તેવા મુકુટનાં કૃત્રિમ આવરણો, લોહીનું એક પ્રકારનું ઉગ્ર કૅન્સર થવું વગેરે વિવિધ વિકારો અને પરિસ્થિતિઓમાં અવાળુ સૂજી જાય છે. અવાળુની ગાંઠને અવાળુ-અર્બુદ (epulis) કહે છે. વિવિધ પ્રકારની ભારે ધાતુઓનો સંસર્ગ અવાળુનો રંગ બદલે છે, જેમ કે સીસું, ચાંદી કે પારાની ઝેરી અસર તથા બિસ્મથ, જસત (zinc) તથા તાંબાના ક્ષારોનો સંસર્ગ.
દાંતના મૂળની આસપાસની પેશીને પરિદંતિલ (periodontal) પેશી કહે છે. તેના રોગો અને વિકારોમાં દાંતમાં દુખાવો થાય છે, દાંત ઢીલા પડે છે, હાલે છે, અવાળુનો રંગ, આકાર અને દેખાવ બદલાય છે. જડબાંનાં હાડકાંમાં વિકૃતિઓ આવે છે, દાંતનાં એક્સ-રે-ચિત્રણો વિષમ-પ્રકારનાં બને છે. મોંની આસપાસની દીવાલનો રંગ બદલાય છે અને ચાવતી વખતે તકલીફ પડે છે. જડબાંમાં આવેલી બખોલોમાં દાંત ગોઠવાયેલા હોય છે. પરિદંતિલ ગૂમડું આ જડબાંની બખોલોમાં હોય છે. સામાન્ય રીતે ઊંડી બખોલોમાં તે જોવા મળે છે. દાંતના મૂળની ટોચના ગૂમડા કરતાં તેમાં દુખાવો ઓછો હોય છે. ઉપરની દીવાલના શ્લેષ્મસ્તર (mucosa)માં સોજો આવે છે. ક્યારેક સોજો થતો પણ નથી. એક્સ-રે- ચિત્રણો બખોલ ઊંડી હોવા સિવાય વધારાની માહિતી આપતાં નથી. મોંની અપૂરતી કાળજી, ખોટી રીતે ગોઠવાયેલા દાંત, મોં બંધ કરતી વખતે ખોટાં સ્થાનોએ ઉપલા અને નીચલા દાંતનો એકબીજાને સ્પર્શ, દંતમંજનની ખોટી પદ્ધતિઓ, ચાવવાની પદ્ધતિમાં ભૂલ, બરાબર બંધ બેસતા ન હોય એવા દાંતના કૃત્રિમ મુકુટ-આવરણો (artificial crowns), વાંકા દાંતને સીધા કરવા માટે વપરાતી દંતીય સુમેળકારી (orthodontic) સંયોજનાઓ કે કૃત્રિમ દાંતને મોંમાં પકડીને રાખવા માટે વપરાતી પકડો (clasps), મોં દ્વારા શ્વાસ લેવાની ટેવ, અવાળુમાં પથરી થવી કે ખોરાક ભરાઈ રહેવો વગેરે વિવિધ પરિસ્થિતિઓમાં દાંતની આસપાસની પેશીમાં વિકારો થાય છે.
સગર્ભા સ્ત્રીના મોં તથા અવાળુમાં કેટલાક વિકારો થાય છે. તેમને અવાળુશોથ થાય છે. ક્યારેક અવાળુ સૂજીને ગાંઠ જેવું થાય છે. દાંતની મૃદુપેશીની ઉષ્ણતાની સંવેદિતા વધી જાય છે તથા દાંતના મુકુટ પાસેનું કિનારીલક્ષી અવાળુમાં કે બે દાંત વચ્ચેનાં આંતરદંતીય અંકુરોમાંના અવાળુમાં લોહીનું ભ્રમણ વધે છે, દુખાવો થાય છે, સોજો આવે છે અને ક્યારેક તેમાંથી લોહી ઝમે છે.
દાંતમાંની મૃદુપેશીમાં સોજો અને પીડા થાય ત્યારે તેને મૃદુપેશીશોથ (pulpitis) કહે છે. ઉગ્ર વિકાર થયો હોય તો ઠંડા ખોરાકથી તેનો દુખાવો વધે છે અને ત્યારપછી તે થોડા સમય સુધી ચાલુ રહે છે. દાંતની મૃદુપેશીમાં ચેપ મુખ્ય 3 રીતે પ્રવેશે છે. દાંતના સડાના પોલાણમાંથી, ઈજા થવાથી કે લોહી દ્વારા ફેલાવાથી. ક્યારેક ચેપ વગર પણ મૃદુપેશીમાં શોથ(inflammation)નો વિકાર થાય છે. તેમાં મુખ્ય કારણો ઉષ્ણતાજન્ય કે રાસાયણિક ઉત્તેજનાઓ છે. જો મૃદુપેશીમાં લોહીનું ભ્રમણ વધ્યું હોય પણ શોથનો વિકાર ન થયો હોય તો ઠંડા ખોરાકથી દુખાવો થાય છે. ઠંડો ખોરાક દૂર કરવાની સાથે તે મટે છે. દાંતના મૂળના ટોચની આસપાસના વિસ્તારમાં શોથ (inflammation) હોય તો તેને પરિટોચ પરિદંતિલશોથ (periapical periodontitis) કહે છે. તેમાં દાંત પર ટકોરો મારવાથી કે ચાવવાથી દુખાવો થાય છે. દાંતને ઈજા થાય, ગરમીનો આઘાત લાગે, રસાયણોથી ચચરાટ થાય, લોહીના પરિભ્રમણમાં વિકાર થાય કે દાંતમાં સડો થાય ત્યારે દાંતની મૃદુપેશીમાં લોહીનું પરિભ્રમણ વધે છે.
દાંતમાં સડો (caries) થયો હોય, ઉઝરડા પડ્યા હોય, દાંતની પેશીનો નાશ થયો હોય, અવાળુ શોષાઈ ગયું હોય અને તેને કારણે મૂળ પરનું ર્દઢબંધક (cementum) ખુલ્લું થઈ ગયું હોય અથવા તો દાંતના મૂળની આસપાસની પેશીમાં રોગ થયો હોય તો દાંતની સંવેદિતા (sensitivity) વધે છે અને તેથી તેને ગરમ કે ઠંડી વસ્તુથી દુખાવો થાય છે.
મોંમાંથી લોહી પડવાનો વિકાર વિવિધ રોગોમાં થાય છે; જેમ કે, અવાળુમાં પીડાકારક સોજો કરતો અવાળુશોથ (gingivitis), મોંમાં ચાંદાં, મોંમાં કૅન્સર, મોંમાં ઈજા, લોહીના રોગો, નાક કે ફેફસાંમાંનું લોહી મોં વાટે બહાર આવતું હોય વગેરે.
કેટલાક અન્ય શારીરિક રોગોમાં તથા દાંત-સંબંધિત વિકારોમાં કાયમી દાંત ઢીલા થઈને પડી જાય છે. તેમાં દાંતની આસપાસની પેશીના રોગો (પરિદંતિલ રોગો, periodontal diseases), વિટામિન ‘સી’ ની ઊણપથી થતો રોગ, પારાની ઝેરી અસર, દાંતના મૂળની પાસે થયેલું ગૂમડું, ચાવતી વખતે થતી ઈજા, દાંત પર લગાવવામાં આવતી પકડ(clasps)માં ખામી, જડબાંના હાડકાના રોગો, લોહીનું કૅન્સર, પરાગલ (parathyroid) ગ્રંથિનો વધુ પડતો અંત:સ્રાવ (hormone), ક્યારેક મધુપ્રમેહ કે અન્ય કારણે થતો ઉગ્ર પ્રકારનો મોઢામાં ચાંદાં કરતો મુખશોથ (stomatitis) કે અવાળુમાં પીડાકારક સોજો કરતો અવાળુશોથ (gingivitis), વગેરેનો સમાવેશ થાય છે.
નાનાં બાળકોમાં થતા દાંતના મુખ્ય રોગોમાં દાંતમાં સડો, જન્મજાત વારસાગત અથવા વિકાસલક્ષી કુરચના (anomaly), રોગયુક્ત દાંત ઊગવાની ક્રિયા, ચાવતી વખતે દાંતની ઉપર અને નીચેની હરોળના સુમેળની ખામી વગેરેનો સમાવેશ થાય છે.
મોંમાંથી દુર્ગંધ આવવાનાં વિવિધ કારણો છે. મોં, પાચનતંત્ર તથા શ્વસનતંત્રના રોગોમાં તે જોવા મળે છે. મોંમાં ઊગતા દાંત માટેની અવાળુની ફાડમાં ખોરાક ભરાઈ રહીને કોહવાય, વિન્સેન્ટનો ચેપ લાગે, અવાળુ શોષાઈ જાય, મોંની કે કૃત્રિમ દંતચોકઠા(denture)ની સફાઈ અપૂર્ણ રહે, મોંમાં ચાંદાં પાડતો કે પેશીનાશ કરતો લોહીઝરતો ઉગ્ર પેશીનાશક વ્રણકારી અવાળુશોથ (acute necrotizing ulcerative gingivitis) નામનો વિકાર થાય તથા મોંમાં કૅન્સર કે સૌમ્ય ગાંઠ થાય ત્યારે ઉચ્છવાસમાં દુર્ગંધ મારે છે. તેને દુરુચ્છવાસ (halitosis) કહે છે.
ઉપલા જડબાના તાળવાના હાડકાના મધ્યભાગમાં ગોળ ગાંઠ જેવો ઊપસેલો ભાગ વિકસે તો તેનાથી કૃત્રિમ દંતચોકઠાને પહેરવામાં મુશ્કેલી પડે છે. અને મોંમાં ગાંઠની ઉપરના શ્લેષ્મસ્તર(mucosa)માં ચાંદું પડે છે. આવી ઊપસેલી ગાંઠને પ્રગંડ (torus) કહે છે.
દાંતના રોગોની સારવાર : દાંત, અવાળુ તથા દાંતની આસપાસની પેશીના રોગોના નિદાન પછી સારવારનું આયોજન કરવામાં આવે છે. તેમાં દાંતને સાચવવા માટે દાંતની અંદરના પેશીગુહા નામના પોલાણને કૃત્રિમ પદાર્થ વડે ઢાંકવી (પેશી ઢાંકણ, pulp capping) કે મૂળનલિકાની સારવાર (root canal treatment) આપવી જેવી સારવાર પદ્ધતિઓની કે દાંતને કાઢી નાખવાની જરૂરિયાત છે તે નક્કી કરવામાં આવે છે. સારવારની વિવિધ પદ્ધતિઓનો ક્રમ, તેમાં વાપરવાની તકનીકી પદ્ધતિઓ અંગે નિર્ણય તથા અન્ય અનુબંધિત સલાહસૂચનો નિશ્ચિત કરવામાં આવે છે. રોગના પ્રકાર, સારવાર માટે જરૂરી સમય અને નાણાકીય વ્યવસ્થા, સારવારનાં પરિણામ ટકી રહેવા માટેનો સમયગાળો, આડઅસરો, દર્દીનો સહકાર વગેરે વિવિધ પાસાંઓને આધારે સારવાર અંગે નિર્ણય કરાય છે. સામાન્ય રીતે નીચે જણાવેલા ક્રમમાં સારવાર અપાય છે : (1) દાંતના રોગો થતા અટકાવવાની સારવાર, (2) જો જરૂરી હોય તો શસ્ત્રક્રિયા, (3) દાંતની આસપાસની પેશીની સારવાર, (4) દરેક દાંતને સાચવવાનો પ્રયત્ન, (5) પડી ગયેલા કે પાડવામાં આવેલા દાંતને સ્થાને કૃત્રિમ દાંતની ગોઠવણી, (6) સારવાર પૂર્ણ થયે તેની સફળતાની નોંધ અને ફરી અન્ય તકલીફ ન થાય તે માટેનાં જરૂરી સૂચનો.
અવાળુના સોજા સાથે જો લોહી વહેતું હોય તો તે ક્યારેક વિટામિન ‘સી’ની ઊણપથી થાય છે. વિટામિન-સી વડે સારવાર કરવાથી તે મટે છે. ડાયલેન્ટિન નામની દવાને કારણે અવાળુ જાડું થઈ જાય તો તેને માટે મોંની સફાઈ તથા જરૂર પડ્યે અવાળુનો જાડો થયેલો ભાગ કાપી કઢાય છે. આ શસ્ત્રક્રિયાને અવાળુછેદન (gingivectomy) કહે છે.
વાંકા ઊગેલા (malposed), દબાયેલા (embeded) કે હાડકામાં ફસાઈ ગયેલા (impacted) દાંતની વારંવાર તપાસ કરીને તે આસપાસની પેશીને નુકસાન પહોંચાડે છે કે નહિ તે જોવાય છે. જરૂર પડ્યે તેને શસ્ત્રક્રિયા કરીને કાઢી નંખાય છે. આવા દાંતની નીચે ચેપ લાગે છે અને ક્યારેક તે ચેપ જડબાંના હાડકામાં પણ પ્રસરે છે. ક્યારેક તે જોડેના દાંતમાં સડો કરે છે અથવા જોડેના દાંતનું પુન:શોષણ (resoption) કરાવે છે. ક્યારેક તે પ્રવાહી ભરેલી પોટલી જેવી પુટિકામય કોષ્ઠ (follicular cyst) કે ગાંઠ કરે છે. વાંકા ઊગેલા દાંતની સફાઈ મુશ્કેલ બને છે. તેમાં ખોરાકના કણ ભરાઈ રહે છે, અવાળુમાં પીડાકારક સોજો આવે છે તથા મોંમાં દુર્ગંધ થાય છે.
દાંત પરની તાત્કાલિક જરૂરી બનતી શસ્ત્રક્રિયા માટે ઋતુસ્રાવનો સમય કે સગર્ભાવસ્થા કોઈ ખાસ વિશેષ અવરોધ કરતાં નથી. સામાન્ય રીતે આયોજનપૂર્વક કરેલી શસ્ત્રક્રિયા ઋતુસ્રાવકાળ-(menstrual period)માં કે સગર્ભાવસ્થાના પ્રથમ અને છેલ્લા 3 મહિનામાં કરાતી નથી. મધુપ્રમેહના દર્દીમાં લોહીમાંનું ગ્લુકોઝ પ્રમાણ યોગ્યસ્તરે હોય તે ખાસ જોવાય છે અને ચેપ ન લાગે તેની ખાસ કાળજી રખાય છે.
શસ્ત્રક્રિયા : મોં, ઉપલું જડબું અને ચહેરાના વિસ્તારના રોગોના નિદાન તેની શસ્ત્રક્રિયાને મુખલક્ષી શસ્ત્રક્રિયા(oral surgery)ના અભ્યાસમાં આવરી લેવાય છે. મુખલક્ષી શસ્ત્રક્રિયા કરવી પડે તેવા બધા જ દર્દીઓમાં તેનાં મોં, દાંત તથા સમગ્ર શરીરની તબીબી તપાસ કરાય છે અને તેના દાંત તથા શરીરના અન્ય રોગોની માહિતી મેળવી લેવાય છે. આ ઉપરાંત દર્દીની નાડી, લોહીનું દબાણ, શ્વાસોચ્છવાસનો દર, શરીરનું તાપમાન, શારીરિક પ્રવૃત્તિ કરવાની ક્ષમતા, ખોરાક, કાયમ લેવાતી દવાઓ તથા અન્ય જરૂરી લોહી-પેશાબની તપાસણીઓ તેમ જ, જો જરૂરી હોય તો, એક્સ-રે-ચિત્રણો લેવામાં આવે છે. ખાસ કરીને હૃદય, ફેફસાં અને શ્વસનમાર્ગ, યકૃત (liver), મૂત્રપિંડ વગેરેની તપાસ કરાય છે. અંત:સ્રાવી ગ્રંથિઓ(endocrine glands)ના રોગો; જેવા કે મધુપ્રમેહ કે અલ્પગલગ્રંથિતા (hypothyroidisim) અંગે પણ જાણકારી મેળવાય છે. દર્દીને પાંડુતા (anaemia), લોહી વહેવાનો વિકાર, ઍલર્જી, સગર્ભાવસ્થા વગેરે છે કે નહિ તે બાબત માહિતી મેળવી લેવાય છે. જો દર્દી લાંબા સમયથી કોઈ દવા લેતો હોય તો તે પણ જાણી લેવાય છે.
જરૂર પડ્યે દાંતની આસપાસની પેશીનો ટુકડો કાપી લઈને તેને સૂક્ષ્મદર્શક વડે તપાસાય છે. તેને પેશીપરીક્ષણ (biopsy) કહે છે. તે નિદાન તથા સારવારનું પરિણામ કેવું આવશે તેવું પૂર્વાનુમાન (prognosis) નક્કી કરવામાં વપરાય છે.
નિશ્ચેતના : શસ્ત્રક્રિયા કરતાં પહેલાં જે-તે વિસ્તારને બહેરો કરાય છે. તેને શાસ્ત્રીય રીતે સ્થાનિક નિશ્ચેતના (local anaesthesia) કહે છે. તેના મુખ્ય 3 પ્રકારો દંતવિદ્યામાં વપરાય છે : (1) ચેતારજ્જુરોધ (nerve trunk block) કરીને, (2) સ્થાનિક ઇન્જેક્શન (infiltration) આપીને તથા (3) દવાને સપાટી પર ચોપડીને (topical) જે તે ભાગને બહેરો કરાય છે. જે વિસ્તારમાં શસ્ત્રક્રિયા કરવાની હોય તેમાંથી સંવેદના લઈ જતા ચેતારજ્જુ(nerve trunk)માં નિશ્ચેતક (anaesthetic) દવાનું ઇન્જેક્શન આપવાથી ચેતારજ્જુરોધ થાય છે. જે વિસ્તારમાં શસ્ત્રક્રિયા કરવાની હોય તેમાંના ચેતાતંતુઓને બહેરા કરવા માટે જ્યારે શસ્ત્રક્રિયાના ક્ષેત્રમાં જ જુદા જુદા સ્થળે ઇન્જેક્શન આપીને નિશ્ચેતક દવાને પેશીમાં ભરવામાં આવે તો તેને અંત:નિક્ષેપન (infiltration) કહે છે. આ માટે દાંતની આસપાસની વિવિધ પેશીઓમાં અંત:નિક્ષેપન કરાય છે, જેમ કે જડબાંના હાડકાના આવરણની ઉપર કે નીચે, મોંની અંદર દીવાલ-શ્લેષ્મસ્તર(mucosa)ની નીચે, દાંતની આસપાસ, બે દાંત વચ્ચે, હાડકામાં તથા દાંતની મૃદુપેશીમાં. ચેતા(nerve)ને બહેરી કરવા માટે વિવિધ પદ્ધતિઓ ઉપલબ્ધ છે. તેના પર બરફ જેવો ઠંડો પદાર્થ મૂકવામાં આવે, તેમાં લોહીનું પરિભ્રમણ અટકાવવામાં આવે, તેના પર દબાણ મૂકવામાં આવે, તેને કાપી કઢાય અથવા તેમાં નિશ્ચેતક દવાનું ઇન્જેકશન અપાય છે. હાલ સૌથી વધુ નિશ્ચેતક દવાનો જ ઉપયોગ થાય છે. તે માટે મુખ્યત્વે વપરાતી દવા લિગ્નોકેઇન છે. સ્થાનિક નિશ્ચેતનાનો સમયગાળો વધારવા માટે તેની સાથે ક્યારેક એપિનેફ્રિન નામની દવા અપાય છે. તે લોહીની નસોનું સંકોચન કરીને પેશીને બહેરી કરતી દવાને જે તે સ્થળે વધુ સમય માટે રાખી મૂકે છે. નિશ્ચેતક દવા રોગવાળા વિસ્તારમાં અપાતી નથી પરંતુ તેની આસપાસની પેશીમાં ઇન્જેક્શન દ્વારા અપાય છે. જો દર્દીને નિશ્ચેતક દવાની ઍલર્જી હોય, નિશ્ચેતના માટે રોગવાળા વિસ્તારમાં જ ઇન્જેક્શન આપવું પડે તેવી સ્થિતિ હોય કે દર્દીનો યોગ્ય સહકાર ન મળતો હોય તો સ્થાનિક નિશ્ચેતના કરી શકાતી નથી. જો બહેરું કરવાનું ઇન્જેક્શન પાતળી સોય વડે શરીરના તાપમાન જેટલા જ તાપમાને ધીમે ધીમે અપાય તો નિશ્ચેતક દવાના ઇન્જેક્શનનો દુખાવો ઓછો થાય છે. સ્થાનિક નિશ્ચેતના માટેની દવા નસ દ્વારા લોહીમાં ન પ્રવેશે તેનું ધ્યાન રખાય છે. સ્થાનિક નિશ્ચેતક દવાની મુખ્ય આડઅસરોમાં તેની અતિશય માત્રા(over dose)ને કારણે થતી ઝેરી અસરો, વ્યક્તિગત દુષ્પ્રતિક્રિયા (idiosyncrasy) તથા ઍલર્જી મુખ્ય છે. તેમને માટે તાત્કાલિક સારવાર અપાય છે. આડઅસર રૂપે દર્દીને ક્યારેક નિર્બળતા (nervousness), અજંપો (restlessness), વાતોડિયાપણું, અનૈચ્છિક હલનચલન, ધ્રુજારી, આંચકી (તાણ), લોહીનું ઘટેલું દબાણ, હૃદયના ઘટેલા ધબકારા, આઘાત (shock), બેભાન અવસ્થા, શ્વાસોચ્છવાસ ઘટવો વગેરે વિવિધ તકલીફો થાય છે. જો એપિનેફ્રીન સાથે આપેલું હોય તો ક્યારેક દર્દીને ચિંતા (anxiety), નિર્બળતા, ધ્રુજારી, હૃદયના ધબકારાનો અનુભવ (palpitation), છાતીમાં તકલીફ, માથું દુખવું, શ્વાસોચ્છવાસનો દર વધવો, લોહીનું દબાણ વધવું, બેભાન-અવસ્થા થવી, ફેફસાંમાં પ્રવાહી ભરાઈ જવું વગેરે વિવિધ આડઅસરો થાય છે. જ્યારે આડઅસરો થતી હોય તેવું લાગે કે તરત દર્દીને સુવડાવી દેવામાં આવે છે, તેનો શ્વસનમાર્ગ ખુલ્લો રહે તે ખાસ જોઈને ઑક્સિજન અપાય છે તથા નસ વાટે જરૂરી દવાઓ અને પ્રવાહી અપાય છે. મોં-ચહેરાની મોટી શસ્ત્રક્રિયાઓમાં દર્દીને બેભાન કરવા માટે વ્યાપક નિશ્ચેતના(general anaesthesia)ની જરૂર પડે છે. ત્યારે અન્ય શસ્ત્રક્રિયાઓ દરમિયાન અપાતી વ્યાપક નિશ્ચેતના અંગેની સાવચેતીઓ રાખવાની જરૂર પડે છે.
દાંત પાડવો : દાંત પાડવાની ક્રિયાના અભ્યાસને દંતોન્મૂલનવિદ્યા (exodontia) કહે છે. દાંત પાડવાની ક્રિયાને ઉન્મૂલન (extraction) અથવા દંત-ઉન્મૂલન (dental extraction) કહે છે. કેટલાક સંજોગોમાં દાંત કાઢી શકાતો નથી, જેમ કે દાંતના મુકુટની આસપાસ ચેપ થયો હોય (પરિમુકુટશોથ, pericoronitis), મોંમાં વિન્સન્ટનો ચેપ લાગ્યો હોય, દાંતની આસપાસની પેશીમાં કૅન્સર હોય તેવી શંકા હોય, તે વિસ્તારમાં વિકિરણચિકિત્સા (radiotherapy) અપાઈ હોય અથવા જડબાંના હાડકામાં લોહીની નસોની ગાંઠ (વાહિનીઅર્બુદ, haemangioma) થયેલી હોય વગેરે.
સામાન્ય રીતે દાંત પાડતાં પહેલાં દર્દીના દાંત તથા સમગ્ર શરીરની સંપૂર્ણ તપાસ કરાય છે. ગળામાં વેળ ઘાલેલી છે કે નહિ તે જોવાય છે. જે દાંત પાડવાનો હોય તેની આસપાસની પેશી અને અન્ય આસપાસના દાંત પણ તપાસી લેવાય છે. દર્દીની શારીરિક સ્થિતિ, તેને માટે વાપરી શકાય તેવી પેશીને બહેરી કરવાની દવાનો પ્રકાર, દાંત પાડનાર ડૉકટરની આવડત તથા દાંત સંબંધિત સ્થિતિઓને આધારે કેટલા દાંત સામટા પાડી શકાય તેમ છે તેનો નિર્ણય કરાય છે. ક્યારેક દાંત પાડવો તકલીફવાળું કાર્ય થઈ પડે છે. જો દાંતનાં મૂળ પાતળાં, ઈજાગ્રસ્ત કે રોગગ્રસ્ત હોય તો દાંત પાડવો અઘરો બને છે. તે એક્સ-રે-ચિત્રણો દ્વારા જાણી શકાય છે. દાંતનાં મૂળ પરનું ર્દઢબંધક (cementum) વધુ પડતું જાડું હોય (અતિર્દઢબંધકતા, hypercementosis), દાંતનાં મૂળ એકબીજાથી ખૂબ દૂર જઈ રહ્યાં હોય, દાંતની મૃદુપેશી મરી ગઈ હોય (nonvital tooth), દાંત હાડકા સાથે ચોંટી ગયો હોય કે જડબાંનું હાડકું વધુ પડતું ઘટ્ટ કે જાડું હોય તોપણ દાંત પાડવો મુશ્કેલ બને છે. આ સર્વ માહિતી એક્સ-રે-ચિત્રણ તથા દાંતની તપાસ કરવાથી જાણી શકાય છે. પીળા કાચ જેવા દેખાવવાળા દાંત કે દાંતમાં સડો થયેલો હોય તોપણ દાંત પાડવામાં મુશ્કેલી પડે છે.
જો દર્દીને આમવાતી હૃદયરોગ (rheumatic heart disease) થયો હોય, હૃદયના વાલ્વનો વિકાર હોય, હૃદયમાં કૃત્રિમ વાલ્વ મૂકેલા હોય, નસોમાં કૃત્રિમ સંયોજના (prosthesis) મૂકેલી હોય, દર્દીની રોગપ્રતિકારક્ષમતા અથવા પ્રતિરક્ષા(immunity)માં ઘટાડો થયેલો હોય, લોહીના શ્વેતકોષો ઘટ્યા હોય કે લોહી બનતું બંધ થયું હોય (aplastic anaemia), દર્દીનો મધુપ્રમેહ અનિયંત્રિત હોય કે તે સ્ટીરૉઇડ કે અન્ય પ્રતિરક્ષા ઘટાડતી દવા લેતો હોય તો દાંત પાડતાં પહેલાં પણ તેને ઍન્ટિબાયૉટિક દવા અપાય છે.
