દસવેયાલિય (દશવૈકાલિક) : જૈનોના 45 આગમોમાંનાં ચાર મૂળ સૂત્રોમાંનું એક. તેના નિર્માતા શ્રીશય્યંભવાચાર્ય છે જેઓ બ્રાહ્મણ જાતિના પ્રખર વિદ્વાન અને પાછળથી જૈન થયેલા સાધુ હતા. પુત્ર મનક જે શિષ્ય હતો તેનું અલ્પ આયુ જાણી તેના બોધ માટે આજથી લગભગ 2400 વર્ષ પૂર્વે આની રચના કરી હતી. મહાવીરનિર્વાણ પછી 75થી 98 વર્ષના ગાળા દરમિયાન આની રચના થઈ હશે તેમ મનાય છે. ચરણકરણાનુયોગ આધારિત આખું સૂત્ર સ્વયં અક્ષરશ: મંગળરૂપ હોઈ તેમાં મંગળાચરણ નથી. જૈન શ્વેતાંબરના સ્થાનકવાસી, મૂર્તિપૂજક, તેરાપંથી વગેરે બધા ફિરકાઓમાં એને પ્રમાણભૂત જિનવાણી માની તેનું અધ્યયન થાય છે.

તેમાં દશ અધ્યયનો છે. અંતભાગમાં બે ચૂલિકાઓ છે, જે શ્રી શય્યંભવાચાર્ય દ્વારા રચિત નથી. તેના પર ભદ્રબાહુએ નિર્યુક્તિ, અગસ્ત્યસિંહ અને જિનદાસગણિ મહત્તરે ચૂર્ણિ અને હરિભદ્રસૂરિએ વૃત્તિ લખી છે.

પહેલું અધ્યયન દ્રુમપુષ્પિત છે, તેમાં સાધુને ભ્રમરનું ર્દષ્ટાંત આપી સંસારમાં ચારિત્ર્યધર્મને ઉત્કૃષ્ટ દર્શાવ્યો છે. ચારિત્ર્યધર્મની રક્ષા મધુકરવૃત્તિ દ્વારા થઈ શકે છે. તેમાં ધર્મપ્રશંસાનું વર્ણન છે.

બીજું શ્રામણ્યપૂર્વિક અધ્યયન ઉત્તરાધ્યયનસૂત્રના 22મા અધ્યયન-માંથી લેવામાં આવ્યું છે. બન્નેની ગાથાઓ વિષયની રીતે મળતી આવે છે. સંયમી અવસ્થા દ્વારા ધૈર્યનો ઉપદેશ આપી રાજીમતી–રથનેમિના સંવાદ દ્વારા ધૈર્ય-ચારિત્ર્યનો મહિમા દર્શાવ્યો છે.

ત્રીજું ‘ક્ષુલ્લિકાચારકથા’ અધ્યયન ‘નિશીથ’ આદિ સૂત્રોમાંથી લેવામાં આવ્યું છે. તેમાં નિર્ગ્રંથ મહર્ષિએ રાત્રિભોજન, સ્નાન, દંતધાવન, ગંધ, છત્રધારણ જેવી બાબતો અંગે નિષેધ દર્શાવી આત્મસંયમવિષયક સૂક્ષ્મ બાબતો અંગે ઉપદેશ છે.

ચોથું ષડ્જીવન અધ્યયન આચારાંગસૂત્રના 24મા અધ્યયન અનુસાર રચવામાં આવ્યું છે. તેમાં ષડ્કાય જીવોની રક્ષા વિશે ઉપદેશ છે.

પાંચમું ‘પિણ્ડૈષણા’ નામક અધ્યયન આચારાંગસૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધ ‘પિણ્ડૈષણા’ નામક અધ્યયનનો પ્રાય: અનુવાદ છે. તેમાં સંયમ અને તપની અભિવૃદ્ધિ માટે શુદ્ધ ભિક્ષાનું વર્ણન છે. તેમાં ભિક્ષાવિષયક બે ઉદ્દેશોમાં ભિક્ષા લેતાં ધ્યાનમાં રાખવાની બાબતો રજૂ થઈ છે.

છઠ્ઠું ‘ધર્માર્થકથા’ અથવા ’મહાચારકથા’ અધ્યયન સમવાયાંગ સૂત્રના અષ્ટાદશ સમવાયના અષ્ટાદશ શિક્ષાઓના વિવેચનરૂપ છે. તેમાં અઢાર સ્થાનાંગોનું નિરૂપણ છે.

સાતમું ‘વાક્યશુદ્ધિ અધ્યયન’ આચારાંગસૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધના તેરમા ભાષા નામક અધ્યયનનો અનુવાદ છે. તેમાં ધર્મપુરુષોને વિશિષ્ટધર્મની શિક્ષા આપવામાં આવી છે. ચાર પ્રકારની ભાષાનું વર્ણન કરી સાધુ કે વિદ્વાને કેવા પ્રકારની ભાષા બોલવી અને કઈ ન બોલવી તે દર્શાવી  ભાષાના ગુણદોષ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

આઠમું ‘આચારપ્રવિધિ’ અધ્યયન સ્થાનાંગસૂત્રના આઠમા સ્થાનકમાંથી લેવામાં આવ્યું છે. ષડ્પ્રકારના જીવોની રક્ષા અંગે વર્ણન કરી સાધુ દ્વારા થતાં અકાર્યની આલોચનાની સમજ આપવામાં આવી છે. કષાયવિષયક પ્રકાશ પાડી સાધુને કષાયથી મુક્ત રહેવા ફરમાવ્યું છે.

નવમા ‘વિનયસમાધિ’ અધ્યયનમાં જુદાં જુદાં સૂત્રોમાંથી શિક્ષાઓ લેવામાં આવી છે. વિનયનું મહત્વ અને ફળ દર્શાવી વિનયધર્મની વિસ્તૃત વિવેચના કરવામાં આવી છે.

દશમું ‘ભાવભિક્ષા’ અધ્યયન ભિન્ન ભિન્ન સૂત્રોમાંથી સમલંકૃત કરવામાં આવ્યું છે. ઉપસંહાર રૂપે તેમાં ભાવભિક્ષુનાં લક્ષણોનું દિગ્દર્શન કરવામાં આવ્યું છે.

અંતમાં બે ચૂર્ણિકાઓ પરિશિષ્ટ રૂપે છે. તેના કર્તા શ્રી શય્યંભવાચાર્ય નથી. આથી તે પાછળથી ઉમેરવામાં આવી હશે તેમ મનાય છે. પરંતુ વિષયની ર્દષ્ટિએ મહત્વની હોઈ તેને સૂત્રમાં સ્થાન અપાયું છે. પ્રથમ ચૂર્ણિકામાં સંયમી સાધુની શિથિલતા વિશે પ્રકાશ પાડવામાં આવ્યો છે. સંયમભ્રષ્ટ થવાથી ઉત્પન્ન થતા અનર્થો દર્શાવી પ્રાણાંતે પણ સંયમપાલનનો ઉપદેશ આપવામાં આવ્યો છે.

દ્વિતીય ચૂર્ણિકામાં વિષય-ભોગોથી પરાઙમુખ રહી સાધુએ સ્વયં ચેતી જઈ આત્મવિચારણા કરવા ઉપદેશ છે.

કલ્પના કનુભાઈ શેઠ