દવે, રણછોડભાઈ ઉદયરામ

March, 2016

દવે, રણછોડભાઈ ઉદયરામ (જ. 9 ઑગસ્ટ 1837, મહુધા, જિ. ખેડા; અ. 9 એપ્રિલ 1923) : ગુજરાતી નાટક અને રંગભૂમિના પિતા ગણાતા નાટ્યકાર. એમનું મૂળ વતન મહુધા. પ્રાથમિક શિક્ષણ વતનમાં. અંગ્રેજી શિક્ષણ માટે 1852માં નડિયાદ ગયા. 1857માં અમદાવાદ આવી કાયદાના વર્ગમાં જોડાયા. શરૂઆતમાં સરકારી ખાતામાં નોકરી. 1863માં મુંબઈમાં મેસર્સ લૉરેન્સ કંપનીમાં જોડાયા. તે દરમિયાન કેટલાંક દેશી રાજ્યોના મુંબઈ ખાતેના પ્રતિનિધિ તરીકે અને છેવટે કચ્છના મહારાવના અંગત સચિવ તથા દીવાન તરીકે ઉત્તમ કાર્ય કરીને 1904માં નિવૃત્ત થયેલા. પછીના બે દાયકા કેવળ સરસ્વતીસેવા જ કરેલી. રણછોડભાઈએ અમદાવાદમાં વિદ્યાભ્યાસક સભાના મંત્રી તરીકે તેમજ ધર્મસભા અને તેના મુખપત્ર ‘ધર્મપ્રકાશ’ના સંચાલક તરીકે કામ કર્યું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી તરીકે પણ કેટલોક સમય કામગીરી બજાવી હતી. વડોદરા ખાતે 1912માં ભરાયેલ ચોથી ગુજરાતી સાહિત્યપરિષદના તેઓ પ્રમુખ હતા. 1915માં બ્રિટિશ સરકારે તેમને ‘દીવાન બહાદુર’નો ઇલકાબ આપ્યો હતો. રણછોડભાઈએ સમગ્ર ભારત માટે એક લિપિની હિમાયત કરેલી. એટલે પોતાનાં કેટલાંક પુસ્તકો દેવનાગરી લિપિમાં છપાવેલાં.

‘પિંગલનો વિશ્વકોશ’ કહેવાય તેવું ‘રણપિંગળ’ ભાગ : 1 (1902), ભાગ : 2 (1905), ભાગ : 3 (1907) અને નાટકના પોતાના અનુભવને અભ્યાસના અર્કરૂપ ‘નાટ્યપ્રકાશ’ (1890) તેમની વિદ્વત્તા અને બહુશ્રુતતાની ઉત્તમ ગવાહી પૂરે છે; પરંતુ સાહિત્યના ઇતિહાસમાં તેમને ચિરંજીવ સ્થાન પ્રાપ્ત થયું છે નાટકોને કારણે. તેમણે ‘જયકુમારી-વિજય નાટક’ (1864), ‘લલિતાદુ:ખદર્શક નાટક’ (1866), ‘તારામતીસ્વયંવર’ (1871), ‘હરિશ્ચંદ્ર’ (1871), ‘પ્રેમરાય અને ચારુમતી’ (1876), ‘બાણાસુરમદમર્દન’ (1878), ‘મદાલસા અને ઋતુધ્વજ’ (1878), ‘નળ-દમયંતી નાટક’ (1893), ‘નિન્દ્યશૃંગાર નિષેધક’ (1920), ‘વૈરનો વાંસે વસ્યો વારસો’ (1922), ‘વંઠેલ વિરહાનાં કૂડાં કૃત્ય’ (1923) વગેરે સ્વતંત્ર તથા ‘વિક્રમોર્વશીય ત્રોટક’ (1968), ‘માલવિકાગ્નિમિત્ર’ 1871, ‘રત્નાવલિ’ (1889) વગેરે અનૂદિત નાટકો આપેલાં છે.

રણછોડભાઈ ઉદયરામ દવે

સાહિત્યની દુનિયામાં રણછોડભાઈની નાટ્યકાર તરીકેની કીર્તિ ‘લલિતાદુ:ખદર્શક’ નાટકથી બંધાઈ. એ ગુજરાતી ભાષાનું પહેલું કરુણાન્ત નાટક છે. નાટ્યકાર રણછોડભાઈના ઉદય સાથે ગુજરાતી રંગભૂમિના ઉદયનો ઇતિહાસ સંકળાયેલો છે.

રણછોડભાઈને ભવાઈના વેશોમાં થતા નિર્લજ્જ ચેનચાળા જોઈને તેના પર અણગમો થયો હતો, અને શિષ્ટ નાટકો રચીને રજૂ કરવાની પ્રેરણા થઈ હતી. તેમને કેખુશરો કાબરાજી મળ્યા. કાબરાજીએ નાટક ઉત્તેજક મંડળીની સ્થાપનાની યોજના બનાવી. બંનેએ મળીને કેટલાક હિંદુ ‘વિદ્વાન અને સુધારાવાળા’ ધનાઢ્ય ગૃહસ્થોની વ્યવસ્થાપક મંડળી રચીને, નાટક ઉત્તેજક મંડળી સ્થાપી (1875). તેમાં રણછોડભાઈનું ‘હરિશ્ચંદ્ર’ નાટક પ્રથમ ભજવાયું. બીજું નાટક ‘નળ-દમયંતી’ પણ રણછોડભાઈનું જ લખેલું હતું. આ નાટક જોવા માટે કુલીન કુટુંબની હિંદુ સ્ત્રીઓ પણ આવતી.