દાંતની આસપાસની પેશીને બહેરી કરીને પછી દાંત પડાય છે. તે માટે ચીપિયાની મદદથી દાંતને પકડવામાં આવે છે અને જે હાથમાં ચીપિયો ન હોય તેની મદદથી જડબાંને સ્થિરતા આપીને દાંતની આસપાસની પેશીને બાજુ પર ખસેડાય છે. તેને કારણે આસપાસની પેશીને રક્ષણ પણ મળે છે. જડબાંના વાતપુટિલ પ્રવર્ધ(alveolar process)ની બંને બાજુ પર આંગળીઓ રખાય છે. દાંત પર કેટલું જોર કરવું પડશે અને દાંત કેવોક હાલે છે તે જાણી લેવાય છે. દાંત પાડવા માટેના ચીપિયાની આગળની અણી દાંતનાં મૂળ પર ગોઠવવામાં આવે છે. સૌપ્રથમ જીભ તરફની સપાટી પર ચીપિયાની અણી ગોઠવવામાં આવે છે અને ત્યારપછી ગલોફા તરફની સપાટી પર અણી ગોઠવવામાં આવે છે. અણીઓ વાંકી હોય છે અને તેથી તેને ચંચુ-અણી અથવા અણી-ચાંચ (beak) કહે છે. અણી-ચાંચને દાંતની લંબાઈને સમાંતર રખાય છે. ચીપિયાને મજબૂતપણે પકડી રખાય છે. ઉપલા વચલા છેદક (incisor) દાંત, નીચલા જડબાની પૂર્વદાઢો તથા નીચલા જડબાની ત્રીજી દાઢને ખેંચી કાઢવા માટે તેમને ગોળ ગોળ હલાવવા પડે છે. ક્યારેક દાંતને છૂટો પાડવા અને મૂળ સાથે પૂરેપૂરો કાઢી નાંખવા માટે ઉચ્ચાલક (elevator) નામનું સાધન વપરાય છે. ઉચ્ચાલકનો ઉપયોગ કરતી વખતે કેટલીક ચોક્કસ બાબતોનું ધ્યાન રખાય છે. ઉચ્ચાલક વાપરવાની જગ્યા સ્પષ્ટ દેખાતી હોવી જોઈએ, તેના દ્વારા યોગ્ય પ્રમાણમાં નિયંત્રિત બળ અપાયેલું હોવું જોઈએ, નીચલા જડબાનો દાંત હોય તો જડબાનું હાડકું પૂરેપૂરું સ્થિરસ્થિતિમાં હોવું જોઈએ, આંગળીઓ વડે આસપાસની પેશીનું રક્ષણ જળવાવું જોઈએ અને જોડેનો દાંત ઉચ્ચાલનના આધારબિંદુ તરીકે ન વપરાવો જોઈએ. દાંત કાઢી નાખ્યા પછી તે સ્થળેથી લોહી વહેતું બંધ થઈ જાય માટે દવાવાળા છિદ્રાળુ કપડા(gauze)નો નાનો ગોટો (pack) દબાવી દેવામાં આવે છે. દાંત કાઢ્યા પછી પડેલા ખાડામાં તેને દબાવી દેવામાં આવે છે. તેમાં જો હાડકાની કરચો પડી હોય તો તે દૂર કરાય છે. દાંતની આસપાસ થતી ક્ષારપથરી (tartar) દૂર કરાય છે. દાંતના ટુકડા પડ્યા હોય તો તે દૂર કરાય છે. લોહી વહેતું હોય તો તે બંધ કરવા દબાણ અપાય છે અથવા ટાંકા લેવાય છે. આસપાસની મૃદુપેશીની સંભાળ રખાય છે અને દાંતના મૂળની ટોચની આસપાસ કોઈ વિષમ (abnormal) પેશી હોય તો તે દૂર કરાય છે. લોહી વહેતું બંધ કરવાના ઉપાયોમાં વિવિધ ક્રિયાઓ કરાય છે. બાહ્ય કચરો, હાડકાં કે ક્ષારપથરીની કરચો તથા લોહીનો મોટો થઈ ગયેલો ગઠ્ઠો દૂર કરાય છે. વાદળી (sponge) અને જાળીવાળા કપડા (gauze) વડે દબાણ આપીને લોહીને બંધ કરાય છે. જરૂર પડ્યે ટાંકા લેવાય છે અથવા મોટી કોઈ નસમાંથી લોહી વહેતું હોય તો તેને બાંધી દેવી પડે છે. આ ઉપરાંત જરૂર પડ્યે લોહી ગંઠાય તે માટે ‘જેલફોમ’ જેવો પદાર્થ મૂકવો, બરફ વડે તે વિસ્તારને અતિશય ઠંડો કરવો કે વીજળીની મદદથી નસને બાળીને ગંઠાવી દેવાની ક્રિયા (વહ્નીકરણ, cauterization) કરવી વગેરે વિવિધ પ્રક્રિયાઓ દ્વારા વહેતા લોહીને અટકાવી શકાય છે.
જો શસ્ત્રક્રિયાનું ક્ષેત્ર સ્પષ્ટ દેખાતું ન હોય તો ક્યારેક મોંમાંની પેશીનો પટ્ટો બનાવાય છે. તેને શ્લેષ્મસ્તર-પરિઅસ્થિકલાનો પટ્ટો (mucoperiosteal flap) કહે છે. તેમાં મોંની અંદરની દીવાલ (શ્લેષ્મસ્તર) અને હાડકાના આવરણ(પરિઅસ્થિકલા)નો સંયુક્ત ઉપયોગ કરીને પટ્ટો બનાવાય છે. તેવી જ રીતે હાડકું કાઢવું પડે કે મોંની અંદર ઈજા થવાનો ભય હોય તોપણ પટ્ટો બનાવાય છે. તેને પૂરતો મોટો રખાય છે અને તેની મુક્ત કિનારીની પહોળાઈ જેટલો જ તેનો ચોંટેલો ભાગ પણ પહોળો રખાય છે. પટ્ટાના 4 પ્રકાર છે – આવરણકારી (envelop), ત્રિકોણાકાર, ચતુષ્કોણાકાર અને અર્ધચંદ્રાકાર.
જો ચેપગ્રસ્ત દાંત, દાંતના મૂળ પાસે તથા જડબાંના હાડકામાં ગૂમડું કરતો હોય અથવા પેશીકોષશોથ (cellulitis) કરીને આસપાસની પેશીમાં ચેપ ફેલાવતો હોય તો તેવા દાંતને પાડી નાંખવાથી ચેપ મટે છે. તેને કારણે પરુ થયેલું હોય તો નીકળી જાય છે અને દુખાવો શમે છે.
દાંત કાઢવાની પ્રક્રિયામાં કોઈ આનુષંગિક તકલીફ (complication) ન થાય તે માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રખાય છે. તે વિસ્તારની શરીરરચના જાણવા માટે ધ્યાનપૂર્વકની શારીરિક અને એક્સ-રે-ચિત્રણો વડે કરાતી તપાસ, અન્ય રોગો અંગેની પૂરેપૂરી પૂછતાછ, શસ્ત્રક્રિયા-ક્ષેત્રનું પૂરેપૂરું અવલોકન, સંભાળપૂર્વક કરાતી શસ્ત્રક્રિયા તથા વધુ પડતા બળનો નિષેધ. દાંત પાડ્યા પછી તરત કેટલીક આનુષંગિક તકલીફો થાય છે. જેમ કે, (1) જીભ, અવાળુ કે ગલોફામાં ચીરા (lacerations) પડે, (2) જડબાના હાડકાનો વાતપુટિલ પ્રવર્ધ (alveolar process) તૂટી જાય (fracture), (3) ઉપલા જડબાંના હાડકાની ગંડિકા (tuberority) તૂટે, (4) જડબાનું હાડકું તૂટી જાય, (5) નીચલું જડબું તેના સાંધામાંથી ખસી જાય (હાડકું ઊતરી જવું), (6) અગાઉ કોઈ દાંત કે જડબાને યથાસ્થાને રાખવાની સંયોજનાઓ કરેલી હોય તો તે ખસી જાય કે તૂટી જાય, (7) દાંતનું મૂળ તૂટી જાય, (8) દાંતના મૂળના ટુકડા હાડકામાંનાં પોલાણોમાં સરકી જાય, (9) મોટી નસ તૂટવાથી પુષ્કળ લોહી વહેવા માંડે, તથા (10) દાંત, લોહી કે બાહ્યપદાર્થ ગળામાં ઊતરી જાય. ઉપલા જડબાની પહેલી પૂર્વદાઢ કાઢતી વખતે ઘણી વખત તેનું મૂળ તૂટીને ગલોફાના શ્લેષ્મસ્તર (mucosa) કે ઉપલા જડબાના પોલાણ (ઊર્ધ્વહનુ વિવર, maxillary sinus) માં ભરાઈ જાય છે. ક્યારેક નીચલા જડબાના દાંત કાઢતી વખતે તેના મૂળનો ટુકડો નીચલા જડબાની નસો માટેની નળીમાં અધ:દંતપ્રવર્ધીય નલિકા (inferior alveolar canal)માં પેસી જાય છે. કેટલીક વખતે દાંતના મૂળનો ટુકડો, ગળામાં, ફેફસામાં કે જઠરમાં પણ જતો રહે છે.
કેટલીક આનુષંગિક તકલીફો થોડાક સમય પછી પણ થાય છે. જેમ કે (1) પુષ્કળ લોહીનું વહેવું, (2) લોહીનું ચકામું થઈ જવું, (3) જડબાના હાડકામાં પરુ થવું, (4) મોંની મૃદુપેશીમાં ચેપ લાગવો તથા શોથ (inflammation) ફેલાવો, (5) મોંમાં વિષમ પ્રકારની સંવેદનાઓ થવી (પરાસંવેદના, paraesthesia) કે મોંમાં બહેરું લાગવું, (6) મોં ખોલવામાં તકલીફ થવી વગેરે. જો જડબાંના હાડકામાં પરુ થાય તો દાંત કાઢ્યાના 3થી 4 દિવસ પછી સખત લબકારા મારતો દુખાવો થાય છે. જો લોહીનો ગઠ્ઠો રહી જાય તો ક્યારેક તેમાં દુર્ગંધ મારે છે.
ક્યારેક દાંત પાડ્યા પછી પડેલો ખાડો પુરાતો નથી. તેમજ તેમાંથી લોહી પણ વહેતું નથી. તેને શુષ્ક-બખોલ(dry-socket)નો વિકાર કહે છે. તેની સારવારમાં તે ભાગમાંનું નિર્જીવ દ્રવ્ય દૂર કરાય છે અને તેને ગરમ (હૂંફાળા) પ્રવાહીથી સાફ કરાય છે. તેને જાળીવાળા કાપડ (gauze) વડે હળવેથી ઢાંકી દેવાય છે. તેમાં નરમ પ્રકારની જંતુનાશક દવા મુકાય છે. દર 24થી 48 કલાકે તેને પ્રવાહી વડે સાફ કરાય છે. દુખાવો શમે અને નવી રૂઝ માટેની જરૂરી દાણાદાર પેશી (granulation tissue) આવે ત્યાં સુધી સારવાર ચાલુ રખાય છે. જરૂર પડ્યે દુખાવો મટાડવાની દવા અપાય છે. જો આ સારવારથી સારું ન થાય તો કોઈ અન્ય સ્થાનિક કે વ્યાપક રોગ વિકાર છે કે નહિ તે ખાસ જોઈ લેવાય છે; જેમ કે, જડબાંના હાડકામાં પરુ થવું, રસાયણો કે વિકિરણને કારણે લોહીનું પરિભ્રમણ ઘટવું, જડબાના તે ભાગમાં કૅન્સર થવું કે જડબાંનું હાડકું ભાંગી જવું, મધુપ્રમેહ, લોહીના રોગો, લોહીનું કૅન્સર, હાડકાના વ્યાપક રોગો કે પોષક તત્વની ઊણપ હોવી વગેરે.
ઉપલા જડબાની ડહાપણની દાઢ કાઢતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રખાય છે; જેમ કે, હાડકાની ગંડિકા તૂટે નહિ, દાઢનાં મૂળ તૂટી ન જાય, હાડકામાંનાં પોલાણ(sinus)ની દીવાલને ઈજા ન થાય તથા નસોના જાળાને નુકસાન થવાથી લોહી વહેવા ન માંડે વગેરે.
દાંત કાઢી નાખ્યા પછી તેની નીચે જો પાક થયેલો હોય તો પરુ નીકળી જતાં દુખાવો શમે છે. પરંતુ કેટલાક સંજોગોમાં ત્યારપછી પણ દુખાવો થાય છે. તેનાં વિવિધ કારણો છે. બહેરું કરવાની વધુ પડતી દવા અપાઈ હોય, જડબાં કે તાળવાનું હાડકું તૂટી ગયું હોય, ચેપ લાગ્યો હોય, લોહી વહેવાથી લોહીનો ગઠ્ઠો (રુધિરગુલ્મ, haematoma) થયો હોય, દાંતના મૂળનો ટુકડો કે કોઈ અન્ય પદાર્થ રહી ગયો હોય, શુષ્ક-બખોલનો વિકાર થયો હોય, મોંની અંદરની મૃદુપેશીને નુકસાન થયું હોય કે હાડકાની તીક્ષ્ણ કિનારીઓ રહી ગઈ હોય તો દાંત કાઢ્યા પછી દુખાવો થાય છે.
દાંત કાઢ્યા પછી જો લોહીનો ગઠ્ઠો જામે, ચેપ ફેલાય, ઈજાજન્ય શોથ થાય કે દવાની ઍલર્જી થાય તો ચહેરા પર સોજો આવે છે.
ઉપલા જડબાના બંને આગળના છેદક દાંત(incisors)ની વચ્ચે ઊગતા વધારાના દાંત(supernumery tooth)ને મધ્યાગ્રદંત (mesioden) કહે છે. તે એક શંકુ આકારના મુકુટવાળો અને નાના મૂળવાળો દાંત છે. જો તે કાયમી દાંતના ઊગવામાં તકલીફ કરે તો તેને તરત કાઢી નંખાય છે, પરંતુ જો તેમાં કોઈ તકલીફ ન પડે તો કાયમી દાંત પૂરેપૂરો ઊગે તે પછી કઢાય છે.
જે દાંત સામાન્ય રીતે ઊગવાને બદલે હાડકા કે મૃદુપેશીમાં ઊગવાના માર્ગમાં અટકાવ હોવાને લીધે ફસાઈ જાય તો તેને અંતર્બદ્ધ દાંત (impacted tooth) કહે છે. ડહાપણની દાઢ સૌથી વધુ વખત અંતર્બદ્ધ થાય છે તેને વહેલી તકે દૂર કરાય છે. નાની ઉંમરે આવો ફસાઈ ગયલો દાંત દૂર કરવો સહેલો છે; કેમ કે, તેનાં મૂળ પૂરેપૂરાં બન્યાં હોતાં નથી, હાડકું પ્રમાણમાં નરમ હોય છે, વ્યક્તિની તબિયત એકંદરે સારી હોય છે અને તેથી ઝડપથી રૂઝ આવે છે તથા મૃદુપેશી બનવાની પેશીપુટિકાઓ (follicles) પણ ત્યાં આવેલી હોય છે.
જેમના બધા દાંત કાઢી નંખાયેલા હોય તેવી વ્યક્તિમાં પણ ક્યારેક તૂટેલાં મૂળ કે ફસાયેલા દાંત હોય છે. જો તે વ્યક્તિની તબિયત બગાડે કે દાંતનું ચોકઠું પહેરવામાં કે બનાવવામાં અગવડ કરે તથા ફસાયેલો દાંત કે મૂળ ખૂબ ઊંડાં ન હોય અને દર્દીની તબિયત એકંદરે સારી હોય તો તેને કાઢી નંખાય છે.
વિન્ટરે નીચલા જડબાની અંદર ફસાયેલી ડહાપણની દાઢના, સ્થાન પ્રમાણે 8 વિભાગ પાડ્યા છે; જેમ કે, તે ઊભી, આડી અથવા કઈ જુદી જુદી દિશામાં ત્રાંસી ગોઠવાયેલી પડી છે? ડહાપણની દાઢ ઉપરાંત ઘણી વખત ઉપલો ભેદક (cannine) દાંત પણ અંતર્બદ્ધ થાય છે. ડહાપણની દાઢોમાં નીચલા જડબાની દાઢ વધુ વખત ફસાયેલી જોવા મળે છે. લાંબા સમય સુધી ફસાયેલા દાંત કાઢી ન નાંખવામાં આવે તો તે આસપાસના દાંતના મૂળનું પુન:શોષણ (resorpotion) કરે છે. ક્યારેક તેમાં ચેપ લાગે છે કે પ્રવાહી ભરેલી પોટલી જેવી કોષ્ઠ (cyst) બને છે. તેનાથી ક્યારેક દાંતની હરોળ વાંકીચૂકી બને છે. ક્યારેક ચાવતી વખતે ઉપલા અને નીચલા દાંતનો એકબીજા સાથેનો સ્પર્શ (સંસ્પર્શન, occlusion) વિકારયુક્ત બને છે. ક્યારેક ફસાયેલા દાંત દાંતની ચેતાઓ(nerves)ને દબાવીને દુખાવો કરે છે. ઘણી વખત મીનાબીજકોષી અર્બુદ (ameloblastoma) નામની ગાંઠ થાય છે. ફસાયેલા દાંતને કારણે ચોકઠું પહેરવામાં પણ તકલીફ પડે છે. અંતર્બદ્ધ દાંતને કાઢવા માટે ઘણી વખત તેને પહેલાં તોડવો પડે છે.
ક્યારેક ચેપને કારણે દાંતની મૃદુપેશીનો ઘણો ભાગ મરી જાય છે. અને તે બહારની બાજુ અવાળુમાં પ્રવાહી ભરેલી નાની પોટલી જેવો સોજો કરે છે. ત્યારે સારવાર રૂપે મૂળનલિકાને સાફ કરીને તેમાંનું તથા આસપાસનું પ્રદૂષિત પ્રવાહી કાઢી નંખાય છે. યુવાન દર્દીમાં આવો દાંત ચેતનરહિત (nonvital) હોય તોપણ, શક્ય હોય તો કાઢી નંખાતો નથી.
ક્યારેક દાંત કઢાવતી વખતે મૂળની ટોચ તરફનો 1/3 ભાગ તૂટીને અંદર રહી જાય છે. ક્યારેક રોગ કે વિકારને કારણે દાંતના મૂળની ટોચ પાસેના 1/3 ભાગમાં કાણું પડે છે કે તે ત્યાં તૂટી જાય છે. ક્યારેક તે ભાગ એકદમ વાંકો વળેલો હોય તો મૂળનલિકાની સારવાર કરતી વખતે તેમાં યાંત્રિક છિદ્રણ કરી શકાતું નથી. મૂળના ટોચ તરફના 1/3 ભાગમાં થયેલા આવા વિવિધ વિકારોમાં તેને કાપી કઢાય છે. તેને ટોચ-ઉચ્છેદન (apicoectomy) કહે છે. મૂળની ટોચની આસપાસ કોષ્ઠ બનેલી હોય અથવા તેમાં મૂળનલિકાની સારવાર (root canal treatment) કર્યા પછી પણ ચેપ મટતો ન હોય અથવા વધતો હોય તો ટોચની આસપાસના વિસ્તારને ખોતરી કઢાય છે. તેને પરિટોચ-ખોતરણ (periapical curettage) કહે છે.
પ્રવાહી ભરેલી અને અધિચ્છદ(epithelium)ના પાતળા આવરણવાળી નાની પોટલીને કોષ્ઠ કહે છે. તે સામાન્ય રીતે ધીમે ધીમે મોટી થાય છે, તેમાં દુખાવો થતો નથી તથા તેને એક બાજુથી દબાવીએ તો તે બીજી બાજુ ઊપસે છે. દાંતના સંબંધમાં થતી કોષ્ઠને શક્ય હોય તો કાઢી નાંખીને ટાંકા લેવાય છે. ક્યારેક તેમાં છિદ્ર પાડીને તેનું પ્રવાહી કાઢી નંખાય છે અને ત્યારબાદ તેને કાઢી નંખાય છે.
ક્યારેક દાંત પાડ્યા પછી ચોકઠું બનાવતાં પહેલાં જડબાંના હાડકાના ઊપસેલા ભાગ(પ્રવર્ધ)ની શસ્ત્રક્રિયા કરીને તેના પર ચોકઠું પહેરી શકાય તેવો બનાવવો પડે છે. આ શસ્ત્રક્રિયાને દંતીય પ્રવર્ધની પુનર્રચના (alveoloplasty) કહે છે. તેવી જ રીતે તાળવાના હાડકામાં જો કોઈ ભાગ ઊપસેલો હોય (torus) તો તેને પણ દૂર કરવો પડે છે. મોંની શસ્ત્રક્રિયાના અભ્યાસમાં જડબાના હાડકાનાં રોગો, વિકારો તથા ઈજાઓનો પણ સમાવેશ કરાય છે.
બાળકોના દાંતના વિકારો : બાળકોના દાંતની રચના, સાચવણી, તેમના રોગોનાં નિદાન અને સારવારના અભ્યાસને બાળદંતવિદ્યા (paedodontics) કહે છે. તેના દ્વારા મુખ્યત્વે દાંતનો સડો કે દાંતને થતી ઈજા રોકવી અને તેની સારવાર કરવી તથા દાંતની હરોળમાં સુમેળ રહે અને ચાવતી વખતે ઉપલા અને નીચલા દાંતનું સંસ્પર્શન (occlusion) સામાન્ય રહે તે જોવામાં આવે છે.
ગર્ભાવસ્થાના 3થી 4 મહિનામાં પ્રારંભિક દાંતમાં કૅલ્શિયમ જમા થવા માંડે છે. નાનાં બાળકોમાં ડહાપણની દાઢ હોતી નથી. તે સિવાયના બધા જ કાયમી દાંત 12મા વર્ષ સુધીમાં ઊગે છે અને એમના મુકુટ તૈયાર થયેલા હોય છે. જો પાણીમાં દર 10 લાખે 1 કે વધુ ભાગ(1 કે વધુ પી.પી.એમ.)ના પ્રમાણમાં ફ્લોરાઇડ હોય તો દાંત પર ડાઘા પડે છે. તેને છાંટધારી મીનાવરણ(mottled enamel)નો વિકાર કહે છે. તેમાં દાંતના મુકુટ પરનું મીનાવરણ તેજવિહીન સફેદ રંગનું કે વધુ તીવ્ર વિકારમાં છીંકણી રંગનું થાય છે. દાંતના વિકાસ સમયે વધુ પ્રમાણમાં ફ્લોરાઇડનો સંસર્ગ થાય તો મીનાવરણ બનાવતા મીનાવરણ-બીજકોષો(ameloblasts)નું કાર્ય બગડે છે અને તેથી મીનાવરણના કોષો વચ્ચેનું દ્રવ્ય બરાબર જમા થતું નથી.
નાનાં બાળકોના મોંમાં દાંતના વિકારો અંગેની તપાસ કરતાં મુખ્યત્વે કેટલાક ચોક્કસ વિકારો ખાસ જોવાય છે; જેમ કે, દાંતનો સડો, કુસ્પર્શન (malocclusion), છાંટધારી મીનાવરણ, દાંતનું અલ્પવિકસન, વધારાના દાંત, એકબીજા સાથે ચોંટેલા દાંત, જડબાંના હાડકા સાથે ચોંટેલા દાંત, લાંબા સમય સુધી દૂધિયા દાંતનું ન પડવું, દાંતની વિવિધ કુરચનાઓ (malformations), અવાળુનો લાલાશ પડતો પીડાકારક સોજો (શોથ) તથા મોંની અંદરના અન્ય રોગો. દાંતનાં એક્સ-રે-ચિત્રણો દ્વારા દાંતની ઊગવાની ક્રિયા કે બનવાની ક્રિયાના વિકારનું, દાંતના સડાનું, જડબાંનાં હાડકાંના વિકારોનું દાંતની ઓછી/ વધુ સંખ્યાનું તથા દાંતના મૂળના વિકારોનું, નિદાન કરી શકાય છે. વધારાનો મધ્યાગ્રદંત (mesioden), જો કાયમી દાંતના ઊગવામાં મુશ્કેલી સર્જે તો તેને વહેલી તકે દૂર કરાય છે. જો દૂધિયા દાંત યોગ્ય સમયે પડી ન જાય તો કાયમી દાંત ખોટી જગ્યાએ અને ખોટા ખૂણા સાથે ઊગે છે અથવા તો તે જડબાંમાં ફસાઈ જાય છે.
નાનપણમાં જો દાંત યોગ્ય રીતે ન ઊગે તો ઉપલા અને નીચલા જડબાના દાંત એકબીજાને અનુરૂપ ગોઠવાતા નથી. તેથી ચાવતી વખતે બંને હરોળ એકબીજા સાથે બરાબર ગોઠવાતી નથી. તેને કુસ્પર્શન (malocclusion) કહે છે. તે વિવિધ કારણોસર બને છે; જેમ કે, દૂધિયા દાંત કાં તો વહેલા પડી જાય અથવા મોડે સુધી ન પડે, કાયમી દાંત મોડા ઊગે અથવા વહેલા કે ખોટા સ્થળે ઊગે, કાયમી દાંત પડી જાય, કાયમી દાંતની કુરચના થયેલી હોય, દાંતના રોગની સારવાર વખતે દાંતના આકારમાં ફેરફાર થયેલો હોય, વધારાની સંખ્યામાં કે ઓછી સંખ્યામાં દાંત ઊગ્યા હોય, મોંમાં અંગૂઠો ધાવવા જેવી દાંત અને પેઢાં પર દબાણ આપતી ખોટી ટેવ પડેલી હોય, શરીરનાં હાડકાં કે મૃદુપેશીના અન્ય વિકારો થયા હોય વગેરે.
બાળકોના દાંતના વિકારોની સારવાર નક્કી કરતી વખતે બાળકની ખરેખરી ઉંમર અને દેહવિકાસની ર્દષ્ટિએ થયેલી ઉંમર, તેની તંદુરસ્તી, તેના ઘરનું વાતાવરણ, ભાઈ-બહેનોમાં દાંતનો રોગ હોય તો તેની જાણકારી તથા અન્ય કોઈ વિશેષ માહિતી હોય તો તે મેળવી લેવાય છે. નાના બાળકની સારવારમાં પ્રેમ અને હૂંફની ખાસ જરૂર પડે છે અને બાળકને ભય તથા આશંકાઓથી મુક્ત કરવું પડે છે. બાળક સાથે નિખાલસતા અને સરળતાથી વાત કરીને તેનો વિશ્વાસ સંપાદન કરાય છે. શક્ય હોય ત્યાં સુધી સવારે જ સારવાર અપાય છે અને દરેક સારવાર બેઠક 30થી 45 મિનિટથી વધુ લાંબી ન થાય તેવું સૂચન કરાય છે.
બાળકના અવાળુ અને મોંની સંભાળ માટે વપરાતું દંતમંજક (tooth brush) સારા મંજકતંતુઓ (bristles) ધરાવતું હોવું જોઈએ એવું મનાય છે. તેના વડે દાંતની બધી જ સપાટીઓ સહેલાઈથી સાફ થઈ શકે તેવા જુદા જુદા માપમાં તે ઉપલબ્ધ હોય, હલકા વજનનું હોય, સહેલાઈથી ઓળખી શકાય તેવું હોય અને સુંદર દેખાતું હોય તેવું રાખવાનું સૂચન કરાય છે.
દાંતના મીનાવરણ (enamel) પર તનુછદ (cuticle) નામનું એક પાતળું આવરણ હોય છે. તેના પર જ્યારે રંગદ્રવ્ય ઉત્પન્ન કરતા વર્ણજનક (chromogenic) જીવાણુઓનો ચેપ લાગે તો તે લીલા રંગનું દ્રવ્ય બનાવીને દાંત પર લીલા રંગના ડાઘા પાડે છે. મોટે ભાગે ઉપલા દાંતના અવાળુ પાસેના ભાગની આગળની સપાટી પર આવા ડાઘા પડે છે. તેને દૂર કરવા માટે મજબૂત ઘર્ષક (abrasive) સાધનની જરૂર પડે છે. ક્યારેક તેના પર આયોડિનનું દ્રાવણ ચોપડવાથી તેને દૂર કરવું સહેલું બને છે. દાંત પર ચોંટેલો કચરો દૂર કરીને દાંતનો સડો રોકવા માટે એક મિશ્રણ બનાવાય છે, જેમાં દાંતને ઘસનાર અસેંદ્રિય ઘર્ષક, ડાઘાને સાફ કરનાર ક્ષાલક (detergent), મિશ્રણને ભીનું રાખનાર ભીંજક અથવા ભેજસંગ્રાહક (humectant) – આ બધાં દ્રવ્યોને એકબીજાં સાથે જોડી રાખનાર બંધક (binder) તથા કોઈ એક સુગંધકારી દ્રવ્ય હોય છે. આવા મિશ્રણને દંતઘર્ષક (dentifrice) કહે છે. દંતઘર્ષક લૂગદીને દંતમંજક પર ચોપડીને દાંતે ઘસવામાં આવે છે. જો દાંત પરના લીલા ડાઘા કાઢી ન નાંખવામાં આવે તો મુકુટ પરના ચમકતા મીનાવરણના પડમાંથી કૅલ્શિયમ ઘટી જાય છે અને તેથી તેમાં આંકા પડી જાય છે. ઝિર્કોનિયમ સિલિકેટ નામના દ્રવ્યની લૂગદી કરીને ચોપડવાથી દાંતની સપાટી ફરીથી લીસી બને છે.
નાનાં બાળકોના દાંતના રોગો અટકાવવા માટે બધા જ ડાઘા કે ચોંટેલાં દ્રવ્યોને દૂર કરાય છે. દાંતની સપાટીને લીસી કરાય છે અને દાંતની સફાઈ જાળવવાની જરૂરી સમજણ અપાય છે.
નાનાં બાળકોમાં ઘણી વખત આગળના દાંતના અવાળુમાં લાંબો સમય ચાલતો શોથકારી (inflammatory) સોજો આવે છે. તે કોઈ વિશિષ્ટ કારણથી હોતો નથી. તેથી તેને દીર્ઘકાલી અવિશિષ્ટ અવાળુશોથ (chronic nonspecific gingivitis) કહે છે. વિવિધ સ્થાનિક તથા દેહવ્યાપી કારણોસર તે થાય છે. ઉપચાર રૂપે મોં અને દાંતની સફાઈ, વિટામિન અને અન્ય પોષક દ્રવ્યોવાળો આહાર, કોઈ દાંતમાં સડો હોય તો તેની સારવાર તથા દાંતની ગોઠવણી બરાબર ન હોય તો તે અંગેનો ઉપચાર વગેરે કરવાથી રાહત મળે છે.
નાનાં બાળકોમાં ક્યારેક દાંતની આસપાસની પેશી નબળી પડી જાય છે અને નાશ પામે છે. તેમાં કોઈ ચેપ કે શોથકારી (inflammatory) બીમારી કારણભૂત હોતી નથી. આસપાસની પેશીના નાશથી દાંત ઢીલા પડી જાય છે અને પડી જાય છે તેને પરિદંતિલ રુગ્ણતા (periodontosis) કહે છે. તે દૂધિયા તેમજ કાયમી દાંતમાં જોવા મળે છે. ઘણી વખત જડબાંનાં હાડકાંમાં પણ વિકાર જોવા મળે છે. પાછળથી તેમાં ચેપ ફેલાય છે. ઘણી વખતે એકાદ દાંત વિકારગ્રસ્ત થાય છે.
આ ઉપરાંત જ્યારે દાંત ઊગતા હોય ત્યારે દંતોદગમજન્ય અવાળુશોથ (eruptive gingivitis) પણ થાય છે તેમાં જે દાંત ઊગતો હોય ત્યાંનું અવાળુ સૂજીને લાલ થઈ જાય છે. અને તેમાં પીડા થાય છે. અવાળુમાં સફેદ દ્રવ્ય જમા થાય છે. દાંત ઊગે એટલે આ વિકાર આપોઆપ શમે છે. આ ઉપરાંત બાળકોનાં મોંમાં હર્પિસના વિષાણુથી પણ ચાંદાં પડે છે તથા ક્યારેક હઠીલું અને ન રુઝાતું સુષુષ્ત ચાંદું (apthous ulcer) પણ થાય છે.
નાનાં બાળકોના દાંતમાં સડો થયો હોય ત્યારે તેને ખોતરીને તેમાં ગુહિકા (cavity) અથવા નાનું પોલાણ કરવાનું હોય ત્યારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રખાય છે. કાયમી દાંત કરતાં દૂધિયા દાંતના મુકુટ નાના હોય છે. દાઢ ઘંટાકાર હોય છે. દાંતનો કંઠવિસ્તાર સાંકડો હોય છે. દાઢમાં ગલોફાં અને જીભ તરફની સપાટીઓ એકબીજી તરફ ઢળતી હોવાથી સુસ્પર્શન માટેની અને ખોરાકને દળવાની સપાટી નાની હોય છે. મૃદુપેશી ગુહા(pulp cavity)ની સપાટી દાંતની સપાટીને સમાંતર હોય છે, પેશીગુહાનાં શૃંગો (horns) વધુ લાંબાં અને અણીદાર હોય છે. દંતિન (dentin) પાતળું હોય છે અને મીનાવરણ (enamel) એકસરખી જાડાઈનું હોય છે. ક્યારેક દાંતનો સડો (caries) શરૂ થાય તે પહેલાં કોઈ ખાંચ ઉદભવેલી દેખાય તો તેને કાપીને દૂર કરાય છે. તેને પૂર્વનિવારક દંતછેદન (preventive odontomy) કહે છે. તેના દ્વારા દાંતમાં સડો થતો અટકાવી શકાય છે. દાંતના સડાની સારવારમાં તેને ખોતરી કાઢીને નાનો ખાડો બનાવાય છે. તેને ગુહિકા (cavity) કહે છે. ગુહિકાને પૂરવાની પ્રક્રિયાને પુનર્ગઠન (restoration) કહે છે. દાંતનું કાર્ય જળવાઈ રહે, દર્દીની તંદુરસ્તી જળવાય, દાંતમાં દુખાવો ઘટે, ચાવતી વખતે તકલીફ ન પડે તેવી રીતે કાયમી દાંતનું પુનર્ગઠન કરાય છે.
દૂધિયા દાંતમાં ગુહિકા બનાવવાની હોય તો ત્યાંની પેશીને બહેરી કરવી જરૂરી ગણાય છે. દાંતની સુસ્પર્શનસપાટી પર બનાવેલી ગુહિકા છીછરી હોય તો સારું ગણાય છે. કેમ કે મીનાવરણ અને દંતિન પાતળા હોવાથી ક્યારેક ઊંડી ગુહિકા કરી હોય તો દાંતની અંદરની પેશીગુહા ખુલ્લી થઈ જાય છે. છીછરી ગુહિકા તથા દાંતના પુનર્ગઠન માટે વપરાતું પારામિશ્રણ (amalgam) અન્ય કારણોસર ઘણી વખત છૂટું પડી જાય છે અને ગુહિકા ખુલ્લી થઈ જાય છે. જો બાળકોમાં બીજા વર્ગની ગુહિકા બનાવવાની હોય તો તે માટે વિશેષ સાવચેતી રખાય છે. જે દાંતમાં પુષ્કળ સડો થયો હોય અને ધાતુમિશ્રણથી તેની ગુહિકા પૂરી ન શકાય તેમ હોય તો ક્રોમ-ધાતુમિશ્રણ (chrome alloy) વપરાય છે. અપૂર્ણ વિકસિત દાંત, તૂટી ગયેલા છેદક (incisor) દાંત, બે દાંત વચ્ચેની જગ્યા સુનિશ્ચિત રાખતી સંયોજનાઓ, મૃદુપેશી કાઢી નાખ્યા પછીનો દાંત વગેરે વિવિધ સ્થિતિઓમાં પણ ક્રોમ-ધાતુ મિશ્રણ વપરાય છે.
દૂધિયા દાંતની ચેતનવંતી (vital) મૃદુપેશીની સારવાર માટે 4 મુખ્ય પદ્ધતિઓ વપરાય છે : (1) પેશીછેદન (pulpotomy), (2) અપૂર્ણ પેશીઉચ્છેદન, (3) પૂર્ણ પેશીઉચ્છેદન (pulpectomy) તથા (4) પેશી-ઢાંકણી (pulp capping). દાંતના સડા સાથે જો મૃદુપેશીનો કેટલોક ભાગ કાઢી નંખાયો હોય તો કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ વડે બાકીની મૃદુપેશી તથા તેમાંના દાંત અને તેનાં આવરણો બનાવતા બીજકોષો (blast cells) સજીવ રહે તેવી સારવાર કરાય છે. તેને પેશીઢાંકણી કહે છે. તેને કારણે મુકુટ તથા મૂળ બનવાનું ચાલુ રહે. દૂધિયા દાંતને કાઢવાનો નિર્ણય કરતી વખતે કાયમી દાંતના ઊગવાની સ્થિતિ કેવીક છે તે ખાસ જોવાય છે. ચેતનવંતી મૃદુપેશીની સારવાર કર્યા પછી દાંતના પુનર્ગઠનની પ્રક્રિયા કરતી વખતે યોગ્ય ધાતુમિશ્રણ વપરાય તે ખાસ જોવાય છે.
છેદક દાંતને ઈજા થાય અને તૂટી જાય તો તો તેનાથી થતા દંતભંગ(fracture of a tooth)ને 4 વર્ગમાં વિભાજિત કરાય છે. થોડુંક જ દંતિન તૂટ્યું હોય તો તેને પ્રથમ વર્ગનો દંતભંગ કહેવાય છે. મૃદુપેશીને ઈજા ન થઈ હોય છતાં દંતિનનો ઘણો ભાગ તૂટ્યો હોય તો તેને બીજા વર્ગનો દંતભંગ કહે છે, મૃદુપેશી ખૂલી ગઈ હોય તેવા દંતભંગને ત્રીજા વર્ગમાં અને આખેઆખો મુકુટ તૂટીને ખરી પડ્યો હોય તો તેને ચોથા વર્ગનો દંતભંગ કહે છે. બીજા વર્ગના દંતભંગમાં કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ વડે સારવાર કરીને દાંત પર સુમેળકારી પટ્ટો (orthodontic band) ચોંટાડાય છે અથવા ક્રોમ-સ્ટીલનો મુકુટ બનાવીને દાંતને પહેરાવાય છે. જો મૃદુપેશી ખુલ્લી થઈ ગઈ હોય તો કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ વડે તેનું ઢાંકણ (capping) કરાય છે. ક્યારેક મુકુટમાંની થોડી મૃદુપેશીનો બગડેલો ભાગ કાઢી નાખી કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ વડે ઢાંકણ કરાય છે. મુકુટમાંની મૃદુપેશીને કાપી કાઢવાની ક્રિયાને પેશીછેદન કહે છે. મૃદુપેશી પર કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ ચોપડીને તેને ઢાંકી દેવાની ક્રિયાને પેશીઢાંકણી (pulp capping) કહે છે. જરૂર પડ્યે મૃદુપેશી કાઢી નાંખીને મૂળનલિકાની સારવાર (root canal therapy) અપાય છે. જો મૂળની ટોચ પૂરેપૂરી ન વિકસી હોય તો ફ્રેન્કની પદ્ધતિ વડે ‘ટોચ સર્જન’ની પ્રક્રિયા કરાય છે; તેમાં મૃદુપેશી કાઢી નાંખીને મૂળનલિકામાં કૅલ્શિયમ અને પેરાક્લોર ફિનૉલ મૂકવામાં આવે છે.
જો આગળના કાયમી દાંતને ઈજા થઈ હોય તો સંભાળપૂર્વક મરેલી પેશી અને કચરો દૂર કરીને મૃદુપેશીનું ચેતન જળવાઈ રહે તે જોવાય છે. મુકુટની ઈજાને રેઝિન, તાર, સુવર્ણ કે અન્ય પ્રકારના આવરણથી ઢાંકવામાં આવે છે. જો કાયમી દાંત તૂટ્યા હોય તો કાઢી શકાય તેવા દાંતને કાઢી નાંખીને તાળવાને પૂરેપૂરું ઢાંકી દે તેવું ચોકઠું બનાવાય છે. આસપાસના દાંતનો જ્યારે પૂરો વિકાસ થાય ત્યારે દંતસેતુ (fixed bridge work) બનાવીને કૃત્રિમ દાંતને જડી દેવાય છે.
દાંતને ઈજા થાય ત્યારે તેની મૃદુપેશીમાં લોહીનું પરિભ્રમણ વધે છે, લોહી ઝમે છે અને તેથી દાંતનો રંગ બદલાય છે. તેમાં કૅલ્શિયમ જમા થાય તો પેશીગુહા નાની થઈ જાય છે. ક્યારેક દાંત કે તેનું મૂળ અંદરથી શોષાઈ જાય છે અને ક્યારેક મૃદુપેશીનો નાશ થાય છે. બહારના જોરથી આવતા દબાણને કારણે જો ઉપલા જડબાના આગળના દાંત જડબાંના હાડકામાં પેસી જાય તો આસપાસની પેશીને કેટલી ઈજા થઈ છે તે નિશ્ચિત કરાય છે. ઘણી વખત દાંત પોતાની મૂળ જગ્યાએ ફરી ઊગી નીકળે છે અને તેથી તરત તેને મૂળ સ્થાને પાછો સ્થાપિત કરવાની ઉતાવળ કરાતી નથી. દાંત ચેતનવંતો રહે અને તેની મૃદુપેશી કે આધાર આપતી બહારની પેશીમાં રૂઝ આવી જાય તે મહત્વનું ગણાય છે. જો મૂળની ટોચનો ભાગ તૂટી ગયો હોય તોપણ જો તૂટેલા ભાગ યોગ્યસ્થાને બરાબર ગોઠવાયેલા રહે તો રૂઝ આવી જાય છે. તે વખતે તૂટેલા ભાગ કૅલ્શીકૃત ર્દઢબંધક(calcified cementum)થી જોડાય છે. આવા ર્દઢબંધકને અસ્થિ-ર્દઢબંધક (osteocementum) કહે છે.
ઈજાને કારણે પડી ગયેલા દાંતને સાફ કરાય છે. તેની મૂળ-નલિકામાંની પેશી દૂર કરીને તેમાં યોગ્ય દ્રવ્યથી ભરી (filling) દેવાય છે. જડબાંની બખોલમાંથી લોહીના ગઠ્ઠા અને અન્ય કચરાને દૂર કરાય છે. ત્યારબાદ દાંતને મૂળ સ્થાને રેઝિન સંસ્થાપક (resin splint) વડે ચોંટાડી જોવાય છે.
દૂધિયા દાંત સમયાંતરે પડી જાય છે. ક્યારેક તે રોગ કે ઈજાને કારણે વહેલા પડે છે અથવા તો લાંબા સમય સુધી પડતા નથી તેને કારણે કાયમી દાંતના ઊગવામાં મુશ્કેલીઓ સર્જાય છે. નાના બાળકનાં જડબાં સમય સાથે મોટાં થાય છે તેથી યોગ્ય સમયે કાયમી દાંત માટે યોગ્ય જગ્યા હોવી જરૂરી ગણાય છે. ક્યારેક કાયમી દાંત પણ પડી જાય તો તેમને સ્થાને કાયમી રીતે કૃત્રિમ દાંત મૂકતાં પહેલાં પણ જડબાંનો વિકાસ ધ્યાનમાં રાખવો પડે છે. આવી જગ્યા જાળવી રાખવાની પ્રક્રિયાને સ્થાન-સંરક્ષણ (space maintenance) કહે છે અને તે માટે કરાતી સંયોજનાને સ્થાન-સંરક્ષક (space maintainer) કહે છે, તે વિવિધ પ્રકારની હોય છે. પટ્ટો અને ગાળો (band and loop), સંસ્થાપિત દંતસેતુ (fixed bridge), જીભ-કમાન (lingual arch) એક્રિલકનું દંતચોકઠું (denture) વગેરે. 8 થી 9 વર્ષના બાળકના ઉપલા જડબાના છેદક દાંત પડી જાય તો સ્થાન-સંરક્ષકનો ઉપયોગ કરાય છે.
નાના શિશુને રડતું બંધ કરવા માટે ઘણી વખત ચૂસવા માટેની ટોટી જેવો પદાર્થ અપાય છે. તે તેને ઝાડા જેવા વિકારો કરે છે. મોટેભાગે તે દાંતના સુસ્પર્શનમાં કોઈ ખાસ વિકાર કરતો નથી. પરંતુ તેનો લાંબા ગાળાનો ઉપયોગ ક્યારેક બાળકમાં અંગૂઠો ચૂસવાની ટેવ પાડે છે. જેને કારણે ઉપલા દાંતની હરોળમાં સુમેળ ન રહે તેવું બને છે. તે આગળની તરફ વાંકા ઊગે છે અને તેથી ક્યારેક ઉદઘાટિત કર્તન(open bite)નો વિકાર થાય છે.
વાંકાચૂકા દાંતનો વિકાર અને તેનો ઉપચાર : તેમના વિશેના અભ્યાસને સુમેળદંતવિદ્યા (orthodontia) કહે છે. ઉપલા અને નીચલા દાંત ચાવતી વખતે એકબીજાને યોગ્ય રીતે સ્પર્શે અને તેમની વચ્ચે રહેલો ખોરાકનો કોળિયો બરાબર ચવાય એ જોવું જરૂરી ગણાય છે. એન્ગલે ચાવતી વખતે દાંત એકબીજાને અનુરૂપ રીતે ગોઠવાય તે જોવાની વિદ્યાને સુમેળદંતવિદ્યા કહી હતી. 1933માં હોફમેને જણાવ્યું કે આ એક જૈવ-યાંત્રિકી (biomechanical) વિજ્ઞાન છે કે જેમાં ચાવતી વખતે દાંતની ઉપલી અને નીચલી હરોળોનું સુસ્પર્શન યોગ્ય થાય તથા તેના વિકારોનું પૂર્વનિવારણ તથા સારવાર પણ હોય. મેકોયે 1931માં તેના અભ્યાસમાં બાળકના દાંત અને મોંની બખોલના વિકાસનું પરિમાણ પણ ઉમેર્યું હતું.
મોં બંધ હોય ત્યારે ઉપલા અને નીચલા – એમ બંને દાંતની હરોળ એકબીજાને બંધબેસતી હોય તો તેને સામાન્ય સંસ્પર્શન (occlusion) કહે છે અને જો તેમ ન થતું હોય તો તેને કુસ્પર્શન (malocclusion) કહે છે. ઉપલી અને નીચલી હરોળની દાંતની જે સપાટીઓ બીજા દાંત સાથે સંસ્પર્શન વખતે અડતી હોય તેને સંસ્પર્શન-સપાટી (occlusion surface) કહે છે. સુસ્પર્શનના અભ્યાસમાં જડબાંનાં હાડકાં, તેમના સાંધા તથા તેમના સ્નાયુઓનો અભ્યાસ પણ આવરી લેવાય છે.
જો કુસ્પર્શન વિકારમાં જડબાં પર શસ્ત્રક્રિયા કરવાની હોય તો તેને સુમેળ હનુલક્ષી શસ્ત્રક્રિયા (orthognathic surgery) કહે છે. જો ચહેરાના દેખાવમાં મોટી ખામી હોય અથવા હાડકાને કારણે દાંતના સુસ્પર્શનમાં મોટી ખામી ઉદભવતી હોય ત્યારે આવી શસ્ત્રક્રિયા કરાય છે. આવા સંજોગોમાં સુમેળદંતવિદ (orthodontist) તથા મુખલક્ષી સર્જન બંને ભેગા થઈને સારવાર નક્કી કરે છે. તેમાં જડબાંના હાડકાના સ્થાપન (fixation) માટે સુમેળદંતવિદ્યાનાં સાધનોનો ઉપયોગ કરાય છે.
પ્રારંભિક (દૂધિયા) અને કાયમી દાંત પડવા-ઊગવાની સ્થિતિ થોડાક સમય પૂરતી એકસાથે થાય છે. 6થી 8 વર્ષના ગાળામાં છેદક (incisor) દાંત તથા 10થી 13 વર્ષના ગાળામાં એકદલીય (cuspid) કે દ્વિદલીય (bicuspid) દાંત ઊગે છે. આ સમયગાળાને પરિવર્તનકાળ (transitional period) કહે છે. દાંતની હરોળ બરાબર બને તે માટે આ સમય મહત્વનો ગણાય છે.
દાંતની હરોળ બરાબર છે કે નહિ તે જાણવા માટે ખોપરીના હાડકાના સંદર્ભમાં કેટલાંક નિશ્ચિત બિંદુઓ (points), ખૂણાઓ તથા સમતલો (planes) નક્કી કરાયેલાં છે; દા.ત., નેઝિઓન, બોલ્ટોન, ઓર્બિટેલ, પોરિટોન, પોગોનિઓન વગેરે બિંદુઓ છે. ફેસિયલ પ્લેન, ફ્રૅન્કફર્ટ પ્લેન, વૉલ્ટોન પ્લેન વગેરે વિવિધ સમતલો છે. ફ્રૅન્કફર્ટ અને ફેસિયલ પ્લેન વચ્ચે બનતો ફેસિયલ ઍન્ગલ નામનો ખૂણો છે. વળી દંતીય સુમેળ (alignment) નક્કી કરવા માટે ડાઉનનું પૃથક્કરણ તથા બોલ્ટનના સમતલનો અભ્યાસ કરીને દાંતનાં ચોકઠાં તથા ચહેરાનાં હાડકાંના સંબંધો નક્કી કરાય છે. ઉપલી અને નીચલી હરોળના દાંત એકબીજાને સંસ્પર્શન સપાટીનાં દલ કે ગુહિકાથી તથા ધાર અને ખાંચથી એકબીજાને બંધબેસતી રીતે અડકવા જરૂરી ગણાય છે.
જ્યારે ઉપલી અને નીચલી હરોળના દાંતનું સંસ્પર્શન બરાબર ન હોય ત્યારે તેને કુસ્પર્શન કહે છે. કુસ્પર્શનમાં દાંત જુદી જુદી 7 ખોટી રીતે ગોઠવાયેલા હોય છે. દાંત મધ્યરેખા તરફ, મધ્યરેખાથી દૂર હોઠ તરફ, ગલોફા તરફ કે જીભ તરફ વળેલા હોય છે. તે ક્યારેક ઓછા કે વધુ ઊગેલા હોય છે. ક્યારેક તે તેમની કેન્દ્રીય અક્ષ પર ગોળ ફરી ગયેલા હોય છે. તેમના આવા વાંકા વળેલા હોવાની ક્રિયાને અનુક્રમે મધ્યાગ્રવંકન (mesioversion), દૂરસ્થલક્ષી વંકન, (distoversion), ઓષ્ઠીય વંકન (labioversion), કપોલલક્ષીવંકન (buccoversion), જિહવાલક્ષી વંકન (linguoversion), અધ:વંકન (infraversion), ઊર્ધ્વવંકન (superversion) અને ચક્રીય વંકન (torsiversion) કહે છે. ક્યારેક દાંતના સ્થાનમાં પણ ફેરફાર હોય છે; જેમ કે, તેના સ્થાનને બદલે સહેજ મધ્યરેખા તરફ અને જીભ તરફના કોઈ સ્થાને દાંત ઊગ્યો હોય તો તેને મધ્યાગ્રજિહવાલક્ષી (mesiolingual) સ્થાન કહે છે.
બંને જડબાંના દાંત જ્યારે એકબીજાને સૌથી વધુ પ્રમાણમાં અને સપાટી પર અડતા હોય તો તે વખતે બંનેના સંસ્પર્શનની સ્થિતિ દર્શાવતી લીટીને સુસ્પર્શનરેખા (line of occlusion) કહે છે. સામાન્ય રીતે પ્રથમ કાયમી દાઢને સંદર્ભ દાંત તરીકે લેવામાં આવે છે. તે છઠ્ઠે વર્ષે ઊગે છે. માટે તેને છવર્ષીય દાઢ પણ કહે છે. પુખ્તવયે જ્યારે સામાન્ય પ્રકારનું સંસ્પર્શન થાય ત્યારે નીચલા દાંતના મુકુટનો ઉપલો 1/3 ભાગ ઉપરના દાંતથી ઢંકાઈ જાય છે.
વિવિધ પ્રકારે વાંકા ઊગેલા દાંત તથા જડબાંની કમાનના વિકાસમાં થયેલી કુરચનાને કારણે દાંત જો ફ્રૅન્કફર્ટના સંસ્પર્શનના સમતલની નજીક હોય તો તેવી સ્થિતિને આકર્ષણ (attraction) કહે છે, પરંતુ જો તે તેનાથી દૂર હોય તો અપાકર્ષણ (abstraction) કહે છે. જો બંને બાજુના પાછલા દાંતની સીધી હરોળો મધ્યરેખાની નજીક હોય તો તેને સંકર્ષણ (contraction) અને જો મધ્યરેખાથી દૂર તરફ વંકાયેલી હોય તો દૂરકર્ષણ (distraction) કહે છે. આગળના દાંત વધુ આગળ હોય તો તેને અગ્રકર્ષણ (protraction) અને જો તે પાછળની બાજુ રહેતા હોય તો તેને પશ્ચકર્ષણ (retraction) કહે છે.
અંગૂઠો ચૂસવાની ટેવ હોય કે જીભના ટેરવાને આગળના અને ઉપરના દાંત જોડે જોરથી ચોંટાડવાની ટેવ હોય તો તે કારણે તે દાંત આગળ તરફ ખસે છે. અને તેથી દેખવાની ર્દષ્ટિએ તેમજ ચાવવાની ક્રિયાની ષ્ટિએ કુસ્પર્શન થાય છે. ક્યારેક તેને કારણે થતું કુસ્પર્શન એટલું બધું હોય છે કે તેની સારવાર પણ શક્ય બનતી નથી. 6થી 12 વર્ષની વયે અંગૂઠો ચૂસવાની ટેવનું કારણ મુખ્યત્વે લાગણીજન્ય વિકાર હોય છે. આ ઉપરાંત ક્યારેક આગળના બે છેદક દાંતની વચ્ચે વધારાનો દાંત ઊગે (મધ્યાગ્રદંત) તો તે પણ કુસ્પર્શન કરે છે. કેટલાક કાયમી દાંત વિકસે જ નહિ એવું પણ બને છે; જેમ કે, ડહાપણની દાઢ, ઉપરની હરોળમાં બહારની બાજુના અથવા પાર્શ્વ છેદક દાંત, નીચલી પૂર્વદાઢો વગેરે. તે પણ કુસુસ્પર્શનમાં વિકાર સર્જે છે.
કુસ્પર્શનનો વિકાર વારસાગત રીતે, ખોરાકની ટેવને કારણે, વાતાવરણને કારણે કે જન્મજાત હોય છે. જન્મજાત, વારસાગત અને ખોરાકની ટેવને કારણે દાંતનાં કદ, સંખ્યા, બંધારણ અને સ્થાન અસરગ્રસ્ત થાય છે. વાતાવરણ અને ટેવો દાંતના સ્થાનને અસર કરે છે. કુસ્પર્શનનાં મુખ્ય 6 કારણો છે. વધારાના દાંત, દૂધિયા દાંતનું વહેલું પડી જવું, જન્મજાત કારણોસર કોઈ દાંત ન ઊગવો, દાંતના કદમાં તફાવત રહેવો, હોઠને જડબાં સાથે બાંધતી વિષમ (abnormal) પ્રકારની પેશીની પાતળી પટ્ટી (ઓષ્ઠબંધ, labial frenum) હોવી કે કાયમી દાંત મોડેથી ઊગવા, જડબાંની દાંત ધરાવતી કમાન અને દાંતની સંખ્યાનો એકબીજા સાથે જો મેળ બેસે એમ ન હોય તોપણ કુસ્પર્શન થાય છે.
સંસ્પર્શનની સ્થિતિને દંતીય કર્તન (bite) પણ કહે છે. ઉપરની છેદક હરોળના આગળના દાંત નીચેના દાંતને થોડા ઢાંકે તો તેને અતિકર્તન (overbite) કહે છે. તેને કારણે ઉપલા છેદક દાંત નીચલી હરોળના છેદક દાંતના ઉપલા 1/3 ભાગને ઢાંકી દેતા હોય છે. પુખ્તવયે તે સામાન્યપણે જોવા મળે છે. અંગૂઠો ચૂસવાની ટેવને કારણે આગળના દાંત એકબીજાને અડતા નથી, કેમ કે ઉપરના આગળના દાંત વધુ આગળ તરફ વંકાયેલા હોય છે. તેથી બે દાંતની હરોળ વચ્ચે થોડી ખુલ્લી જગ્યા રહે છે. તેને ઉદઘાટિત કર્તન (open bite) કહે છે. તેવી જ રીતે દાંત અને જડબાંના કેટલાક વિકારોમાં ઉપલી હરોળના દાંત નીચલી હરોળ કરતાં એક કે બીજી બાજુ (ડાબી કે જમણી) ખસેલા હોય એમ ગોઠવાય છે. તેને પાર્શ્ર્વીય કર્તન (cross bite) કહે છે. ઉપરના છેદક દાંત નીચલા છેદક દાંત કરતાં સહેજ આગળની બાજુએ રહે તેને અતિક્ષેપ (overjet) કહે છે.
આગળના તરફ ખુલ્લા રહેતા દંતીય કર્તનનાં મુખ્ય કારણોમાં અંગૂઠો ચૂસવાની ટેવ, આંગળી ચૂસવાની ટેવ, ખોરાક ગળવાની ખોટી રીત, મોટી જીભ, શ્વાસના માર્ગમાં અવરોધ, કાકડા અને ગળામાં વારંવાર ચેપ લાગવો, હાડકાં કે ચેતાતંત્રના રોગો વગેરેનો સમાવેશ થાય છે. જન્મજાત કુસ્પર્શન કરતા બે મુખ્ય વિકારો છે : ખંડોષ્ઠ (cleft lip) અને ખંડ તાળવું (cleft palate). તેમાં અનુક્રમે હોઠ અને/અથવા તાળવું વિકાસના સમયથી ખંડિત હોય છે. (જુઓ વિશ્વકોશ, ખંડ 5)
ઉપલા જડબાના વાતપુટિલ પ્રવર્ધ અથવા દંતીય પ્રવર્ધ(alveolar process)ની ગલોફા પરની સપાટી પર ઊપસેલી લીટી જેવો હાડકાનો એક ઊપસેલો ભાગ આવેલો છે. સામાન્ય રીતે તે પહેલી કાયમી દાઢના આગળ અને ગલોફા તરફ જતા (મધ્યાગ્ર-કપોલી, mesiobuccal) મૂળની પાસે આવેલી છે. આ ઊપસેલી લીટી જેવા ભાગને મુખ્ય ઊર્ધ્વરેખા (key ridge) કહે છે. તેની મદદથી કુસ્પર્શના વિકારનું જુદા જુદા વર્ગો(class)માં વર્ગીકરણ કરાયેલું છે. દાંત કેટલા પ્રમાણમાં વાંકો ઊગ્યો છે તે નક્કી કરવા માટે દાંતના લંબઅક્ષનું સમતલ (plane), સુસ્પર્શનરેખાનું સમતલ તથા હાડકાના આગળ દર્શાવેલા વિવિધ સમતલોનો ઉપયોગ કરાય છે. આ ઉપરાંત ઉપરના અને નીચલા છેદક દાંત વચ્ચેનો ખૂણો (આંતરછેદકીય કોણ, interincisal angle) ઉપલા છેદક દાંત કે ઉપલી બીજી દાઢનો અક્ષીય ઢાળ (axial inclination) પણ ગણી કાઢવામાં આવે છે. આમ વિવિધ પ્રકારનાં માપ અને પરિમાણો મેળવીને દાંતની ગોઠવણીમાં કઈ અને કેટલી વિકૃતિ થયેલી છે તે શોધી શકાય છે. સમગ્ર કાર્ય ઝીણવટભરી કુશળતા માંગી લે છે.
માણસના દાંતના સામાન્ય સંસ્પર્શનની ર્દષ્ટિએ દાંતની કમાનને 3 જુદા જુદા વિભાગોમાં સમજવામાં આવે છે. અગ્રસ્થ (anterior) વિભાગ, પૂર્વદાઢલક્ષી (premolar) વિભાગ તથા દાઢલક્ષી (molar) વિભાગ. (1) ડાબા અને જમણા ભેદક દાંત(cannine)ની ટોચ વચ્ચે બનતા વર્તુળના ચાપ જેવા ભાગને અગ્રસ્થ વિભાગ ગણવામાં આવે છે. (2) ભેદક દાંતની પાછળથી પૂર્વદાઢ સુધીના ભાગને પૂર્વદાઢલક્ષી વિભાગ ગણાય છે. તે લગભગ સીધો લાગતો ભાગ છે. પરંતુ ખરેખર તો તે ગલોફા તરફ સહેજ વળેલો હોય છે અને (3) પૂર્વદાઢની પાછળ દાઢના ક્ષેત્રમાંની કમાન સીધી રેખામાં પાછળની તરફ લંબાય છે તેને દાઢલક્ષી વિભાગ કહે છે.
સુસ્પર્શનના અભ્યાસમાં નીચલા જડબાંની સ્થિર સ્થિતિ અને ચાવતી વખતની હલનચલનવાળી સ્થિતિ, ખોરાક ગળવાની રીત, ચાવવાના સ્નાયુઓની સ્થિતિ, બંને જડબાંનાં વિકાસ અને વૃદ્ધિના દર અને પરિમાણો, ખોપરીના તળિયાનો વિકાસ તથા દાંતની કમાનના વળાંક અને લંબાઈને પણ આવરી લેવાય છે.
કુસ્પર્શનના પ્રકારો અને તીવ્રતાને આધારે તે 4 વર્ગોમાં વહેંચાયેલું છે. કુસ્પર્શનના પ્રથમ વર્ગના વિકારમાં જુદા જુદા દાંતનું થોડું વંકન કે કુસ્પર્શન હોય છે પરંતુ ઉપલી અને નીચલી દંતહરોળો વચ્ચે એકંદરે સામાન્ય સંસ્પર્શન હોય છે. બીજા વર્ગના કુસ્પર્શન વિકારને દૂરસ્થ કુસ્પર્શન (distocclusion) કહે છે. ઉપરના દાંત વધુ પડતા આગળ પડતા હોય (અતિક્ષેપ), ઉપરના દાંત નીચેના દાંતને આગળથી વધુ પડતા ઢાંકી દેતા હોય (અતિકર્તન) અને નીચલી દાઢ તેના સ્થાનથી પાછળ બાજુ ખસેલી હોય તો એવા કુસ્પર્શન વિકારને દૂરસ્થ સુસ્પર્શન (distocclusion) કહે છે. ઉપલી હરોળના આ આગળના દાંત હોઠ તરફ વળેલા હોય (ઓષ્ઠીય વંકન), તથા ઉપરના આગળના દાંત વચ્ચે વધુ પડતી જગ્યા રહી જાય એટલે કે અગ્રસ્થ અતિ-અંતરાલિતા (anterior spacing) થાય તો તેને બીજા વર્ગના પ્રથમ જૂથ(division)નું કુસ્પર્શન કહે છે. સામાન્ય વ્યક્તિમાં ઉપલા છેદક દાંતની ટોચ નીચલા હોઠની પાછળ આવેલી હોય છે. બીજા વર્ગના પ્રથમ જૂથની કુસ્પર્શનની વિકૃતિમાં ઉપલી હરોળના દાંત નીચલા હોઠથી આગળ આવી ગયેલા હોય છે. તેથી વ્યક્તિ પોતાના હોઠ બંધ રાખી શકતી નથી તેથી તે જાણે મોંથી શ્વાસ લે છે એવું દેખાય છે. પણ ઘણી વખતે તેવું હોતું નથી.
બીજા વર્ગની બીજા જૂથનું કુસ્પર્શન હોય તો ઉપલી હરોળના આગળના બંને છેદક દાંત સહેજ જીભ બાજુ વળેલા હોય છે, પરંતુ બાજુ પરના છેદક દાંત હોઠ તરફ વળેલા હોય છે. તેને કારણે ઉપલી હરોળના દાંત નીચલી હરોળના દાંતને વધુ ઢાંકે છે (અતિકર્તન), પરંતુ તેઓ તેનાથી વધુ પડતા બહાર હોતા નથી.
ત્રીજા વર્ગની કુસ્પર્શનની વિકૃતિમાં નીચલી દાઢ તેના સ્થાનથી આગળની બાજુ ખસેલી હોય છે. તેથી તેને મધ્યાગ્ર-કુસ્પર્શન કહે છે. તેમાં ઉપલા છેદક દાંત હોઠ તરફ વંકાયેલા હોય છે (ઓષ્ઠીય વંકન) તથા ઉપલી દાઢ ગલોફા તરફ વાંકી થયેલી હોય છે (કપોલીય વંકન), જ્યારે નીચલા દાંત જીભ તરફ વાંકા વળેલા હોય છે (જિહવાલક્ષી વંકન). તેને કારણે ઉપર અને નીચેના દાંત એકબીજાની પાસે આવે ત્યારે તેઓ એકબીજા પર સીધા આવવાને બદલે એકબીજાની ડાબી-જમણી તરફ રહે છે. તેને પાર્શ્વીય કર્તન (cross bite) કહે છે. આગળ તથા પાછળ બધા જ દાંતમાં પાર્શ્વીય કર્તન થાય છે.
ચોથા વર્ગના કુસ્પર્શનના વિકારમાં ડાબી તથા જમણી બાજુ જુદા જુદા પ્રકારનું કુસ્પર્શન થાય છે. તેમાં એક બાજુ જો દૂરસ્થ કુસ્પર્શન (વર્ગ 2) હોય તો બીજી બાજુ મધ્યાગ્ર કુસ્પર્શન (વર્ગ 3) થયેલું હોય છે. એટલે કે એક બાજુની નીચલી દાઢ તેના સ્થાનથી સહેજ પાછળ અને બીજી બાજુ તે સહેજ આગળ હોય છે.
સારણી 4 : કુસ્પર્શનનું વર્ગીકરણ
વર્ગ | જૂથ/પ્રકાર | વર્ણન |
વર્ગ 1 |
પ્રકાર 1 પ્રકાર 2
પ્રકાર 3 પ્રકાર 4
પ્રકાર 5 |
તટસ્થ-સુસ્પર્શન (neutrocclusion).
જુદા જુદા દાંત વચ્ચે કુસ્પર્શન હોય, પરંતુ એકંદરે ઉપલી અને નીચલી હરોળ વચ્ચે સુમેળ થયેલો હોય. ઝૂમખાં(bunch)માં વહેંચાયેલા દાંત. ઉપરના આગળના છેદક (incisor) દાંત વધુ આગળ (અતિક્ષેપ). ઉપરના છેદક દાંત પોતાના સ્થાનથી પાછળ. પૂર્વદાઢ અને/અથવા દાઢ ગલોફા તરફ વળેલી (કપોલલક્ષી વંકન). દાઢ મધ્યરેખા તરફ ખસેલી (મધ્યાગ્રવંકન), દાંતનું વહેલા પડી જવું. |
વર્ગ 2 |
જૂથ 1
ઉપજૂથ 1(અ) જૂથ 2
ઉપજૂથ 2(બ) |
દૂરસ્થ-કુસ્પર્શન (distocclusion). નીચેની
દાઢ તેના સામાન્ય સ્થાનથી પાછળ તરફ. ઉપલા છેદક દાંત આગળ તરફ (અતિક્ષેપ), અતિકર્તન (overbite) તથા મોંથી શ્વાસ લેવાની સ્થિતિ. એક બાજુ પર દૂરસ્થ-કુસ્પર્શન. ઉપલા છેદક દાંત પાછળની તરફ, ઊંડું અતિકર્તન. એક બાજુ પર દૂરસ્થ-કુસ્પર્શન. |
વર્ગ 3 |
જૂથ 1
ઉપજૂથ 1(અ) પ્રકાર 1
પ્રકાર 2 પ્રકાર 3 |
મધ્યાગ્ર-કુસ્પર્શન (mesiocclusion). નીચેની
દાઢ સામાન્ય સ્થિતિ કરતાં આગળની તરફ. ડાબી તથા જમણી એમ બંને બાજુ પરની વિકૃતિ (મધ્યાગ્રકુસ્પર્શન). એક બાજુ પરની વિકૃતિ (મધ્યાગ્રકુસ્પર્શન). ઉપલી અને નીચલી હરોળો વચ્ચે સારું સુસ્પર્શન, પરંતુ ઉપલા અને નીચલા છેદક દાંતની ધાર એકબીજાને અડે. નીચલા છેદક દાંત ઝૂમખાંમાં. નીચલા છેદક દાંત આગળની તરફ ખસેલા. |
વર્ગ 4 | એક બાજુ પર મધ્યાગ્ર-કુસ્પર્શન અને બીજી
બાજુ દૂરસ્થ-કુસ્પર્શન. |
ગર્ભમાંના હોઠ અને તાળવાના વિકાસ માટેના વિકાસ-અંકુરો (developing buds) જો એકબીજા સાથે બરાબર ચોંટે નહિ તો હોઠ અને/અથવા તાળવામાં ફાડ રહી જાય છે. આ એક જન્મજાત વિકાર છે. તેને ખંડતાલુ-ખંડ ઓષ્ઠ કહે છે. તાળવામાં જે જગ્યાએ ફાડ રહી જાય ત્યાં દાંત ઊગતો નથી, તે દાંત અન્યત્ર વધારાના દાંત તરીકે ઊગે છે. તથા આવી રીતે ઊગતા દાંતનો વિકાસ ધીમો હોય છે. તેમાં મોટેભાગે મધ્યાગ્ર-કુસ્પર્શનનો વિકાર થાય છે. કેટલાક દાંત બરાબર વિકસતા નથી તથા ઉપરનીચેની હરોળના દાંત જ્યારે મોં બંધ કરાય ત્યારે એકબીજા પર આવવાને બદલે સહેજ ડાબી-જમણી બાજુએ પડે છે (પાર્શ્વીય કર્તન). ઉપલા દાંત જીભ તરફ વળેલા હોય છે (જિહવાલક્ષી વંકન). આમ, ખંડ-તાલુની વિકૃતિમાં દાંતનું કુસ્પર્શન ઘણું વધારે સંકુલ (complex) હોય છે.
જો ઉપલા જડબાની પ્રથમ દાઢ(6 વર્ષીય દંત)ને નાની ઉંમરે (દા. ત., 9 વર્ષે) કાઢવી પડે તો ઉપલા જડબાની કમાન બરાબર બની શકતી નથી અને તેથી કુસ્પર્શનનો વિકાર થાય છે. ઈજાને કારણે અથવા દાંત કે જડબાં પર કરાતી શસ્ત્રક્રિયાને કારણે પણ ક્યારેક કુસ્પર્શનનો વિકાર થાય છે. જો દાંતમાં સડો થયેલો હોય અને તેને ખોતરીને દાંતને પુનર્ગઠિત (restored) કર્યો હોય તો તેને ચાંદી પૂરવી કહે છે. આવી પુનર્ગઠનની ક્રિયા વખતે દાંતની નવી બનતી સંસ્પર્શનની સપાટી ઉપર કે નીચલી હરોળના દાંત સાથે સુમેળ ધરાવતી હોવી જોઈએ. જો તેમ ન થાય તો પણ કુસ્પર્શન થાય છે.
ચાવતી વખતે ઉપલી અને નીચલી હરોળના દાંત એકબીજાને સુસંગત રીતે નજીક આવે અને ખોરાકના ટુકડા / કોળિયાનો યોગ્ય ભૂકો કરી શકે તેવી કાર્યક્ષમતા મેળવવા માટે દંતીય સુમેળની સારવાર કરવામાં આવે છે. તેનાથી મોં તથા દાંતનો આકાર પણ સારો બને છે અને દાંતની સ્થિરતા પણ જળવાઈ રહે છે. કોઈ ચોક્કસ ઉંમરે જ સારવાર કરવી તેવું નિશ્ચિત નથી પરંતુ તે દંતીય કુમેળ (dental malalignment) અને દંતીય કુસ્પર્શન(dental malocclusion)ના વિકારની તીવ્રતા પર આધારિત ગણાય છે. આવી સારવારને સુમેળદંતવિદ્યાલક્ષી સારવાર (orthodontic treatment) કહે છે.
કુસ્પર્શનની સારવારનું આયોજન કરતી વખતે બંને જડબાંનાં હાડકાંની રચનામાં થયેલી વિકૃતિ, દાંતની બંને હરોળોનો એકબીજી સાથેનો સુમેળ, દાંતનું સામાન્ય કે વિષમ સ્થાને ઊગવું, ચાવવાના સ્નાયુઓનો વિકાર તથા ચહેરાના દેખાવમાં ફેરફાર છે કે નહિ તે ખાસ જોવાય છે. સારવારની શરૂઆતમાં મોંની અંદરના પોલાણની પૂરેપૂરી તપાસ કરાય છે, આગળથી અને બાજુ પરથી ચહેરાના ફોટોગ્રાફ્સ લેવાય છે, દાંત અને જડબાંનાં જરૂરી એક્સ-રે-ચિત્રણો લેવાય છે. જરૂર પડ્યે દાંતના સુસ્પર્શનની છાપ અથવા પ્રતિકૃતિ (impression) લેવાય છે. તથા તેનાં બીબાં (casts) બનાવાય છે. તેને આધારે દાંતને સરખા કરવાની સારવાર અપાય છે. સારવારથી ચાવવાની પ્રક્રિયા વધુ અસરકારક બને છે; દાંત સહેલાઈથી સાફ થઈ શકે છે દાંત અને મોંના અનેક રોગો થતા અટકે છે અને વ્યક્તિને માનસિક રીતે સારું લાગે છે.
કુસ્પર્શનની સારવારમાં જરૂર પડ્યે કેટલાક દાંત કાઢવા પડે છે. દા. ત., પહેલી કે બીજી પૂર્વદાઢ તથા ત્રીજી ડહાપણની દાઢ. જો બાળકના દાંત કાઢવા પડે તો તેને સ્થાને સ્થાન-સંરક્ષક સંયોજનાનો ઉપયોગ કરી આજુબાજુના દાંત ખસીને વાંકા ન થાય તે ખાસ જોવામાં આવે છે. જો જડબાંની કમાનની લંબાઈ વધે એમ ન હોય તો વારાફરતી ક્રમસર દાંત પાડવાની જરૂર પડે છે. આવા ક્રમસરના દાંત પાડવાની સારવાર ખૂબ સાવચેતી સાથે કરાય છે. આ ઉપરાંત વાંકા વળેલા દાંતને યોગ્ય સ્થિતિમાં લાવવા માટે જરૂરી સંયોજનાઓને દાંત પર પહેરાવાય છે; દા. ત., જો ઉપલા જડબાના આગળના દાંત મધ્યરેખા તરફ વંકાયેલા હોય તો તેમને પાછળની બાજુ વાળવા માટે આવી સંયોજના પહેરાવાય છે તથા તેમની પાછળની બાજુ તે ખસી શકે તે માટે ત્યાંની પૂર્વદાઢને કાઢી નંખાય છે. સમગ્ર પ્રક્રિયા જુદા જુદા કિસ્સામાં જુદો જુદો સમય લે છે. પરંતુ જો ખૂબ તીવ્ર વિકૃતિ થયેલી હોય તો તે 3થી 4 વર્ષનો સમયગાળો લે છે. દર્દીની ઉંમર, કુસ્પર્શન કરતા પરિબળની સારવારની શક્યતા, દર્દીનો સહકાર, કુસ્પર્શનનો પ્રકાર અને તીવ્રતા તથા આસપાસની પેશીની સ્થિતિ પર સારવારના સમયગાળાની લંબાઈનો આધાર રહે છે.
વાંકા દાંતને સીધા કરવા માટે વપરાતી સંયોજનાઓ (appliances) કાઢી નાંખી શકાય તેવી હોય છે અથવા તો કાયમી ધોરણે જડી દેવાયેલી હોય છે. દાઢ પટ્ટો (molar band) તથા જિહવાલક્ષી (lingual) કે ઓષ્ઠલક્ષી (labial) કમાનો (arches) જેવી તારની બનેલી સંયોજનાઓ દર્દી કાઢી નથી શકતો, પરંતુ દાંતનો સર્જ્યન દૂર કરી શકે છે. સંયોજનાઓ તેમના સ્થાને રહે તે માટેની વધારાની ઉપસંયોજનાઓ પણ બનાવાય છે. આવી ઉપસંયોજનાઓને દાંતના અન્ય ભાગ સાથે જોડવામાં આવે છે. તે માટે તાર કે રબરના પટ્ટા વપરાય છે. જો ભેદક દાંત (cannine) ઊગી શક્યો ન હોય તો તેને ઊગવા માટેની જગ્યા કરવી પડે છે. જે દાંત પર સંયોજના લગાવેલી હોય તેમાં સડો ન થાય તે ખાસ જોવાય છે.
ક્યારેક સારવાર પછી પણ ફરીથી કુસ્પર્શન થઈ આવે છે. તેનાં વિવિધ કારણો હોય છે; જેમ કે, વાંકા દાંતની સાથેનાં પેશીઓનાં બધાં જોડાણોની સારવાર શક્ય ન હોય, મૂળભૂત રીતે દાંતનું ઊગવાનું વિષમ હોય, મોંમાં થયેલા નવા ફેરફારો અનુરૂપ ન હોય, અંગૂઠો ચૂસવાની ટેવ ન ગઈ હોય વગેરે. બાળકના વિકાસમાં જડબાંનાં હાડકાંનો વિષમ વિકાસ તથા અન્ય કોઈ રોગની હાજરી પણ કુસ્પર્શનના વિકારનું પુનરાગમન નોતરે છે.
દાંતની આસપાસની પેશીના વિકારો અને તેની સારવાર : દાંતની આસપાસની પેશી દાંતને આધાર આપે છે. તેને પરિદંતિલ પેશી (periodontal tissue અથવા periodontium) કહે છે. તેની રચના, કાર્ય, વિકારો તથા સારવારના અભ્યાસને પરિદંતિલવિદ્યા (periodontology) કહે છે. તેમાં અવાળુ, ર્દઢબંધક (cementum), પરિદંતિલ તંતુબધ (periodontal ligment), જડબાંનું હાડકું વગેરેનો સમાવેશ થાય છે. પરિદંતિલ તંતુબંધને પરિદંતિલ કલા (periodontal membrane) પણ કહે છે.
જડબાંનાં હાડકાંના મોંમાંના આવરણને અવાળુ (gingiva) કહે છે. તે જીભ, હોઠનો અંદરનો ભાગ, તાળવું તથા ગલોફાની અંદરની દીવાલના શ્લેષ્મસ્તર (mucous membrane) નામના આવરણ સાથે સળંગ જોડાયેલું હોય છે. તે જડબાંના હાડકા સાથે પણ જોડાયેલું હોય છે. તેને બદ્ધ-અવાળુ (attached gingiva) કહે છે. દાંતના મુકુટના નીચલા ભાગ પર અવાળુનું પાતળું મુક્ત પડ નાની બાંય જેવું (cuff-like) આવરણ બનાવે છે. તેને મુક્ત અવાળુ (free gingiva) કહે છે. તેની મુક્ત કિનારીને અવાળુ-કિનારી (gingival margin) કહે છે. દાંતની આસપાસની બાંય જેવા મુક્ત અવાળુના (free gingiva) નીચલા ભાગ પર એક ખાંચ આવેલી હોય છે. તેને મુક્ત અવાળુ ખાંચ (free gingival groove) કહે છે. મુક્ત અવાળુ અને દાંત વચ્ચેની જગ્યાને અવાળુ નીક (gingival sulcus) અથવા અવાળુગર્ત (crevice) કહે છે. અવાળુગર્તના આવરણને ગર્તલક્ષી અધિચ્છદ કહે છે. અવાળુના સૌથી ઉપરના કોષસ્તરને અવાળુ-અધિચ્છદ (gingival epithelium) કહે છે જે મુક્ત અવાળુની કિનારી પર ગર્તલક્ષી અધિચ્છદ (sulcular epithelium) સાથે સળંગ જોડાયેલું છે. નીકલક્ષી અધિચ્છદની કિનારી દાંત સાથે ચોંટેલી હોય છે. બે જોડે જોડે આવેલા દાંતના મુકુટના નીચલા ભાગોની વચ્ચેની ત્રિકોણાકાર જગ્યામાં અવાળુની આંતરદંતીય કલિકા (interdental papilla) આવેલી હોય છે. બે દાંત વચ્ચેના મૂળ પાસેના ત્રિકોણાકાર ભાગને આંતરસમીપી જગ્યા (interproximal space) કહે છે. તેમાંની અવાળુની આંતરદંતીય કલિકાઓ બહારની બાજુ ઊપસેલી હોય છે. અવાળુ જે જગ્યાએ મોંના શ્લેષ્મસ્તર સાથે જોડાય છે તેને અવાળુ-શ્લેષ્મસ્તર જોડાણ (mucogingival junction) કહે છે.
અવાળુ એકસરખા ગુલાબી કે આછા લાલ રંગનું હોય છે. તે આસપાસના શ્લેષ્મસ્તરથી સહેજ આછા રંગનું હોય છે. તે વેલ્વેટ જેવું હોય છે. કલિકાઓ તથા મુક્ત કિનારી પાતળી ધારવાળાં હોય છે. અવાળુ મધ્યમ મજબૂતીવાળું હોય છે અને અવાળુગર્ત 2 મિમી. જેટલી ઊંડાઈવાળી હોય છે. જો તેની ઊંડાઈ 3 મિમી.થી વધુ હોય તો ચેપ કે ક્ષાર જામવાની શક્યતા વધે છે. તેને પરિદંતિલ પુટિકા (periodontal) કહે છે. અવાળુના ચેપથી થતા લાલાશ પડતા સોજાને અવાળુશોથ (gingivitis) કહે છે. અવાળુમાં નાના ખીસા જેવી પુટિકા ઘણાં કારણોસર બને છે; જેમ કે, સ્થાનિક ચચરાટ, ચેપને કારણે ઉત્પન્ન થતું ઝેર, અવાળુ કે હાડકાંમાંની બખોલમાં ઈજા વગેરે.
દાંતના મૂળ પર આવેલા આવરણને ર્દઢબંધક (cementum) કહે છે. તે દાંતને હાડકાની બખોલમાં પરિદંતિલ તંતુબંધ વડે ચોંટાડે છે. જો ઈજા કે ચેપ થાય તો ર્દઢબંધકનો કેટલોક ભાગ શોષાઈ જાય છે; દાંત પર જો ખૂબ જોર લગાવવામાં આવે તો ર્દઢબંધક પર ચીરા પડે છે અથવા તેનો થોડોક ભાગ શોષાઈ જાય છે.
પરિદંતિલ વિકારોના મુખ્ય 3 પ્રકારો છે : અવાળુના વિકારો, પરિદંતિલશોથ (periodontitis) અને પરિદંતિલ પેશીને ઈજા. કેટલાક નિષ્ણાતો પરિદંતિલ પેશીની અપક્ષીણતા(degeneration)થી થતા પરિદંતિલ રુગ્ણતા (periodontosis) નામના વિકારને અલગ વિકાર ગણે છે.
દાંત અને અવાળુ વચ્ચેની નીક અથવા ગર્તમાં જમા થતી ક્ષારપથરી(tartar)ની ચકતી (plaque) તથા શ્વેતદ્રવ્ય (materia alba), તેમજ દાંત પર ચોંટતા કૅલ્શિયમવાળા નિક્ષેપો (deposits) અને તેમાં પેદા થતો ચેપ પરિદંતિલ પેશીમાં રોગ કરે છે. પરિદંતિલ પેશીના વિકારોનું મોંની તપાસ તથા એક્સ-રે-ચિત્રણો વડે નિદાન કરાય છે.
જો અવાળુપુટિકા બની હોય તો તેના આવરણ(અધિચ્છદ)માં સૌપ્રથમ ચાંદું પડે છે. તેમાં શોથકારી (inflammatory) કોષો, ખાસ કરીને શ્વેતકોષો અને પ્લાઝ્મા કોષો ભરાય છે. તેનાથી અવાળુના તંતુઓ નાશ પામે છે. ચાંદાવાળા ભાગમાં દાણાદાર પેશી (granulation) બને છે. ચેપ અને શોથ ફેલાય છે ત્યારે પ્રતિક્રિયા દ્વારા જડબાંના હાડકાની કિનારી ઘસાય છે તથા પરિદંતિલ તંતુબંધના તંતુઓ પણ અસરગ્રસ્ત થાય છે અને તેમનો નાશ થાય છે. આમ અવાળુમાં શરૂ થયેલો શોથનો વિકાર પરિદંતિલ પેશીમાં પ્રવેશે છે. તેને પરિદંતિલશોથ (periodontitis) કહે છે. હાડકામાં કોઈ શોથ થયેલો હોતો નથી, પરંતુ હાડકામાંનો ઘસારો એક પ્રતિક્રિયા રૂપે થયેલો હોય છે. આ પ્રકારના વિકારમાં જીવાણુઓના ચેપનો કેટલો ભાગ છે તે નિશ્ચિત થયેલું નથી. કેટલાક હર્પિસ જૂથના વિષાણુ (virus) પરિદંતિલ શોથ કરે છે. ક્યારેક તેમાં જીવાણુજન્ય ચેપ પણ થાય છે. ઍન્ટિબાયૉટિક એકલાથી આ પ્રકારના વિકારો મટતા નથી. તેથી અવાળુને સહાયક સારવાર પણ અપાય છે; જેમ કે, મોંની સફાઈ, હૂંફાળા પાણીના કોગળા, તમાકુ કે દારૂનો નિષેધ, ઢીલો ખોરાક, અવાળુને મસાજ, અવાળુને ઈજા ન થાય તે જોવું વગેરે.
પરિદંતિલ પેશીને ઈજા થાય તો દુખાવો થાય છે, ઠંડક માટેની દાંતની સહ્યતા ઘટે છે, દાંત હાલે છે, ક્યારેક દાંતનું મૂળ તૂટે છે તથા મૂળના ર્દઢબંધકમાં ચીરા પડે છે. પરિદંતિલ તંતુબંધમાં પેશીનાશ થાય છે તથા તેમાં લોહી વહીને જામી જાય છે.
ક્યારેક ચાવવાની પ્રક્રિયામાં તકલીફ પડે છે ત્યારે પરિદંતિલ કૃત્રિમાંગ (periodontal prosthesis) બનાવાય છે. આવી સંયોજનાઓ કાયમી કે ટૂંકા ગાળાના ઉપયોગની હોય છે. ક્યારેક હાલતા દાંતને ટેકો આપવા સ્થાપકો (splints) પણ વપરાય છે. તે પણ કાયમી કે ટૂંકા ગાળાના ઉપયોગ માટે જુદા જુદા પ્રકારના હોય છે.
દાંતના મૂળ પર ચોંટેલા બધા જ પ્રકારના નિક્ષેપો (deposits) ઘસીને દૂર કરવાની ક્રિયાને દંતઘર્ષણ (scaling) કહે છે. તેના વડે દાંતના મૂળની સપાટી લીસી બનાવાય છે. દાંતના મૂળ પાસેની અવાળુનીકમાં પુટિકા (pocket) થયેલી હોય અને તેમાં ચાંદાં હોય તો તેને દૂર કરવાની શસ્ત્રક્રિયા કરાય છે તેને અવ-અવાળુલક્ષી ખોતરણ (subgingival currettage) કહે છે. તેમાં અવાળુની નીચે આવેલી પુટિકા અને તેમાંનાં ચાંદાંને દૂર કરીને દાંતના મૂળની સપાટી લીસી કરાય છે. જો અવાળુ જાડું થઈ ગયું હોય અથવા અવાળુ પુટિકાની દીવાલ કાઢી નાંખવી હોય તો અવાળુનો કેટલોક ભાગ કાઢી નખાય છે. તેને અવાળુ-ઉચ્છેદન (gingivectomy) કહે છે. અતિવિકસિત (hyperplastic) અવાળુને કાપી કાઢીને તેની સપાટી અને આકાર સામાન્ય અવાળુ જેવો કરવા માટેની શસ્ત્રક્રિયાને અવાળુપુનર્રચના (gingivoplasty) કહે છે.
અવાળુપુટિકાને દૂર કરવા, અવાળુની પુનર્રચના કરવા કે ઓષ્ઠબંધના વિષમ જોડાણને દૂર કરવા અવાળુનો ભાગ કાપવો પડે છે. જો ઉગ્ર અવાળુશોથ હોય, દાંતમાં પુષ્કળ સડો હોય, હાડકાના પ્રવર્ધમાં પહોંચેલી ઊંડી પુટિકા હોય, શરીરમાં અન્ય રોગો હોય, દર્દીનો સહકાર ન હોય તો અવાળુના ભાગને કાઢી શકાતો નથી. ક્યારેક ઊંડી ઊતરેલી પુટિકાની સારવારમાં જડબાંના હાડકાની શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. તે માટે ક્યારેક અસ્થિ-પુનર્રચના(osteoplasty)ની શસ્ત્રક્રિયા વડે વિકારગ્રસ્ત હાડકાની પુનર્રચના કરાય છે. કેટલીક વખતે પુટિકાને કાઢવા જડબાંના હાડકામાં કાણું પાડવું પડે છે. તેને અસ્થિછિદ્રણ (osteotomy) કહે છે. જો પરિદંતિલ પેશીનો રોગ દાંતના મૂળમાં પ્રવેશેલો હોય તો તેની સારવાર મુશ્કેલ બને છે. તેમાં ક્યારેક દાંત કાઢવો પડે છે.
ઊંડી પુટિકા, જડબાંના હાડકાના પ્રવર્ધનો નાશ, દાંતનું યોગ્યસ્થાનેથી ખસવું અને પડવું તથા ઝડપથી વધતો અવાળુનો અને પરિદંતિલ પેશીનો વિકાર હોય તો તેને પરિદંતિલરુગ્ણતા (periodontosis) કહે છે. તેમાં ઘણી વખત દુખાવો થતો નથી. તેની સારવાર મુખ્યત્વે સહાયક પ્રકારની હોય છે. દર્દીને મધુપ્રમેહ, અસ્થિ-દુ:ક્ષીણતા (osteodystrophy) કે શ્વેતતંતુલીય વિકાર (collagen disease) જેવા અન્ય રોગો છે કે નહિ તેની ખાતરી કરીને તેની સારવાર કરાય છે.
દાંતની કઠણ પેશીના વિકારોની સારવાર : દાંતની કઠણ પેશી-દંતિન (dentin) તથા મીનાવરણ(enamel)ના વિકારો તથા સારવારના અભ્યાસને પુનર્ગઠનલક્ષી દંતવિદ્યા (restorative dentistry) કહે છે. તેમાં મુખ્યત્વે દાંતના સડાની સારવારને આવરી લેવાય છે. આ ઉપરાંત દાંતની કઠણ પેશીને થતી ઈજા, ઘસારો કે અન્ય વિકારોની પણ સારવાર કરાય છે.
તેના મુખ્ય હેતુઓમાં દાંતમાં થતો સડો અટકાવવો અથવા સડેલા દાંતને બચાવવો અને તેનું કાર્ય બરાબર થાય તેવી રીતે તેને પુનર્ગઠિત (restored) કરવો વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે દર્દી દાંતમાં દુખાવો, તકલીફ કે ચેપ થાય ત્યારે ડૉક્ટર પાસે સારવાર માટે આવે છે.
આ પ્રકારની સારવાર મુખ્યત્વે વિશિષ્ટ રૂપે તૈયાર કરેલી ખુરશીમાં થાય છે. તેને દંતોપચાર-આસન(dental chair) કહે છે. દર્દીની સગવડ તથા ડૉક્ટરની અનુકૂળતા માટે તેને જરૂરી રીતે ગોઠવી શકાય તેવી તેને બનાવાય છે. સામાન્ય રીતે ડૉક્ટર દર્દીના મોંમાં ઊભા-ઊભા કે બેઠા-બેઠા બરાબર જોઈને કામ કરી શકે તેવી તે હોવી જરૂરી ગણાય છે. તે માટે તેની ઊંચાઈ તથા ખૂણો ગોઠવી શકાય તેવાં રખાય છે. આ ઉપરાંત આવા આસનની સાથે સારવારમાં ઉપયોગી એવાં વિવિધ ઉપકરણો અને સાધનો જોડાયેલાં હોય છે; દા.ત., છેદક સાધનો (cutting instruments). છેદક સાધનમાં 3 ભાગ હોય છે: હાથો (handle અથવા shaft), જોડક (shank) અને છેદક પટ્ટી (blade). છેદક પટ્ટીની ધાર તીક્ષ્ણ હોય છે, જે કાપે છે. તે વિવિધ માપની હોય છે. આ સાધનોને વિવિધ રીતે પકડી શકાય છે તથા તેમને હાથ કે પગ વડે નિયંત્રિત કરી શકાય છે. ચમચા કે પાવડાના આકારવાળી છેદક પટ્ટી વડે દાંતમાંનો સડેલો ભાગ ખોતરી કાઢનાર સાધનને ઉત્ખનક (excavator) કહે છે. સડો દૂર કર્યા પછી બનેલા પોલાણને દંતગુહિકા (dental cavity) કહે છે. તેની કિનારી અને દીવાલને સરખી કરવા કર્તક સાધનો વપરાય છે.
ક્યારેક અવાળુની કિનારીને આછી કાતરી લેવાય છે તે માટે અલ્પકર્તરી સાધન (trimmer) વપરાય છે. દાંતના કોઈક ભાગને દળવા, લીસો કરવા કે ચળકાટ આપવા માટે ચકતી કે પથ્થરને પકડી રાખતા સાધનને ધારક સાધન (mandrel)કહે છે. બીજાં વિવિધ પ્રકારનાં સાધનો પણ હોય છે જેના વડે દાંતને કપાય છે, ખોતરાય છે, સાફ કરાય છે, લીસો કરાય છે. વગેરે.
શસ્ત્રક્રિયાલક્ષી અથવા ઉપચારલક્ષી ખુરશીમાં પાણીની વિશેષ સગવડ કરાય છે. તેની મદદથી શસ્ત્રક્રિયા પહેલાં મોં સાફ કરાય છે, દાંતમાં કરેલાં પોલાણો(ગુહિકા)ને સાફ કરાય છે, દાંતના પોલાણ કે તેના પુનર્ગઠન માટેના દ્રવ્યને લગાડતી વખતે તેમાંનો કચરો દૂર કરાય છે અને ગોળ-ગોળ ફરીને કાપતાં કે છિદ્ર પાડતાં સાધનોથી થતી ગરમીને ઘટાડવા તથા તે માટે લીસી સપાટી ઉત્પન્ન કરવા માટે પણ પાણી વપરાય છે.
દાંતની સારવાર કરતાં પહેલાં મોંની અંદરની સંપૂર્ણ સફાઈ તથા જંતુનાશક દવાના કોગળા કરીને ચેપ લાગવાની શક્યતા ઘટાડાય છે. દાંતની આસપાસ જામતી ક્ષારપથરી(tartar) અવાળુ તથા અન્ય પેશીમાં ચેપ અને સોજો કરે છે. તેથી તેને દૂર કરવી જરૂરી ગણાય છે. મોંની જરૂરી તપાસ તથા એક્સ-રે-ચિત્રણો વડે ચોક્કસ નિદાન કરી લેવાય છે. મોંની તપાસ કરતી વખતે દરેક દાંતની બધી જ સપાટી પર તીક્ષ્ણ સાધન વડે તપાસ કરાય છે. આ પ્રકારની તપાસ માટે મુખબખોલ-અરીસો (mouth mirror), દબાણ સાથે ફેંકાતી હવા તથા પૂરતો પ્રકાશ જરૂરી બને છે.
દાંત પર ડાઘા પડેલા હોય તો તે ભાગને દળી કાઢીને (grinding), તેને ચળકાટ આવે તેવી રીતે ઘસીને કાંતિમય (polished), તેને રંગવિહીન કરીને (bleaching) કે તેને કાપી કાઢ્યા પછી ત્યાં પુનર્ગઠન (restoration) કરીને દાંત પરના ડાઘા દૂર કરાય છે.
દાંતના સડા(dental caries)ને દૂર કરવા માટે તેને ખોતરી કાઢીને ત્યાં પોલાણ અથવા નાનો ખાડો કરાય છે. તેને ગુહિકાસર્જન (cavity preparation) કહે છે.
ગુહિકાસર્જન (cavity preparation) : દાંતના સડાને ખોતરીને દૂર કર્યા બાદ તેમાં દંતપૂરણ (dental filling) રૂપે જે રસાયણો ભરવામાં આવે તેને બરાબર સાચવી શકે તેવા નાના ખાડા અથવા પોલાણને ગુહિકા (cavity) કહે છે. તેમાં દંતપૂરણ ભરવાની ક્રિયાને ચાંદી પૂરવી પણ કહે છે. સામાન્ય રીતે દાંતના ઊપસેલા ભાગો, તેની સપાટીના ઢાળની ઉપલી કિનારી કે ટોચ તથા તેની કાપતી કે ચીરતી કિનારીઓમાં સડો થતો નથી. સડાની શરૂઆત દાંતની સપાટીઓ પર થાય છે.
સડો દૂર કરીને કરાતાં પોલાણો મુખ્યત્વે 2 પ્રકારનાં હોય છે : (1) સાદી ગુહિકા અને (2) સંયુક્ત – સંકુલ ગુહિકા. સાદી ગુહિકા દાંતની કોઈ એક સપાટી પર હોય છે. જ્યારે સંયુક્ત સંકુલ ગુહિકાઓ એકથી વધુ સપાટીઓ પર કરવામાં આવે છે. દંતવિદ બ્લેકે ગુહિકાઓને 6 જૂથોમાં વર્ગીકૃત કરેલી છે: (1) દાંતના ખાડા કે ખાંચામાંની ગુહિકાઓ કે જે સામાન્ય રીતે ભેદક દાંત (cannine) અને દાઢની સુસ્પર્શન- સપાટીઓ, દાઢની ગલોફા કે જીભ તરફની સપાટી કે આગળના ઉપરની હરોળના છેદક દાંતની જીભ તરફની સપાટી પર હોય છે. (2) બીજા જૂથમાં ભેદક દાંત અને દાઢની મધ્યાગ્ર-સુસ્પર્શન (mesiocclusive) અને દૂરસ્થ-સુસ્પર્શન (distocclusive) સપાટી પરની ગુહિકાઓ ગણાય છે. (3) જૂથ 3માં છે ભેદક અને છેદક (incisor) દાંતની અવાળુ નજીકની અને છેદકકોણ (incisal angle)ને અસરગ્રસ્ત ન કરતી ગુહિકાઓ. (4) ભેદક અને છેદક દાંતની અવાળુ નજીકની અને છેદકકોણને અસરગ્રસ્ત કરતી ગુહિકાઓ. (5) અવાળુથી 1/3 ભાગ જેટલી ઢંકાયેલી ગુહિકાઓ તથા (6) દાંતની છેદક કિનારીઓ પરની તથા દૂરસ્થ દાંતના દલટોચ (cusp-tip) તથા કોઈ પણ દાંતના ઢાળકોણ(inclined angle)ને અસરગ્રસ્ત કરતી ગુહિકાઓ. પ્રથમ જૂથની ગુહિકાઓ ખાડા કે ખાંચામાં જ્યારે બીજી બધી દાંતની સપાટી પર આવેલી હોય છે.
દાંતના ખાડામાં આવેલો સડો દંતિન તેમજ મીનાવરણમાં ત્રિકોણાકાર હોય છે અને તેમનો પાયો દંતિન-મીનાવરણના જોડાણ પાસે હોય છે. જ્યારે ટોચ સામેની દિશામાં એટલે કે મીનાવરણમાં બહારની સપાટી તરફ અને દંતિનમાં મૃદુપેશીની ગુહા તરફ હોય છે. લીસી સપાટી પરનો સડો પણ ત્રિકોણાકાર નુકસાન કરે છે; પરંતુ તેમાં બંને ત્રિકોણોની ટોચ દંતિન-મીનાવરણના જોડાણ પર હોય છે અને પાયો અનુક્રમે દંતિનની બહારની સપાટી કે મૃદુપેશીગુહાની દીવાલ પર હોય છે.
સડાને દૂર કરીને ગુહિકા બનાવવામાં વિવિધ પદ્ધતિઓનો સમાવેશ થાય છે. મીનાવરણ પુનર્રચના (enameloplasty), મીનાવરણ અને દંતિનમાં છિદ્રણ (burr hole) કરવું વગેરે. મીનાવરણ(enamel)ને ખોતરી, સડો દૂર કરી તેને યોગ્ય આકારમાં કાપવાની ક્રિયાને મીનાવરણ-પુનર્રચના કહે છે. ગોળ ફરીને કાણું પાડતાં ચક્રીય છિદ્રક (rotating burr) વડે મીનાવરણ અને દંતિનમાં કાણું પાડવાની ક્રિયાને છિદ્રણ કહે છે. તે માટે વિવિધ માપના છિદ્રકો(burrs) મળે છે. છિદ્રણ કરતી વખતે તે જગ્યાને સાફ રાખવા તથા ગરમ થઈ જતી રોકવા માટે પાણીની ધાર કરવામાં આવે છે. આવી રીતે બનાવેલી ગુહિકાની દીવાલમાં દંતિન, દંતિન-મીનાવરણ જોડાણ, મીનાવરણ તથા સપાટીગુહિકા વચ્ચેનો ખૂણો આવેલાં હોય છે. સપાટી અને ગુહિકાના મોં વચ્ચેનો ખૂણો ક્યારેક રૈખિક અથવા બિંદુસમ હોય છે. આ ખૂણો મીનાવરણના સુસ્થાપિત દંડો વડે બનેલો હોવો જોઈએ. આ ખૂણો તથા તેમાં કરાતા પૂરણ(filling)ની સપાટી એક જ સીધી લીટીમાં હોય તો ચાવતી વખતે તકલીફ પડતી નથી. વળી દેખાવ પણ યોગ્ય પ્રકારનો જણાય છે. ગુહિકાના તળિયા પર પૂરણ ગોઠવવામાં આવે છે. ગુહિકાનું તળિયું કાં તો મૃદુપેશીની ગુહાની દીવાલ પર હોય છે અથવા તો તે દાંતની લાંબી અક્ષ પર અને મૃદુપેશી ગુહાની દીવાલને સમાંતર આવેલું હોય છે. તેથી ગુહિકાની દીવાલને અનુક્રમે પેશીગુહાદીવાલ (pulpal wall) અને અક્ષીય દીવાલ (axial wall) કહે છે. દરેક પ્રકારની ગુહિકાઓની દીવાલો તથા ખૂણાઓનું નામકરણ અને વર્ણન કરવામાં આવેલું છે.
ગુહિકા બનાવતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રખાય છે. ગુહિકાની લંબાઈ-પહોળાઈ અંગે, ચાવતી વખતે તેના પર આવનારા દબાણને સહી શકે તેવી સુસંગતતા અંગે, ગુહિકાના ખાડાને ભરવા માટે મુકાતું પૂરણ તેના સ્થાને જળવાઈ રહે તે અંગે તથા પૂરણની સપાટી દાંતની સપાટીની સાથે મળી જાય તે અંગે ખાસ ધ્યાન રખાય છે. ગુહિકાની બાહ્યરેખાઓ (outline) તૈયાર કરતી વખતે દાંતના કુદરતી ખાંચાઓને પણ તેમાં સમાવી લેવાય છે. પૂરણ ભર્યા પછી તે બરાબર યોગ્ય સ્થાને જળવાઈ રહે અને દાંતની સપાટી લીસી અને સુરેખ બને તેટલા પ્રમાણમાં ગુહિકાને, જરૂર પડ્યે, મોટી કરાય છે. આવી સપાટી સહેલાઈથી સાફ થઈ શકે છે અને તેથી તેમાં સડો થવાની શક્યતા ઘટે છે. તેને જી.એફ.બ્લેકનો પૂર્વનિવારણ માટેનો ગુહિકાના વૃદ્ધીકરણનો સિદ્ધાંત (principle of extension for prevention) કહે છે. ગુહિકા પૂરતી મોટી ન કરાયેલી હોય તો પૂરણ ભરવામાં મુશ્કેલી પડે છે અને તેમાં ક્યારેક ફરીથી સડો થાય છે. યુવાન વ્યક્તિમાં ગુહિકાની અવાળુ તરફની કિનારી અવાળુની નીચે સુધી લંબાવાય છે. જો સડો અવાળુની નીચે સુધી ફેલાયેલો હોય તો રબરના આડબંધ (dam) તથા અન્ય ફાચર જેવા સાધનની મદદથી આવા વિસ્તારનું પૂરેપૂરું નિરીક્ષણ કરાય છે. જરૂર પડ્યે દળદારબંધ-(matrix band)નો ઉપયોગ કરાય છે તથા વધારાના અવાળુને કાપી કઢાય છે અથવા તેનો પેશીપટ્ટો (flap) બનાવાય છે. પહેલા અને પાંચમા જૂથની સડાવાળી ગુહિકા માટે ખાસ ધ્યાન રાખવું પડે છે.
ચાવતી વખતે આવતા દબાણને યોગ્ય રીતે ઝીલવા માટે, ગુહિકાને ખોખા જેવી ઘન-આકારની બનાવાય છે, તેનું તળિયું ચપટું (સમતલ) અને દબાણના બળને કાટખૂણે રહે તે ખાસ જોવાય છે તથા તેની ચારેબાજુની દીવાલ તળિયાને કાટખૂણે રહે તેવું ખાસ રખાય છે. તે ઉપરાંત પુનર્ગઠન માટેનું પૂરણ પૂરતા પ્રમાણમાં ભરાય છે અને તેની બનાવટમાં યોગ્ય પ્રકારનું દ્રવ્ય વપરાય છે.
ગુહિકાના પોલાણમાં ભરવામાં આવેલું પૂરણ સહેલાઈથી નીકળી ન જાય તે જોવું પડે છે. પૂરણને ભરતી વખતે અપાતું બળ તથા ચાવવાની પ્રક્રિયા વખતે ઉત્પન્ન થતું દબાણ – એમ બે પ્રકારનાં પરિબળોનું ખાસ ધ્યાન રખાય છે. ગુહિકાના ઉપલા મુખ પાસેના ખૂણાની નીચે દંતિનની અંદર ગુહિકા લંબાય છે, જેથી પૂરણ સહેલાઈથી નીકળી ન જાય. આ માટે મીનાવરણ પર આધાર રખાતો નથી.
સામાન્ય રીતે સડો જેટલો ઊંડો તેટલી ગુહિકા પણ ઊંડી હોય છે. ક્યારેક ગુહિકા બનાવતી વખતે ઉપલી અને નીચલી દાઢની પેશીગુહાનાં શૃંગો ખુલ્લાં થઈ જાય છે. ક્યારેક વ્યક્તિગત કારણોસર ગુહિકા બનાવવામાં ઉપર ચર્ચેલા સિદ્ધાંતોમાં ફેરફાર કરવો પડે છે.
એક વખત ગુહિકા બની જાય એટલે તેમાં રહેલ કચરો અને દવાને સાફ કરાય છે. તે માટે ઝીણી કરચોને દૂર કરીને 3 % હાઇડ્રોજન પૅરૉક્સાઇડ કે અન્ય ક્ષાલક (detergent) દ્રાવણનો ઉપયોગ કરાય છે. ગુહિકા બનાવવા માટે તાજી ધાર કાઢેલાં સાધનો, ચક્રીય છિદ્રકો, ચકતીઓ તથા હીરાની કણીઓ વપરાય છે. દંતિન અને મીનાવરણનું જોડાણ એ સૌથી વધુ સંવેદનશીલ જગ્યા હોય છે. ગુહિકા બનાવતી વખતે દુખાવો થતો રોકવા, જરૂર પડ્યે પેશીને બહેરી કરતી દવાઓ વપરાય છે તથા ઓજારો ધારદાર રખાય છે. ગરમી અને ધ્રુજારી જેટલી ઓછી રાખી શકાય તેટલી ઓછી રખાય છે અને દર્દીનો ભય ઘટાડવાના વિશેષ પ્રયત્નો કરાય છે. તેને કારણે પણ દુખાવો ઘટે છે. શક્ય હોય ત્યાં સુધી સડો ખોતરી કાઢવા ચક્રીય છિદ્રકોને બદલે ચમચા આકારના ઉત્ખનકો (excavators) વપરાય છે. જુદા જુદા સંજોગો પ્રમાણે ચક્રીય છિદ્રકો, હીરાકણીવાળાં સાધનો કે હાથથી વપરાતાં સાધનો વપરાય છે. જગ્યાને લાળથી કોરી રાખવા, હોઠ કે જીભ જેવી આસપાસની સંરચનાઓનું રક્ષણ કરવા, ચેપ ફેલાતો રોકવા તથા શસ્ત્રક્રિયાનો વિસ્તાર સ્પષ્ટ દેખાડવા લેટેક્સ રબરના આડબંધ (dam) વપરાય છે. જો તે વાપરી ન શકાય તો રૂ કે કપડાથી લાળનો ભેજ ઓછો કરાય છે.
દાંતમાં બનાવેલી ગુહિકાની દીવાલ માટે દાંતનું દંતિન ઓછું રહ્યું હોય ત્યારે તેમાં ભરવામાં આવતા પૂરણને યોગ્ય રીતે રાખવા માટે સ્ટેનલેસ સ્ટીલ, તાંબું, પ્લાસ્ટિક, સેલ્યુલૉઇડનાં દળદાર બંધનો ઉપયોગ કરાય છે. દાંતનો ઘાટ (mould) બરાબર કરવા ક્યારેક પ્લૅટિનમ, સોનું કે અન્ય અપ્રતિક્રિયક (refractory) દ્રવ્ય વપરાય છે. દાંતની ગુહિકા બનાવતી વખતે અને ગુહિકામાં પૂરણ ભરતી વખતે દાંતની અંદર આવેલા મૃદુપેશીના પોલાણ(પેશીગુહા)ને ઈજા ન થાય તે ખાસ જોવાય છે. દાંતનો સડો પૂરેપૂરો કાઢી નંખાય છે, દંતિનનો ભેજ જાળવવા તેને ભીંજવ્યા પછી કોરો કરાય છે તથા ઊંડાણવાળા ભાગમાં કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ કે અન્ય પદાર્થો ચોપડવામાં આવે છે.
દાંતની ગુહિકાની અંદરની સપાટી પર સિમેન્ટ જેવા પાતળા પદાર્થનું પાતળું પડ લગાવાય છે. તેને ગુહિકાનું આચ્છાદન (cavity lining) કહે છે. સડો થવાની સંભાવનાવાળા શરૂઆતના રોગવિસ્તારોમાં બનાવેલી ગુહિકામાં, જો ગુહિકા બનાવતી વખતે રબર-આડબંધનો ઉપયોગ કરાયેલો હોય અને ગુહિકા બનાવ્યા પછી તરત જ તેમાં પૂરણ ભરવામાં આવ્યું હોય તો તેમાં ચેપ લાગેલો હોતો નથી અને તે સૂક્ષ્મજીવરહિત (sterile) હોય છે. અન્ય બધા જ પ્રકારની ગુહિકાઓમાં પૂરણ ભરતાં પહેલાં તેને રબરના આડબંધની મદદથી અળગી કરીને દવા વડે સાફ કરાય છે, જેથી તેમાં કોઈ જીવાણુનો ચેપ ન રહે. જો નીચેની પેશીગુહા ખૂલી જવાનો સંભવ હોય તો ક્યારેક થોડોક સડાવાળો ભાગ અંદર રહેવા દેવો પડે છે. તે સમયે રબર આડબંધની હાજરીમાં ગુહિકાને સાફ કરીને તેમાં કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ કે ઝિંકઑક્સાઇડ-યુજીનોલનું મિશ્રણ લગાડાય છે તથા તેમાં તરત જ હંગામી પ્રકારનું પૂરણ ભરવામાં આવે છે. 6 અઠવાડિયાંમાં પુનર્રચનાલક્ષી દંતિન બને તે પછી ફરીથી શસ્ત્રક્રિયા કરીને રહી ગયેલો સડો દૂર કરાય છે. જો દાંત વધુ પડતો સંવેદનશીલ હોય તો તેનો ફ્લોરાઇડ વડે ઉપચાર કરાય છે. જો દાંતનો નીચલો ભાગ ઘસારાથી પાતળો થયો હોય તો તેને કાયમી પૂરણ વડે પુનર્ગઠિત કરાય છે. જો દાંતના હોઠ તરફના ભાગ પર અલ્પવિકસનને કારણે ખાડા પડ્યા હોય તો તેને ઘસીને સાફ કરાય છે.
દાંતનું પુનર્ગઠન (restoration of teeth) : દાંતમાં સડા, ઈજા કે શસ્ત્રક્રિયાને કારણે તથા નુકસાનને પૂરણ વડે ભરીને દાંતનો આકાર, બળ અને કાર્ય પહેલાં જેવું કરવાની ક્રિયાને પુનર્ગઠન કહે છે. તેને ચાંદી પૂરવાની ક્રિયા પણ કહે છે. આદર્શ પુનર્ગઠનલક્ષી દ્રવ્યના ગુણધર્મો બ્લેક દ્વારા નિશ્ચિત કરાયેલા છે. (1) તે ગુહિકાની દીવાલને અનુરૂપ હોવું જોઈએ, (2) મોંમાંના પ્રવાહીઓથી તેનો નાશ ન થવો જોઈએ; (3) તેને દાંતમાં મૂક્યા પછી તેનો આકાર કે કદ બદલાવાં ન જોઈએ, (4) તેની કઠણતા તથા બળ યોગ્ય પ્રમાણમાં હોવાં જોઈએ, (5) દાંતના જેટલી જ તેની દબાણ તથા ઘસારા સામેની ટકી રહેવાની ક્ષમતા હોવી જોઈએ, (6) તેનો રંગ કાયમી અને એકસરખો હોવો જોઈએ, (7) આસપાસની પેશીમાં તે ક્ષોભન ન કરતું હોવું જોઈએ, (8) તેમાંથી સહેલાઈથી ગરમી પસાર ન થતી હોવી જોઈએ તથા (9) તેને બનાવવા, ગોઠવવા તથા અન્ય રીતે તેના પર કોઈ પ્રક્રિયા કરવી હોય તો તે સહેલાઈથી થઈ શકવી જોઈએ. પુનર્ગઠન દ્રવ્ય દાંતના આકાર તથા કાર્યને ફરીથી મૂળ જેવું કરે છે તથા પેશીગુહાને રક્ષણ આપે છે. તે ફરીથી સડો થતો રોકે છે.
પુનર્ગઠન માટેના પદાર્થને નક્કી કરવામાં દર્દીની ઉંમર, માનસિક અવસ્થા, દાંતની સફાઈ માટેનો અભિગમ, નાણાકીય પરિસ્થિતિ તથા સારવાર માટેનો સમયગાળો કેટલો છે તે બધા પર આધાર રાખવો પડે છે. આ ઉપરાંત દર્દીને કેટલો તીવ્ર અને વ્યાપક સડો થયેલો છે, દાંતની મૃદુપેશીની તંદુરસ્તી કેટલી છે, તેના દાંતને આધાર આપતી પેશી કેવી છે, તેના કેટલા દાંત પડી ગયેલા છે, તેની ચાવવાની ક્રિયા કેવી છે અને તે વખતે સુસ્પર્શન કેટલા પ્રમાણમાં થાય છે વગેરે વિવિધ પરિબળો પણ પુનર્ગઠન-પદાર્થને નક્કી કરવામાં ઉપયોગી ગણાય છે. આ ઉપરાંત પુનર્ગઠન પદાર્થના પોતાના ગુણધર્મો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.
વિવિધ પ્રકારના પુનર્ગઠનલક્ષી પદાર્થો વપરાય છે; જેમ કે, સોનું, સોનાનો બીબાઢોળ, પારાનાં ધાતુ-મિશ્રણો, શેકેલું પોર્સિલિન, ચાંદીનું ધાતુમિશ્રણ, રેઝિન તથા ઝિંક ફૉસ્ફેટ, પોલિકાર્બૉક્સિલેટ તથા સિલિસિયસ દ્રવ્યો વગેરે.
સંપૂર્ણપણે યોગ્ય પુનર્ગઠન થાય ત્યારે પુનર્ગઠનની સપાટી લીસી તથા મીનાવરણની સપાટી સાથે ભળી જતી હોવી જોઈએ અને આસપાસના દાંત કે સુસ્પર્શન કરતા દાંત સાથે કોઈ ઘસારો કરતી ન હોવી જોઈએ એવું મનાય છે. પુનર્ગઠન માટેના પૂરણની બહારની સપાટીને લીસી અને ચળકતી બનાવાય છે. તે માટે લૂગદી (paste) કે ઝીણો ભૂકો વપરાય છે. બંને પદ્ધતિના લાભ કે ગેરલાભ હોય છે. બીજા વર્ગની ગુહિકા માટે યોગ્ય પુનર્ગઠન કરવાનું અઘરું હોય છે.
અયોગ્ય નિર્ણય, ખામીયુક્ત પદ્ધતિ, અપૂર્ણ ગુહિકાસર્જન, પુનર્ગઠન દ્રવ્યની અયોગ્ય બનાવટ તથા દર્દી દ્વારા મોં-દાંતની અપૂરતી સફાઈ ગુહિકામાં ભરેલા પૂરણને નિષ્ફળ બનાવે છે. તાજા પુનર્ગઠિત કરેલા દાંતમાં ગરમીની સંવેદના વધુ થાય છે. જરૂર પડ્યે તેની ઝિંકઑક્સાઇડ-યુજીનૉલ વડે સારવાર કરાય છે. તેને કારણે તે સ્થળે વધારાનું દંતિન જમા થાય છે અને ગરમીની સંવેદના ઘટે છે. પાંચમા જૂથની ગુહિકા માટે આદર્શ પૂરણ-દ્રવ્ય મળેલું નથી પરંતુ તે માટે સોનાનો વરખ (foil) વાપરી શકાય છે.
સોનાના વરખને ઉત્તમ પ્રકારનું પુનર્ગઠન માટેનું દ્રવ્ય ગણવામાં આવે છે. તેને માટે દાંતને ઓછો કાપવો પડે છે અને તે ગુહિકાની દીવાલ સાથે મજબૂતાઈથી અને સહેલાઈથી ચોંટે છે. ત્યારબાદ આખા જીવન દરમિયાન ગુહિકાના કદમાં ફેરફાર થતો નથી અને તેથી તે સૌથી વધુ ચાલતું કાયમી પૂરણ ગણાય છે. તેને મોંના પ્રવાહીઓથી નુકસાન થતું નથી અને તે આસપાસની પેશીને સૌથી ઓછું સંક્ષોભન (irritation) કરે છે. ગરમીને કારણે સોનાનો વરખ (foil) તથા દાંત એમ બંને એકસરખા ફૂલે છે. તેના મુખ્ય ગેરલાભમાં શરૂઆતનો ખર્ચ, તેને લગાડવા માટેની વિશેષ તાલીમની જરૂર, તેનો દાંતથી જુદો પડતો રંગ અને તેના દ્વારા ગરમીનું વધારે પડતું થતું વહન ગણાય છે. સડો થવાની સંભાવનાવાળા વિસ્તારો, ત્રીજા, પાંચમા અને પહેલા જૂથની ગુહિકાઓ તથા ઉપલી અને નીચલી પૂર્વદાઢની આગળ તરફની સપાટી પરની ગુહિકાઓ માટે સોનાનો વરખ ખાસ ઉપયોગી ગણાય છે. આગળના દાંત તથા પૂર્વદાઢની અવાળુ પાસેની સપાટી તથા ચાવતી વખતે ઓછો ઘસારો લાગતો હોય તેવી સપાટીઓ પરની ગુહિકા માટે પણ તે વપરાય છે. જેમ ગુહિકા મોટી તેમ સોનાના વરખનો ઉપયોગ ઓછો હોય છે. તેવી રીતે ખૂબ નાના અને મોટી ઉંમરના દર્દીઓમાં ચાવતી વખતે સૌથી વધુ ઘસારો પહોંચતો હોય તેવી સપાટીઓ માટે તથા આસપાસની પેશીનો ટેકો ઓછો હોય એવા દાંત હોય તો સોનાના વરખનો ઉપયોગ થતો નથી. પુનર્ગઠન માટેનું સોનું વરખ (foil), ટુકડા (mat), સ્ફટિકીય ભૂકો કે દાણાદાર ભૂકાના રૂપમાં હોય છે. સીધું સોનું વાપરતાં પહેલાં તેને 650°થી 700° ફે. ના તાપમાને 8થી 10 મિનિટ માટે તપાવવામાં આવે છે. તેના દ્વારા તેમાંના વાયુ અને ભેજ દૂર થાય છે. સૂકી અને ચોખ્ખી ગુહિકામાં હાથ, આંગળીઓ અને/અથવા સાધનની મદદથી 24 કિગ્રા./ 1 મિમી.ના બળ વડે સોનાનું પૂરણ ભરવામાં આવે છે. સામાન્ય રીતે ગુહિકાની દીવાલ પર 45°ના ખૂણે બળ આપીને સોનું ભરવામાં આવે છે. સામાન્ય રીતે 0.3 મિમી.ની જાડાઈનું સોનું ભરાય છે. સાંકડી થતી ગુહિકામાં તપાવેલા પૉર્સેલિન, પ્લાસ્ટિક અને સોનાનું બનાવેલું પૂરણ ભરાય છે. ત્યાર પછી તેના પર સુવર્ણઢોળ (gold casting) ચઢાવાય છે. અન્ય ધાતુઓનાં મિશ્રણો પણ વપરાય છે. જોકે સોનાની તણાવક્ષમતા તથા નાશરોધકતા(indesructibility)ને કારણે તે વધારે ઉપયોગી ગણાય છે. દાંતના એકથી વધુ દલ (cusp) પર લગાડવામાં આવેલા બીબાઢોળ(cast)ને બીબાઢોળનું બાહ્યાવરણ (overlay) કહે છે. તે દાંતને આધાર આપે છે. સાદો ઢોળ દાંતને આધાર આપતો નથી. બીજા જૂથની સંકુલપ્રકારની ગુહિકા માટે બાહ્યાવરણ વધુ લાભદાયી રહે છે. આદર્શ બીબાઢોળના ગુણધર્મો નિશ્ચિત કરવામાં આવેલા છે. 1907માં વિલિયમ ટેગર્ટે તેનો વપરાશ વધાર્યો હતો.
સોનાના બીબાઢોળને બનાવવા માટે સૌપ્રથમ બનાવેલી ગુહિકાની છાપ અથવા પ્રતિકૃતિ (impressions) લેવામાં આવે છે. ગુહિકાને હંગામી રક્ષણ આપવામાં આવે છે. છાપ પરથી બીબું (die) બનાવવામાં આવે છે. તેની અંદર મીણ રેડીને બરાબર બંધબેસતી મીણની છાપ લેવામાં આવે છે. મીણની છાપ પર સુવર્ણઢોળ ચઢાવવામાં આવે છે. મીણને બાળી કઢાય છે. તૈયાર થયેલો સુવર્ણઢોળ અથવા સોનાનો બીબાઢોળ દાંત પર બેસાડવામાં આવે છે. સુવર્ણઢોળના ઘણા લાભ છે. તેમાં મોંના પ્રવાહીથી વિકાર થતો નથી તથા દાંતનો આકાર વધુ સારી રીતે જાળવી શકાય છે. તે ચાવવાથી થતા દબાણને સારી રીતે સહન કરે છે. તેના કદમાં કદી ફેરફાર થતો નથી. તે દેખાવમાં સારો લાગે છે તથા તેને મુખ્યત્વે પ્રયોગશાળામાં બનાવવામાં આવતો હોવાથી દર્દી કે ડૉક્ટરનો સમય ઓછો બગડે છે. તેના કેટલાક ગેરલાભ પણ છે. દાંતમાંના પોલાણને કોઈ બીજા દ્રવ્યથી ભરવું પડે છે. ગુહિકા પૂરવાની પ્રક્રિયા અને ઢોળ ચઢાવવાની પ્રક્રિયા વચ્ચે લાંબો સમય જાય છે, દાંતનો રંગ જુદો પડે છે તથા સોનું ગરમીનું વધુ વહન કરે છે. સુવર્ણઢોળ ચઢાવવાની વિવિધ પદ્ધતિઓ છે : સીધી, આડકતરી તથા સીધી-આડકતરી.
પૉર્સેલિનના પૂરણ વડે ગુહિકા પૂરવાના ઘણા લાભ છે. દાંતનો રંગ સામાન્ય પ્રકારનો લાગે છે. ગરમીનું વધારે પ્રમાણમાં વહન થતું નથી. આસપાસની મૃદુપેશીને નુકસાન થતું નથી તથા તેને બનાવવાનો સમય ઓછો રહે છે. ગુહિકાને મોટી બનાવવી પડે છે. પૂરણને ભરવાની ક્રિયામાં પુષ્કળ ચોકસાઈ રાખવી પડે છે. સિમેન્ટના ચોંટણને લીધે ડાઘા પડે છે જે દેખાવ બગાડે છે. આ બધા ગેરલાભો પણ છે. સામાન્ય રીતે 5મા અને 3જા જૂથની ગુહિકાઓ માટે પણ તે ખાસ ઉપયોગી છે. સુવર્ણઢોળને સાથે વાપરવામાં આવે તો 4થા જૂથની ગુહિકા માટે પણ તે ઉપયોગી છે. પૉર્સેલિનના પૂરણ બનાવવા માટે દળ રૂપે 0.001થી 0.00075 ઇંચની જાડાઈના પ્લૅટિનમ વરખ વપરાય છે.
કાયમી પૂરણરૂપે સૌથી વધુ વપરાતું અને સસ્તું દ્રવ્ય પારા ધાતુમિશ્રણ કે પારામિશ્રણ (amalgam) છે. વળી તે ઝડપથી બનાવી શકાય છે. દૂધિયા દાંત, મુશ્કેલ જગ્યા, ઓછો સમય કે ઓછાં નાણાં, ટૂંકા ગાળા માટેની જરૂરિયાત, દેખાવનું ઓછું મહત્વ તથા કાયમી દાંતને સાચવી રાખવા માટેની પ્રક્રિયા – આવા વિવિધ સંજોગોમાં પારામિશ્રણ વધુ વપરાય છે. પારામિશ્રણો લાંબા સમય માટે પૂરણ તરીકે રહે છે, ચાવવાનું દબાણ સહન કરે છે. મોંના પ્રવાહીમાં ઓગળતાં નથી. જલદીથી ઘસાઈ જતા નથી. ઘણું દબાણ સહન કરે છે અને ગુહિકાની દીવાલોને બરાબર રીતે બંધ કરે છે. પારામિશ્રણો નાની નાની લખોટીઓના રૂપે પણ મળે છે. મોટાભાગની બીજા જૂથની ગુહિકાના પૂરણમાં પારામિશ્રણ વપરાય છે. ગુહિકા દંતિનમાં ફક્ત 0.2 મિમિ. જેટલી જ ઊંડી જવા દેવાય છે. ભેદક દાંત(cannine)ની પાછલી સપાટી પર પારામિશ્રણ વડે પૂરણ કરવામાં આવે છે. પારામિશ્રણ બનાવવા માટે યોગ્ય રીતે અને યોગ્ય પ્રમાણમાં મિશ્રણ બનાવવું જરૂરી ગણાય છે. પારામિશ્રણનું કદ, તેની સપાટી, પારો અને અન્ય ધાતુનું પ્રમાણ, બનાવેલા પૂરણનું કદ, ઝડપ અને સમય તથા પૂરણ કરવાની પદ્ધતિ પર પારામિશ્રણોની સફળતા રહેલી છે. ટાંકણી આકારનાં પાતળા તાર જેવાં પારામિશ્રણો વડે બીજા અને પાંચમા જૂથની ગુહિકાઓને ભરી શકાય છે. પારામિશ્રણનું પૂરણ ભરતી વખતે રબરનો આડબંધ (dam) વાપરવાથી તેમાં ભેજ ભરાતો નથી.
પારામિશ્રણોના વપરાશને કારણે દાંતના ડૉક્ટરના શરીરમાં પારાનું પ્રમાણ સહેજ વધુ રહે છે, જોકે તે સામાન્ય રીતે કોઈ ઝેરી અસર દેખાડતું નથી. દાંતના દવાખાનામાંના વાતાવરણમાં પારાનું પ્રમાણ યોગ્ય સ્તરે જળવાઈ રહે તેવું ખાસ જોવામાં આવે છે. પારો ઢોળાતો અટકાવવો, વપરાશની ટેબલ-ખુરશીની સપાટીઓને સલ્ફરના ભૂકા અને ભીના કપડાથી સાફ કરવી, જૂનાં પારામિશ્રણ દૂર કરવાં, પુષ્કળ ઠંડક કરતા પાણીનો ઉપયોગ કરવો તથા પારામિશ્રણ બનાવવામાં યોગ્ય સાવચેતી રાખવી વગેરે વિવિધ સૂચનાઓના અમલ દ્વારા પારાનું પ્રમાણ વધતું અટકાવાય છે. પારામિશ્રણમાં 12 %થી 20 % તાંબું વાપરવાથી પૂરણની કેટલીક લાક્ષણિકતાઓ સુધરે છે. તેવી જ રીતે કલાઈ (tin) અને જસત (zinc) વાપરવાથી પણ ફાયદો રહે છે. પારામિશ્રણોમાં પારા અને ધાતુના મિશ્રણનું ગુણોત્તર પ્રમાણ 8:5થી માંડીને 1:1 જેટલું હોય છે.
હંગામી પૂરણ દ્રવ્યો તરીકે સંયુક્ત (composite) રેઝિન, એક્રેલિક રેઝિન, સિલિકેટસિમેન્ટ, સિલિકોફૉસ્ફેટ સિમેન્ટ, પૉલિકાર્બૉક્સિમેટ સિમેન્ટ, ઝિંકફૉસ્ફેટસિમેન્ટ, ઝિંકઑક્સાઇડ યુજીનૉલ સિમેન્ટ વગેરે પદાર્થો વપરાય છે. મોટેભાગે દાંતનો દેખાવ સારો લાગે તે માટે આ દ્રવ્યો વપરાય છે. જુદા જુદા સંજોગોમાં અને વાપરનારાની સગવડ પ્રમાણે વિવિધ હંગામી પૂરણો વપરાય છે.
મૃદુપેશીના વિકારો અને સારવાર : દાંતની અંદર આવેલા પોલાણમાંની મૃદુપેશીના વિકારો તથા દાંતના મૂળની ટોચની આસપાસ આવેલી પેશીના વિકારો તથા તેમની સારવારના અભ્યાસને અંત:દંતવિદ્યા (endodontics) કહે છે. દાંતની આસપાસની પેશીમાં થતો વિકાર અને દાંતની અંદરની મૃદુપેશીમાં થતો વિકાર એકબીજાથી અલગ પડાય છે.
સારણી 5 : દાંતની અંદરની મૃદુપેશી તથા આસપાસની પેશીના વિકારોનો તફાવત
પરિમાણ | મૃદુપેશીનો વિકાર | આસપાસની પેશીનો
વિકાર |
|
1. | ઉદાહરણ | મૃદુપેશી (pulp) | અવાળુ (gingiva) |
2. | દુખાવો | વ્યાપક દુખાવો
તીવ્ર, સમયાંતરિત, રાત્રે વધુ. સૂતી વખતે. |
સ્થાનિક દુખાવો
મંદ (dull), સતત, કાયમી. ઊઠતાં / બેસતાં / સૂતાં. |
3. | ગરમીની સંવેદના | વધુ. | સામાન્ય. |
4. | દાંતને અડવાથી થતી
સ્પર્શવેદના (tenderness) |
થોડીક. | શરૂઆતમાં અડવાથી
દુખાવો મટે, પાછળથી વધે. |
5. | દાંતના સ્થાનમાં ફરક | ન થાય. | ઊંચકાય. |
6. | દાંતનો સડો | હોય. | સામાન્ય રીતે ન હોય. |
7. | ઉપલા જડબા પાસે-
ની લસિકાગ્રંથિઓ (lymphnodes) |
સામાન્ય. | અસરગ્રસ્ત થાય અને
તેથી તેમાં વેળ ઘાલે. |
8. | તાવ આવવો | ટોચ પાસે ગૂમડું
થાય તો તાવ આવે. |
સામાન્ય રીતે તાવ ન
આવે. |
મૃદુપેશીના વિકારોના નિદાન માટે દર્દીની તકલીફની નોંધ, મોં તથા શરીરની તપાસ, એક્સ-રે-ચિત્રણો, વીજલક્ષી મૃદુપેશીની કસોટી, પરિદંતિલ પેશીમાં અણીવાળા સાધન વડે તપાસ, ગરમીની કસોટી, દાંત પર ટકોર મારવાનું પરીક્ષણ, દાંત અને આસપાસની પેશીને સ્પર્શીને કરવાની તપાસ તથા દાંત હાલે છે કે નહિ તેની તપાસ કરાય છે. જરૂર પડ્યે દાંતમાં નાની ગુહિકા કરીને કે દાંતની આસપાસની પેશીને બહેરી કરીને પણ નિદાન નિશ્ચિત કરાય છે.
ઈજા કે સડાને કારણે મૃદુપેશી અસરગ્રસ્ત થાય તો તેની સારવાર જરૂરી બને છે, કેમ કે તેમાં ચેપ ફેલાય છે તથા શોથજન્ય (inflammatory) સોજો થાય છે. આ પ્રકારનો સોજો દુખાવો કરે છે અને ચેપ મૂળમાંની નલિકા દ્વારા મૂળના ટોચની આસપાસ ફેલાય છે. શરીરની સંરક્ષણાત્મક પ્રતિક્રિયા તે સ્થળે દાણાદાર પેશી બનાવે છે તથા ચેપને પરિદંતિલ પેશી(periodontal tissue)માં વધુ ફેલાતો અટકાવે છે. ક્યારેક તેમાં પરુવાળું ગૂમડું થાય છે. અનેક પ્રકારના જીવાણુઓનો ચેપ હોઈ શકે છે; પરંતુ મુખ્યત્વે તે સ્ટ્રૅપ્ટોકોકસ વીરિડાન્સ નામના જીવાણુનો ચેપ હોય છે. સામાન્ય રીતે મૃદુપેશીની સારવાર તથા મૂળમાંની નલિકાની સારવાર કરાય છે. મૂળ કારણ દૂર થતાં દાંતના મૂળની ટોચ પાસેનો વિકાર શમે છે. જો મૃદુપેશીનો ચેપ મટે એવો ન રહ્યો હોય તો રબરના આડબંધ વડે તે દાંતને અળગો કરીને, જરૂરી નિશ્ચેતના (anaesthesia) કરવાની દવા વાપરીને પેશીને બહેરી કરીને, મૃદુપેશીગુહામાં સાધનો વડે પ્રવેશવામાં આવે છે અને મૂળ-નલિકાને દવા વડે કે સૂકા રૂની વાટ વડે બંધ કરવામાં આવે છે. પાછળથી યોગ્ય સમયે તે મૂળનલિકાને પૂરી દેવામાં આવે છે. મૂળની ટોચ પાસે ઉગ્ર પ્રકારનું ગૂમડું થયું હોય તો તેને ઉગ્ર પરિટોચ ગૂમડું (acute periapical abscess) કહે છે. ઍન્ટિબાયૉટિક દવાઓ આપ્યા પછી દાંતને ખુલ્લો કરાય છે. ગૂમડાને માટે છેદ મૂકીને તેનું પરુ કાઢી નંખાય છે. આ પ્રક્રિયાને છેદન અને નિષ્કાસન (incision and drainage) કહે છે. હૂંફાળા ક્ષારજળ (saline) વડે તે જગ્યાને સાફ કરાય છે. જો પરિટોચ ગૂમડું લાંબા સમયનું હોય તો રબરના આડબંધની મદદથી અલગ કરેલા દાંતમાં છિદ્ર પાડીને દાંતની મૂળનલિકાને સાધન વડે સાફ કરાય છે અને તેમાં દવા ભરવામાં આવે છે. દાંતનો દુખાવો શમે પછી મૂળનલિકાને પૂરી દેવામાં આવે છે.
મૃદુપેશીની સારવારમાં 3 મુખ્ય પ્રક્રિયાઓ કરાય છે. મૃદુપેશી-ઢાંકણી (pulp capping), મૃદુપેશીછેદન (pulpotomy) અને મૃદુપેશી-ઉચ્છેદન (pulpectomy). તેમને અનુક્રમે, ટૂંકમાં, પેશી-ઢાંકણી, પેશીછેદન અને પેશી-ઉચ્છેદન કહે છે. સડાને કારણે કે ગુહિકા બનાવતી વખતે જો મૃદુપેશી ખુલ્લી થઈ ગઈ હોય તો તેની પર મૃદુપેશીને દંતિન (dentin) બનાવવા ઉત્તેજિત કરે તેવું દ્રવ્ય લગાવવામાં આવે છે. તેને પેશી-ઢાંકણી કહે છે. દાંતમાં સખત દુખાવો થતો હોય, મૃદુપેશી અતિશય સંવેદનશીલ હોય કે તેમાં ચેપ પ્રસરેલો હોય તો પેશી-ઢાંકણની ક્રિયા કરાતી નથી. સામાન્ય રીતે કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડની લૂગદી (paste) લગાવીને પેશી-ઢાંકણ કરાય છે. પેશી ઢાંકણની ક્રિયા પછી જો પારામિશ્રણ વડે ચાંદી પૂરવાની હોય તો તે તરત કરી શકાય છે. પરંતુ જો સોના વડે પુનર્ગઠન કરવાનું હોય તો મૂળનલિકાની સારવારની જરૂર નથી તેવી ખાતરી કરવા માટે થોડાં અઠવાડિયાંની ઢીલ રાખવામાં આવે છે.
દાંતના મૂળમાંની મૃદુપેશી ચેતનવંતી હોય પણ તેના મુકુટમાંની મૃદુપેશી સડાને કારણે કે ઈજાને કારણે રોગગ્રસ્ત હોય તો ફક્ત મુકુટમાંની મૃદુપેશી કાઢી નાંખીને મૂળની મૃદુપેશીને ખુલ્લી કરાય છે. તેને પેશીછેદન કહે છે. તેને અપૂર્ણ પેશી-ઉચ્છેદન (partial pulpectomy) અથવા મુકુટીય પેશી-ઉચ્છેદન (coronal pulp amputation) પણ કહે છે. દાંતમાંની મુકુટ તેમજ મૂળમાંની બધી જ મૃદુપેશી કાઢી નાંખવામાં આવે તો તેને પેશી-ઉચ્છેદન કહે છે. પુખ્તવયે દાંતમાં સડો કે ઈજા થાય અથવા નાનાં બાળકોમાં ઈજા પછી જો દાંતના મૂળની ટોચ વિકસેલી ન હોય તો પેશીછેદન કરાય છે. નાનાં બાળકોના કાયમી દાંતના વિકાસમાં આ પ્રકારની સારવાર મદદરૂપ બને છે. જોકે તેમાં એક પુનર્રચનાલક્ષી દંતિનનો પટ્ટો (band) બને છે, જે પાછળથી કોઈ દાંતની અંદરની સારવાર કરવાની હોય તો તેમાં અડચણરૂપ રહે છે. સામાન્ય રીતે એક મોટા ગોળ ચક્રીય છિદ્રક (burr) વડે કે ધારાવાળા ચમચા આકારના ઉત્ખનક (sharp spoonshaped excavator) વડે પેશીછેદન કરાય છે. જો મુકુટને ઈજા થવાથી તે તૂટી ગયો હોય તો તૂટેલો ભાગ કાઢી નંખાય છે, પેશીછેદન કરાય છે અને ત્યારબાદ તેના પર કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ પાથરી દેવાય છે.
પૂરેપૂરી મૃદુપેશી કાઢી નાંખવાની ક્રિયાને પેશી-ઉચ્છેદન કહે છે. તે માટે મૂળનલિકામાં શસ્ત્રક્રિયા કરાય છે માટે તેને મૂળનલિકાની સારવાર અથવા મૂળનલિકોપચાર (root canal treatment) પણ કહે છે. આવા દાંતને પેશીરહિત (pulpless) દાંત કહે છે. પેશી વગરનો દાંત મરેલો હોતો નથી અને તે તેના પરિદંતિલ તંતુબંધ વડે આસપાસની પેશી સાથે જીવંત સંબંધથી જોડાયેલો હોય છે. પેશીઉચ્છેદન પહેલાં એ ખાસ જોઈ લેવાય છે કે મૂળનલિકામાં શસ્ત્રક્રિયા શક્ય છે, દાંત મહત્વના સ્થાને અને મહત્વનું કાર્ય કરનારો છે, દર્દીને તેનો દાંત સાચવવાની ઇચ્છા છે, દર્દીની તબિયત સારી છે, દાંતમાં પાછળથી પુનર્ગઠનની પ્રક્રિયા કરી શકાય તેમ છે તથા દાંતની આસપાસની પેશી તંદુરસ્ત છે. દર્દીની આગળની હકીકત, દાંતની જાતતપાસ, વીજલક્ષી કસોટી, ઉષ્માલક્ષી કસોટી, પરિદંતિલ તીક્ષ્ણ સાધન તપાસ તથા એક્સ-રે-ચિત્રણ વડે દાંતમાં મૃદુપેશી છે કે નહિ તે નક્કી કરાય છે. દાંતની મૃદુપેશી કાઢતાં પહેલાં દાંતની આસપાસની પેશીને બહેરી કરવાની દવા ઇન્જેકશન વડે આપવામાં આવે છે. ક્યારેક જરૂર પડ્યે પેશીગુહામાં સીધેસીધી નિશ્ચેતક દવા નંખાય છે. ત્યારબાદ મૂળનલિકા સહિતની બધી જ મૃદુપેશી દાંતના મુકુટમાં છિદ્ર પાડીને કાઢી નંખાય છે અને સાફ કરાય છે. ખાલી થઈ ગયેલા પોલાણને પૂરણ વડે ભરી દેવાય છે. એક્સ-રે-ચિત્રણમાં જ્યાં દેખાય છે ત્યાંથી 0.5 થી 1 મિમી. જેટલી ઊંચાઈએ દાંતના મૂળની ટોચ આવેલી હોય છે તેથી મૂળનલિકાનું પૂરણ એક્સ-રે-ચિત્રણોમાં દેખાય છે તેનાથી સહેજ દૂર અટકાવી દેવાય છે. પૂરણ માટે સૂક્ષ્મજીવરહિત પાણી અને શુદ્ધ કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડનું મિશ્રણ વપરાય છે. તે સિલિકેટ કે સિમેન્ટ જેવું જાડું હોવું જોઈએ એમ મનાય છે. મૂળનલિકામાં પારામિશ્રણના વાહક વડે પૂરતા પ્રમાણમાં પૂરણ ભરાય છે અને તેને મૂળટોચ તરફ ધકેલાય છે. આખી નલિકા પૂરેપૂરી ભરી દેવાય છે. હંગામી સિમેન્ટ વડે છિદ્ર બંધ કરાય છે. તરત જો નલિકાનું કાયમી પૂરણ કરવામાં આવે તો ચેપ અને શોથજન્ય વિકાર થાય છે માટે કાયમી પૂરણ મોડેથી કરાય છે. લગભગ 3 મહિને ફરીથી સાધનો વડે કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ સહિત બધું જ દ્રવ્ય કાઢી નંખાય છે અને ટોચનું છિદ્ર બંધ થઈ ગયું છે કે નહિ તે નિશ્ચિત કરાય છે. જો મૂળનું ટોચ છિદ્ર બંધ થઈ ગયું હોય તો કાયમી પૂરણ વડે નલિકા પૂરી દેવાય છે. મૂળ નલિકાને ઝડપથી પૂરી દેવા ચાંદીની નાની ગોળીઓ વડે આખી નલિકાને પૂરી દઈ શકાય છે. મૂળ-નલિકાને બંધ કરવા માટે અનેક પ્રકારનાં દ્રવ્યો વપરાય છે. જેમાંનાં કેટલાંક દ્રવ્યો છે – પારામિશ્રણ, ઍસ્બેસ્ટૉસ, બાલ્સમ, સિમેન્ટ, તાંબું, રૂ, સોનાનો વરખ, કાચતંતુઓ, હાથીદાંત, સીસું, કાગળ, પૅરાફિન, રેઝિન, ચાંદી, મીણ, લાકડું વગેરે. હાલ સિમેન્ટ કે વિશિષ્ટ તૈયાર કરેલું દ્રવ્ય તે માટે વપરાય છે. ક્યારેક ચાંદીની નાની ગોળીઓ પણ વપરાય છે. ચાંદીની નાની ગોળીઓ ટોચની આસપાસની પેશીમાં સરી પડે તો તેમને ત્યાંથી દૂર કરવી પડે છે. મૃદુપેશી વગરના દાંતના દંતિનમાં વિકારયુક્ત હીમોગ્લોબિન જમા થાય છે માટે તે ગુલાબી કે ભૂરા કાળા રંગનો દેખાય છે. વળી દવાઓ અને પારામિશ્રણ પણ દાંતનો રંગ બદલે છે. દાંતનો ખરાબ રંગ કાઢવા માટે ક્યારેક 30 % હાઇડ્રોજન પૅરૉક્સાઇડ વપરાય છે. જરૂર પડ્યે ઝાયલિન, ક્લૉરોફૉર્મ કે આલ્કોહૉલ પણ વપરાય છે. યોગ્ય પ્રમાણની ગરમીવાળું હાઇડ્રોજન પૅરૉક્સાઇડ ટેટ્રાસાઇક્લિન વડે લાગતા ડાઘા પણ દૂર કરે છે. મૂળનલિકાની સારવાર પછી ક્યારેક પરિર્દઢબંધકશોથ (pericementitis) થાય છે.
જો મૂળનલિકાનો ઉપચાર (root canal treatment) નિષ્ફળ જાય તો ક્યારેક મૂળ ટોચ પાસેના ચેપને દૂર કરવા ટોચ-ઉચ્છેદન (apicoectomy) કરીને મૂળની ટોચ દૂર કરાય છે. જો કોઈ સાધન મૂળનલિકામાં તૂટી જાય, મૂળટોચ પાસે કાણું પડી જાય અથવા મૂળનલિકામાંનું પૂરણ છૂટું પડીને ટોચની આસપાસની પેશીમાં જતું રહે તોપણ ટોચને કાપી કાઢવી પડે છે. જો પરિદંતિલ પેશીનો ઘણો નાશ થયેલો હોય, મુશ્કેલ જગ્યાનો દાંત હોય કે શરીરમાં અન્ય રોગ હોય તો આ શસ્ત્રક્રિયા થતી નથી. ઘણા કિસ્સામાં મૂળની ટોચ બચી જશે એવી આશા સાથેનો ટોચની સાચવણી કરતો ઉપચાર વધુ સ્વીકાર્ય બને છે. માટે દરેક કિસ્સામાં મૂળ ટોચ કાઢી નંખાતી નથી. મૂળની ટોચની આસપાસ ચેપ થયો હોય ત્યારે લગભગ અર્ધા કિસ્સામાં મૂળનલિકામાં પણ ચેપ હોય છે માટે ત્યાંના પ્રવાહીને પ્રયોગશાળામાં જીવાણુસંવર્ધન (bacterial culture) માટે મોકલવામાં આવે છે. જો મૂળનલિકાની સારવાર યોગ્ય રીતે કરી શકાય તેમ હોય તો ચેપગ્રસ્ત દાંતને કાઢી નાંખવો જરૂરી ગણાતો નથી. મૂળટોચની આસપાસની પેશીને ખોતરીને કાઢી નાખવાની ક્રિયાને ટોચ-ખોતરણ (apical curettage) કહે છે.
જો દાંતનું મૂળ તૂટી ગયેલું હોય તો ક્યારેક તે આપોઆપ જોડાઈ જાય છે, ક્યારેક તેને કાઢી નાંખીને ત્યાં પૂરણ કરવું પડે છે તો ક્યારેક છૂટા પડેલા મૂળના ટુકડાને પાસે પાસે ગોઠવીને તેમાં સ્થાપક (splint) લગાડાય છે. જો દાંતનું મૂળ કાપી કાઢવામાં આવે તો દુખાવો, સોજો અને આસપાસની પેશીમાં લોહી જામે છે. જો દાંત તેની બખોલમાંથી ખસી ગયો હોય તો, શક્ય હોય ત્યાં સુધી, તેને મૂળ સ્થાને બેસાડવાનો પ્રયત્ન કરાય છે. બહાર નીકળી ગયેલા દાંતને 2 કલાકમાં સાફ કરીને, મૂળનલિકાની સારવાર આપીને મૂળ સ્થાને બેસાડવાનો પ્રયત્ન કરાય છે. તેવી જ રીતે જડબાંના હાડકામાં બેસી ગયેલો દાંત મૂળ સ્થાને પાછો લાવવાનો પ્રયત્ન કરાય છે.
કૃત્રિમ દાંત કે દાંતનું ચોકઠું બેસાડવાની ક્રિયા : શરીરના અંગને સ્થાને કૃત્રિમ અંગ બેસાડવાની વિદ્યાને કૃત્રિમઅંગવિદ્યા (prosthetics) કહે છે. તેની દંતવિદ્યાને લગતી શાખાને કૃત્રિમઅંગી દંતવિદ્યા (prosthetic dentistry) અથવા કૃત્રિમદંતવિદ્યા (prosthodontics) કહે છે.
દાંતનો મુકુટ જેવો ભાગ અથવા દંતસેતુ (bridge) બનાવવામાં આવે ત્યારે તેના અભ્યાસને સંસ્થાપિત (fixed) કૃત્રિમાંગ-દંતવિદ્યા કહે છે. તેમાં કૃત્રિમ મુકુટ અને કૃત્રિમ દંતસેતુને ચોંટાડી દેવામાં આવે છે. દાંત પડી જાય કે પાડવામાં આવે ત્યારે પહેરી તેમજ કાઢી શકાય તેવા બધા જ દાંતનાં કે થોડાક દાંત પડ્યા હોય તો થોડાક દાંતનાં ચોકઠાં બનાવાય છે. પહેરી તથા કાઢી શકાય તેવાં અધૂરાં ચોકઠાં (અપૂર્ણ ચોકઠાં, partial dentures) બનાવવાના વિભાગને ઉત્સારીય (removable) અપૂર્ણ દંતચોકઠાલક્ષી કૃત્રિમદંતવિદ્યા કહે છે જ્યારે બધા જ દાંતનાં ચોકઠાં બનાવવાના વિભાગને સંપૂર્ણ કૃત્રિમદંતવિદ્યા કહે છે. ઉપલા જડબા અને ચહેરાના કોઈ ભાગને માટે કૃત્રિમાંગ બનાવવાના વિભાગને ઊર્ધ્વહનુ-આનનલક્ષી કૃત્રિમાંગવિદ્યા (maxillofacial prosthetics) કહે છે.
મોંની છત તાળવાથી બને છે. તેનો આકાર ચોરસ, આગળના છેડા તરફ ક્રમશ: ટૂંકો થતો (tapering) ‘U’ આકારનો, કમાન જેવો કે સહેજ વળાંકવાળો હોય છે. તેમાં આવેલા ઊપસેલા ભાગો ક્યારેક દાંતનાં ચોકઠાં બનાવવામાં વિશેષ સમસ્યાઓ સર્જે છે. ક્યારેક તે વિસ્તાર ચપટો પણ હોય છે. દાંત પાડ્યા પછી અવાળું પોચું અને ઢીલું (flabby) પડી જાય છે અને તેથી તેનું ઝડપથી અવશોષણ (resorption) થાય છે. દાંતનું ચોકઠું પહેરવાથી જડબાના હાડકામાં કોઈ ખાસ અવશોષણ થતું નથી. પરંતુ દાંત પડ્યા પછી તે પહેલા 6 મહિનામાં ઝડપથી શોષાય છે અને ધીમે-ધીમે તો 12 મહિના સુધી શોષાયા કરે છે. થોડુંક અવશોષણ સમગ્ર જીવન દરમિયાન થયા કરે છે. તંદુરસ્ત દેખાતું, મોંમાં બધે જ સરખી રીતે પથરાયેલું, યોગ્ય પ્રમાણમાં નીચેની પેશી ધરાવતું અને યોગ્ય ઘટ્ટતા ધરાવતું અવાળુ અને મોંનું શ્લેષ્મસ્તર (mucosa) કૃત્રિમ દંતચોકઠા(artificial denture)ને સ્વીકારવા તૈયાર થયેલું ગણાય છે. દાંત પડવાથી ખોરાકના પચન, મોં પરના હાવભાવ, અવાજ, જડબાંના સાંધાની સ્થિતિ તેમજ વ્યક્તિની માનસિક અને શારીરિક સ્થિતિમાં તફાવત આવી જાય છે. તેને કારણે ગુમાવેલા દાંતને સ્થાને કૃત્રિમ દાંત બેસાડવા જરૂરી બને છે. ઉપલા જડબાના ભેદક દાંત (cannine) પડી જાય તો ચહેરાના હાવભાવ પર સૌથી વધુ અસર પડે છે. દાઢ પડી જવાથી ખોરાક ચાવવાની ક્રિયા અને તેને કારણે તેની પાચનક્રિયા અસરગ્રસ્ત થાય છે.
ચોંટાડેલા કૃત્રિમ દાંત : દાંતનો મુકુટ કે આખો દાંત તૂટી જાય કે પડી જાય તો તેને સ્થાને કૃત્રિમ મુકુટ (artificial crown) કે કૃત્રિમ દાંત (artificial tooth) બેસાડવામાં આવે છે. આ પ્રકારના કાયમી રીતે ચોંટાડાતા દાંત કે તેના ભાગની વિદ્યાને સંસ્થાપિત કૃત્રિમાંગ-દંતવિદ્યા કહે છે. દાંતના સામાન્ય મૂળ પર તેના તૂટેલા મુકુટને સ્થાને પૉર્સેલિન, એક્રિલિક, રેઝિન, ધાતુ કે તેમના મિશ્રણથી બનાવેલા મુકુટને ચોંટાડવામાં આવે છે. ક્યારેક સામાન્ય અથવા કુદરતી મુકુટનો થોડોક ભાગ બચેલો પણ હોય છે; દા.ત., પડી જાય ત્યારપછી જે જગ્યા પડે ત્યાં કૃત્રિમ દંતસેતુ (dental bridge) બનાવીને કાયમી રીતે પહેરાવી શકાય છે. તે ખાલી પડેલી જગ્યાને ભરે છે અને તે દાંતનું કાર્ય કરે છે. આ પ્રકારનો દંતસેતુ જે દાંત પર ભરવાયો હોય તેની સાથે તેનામાં ખાડો કરીને અંત:પૂરણ(inlay)ના રૂપે જોડાયેલો હોય અથવા સોનાના ઢોળ રૂપે ઉપરથી ચોંટાડેલો હોય છે અથવા તેનો ¾ ભાગનો કૃત્રિમ મુકુટ બનાવીને ચોંટેલો હોય છે. ક્યારેક જરૂર પડ્યે આધાર આપતા દાંતના મૂળની નલિકાને પૂરી દેવામાં આવે છે. જે દાંત અથવા દાંતનું મૂળ દંતસેતુને આધાર આપે છે તેને આધારદાયક (abutment) દાંત કહે છે અને જેના દ્વારા દંતસેતુ તેને ચોંટી રહે છે તેને નિગ્રાહક (retainer) કહે છે. દંતસેતુ અને સંગ્રાહકના જોડાણને સંજોડક (connector) કહે છે.
કૃત્રિમ મુકુટની મદદથી ચાવવાનું સુગમ થઈ શકે છે, દેખાવ સુધરે છે, દાંત વધારે તૂટતો અટકે છે અને તેમાં સડો થતો નથી. અવાળુનું ક્ષોભન અટકે છે તથા આસપાસના દાંતને આધાર મળે છે. પુષ્કળ સડો હોય, દાંતમાં ઘણા ડાઘા પડેલા હોય, દાંતમાં કુરચના (malformation) થયેલી હોય, દાંત તૂટી ગયો હોય, દાંત ખોટી જગ્યાએ કે ખોટી રીતે ઊગ્યો હોય, દંતસેતુ બનાવવાનો હોય કે ચાવતી વખતે સુસ્પર્શન યોગ્ય રીતે થાય તેવું કરવાનું હોય તો ઘણી વખત કૃત્રિમ મુકુટ બનાવાય છે.
દંતસેતુ દેખાવ તથા કાર્યનું પુન:સ્થાપન કરે છે માટે તે મોંમાંની ચોખ્ખાઈ રાખવામાં અડચણરૂપ ન હોવું જોઈએ તથા આસપાસની પેશીને નુકસાન કરતું ન હોવું જોઈએ. જડબાંનું હલનચલન તથા ચાવતી વખતે બંને હરોળ વચ્ચેનું સુસ્પર્શન યોગ્ય રીતે થાય તે જરૂરી છે, જેથી બોલતી કે ચાવતી વખતે તકલીફ ન પડે.
સંસ્થાપિત અથવા ચોંટાડેલા દંતસેતુઓને આગળના અને પાછળના દંતસેતુઓ તરીકે અથવા સાદા અને સંયુક્ત દંતસેતુઓ તરીકે વર્ગીકૃત કરાય છે. એકથી વધુ સાદા દંતસેતુઓ જો એક જ પુનર્ગઠનમાં હોય તો તેને સંયુક્ત દંતસેતુ કહે છે.
દાંતમાં થતો સડો, દાંત તૂટવો, દાંતમાં રાસાયણિક ઘસારો (erosion), દાંતનું અલ્પવિકસન, દાંત પર ઘસારો કે ઈજા, જન્મજાત દાંત ન હોવો તે તથા, મોટેભાગે જોવા મળે છે તેમ, દાંતની આસપાસની પેશીમાં રોગ થવો વગેરે વિવિધ કારણોસર દાંત પડી જાય છે. યોગ્ય નિદાન અને સારવારના આયોજન વડે કૃત્રિમ દાંત કે દંતસેતુ બેસાડવો જરૂરી ગણાય છે. તે સમયે આસપાસના આધાર આપતા દાંતની સ્થિતિ, મોંની અન્ય પેશીઓની સ્થિતિ, દાંતના મૂળની ટોચ પાસેના વિસ્તારની સ્થિતિ તથા દર્દીની એકંદર તબિયતને ધ્યાનમાં લેવામાં આવે છે. આસપાસના દાંતમાં સડો કે અન્ય રોગ હોય તથા તેની પરિદંતિલ પેશી વિકારગ્રસ્ત હોય તો આધાર આપતા દાંતને કારણે દંતસેતુ નિષ્ફળ જાય છે. તેથી આધાર આપતા દાંત તથા તેની આસપાસની પેશીની જાણકારી માટે એક્સ-રે-ચિત્રણો લેવાય છે. ત્યારબાદ સુસ્પર્શન માટેની, બીબાછાપ અથવા પ્રતિકૃતિ (impression) મેળવાય છે, જેથી કરીને કૃત્રિમ મુકુટ કે દંતસેતુનો ઘાટ ચાવતી વખતે કોઈ નવી તકલીફ ન આપે. સામાન્ય રીતે બીબાછાપ મેળવવા માટે સોડિયમ આલ્જીનેટ, પ્લાસ્ટર ઑવ્ પૅરિસ, હાઇડ્રોકોલોઇડ, પૉલિસલ્ફાઇડ, પૉલિઇથર કે સિલિકોન રબર વપરાય છે. તેના પરથી કૃત્રિમ પથ્થર કે ધાતુ વડે તેનું બીબું બનાવાય છે. તેને આધારે કૃત્રિમ દાંત બનાવાય છે. પહેલાં પ્લાસ્ટર કે પથ્થરમાંથી અભ્યાસ માટેનો ઢોળ (cast) બનાવાય છે. તેમાંથી મીણની મદદથી આખરી ઓપવાળો કૃત્રિમ દાંત કે તેનો મુકુટ બનાવાય છે. વધારાનું અવાળુ જરૂર પડ્યે કાપી કઢાય છે. સાવચેતી રાખીને તથા વિવિધ દવાઓ તથા દ્રવ્યોની મદદથી દાંતની મૃદુપેશીને ઈજા ન પહોંચે તે રીતે કૃત્રિમ મુકુટ બનાવીને ચોંટાડાય છે. યુવાન દર્દીઓમાં મુકુટમાં જડેલો નિગ્રાહક (retainer) વપરાતો નથી કેમ કે તેમની પેશીગુહા મોટી હોય છે અને તેમાં સોજો આવવાનો ભય રહે છે. સામાન્ય રીતે સોનાનો નિગ્રાહક બનાવતો નથી.
મીણ બનાવટના તબક્કા (stage)ના સમયે કૃત્રિમ યોજનાની સુસ્પર્શન-ક્ષમતા તપાસી લેવાય છે. જો એક દાંતના સ્થાને દંતસેતુ આવતો હોય તો દંતસેતુની સુસ્પર્શન સપાટી ગયેલા દાંતની સુસ્પર્શન સપાટીના 85 % જેટલી રખાય છે અને જો બે દાંતના બદલે દંતસેતુ હોય તો સુસ્પર્શન સપાટી 75 % અને 3 દાંતના બદલે દંતસેતુ હોય તો સુસ્પર્શન સપાટી 65 % જેટલી જ રખાય છે. વિવિધ પ્રકારના કૃત્રિમ મુકુટો બનાવી શકાય છે; દા. ત., સોનાઢોળવાળો મુકુટ, ડોવેલ મુકુટ, ¾ મુકુટ, રિચમન્ડ મુકુટ, વગેરે. જુદા જુદા પ્રકારના મુકુટો જુદી જુદી પરિસ્થિતિઓમાં લાભકારક હોય છે. તે અંગેનો નિર્ણય કૃત્રિમાંગ-દંતવિદ કરે છે.
દંતસેતુઓ અને અપૂર્ણ દંતચોકઠાં (partial dentures) સંસ્થાપિત (fixed) એટલે કે ચોંટાડેલાં હોય છે અથવા તો તે ઉત્સારલક્ષી (removable) એટલે કે કાઢી-પહેરી શકાય તેવાં હોય છે. આગળ કે એક બાજુના 1થી 3 દાંતના સ્થાને એક ક્રિયાશીલ એકમ રૂપે બેસાડવામાં આવતા દંતસેતુને સાદો દંતસેતુ (simple bridge) કહે છે. એકથી વધુ ક્રિયાશીલ એકમોવાળા 2 કે વધુ દાંતને સ્થાને મુકાતા દંતસેતુને સંયુક્ત (compound) દંતસેતુ કહે છે. બે બાજુ પર મુકાતા અને અનેક દાંતને બદલે કાર્ય કરતા એક ક્રિયાશીલ એકમને સંકુલ (complex) દંતસેતુ કહે છે. એક બાજુથી ચોંટાડેલાને બીજા છેડે છુટ્ટા હોય એવા દંતસેતુને ઉચ્ચાલક (canti lever) દંતસેતુ કહે છે. દંતસેતુ બેસાડતી વખતે પણ ચાવવાની સુગમતા, મોંમાં સહેલાઈથી સચવાઈને રહે તેવી સંયોજના તથા આધાર આપતા દાંતની મૃદુપેશીની સાચવણીને મહત્વ અપાય છે. તેને સહેલાઈથી સાફ કરી શકાય માટે તેમાં ઊંડા ખાંચા કે ખાડા ન રહે તે જોવાય છે. ચાંદી સહેલાઈથી ઘસાઈ જાય છે માટે તે સેતુ બનાવવામાં વપરાતી નથી.
દંતસેતુ આપવો કે પહેરી કાઢી શકાય તેવા અપૂર્ણ દંત ચોકઠું રાખવું તે અંગેનો નિર્ણય આસપાસના દાંત પર કેટલો તણાવ આવશે, મોંની સફાઈ કેટલી જાળવી શકાશે, કેટલા અને કયા દાંતને સ્થાને તે વપરાય છે તથા દેખાવની જાળવણી કેટલી થઈ શકશે તે જોઈને કરાય છે. જો પૉર્સેલિનનો દંતસેતુ બનાવેલો હોય તો રહોડિયમ અને પ્લૅટિનમના ચપટા તારનો પણ ઉપયોગ કરાય છે. આધાર આપતા દાંતના મુકુટમાં પૂરણ કરીને ચોંટાડેલા સંગ્રાહકને અંતર્મુકુટીય નિગ્રાહક (intracoronal retainer) કહે છે. વિવિધ પ્રકારના ધાતુના બનેલા મુકુટ બનાવી શકાય છે. ધાતુનો ઢોળ ચઢાવીને, ધાતુને ટીપીને આકાર આપીને, બંને રીતે બનાવીને અથવા પૉર્સેલિન કે એક્રલિક સાથે સંયુક્ત ઉપયોગ કરીને ધાતુના મુકુટ બનાવાય છે. મુકુટમાં પૂરણ કરીને બનાવેલાં જોડાણો તણાવ અને દબાણને કારણે વહેલા તૂટે છે.
સામાન્ય રીતે કોઈ દાંત પડી જાય તો વહેલામાં વહેલી તકે તેને સ્થાને કૃત્રિમ દાંત નાંખવો જરૂરી ગણાય છે, કેમ કે સમય જાય તેમ આસપાસના દાંત તેમના સ્થાનેથી થોડા ખસી જાય છે. તે સ્થળે દંતસેતુ વડે કૃત્રિમ દાંત બેસાડી શકાય છે. ક્યારેક દંતસેતુ દાંતની આસપાસની પેશી અને અવાળુ પર દબાણ, તણાવ અને ચેપ લાગવાની શક્યતા વધારે છે. દંતસેતુને કારણે અવાળુનું ક્ષોભન અને રોગો થાય છે. જડબાના હાડકાના પ્રવર્ધનું અવશોષણ થાય છે, આસપાસના આધાર આપતા દાંત પર ખેંચાણ થાય અને ક્યારેક આધારદાયી દાંત ચેતન વગરનો પણ બને છે. સતત સંક્ષોભન ક્યારેક મોંમાં કૅન્સરનો વ્યાધિ પણ કરે છે.
ક્યારેક નિગ્રાહક રૂપે ટાંકણી(pin)ને આધારદાયી દાંતના મુકુટમાંથી કાણું પાડીને પરોવવામાં આવે છે. જો સડાને કારણે દાંત ખૂબ બગડી ગયેલો હોય, તેમાં ડાઘા પડ્યા હોય કે તે તૂટી ગયેલો હોય તો પૉર્સેલિનનો અંગરખા (jacket) જેવો મુકુટ બનાવીને આધારદાયી દાંત પર પહેરાવી દેવાય છે. આ પ્રકારના દાંત પર બંધબેસતો મુકુટ બનાવીને તેને પહેરાવી દેવાના મુકુટને દંતરખા-મુકુટ (jacket crown) કહે છે. તે સૌથી સારા પ્રકારનો કૃત્રિમ મુકુટ ગણાય છે. તે બનાવવો મોંઘો અને અઘરો છે.
પહેરી-કાઢી શકાય તેવા ઉત્સારીય અને અપૂર્ણ દંતચોકઠાને મોંમાં વિવિધ રીતે ગોઠવીને પકડી રખાય છે; જેમ કે, તેમને માટે સીધા કે આડકતરા સંગ્રાહકો વપરાય છે. તે પટ્ટાઓ તથા દંડ જેવા હોય છે. ગીધ જેમ તેના પગનાં આંગળાં વચ્ચે તેના શિકારને પકડે તેમ વાંકા દંડ વચ્ચે આધારદાયી દાંતને પકડતા સંગ્રાહકવાળા દંતચોકઠાને ગીધપકડ(clasp)વાળું અપૂર્ણ દંતચોકઠું કહે છે. કૃત્રિમ અપૂર્ણ દંતચોકઠું આધાર આપતાં બિંદુઓ (stops, rests), પકડ-નિગ્રાહકો (clasps like retainers), બિલાડીના દાંત જેવા નાના શિકારને પકડી રાખતા બિડાલદંત (tangs), જીભ તરફના ચપટા પટ્ટા (lingual plates), તાળવા તરફના મહત્વના દંડ (palatal bars), આડકતરા સંગ્રાહકો, તણાવરોધકો (stress breakers), તણાવસંતુલકો (stress equalizers) અને કૃત્રિમ દાંતનું બનેલું હોય છે. ગીધપકડ સોનાની બનાવાય તો તે સારી રહે છે. તે આધાર આપતા દાંતને પૂરેપૂરી કે અંશત: ગોળ ફરતી વળગેલી રહે છે અને તેના દ્વારા તે અપૂર્ણ દંતચોકઠાને તેને સ્થાને ગોઠવી રાખે છે. ક્યારેક દંડીય ગીધપકડો વપરાય છે. તે C, L, U, T કે I આકારની હોય છે. દંડીય ગીધપકડ કરતાં ગોળ ફરતી ગીધપકડો વધુ સ્થિરતા આપે છે પરંતુ દંડીય ગીધપકડના ઉપયોગથી દાંતનો સડો થવાનો સંભવ ઓછો રહે છે.
અપૂર્ણ દંતચોકઠાને 4 વર્ગમાં વહેંચવામાં આવેલા છે (કૅનેડીનું વર્ગીકરણ). પ્રથમ બે વર્ગમાં પાછળની બાજુ ચોકઠું મુકાયેલું હોય છે. જો તે એક બાજુ હોય તો તેને વર્ગ 2માં ગણવામાં આવે છે અને જો તે બંને બાજુ હોય તો તેને વર્ગ 1માં મૂકવામાં આવે છે. એક બાજુ પરનું અને આગળ તથા પાછળ જોડાણ ધરાવતું ચોકઠું વર્ગ 3માં આવે છે જ્યારે સંપૂર્ણપણે આગળની બાજુ રહેતું ચોકઠું વર્ગ 4માં ગણાય છે. આ પ્રકારનું વર્ગીકરણ ફક્ત સ્થાનની માહિતી આપે છે, પરંતુ તેની બનાવટની યોજના(design)માં ખાસ ફરક પડતો નથી. આંશિક અથવા અપૂર્ણ દંતચોકઠાં બનાવવામાં પણ ચાવતી વખતે મોં બંધ કરીને છાપ (impressions) લેવાય છે. તેના પરથી મુખ્ય ઢોળ (cast) બનાવાય છે. તેની ફરીથી છાપ લઈને દાંતના ચોકઠાનું બીબું બનાવવાની પ્રક્રિયા કરાય છે. છાપ મેળવતાં પહેલાં મોંમાંના દાંતનો કોઈ વિકાર હોય તો તેની સારવાર કરી લેવાય છે. સામાન્ય રીતે છાપ-સંયોજન (impression compound), પ્લાસ્ટર ઑવ્ પૅરિસ, હાઇડ્રોકોલોઇડ્સ કે આલ્જીનેટ વગેરે વિવિધ દ્રવ્યો પર છાપ લેવાય છે. આલ્જીનેટ અને હાઇડ્રોકોલોઇડ્સ વધારે સારાં માધ્યમો ગણાય છે. અપૂર્ણ દંતચોકઠાને દાંત કે અવાળુ પર આધાર આપીને ગોઠવવામાં આવે છે.
જો બધા જ દાંત કાઢી નાખીને દાંતનું ચોકઠું બનાવવામાં આવે તો તેને પૂર્ણ કૃત્રિમદંતવિદ્યા (prosthodontics) કહે છે. દાંતનું આખું ચોકઠું ખોરાક ચાવવાના કાર્યમાં અનુકૂળતા કરી આપે છે, ચહેરાનો આકાર સુરૂપ અને દર્શનીય કરે છે તથા ઉચ્ચારણને સામાન્ય કરે છે. તેને કારણે દર્દીને કોઈ હાનિ પહોંચતી નથી. આદર્શ પૂર્ણ દંતચોકઠાથી ચાવતી વખતે બરાબર સુસ્પર્શન થાય છે તથા મોંની અંદરની દીવાલને ઈજા થતી નથી. વળી આદર્શ પૂર્ણ દંતચોકઠું સહેલાઈથી સાફ કરી શકાય છે, ચાવતી વખતે ખસી જતું નથી, સારું દેખાય છે અને જરૂર પડ્યે સહેલાઈથી તેનું સમારકામ થઈ શકે છે.
પૂર્ણદંત ચોકઠું બનાવવાની પ્રક્રિયાનાં કેટલાંક મહત્વનાં સોપાનો છે. સૌપ્રથમ દર્દીની તબિયત તથા દાંત વિશેની પૂરેપૂરી માહિતી મેળવાય છે, તેના વિકારનું નિદાન અને યોગ્ય સારવાર આપવાનું કાર્ય કરાય છે તથા તેનાં પરિણામો અંગે નિર્ણય કરીને તે દર્દીને જણાવાય છે. ત્યારબાદ પ્રારંભિક છાપ મેળવીને અભ્યાસલક્ષી ઢોળ (cast) બનાવાય છે. તેના આધારે કાયમી છાપ મેળવવાની તૈયારી કરાય છે અને કાયમી છાપ મેળવાય છે. તેના પર ઢોળ ચઢાવાય છે અને તેમાંથી પાયાચક્તી (base-plates) બનાવાય છે. પાયાચક્તી પર સુસ્પર્શન-કિનારી (occlusion rim) બનાવાય છે. દર્દીના ચહેરાના માપ તથા આકાર અને મોંની ગુહાની ઊંચાઈનું માપ લેવાય છે, જેથી તેમાં ગોઠવવાના દંતચોકઠાની ઊંચાઈ નક્કી કરી શકાય. જડબાંના એકબીજા સાથેના સંબંધની જાણકારી મેળવી લેવાય છે. ત્યારબાદ કયા પ્રકારના દાંત લેવાના છે તે નક્કી કરાય છે. દાંતને મીણના ચોકઠામાં ગોઠવીને પહેરાવાય છે જેથી છેલ્લી જરૂરી છાપ અને માહિતી મળે. ત્યારબાદ મીણીકરણ (waxing), પાત્રીકરણ (flasking) તેમજ અમીણીકરણ (dewaxing), પૅકિંગની ક્રિયા, સુઘડીકરણ (finishing), ચમક લાવવાની ક્રિયા તથા છેલ્લે અંતિમસેવન (curing) જેવી વિવિધ પ્રક્રિયાઓ કરાય છે. આમ, વિવિધ પ્રક્રિયાઓને અંતે દંતચોકઠું બને છે. દાંતના ચોકઠાને દર્દીને પહેરવા આપીને તે બરાબર બંધ બેસે છે કે નહિ તે જોવાય છે. જરૂર પડ્યે સુસ્પર્શન માટે તથા જ્યાંથી ઘસારો થતો હોય તે ભાગની યોગ્ય રીતે માવજત કરીને તેને મોંમાં બંધબેસતું કરાય છે. ત્યારપછી પણ વારંવાર તપાસ માટે દર્દીને બોલાવાય છે. મોંમાં વિવિધ લાંબા સમયના રોગો હોય તો દંતચોકઠું કરી શકાતું નથી. ચોકઠું જેટલો વધારે વિસ્તાર ઢાંકે તેટલું તેનાથી ચાવવાનું કાર્ય વધુ સારું બને છે. બરાબર સુનિશ્ચિત છાપ, જડબાંના આંતર-સંબંધની સુસ્પષ્ટ નોંધ અને યોગ્ય સુસ્પર્શન થાય તો ચોકઠું સફળ નીવડે છે.
દંતચોકઠાની છાપ મેળવવા પ્લાસ્ટિક આલ્જીનેટ, પ્લાસ્ટર ઑવ્ પૅરિસ, મીણ, મર્કેપ્ટન રબરબેઝ, સિલિકોન રબરબેઝ, ઝિંકઑક્સાઇડ અને યુજીનૉલ, એક્રિલિક રેઝિન અને પૉલિસલ્ફાઇડ ઈથર વપરાય છે. ઢોળ બનાવવા માટે પ્લાસ્ટર ઑવ્ પૅરિસ, કૃત્રિમ પથ્થર, મીણ, ધાતુઓ કે કેટલાંક સંયોજનો વપરાય છે. પાયાચક્તી 2 પ્રકારની હોય છે: કાયમી અને હંગામી. શરૂઆતના તબક્કે હંગામી પાયાચક્તી બનાવાય છે, પરંતુ કાયમી પાયાચક્તી દંતચોકઠાનો ખરેખરો પાયો બનાવે છે. તે માટે ચાંદી, સોનું, ઍલ્યુમિનિયમ, પ્લૅટિનમ કે અન્ય ધાતુમિશ્રણો તેમજ પ્લાસ્ટિક વપરાય છે.
દાંતનું ચોકઠું પહેર્યા પછી વાત કરવાનું ઝડપથી ફાવવા માંડે છે, પરંતુ ચાવવાની પ્રક્રિયા સાથે ગોઠવાતાં વાર લાગે છે. ક્યારેક ચોકઠું પહેરવાનું શરૂ કર્યા પછી થોડા સમયે તેમાં તકલીફો થાય છે. મોંમાં થતા ફેરફારોને કારણે કાયમી ધોરણે એક જ ચોકઠું ઉપયોગી રહેતું નથી. સામાન્ય રીતે ઉપલા કરતાં નીચલા જડબાનું ચોકઠું વધુ તકલીફ આપે છે.
તત્કાલ દંતચોકઠું : થોડાક દાંત પડ્યા હોય ત્યારે તૈયાર કરવા માંડેલું ચોકઠું બધા જ દાંત પાડ્યા પછી તરત આપી શકાય છે. તેને તત્કાલ દંતચોકઠું કહે છે. તેને અંગેનો નિર્ણય દર્દીની તબિયત તથા જરૂરિયાત પર આધારિત છે. તેનો મુખ્ય ગેરલાભ તે મોંઘું પડે છે તે છે. ક્યારેક તે માટે જડબાંનો પ્રવર્ધ થોડો કાપવો પણ પડે છે.
મોં–દાંતની સફાઈ તેમજ દાંતના રોગોના પૂર્વનિવારણ માટેનાં વ્યક્તિગત અને સામુદાયિક પગલાં : મોંની તંદુરસ્તી જાળવવાનાં પગલાંના અભ્યાસને મૌખિક આરોગ્યજાળવણી (oral hygiene) કહે છે. દાંત પર પોપડી, ચક્તી કે કૅલ્શિયમ ન જામે તેવી તેની સફાઈ કરવી પડે છે જેથી દાંતમાં સડો શરૂ ન થાય તે તેનો મુખ્ય ઉદ્દેશ છે. તેથી તેને માટેની વ્યાપક જાણકારી તથા યોગ્ય ટેવ પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું આવશ્યક બને છે. દાંતનો સડો, અવાળુનો સોજો, અંગૂઠો ચૂસવાથી થતા વાંકા દાંત વગેરે વિવિધ રોગો થતા અટકાવી શકાય છે. નિયમિત દંતમંજન સારી ટેવ છે અને તે યોગ્ય રીતે કરવું જરૂરી ગણાય છે. વ્યક્તિએ પોતાના મોંના માપ પ્રમાણેના કદ, આકાર તથા પોચા કે કઠણ કેશવાળું દંતમંજક (brush) લેવાની સલાહ અપાય છે. દાંત, અવાળુ તથા અવાળુનીકમાંથી કચરો નીકળે તેવી રીતે દર્દીએ અવાળુથી શરૂ કરીને દાંતની ટોચ તરફ દંતમંજક ઘસવું પડે છે. દાંતને અંદર તથા બહારથી બરાબર સાફ કરવાથી તથા બે દાંત વચ્ચેની જગ્યામાંના ખોરાકના કણો દૂર કરવાથી સડો થતો અટકે છે. કયો દંતમંજનનો ભૂકો કે પદાર્થ વાપર્યો છે તે મહત્વનું નથી પણ યોગ્ય દંતમંજક(brush)થી દાંત સાફ કરાયા છે તે મહત્વનું છે તેવી જાણકારી વ્યાપક કરવાની નેમ રખાયેલી છે. જો શક્ય હોય તો દિવસમાં 4 વખત દંતમંજન કરવું જરૂરી ગણાય છે અને રાત્રે સૂતાં પહેલાં તે અચૂક થાય તેવું જોવાની સલાહ અપાય છે. દંતમંજનથી દાંતની સફાઈ થાય છે અને અવાળુને પણ પૂરતી ઉત્તેજના તથા માલિસ (massage) પણ મળે છે. દંતમંજન વખતે દાંત કે અવાળુને નુકસાન ન થાય તે ખાસ જોવાય છે. એવું મનાય છે કે દંતમંજન માટેના પદાર્થ તરીકે સામાન્ય ક્ષારપાણી (saline) કે સાદું પાણી પર્યાપ્ત છે, જંતુનાશક દવાઓનો ઉપયોગ ઘણી વખત સુરક્ષિત હોવાની ખોટી છાપ ઊભી કરે છે. દંતમંજન પદાર્થોમાં જંતુનાશક દ્રવ્ય ઉપરાંત, ચમકતું કરનાર અને શુદ્ધ કરનાર ક્ષાલક (detergent) પદાર્થો પણ હોય છે. તેમાંનું ફ્લોરાઇડનું દ્રવ્ય સડો અટકાવે છે. બે દાંત વચ્ચે ફસાયેલા કણોને ખોતરી કાઢવા પડે છે. દાંતના રોગો રોકવા માટે મોંને સાફ કરતી દવાઓ (mouth wash) ખાસ ઉપયોગી ગણાતી નથી. પરંતુ ક્યારેક કચરો કાઢવા માટે હાઇડ્રોજન પૅરૉક્સાઇડ જેવી દવાના ઉપયોગનું સૂચન કરાય છે.
અવાળુને માલિસ કરવાથી તેમાં લોહીનું પરિભ્રમણ વધે છે, તેનો સોજો ઘટે છે તથા અવાળુ વધુ મજબૂત બને છે. વધુ પડતા જોરથી દંતમંજન કરવાથી અવાળુની પાતળી પેશીને નુકસાન થાય છે.
દાંતના રોગો અટકાવવા માટે ઉપચારલક્ષી પ્રયત્નોને પ્રતિરોધ (prophylaxis) કહે છે. દાંતના રોગો થતા અટકાવવાના સામાન્ય પ્રયત્નોને પૂર્વનિવારણ (prevention) કહે છે જ્યારે તે માટે કોઈ ચોક્કસ ઉપચાર કરવામાં આવે તો તેને પ્રતિરોધ કહે છે. પ્રતિરોધ માટે ક્યારેક દંતઘર્ષણ (scaling) કરીને દાંત પરનો બાઝેલો કચરો તથા ક્ષારપથરી દૂર કરાય છે. દાંતમાંનાં પૂરણ (fillings) જો સપાટીની બહાર ઊપસેલાં હોય કે તેની કિનારી ધારદાર હોય તો તેને સરખાં કરાય છે. દાંતમાં રહી ગયેલા ખાડાને પૂરીને સડો થતો અટકાવાય છે. અવાળુનીક કે દાંતના મૂળની સપાટી પરનો કચરો દંતખોતરણ (dental curettage) કરીને દૂર કરાય છે. સામાન્ય રીતે ઉપલા જડબાની દાઢની ગલોફા બાજુની સપાટી પર તથા નીચલા જડબાના છેદક (incisor) તથા ભેદક (cannine) દાંતની જીભ તરફની સપાટી પર પથરી જામે છે.
ખોટી રીતે બ્રશ ઘસવાની ટેવને કારણે દાંતના ગ્રીવાવાળા ભાગને નુકસાન થાય છે, તેની સંવેદનશીલતા વધે છે અને અવાળુ શોષાય છે. તે ટેવ સુધારવાની સલાહ અપાય છે. ગળ્યા અને ચોંટી રહેતા પદાર્થો (દા. ત., ચૉકલેટ) દાંતને નુકસાન કરે છે અને તેમાં સડો કરે છે. જ્યારે કઠણ રેસાવાળા પદાર્થો, કઠણ, રાંધ્યા વગરનો ખોરાક, મંદ સેન્દ્રિય ઍસિડવાળા પદાર્થો (દા.ત., લીંબુ ચૂસવું), પુષ્કળ પાણી પીવું, પૂરતી લાળ બને તેમજ જીભ, ગલોફા અને હોઠના હલનચલન વડે મોં સાફ થતું રહે તો દાંતના રોગો થતા ઘટે છે. શરૂઆતનો અને કોઈ જ લક્ષણો ઉત્પન્ન ન કરતો સડો થયો હોય તો તે બે દાંત વચ્ચે દબાયેલી એક્સ-રે ફિલ્મ વડે એક્સ-રે-ચિત્રણ લેવાય તો તેમાં તે પકડાઈ જાય છે. કેટલાક મૃદુપેશીના વિકારો તથા દાંતની આસપાસની પેશીના વિકારો પણ તેનાથી પકડાય છે. દાંત કચકચાવવાની ટેવને કારણે સુસ્પર્શનની સપાટી લીસી થઈ જાય છે. તેને કારણે ખોરાકને ચાવીને ભૂકો કરવામાં મુશ્કેલી પડે છે.
દાંત બનતા હોય તે ઉંમરે પાણીમાં 1 ppmના દરે જો ફ્લોરાઇડ મળતું રહે તો દાંતમાં સડો થતો અટકે છે. દાંતના ઉદભવ સમયે ફ્લોરાઇડ ન મળ્યું હોય તેમના પર દંતમંજન વખતે ફ્લોરાઇડ વાપરવામાં આવે તોપણ અમુક અંશે ફાયદો થાય છે. વળી આ પ્રકારના ફ્લોરાઇડના ઉપયોગથી દાંતની સંવેદનશીલતા ઘટે છે અને તેથી ગરમ-ઠંડા પદાર્થોથી થતી તકલીફ ઘટે છે. જોકે દંતમંજનના પદાર્થમાં ફ્લોરાઇડ ભેળવવા અંગે નિષ્ણાતો એકમતે સહમત નથી. દાંતના ડૉક્ટર પાસે દાંત પર ફ્લોરાઇડ લગાડવાની પ્રક્રિયા કરાવી શકાય છે. 2 % સોડિયમ ફ્લોરાઇડ અથવા 8 % સ્ટેનસ ફ્લોરાઇડ વાપરી શકાય છે. સોડિયમ ફ્લોરાઇડ ઓછું અસરકારક પણ સ્વાદની ર્દષ્ટિએ વધુ સ્વીકાર્ય બનેલું છે.
દાંતના રોગો અટકાવવાના અભ્યાસને પૂર્વનિવારણલક્ષી દંતવિદ્યા (preventive dentistry) કહે છે. દાંતના રોગોનું પ્રમાણ ઘણું વધારે હોય છે. એક અંદાજ મુજબ યુ.એસ.માં લગભગ 95 % લોકોને દાંત કે દાંતની આસપાસની પેશીમાં કોઈ ને કોઈ વિકાર કે રોગ થયેલો હોય છે. દાંતમાં સડો થતો રોકવા કુકૃતિકારક અથવા સડાકારક (cariogenic) પરિબળોથી દૂર રહેવું અને દાંતનું ઍસિડથી થતું અક્ષારીકરણ (demineralization) રોકવું – એમ બે જુદા જુદા પ્રયત્નો કરાય છે. દાંતમાંના કૅલ્શિયમના ક્ષારમાં ઘટાડો થાય તેને અક્ષારીકરણ કહે છે. દાંતને ખોતરીને તથા દંતમંજન કરીને દાંત પરની ચક્તીઓ દૂર કરવી, ચોંટી રહે અને આથો આવે એવા કાર્બોહાઇડ્રેટવાળા (ખાંડવાળા) પદાર્થો(દા. ત., ચૉકલેટ)નો ઉપયોગ ઘટાડવો અથવા બંધ કરવો એ એક મહત્વનો સડાકારક પરિબળને ઘટાડવાનો પ્રયત્ન છે. દાંત પર ચોંટેલા શર્કરાવાળા પદાર્થો પર સૂક્ષ્મજીવો જીવે છે અને તે દાંત પર ચક્તી બનાવે છે. આ પ્રકારની ચક્તી (plaque) પરિદંતિલ વિકાર કરે છે. તેની ચોક્કસ પ્રક્રિયા પૂરેપૂરી જાણી શકાયેલી નથી, તેને કારણે અવાળુમાં સોજો આવે છે ચક્તીમાંના સૂક્ષ્મજીવો કાર્બોહાઇડ્રેટ્સને આથો લાવીને લૅક્ટિક ઍસિડ, પાયરુવિક ઍસિડ જેવા ઍસિડ બનાવીને લાળનું pH 5.3 થી 5.5 કરતાં નીચે લઈ જાય છે તેને કારણે મીનાવરણને નુકસાન થાય છે અને સડાની શરૂઆત થાય છે. તેથી દાંતનો સડો થતો રોકવા ચક્તીનું નિયંત્રણ (દંતમંજન), ખોરાક અંગે સલાહ (ગળ્યા પદાર્થમાં ઘટાડો) તેમજ વિવિધ રીતે અને અનેકવાર ફ્લોરાઇડ વડે સારવાર કરવાની સલાહ અપાય છે. તેથી દાંતનો સડો અને અવાળુના રોગો થતા અટકે છે. ફ્લોરાઇડનું પ્રમાણ શરીરમાં વધે તો ઝેરી અસર કરે છે. તેને અતિફ્લોરિતા (fluorosis) કહે છે. તેથી ફ્લોરાઇડ વડે કરાતી સારવાર કે પૂર્વનિવારણમાં ખાસ ધ્યાન રાખવું પડે છે.
વ્યક્તિગત તેમજ જાહેર સુખાકારીની ર્દષ્ટિએ દાંતની જાળવણી અગત્યની બને છે. જાહેર સુખાકારી માટે કરાતા કાર્યને સમુદાયલક્ષી દંતવિદ્યા(community dentistry)ની અંતર્ગત વણી લેવામાં આવે છે. નાનાં બાળકો તથા શાળાએ જતાં બાળકોમાં દાંતની જાળવણીના સિદ્ધાંતોનો પ્રચાર તથા યોગ્ય ટેવો વધારી શકાય. જાહેર પાણીપુરવઠામાં 1 ppm જેટલું ફ્લોરાઇડ ભેળવવાથી પણ લાભ રહે છે.
ભારતમાં દાંતના અભ્યાસ અને તેના રોગોની સારવાર : 1948માં ભારતમાં ડૅન્ટિસ્ટ કાયદો પસાર થયો અને તે માર્ચ, 1948થી અમલમાં આવ્યો. તેને આધારે 1949ના એપ્રિલની 12મી તારીખે ડૅન્ટલ કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયા અસ્તિત્વમાં આવી. તેની અંતર્ગત રાજ્ય ડૅન્ટલ કાઉન્સિલો તથા કેન્દ્રીય વિસ્તારોની ડૅન્ટલ કાઉન્સિલો પણ બની. ભારતીય ડેન્ટલ કાઉન્સિલ ભારતમાંના દંતવિદ્યાના વ્યવસાયનું નિયંત્રણ તેમજ તેની કલ્યાણકારી સાચવણી પણ કરે છે. તેના દ્વારા ભારતભરમાં એકસરખું દંતવિદ્યાનું શિક્ષણ મળી રહે તે જોવાય છે. રાજ્યકક્ષાની કાઉન્સિલો દંતવિદ (dentist), દંતારોગ્ય-રક્ષકો (dental hygienists) તથા દંતીય યાંત્રિકો(dental mechanics)ની નોંધણી કરે છે અને તેમના વ્યવસાયના પ્રશ્નોનું નિરાકરણ કરે છે. ભારતમાં દરેક દંતવિદ માટે તેના રાજ્યની ડૅન્ટલ કાઉન્સિલ દ્વારા નોંધણી કરાવવી આવશ્યક છે.
1948ના કાયદા દ્વારા દંતવિદ્યાના સ્નાતક (B.D.S.) અને અનુસ્નાતક (M.D.S.) કક્ષાના અભ્યાસોના તથા દંતારોગ્ય-રક્ષકો અને દંતીય યાંત્રિકોના અભ્યાસક્રમો પણ ઘડવામાં આવેલા છે અને ડૅન્ટલ કાઉન્સિલના નિરીક્ષકો દ્વારા તેના નિયમોનું પાલન થાય છે અને તેની સતત મોજણી કરાતી રહે છે. આ ઉપરાંત કાઉન્સિલે દંતવિદો માટે આચારસંહિતા પણ ઘડી કાઢી છે.
ભારતીય ડૅન્ટલ ઍસોસિયેશન ભારતનાં વિવિધ રાજ્યોમાં કાર્યરત છે. ગુજરાત રાજ્યની શાખા 1972-73થી કાર્યરત છે. હાલ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ખેડા, ઉત્તર ગુજરાત, રાજકોટ, સૂરત તથા સુરેન્દ્રનગરમાં સ્થાનિક શાખાઓ પણ કાર્યરત છે. અમદાવાદમાં વિદ્યાર્થીઓનો પણ વિશિષ્ટ સભ્યો તરીકે સમાવેશ કરાય છે. આ ઉપરાંત અમદાવાદમાં દંતવિદ્યાનો વ્યવસાય કરતી વ્યક્તિઓ પણ ડૅન્ટલ પ્રૅક્ટિસ્નર્સ સોસાયટી ચલાવે છે.
શિલીન નં. શુક્લ
કિરીટ હરિલાલ શાહ
રક્ષા મનુભાઈ શાહ