‘નળ-દમયંતી’ નાટકને મળેલી સફળતા જોઈને મુંબઈના કેટલાક ગુજરાતી શાળાઓના મહેતાજીઓને એ નાટકનો ખેલ નાખવાની ઇચ્છા થઈ. તેમનો આગેવાન નરોત્તમ ફરામજી પાસે ગયો, અને એ નાટકનો ખેલ એણે ત્રણસો રૂપિયામાં ઉધ્ધડ માગ્યો. ફરામજીએ પાંચસો રૂપિયા માગ્યા. રકઝકમાં બોલાચાલ થઈ. ફરામજીએ નરોત્તમને અપમાન કરીને કાઢી મૂક્યો. નરોત્તમને હાડોહાડ લાગી આવ્યું. તેણે પડકાર કર્યો : ‘અમે બહાર પડીશું તો તારા બાર વાગી જશે.’ તેઓ રણછોડભાઈ પાસે ગયા. તેમની સમક્ષ એમણે ગુજરાતી નાટક મંડળી સ્થાપવાનો મનસૂબો બતાવ્યો, ત્યારે તે મદદ કરવા તૈયાર થયા. પોતે લખેલું ‘લલિતાદુ:ખદર્શક’ નાટક તેમને ભજવવા માટે આપ્યું અને પોતે તેમાં કાપકૂપ કરીને, છ મહિના સુધી મહેનત કરીને, નાટક મહેતાજીઓ પાસે તૈયાર કરાવ્યું. તેને અસાધારણ આવકાર મળ્યો. મુંબઈના ગુજરાતી સમાજ ઉપર આ નાટકની ઊંડી છાપ પડી હતી. એક ડોસીએ એ નાટક જોઈને પોતાની દીકરીનો વિવાહ તેની ઇચ્છા વિરુદ્ધ કરેલો તે તોડી નાખ્યો હતો ! રણછોડભાઈ પારસીઓથી છૂટા પડ્યા. તેમનું નાટક ‘બાણાસુરમદમર્દન’ પણ આ મંડળીએ ભજવ્યું. ભાઈશંકર નાનાભાઈનું ‘સુદામાચરિત્ર’ પણ આ મંડળી દ્વારા રજૂ થયું હતું. દસ વર્ષ લગી આ નાટકમંડળીએ કામ કર્યું. તે પછી દયાશંકરે મુંબઈ ગુજરાતી નાટકમંડળી સ્થાપી (1889) અને બીજી અનેક મંડળીઓ કામ કરતી થઈ.

1884 સુધી નાટક ઉત્તેજક મંડળીએ રણછોડભાઈનાં તેમ અન્ય લેખકોનાં નાટકો ભજવ્યાં હતાં. ‘નળ-દમયંતી’ નાટકના ત્રણસો અને ‘હરિશ્ચંદ્ર’ નાટકના અગિયારસો પ્રયોગ થયા હતા. ગાંધીજીએ આત્મકથામાં પોતે ‘હરિશ્ચંદ્ર’ નાટક જોવાનો ઉલ્લેખ કર્યો છે, તે રણછોડભાઈનું જ હોવાનો સંભવ છે. નાટક દ્વારા સંસ્કારશિક્ષણ આપવાની રણછોડભાઈની નેમ હતી તે વિદ્વાનોનો રંગભૂમિ સાથે સંપર્ક સાધી આપીને ઠીક પ્રમાણમાં સિદ્ધ કરી હતી. તેમને ભવાઈ પ્રત્યે સૂગ હતી. એટલે એનો કોઈ અંશ તેમનાં નાટકોમાં આવવા પામ્યો નથી.

રણછોડભાઈની નાટ્યર્દષ્ટિ કેળવાયેલી હતી. તેની પાછળ સંસ્કારશિક્ષણની નેમ હતી. અમર્યાદ શૃંગારચેષ્ટામાં ઊતરી પડતાં ધંધાદારી નાટકોની વિરુદ્ધમાં તેમણે ‘નિન્દ્યશૃંગારનિષેધક’ નાટક લખ્યું હતું. રણછોડભાઈની સમક્ષ આરંભમાં પારસી રંગભૂમિએ અપનાવેલું વિદેશી નાટ્યસ્વરૂપ હતું. પણ એ પારસી રંગભૂમિની ગુજરાતીની અશુદ્ધિઓ તેમને માન્ય નહોતી. તેઓ તો અંગ્રેજી, સંસ્કૃત તથા તળપદી નાટ્યપરંપરાઓના સુભગ અંશો દ્વારા ગુજરાતની પ્રજાને પથ્ય મનોરંજન અને સંસ્કારશિક્ષણ આપી શકે એવી નાટ્ય-રંગભૂમિ ઊભી કરવાના પ્રયત્નો કરતા હતા. તેથી સંસ્કૃત શૈલીનાં અને પછીથી પાશ્ચાત્ય પદ્ધતિનાં નાટકોના આધારે તેમણે ગુજરાતી નાટકની બાંધણી કરી. રણછોડભાઈએ ‘આરોગ્યતાસૂચક’ (1859), ‘કુલ વિશે નિબંધ’ (1867) જેવા અન્ય નિબંધગ્રંથો; ‘સંતોષસુરતરુ’ (1866), ‘પ્રાસ્તાવિક કથાસંગ્રહ’ (1866), ‘પાદશાહી રાજનીતિ’ (1890) જેવા પ્રકીર્ણ ગ્રંથો તેમજ ‘યુરોપિયનોનો પૂર્વપ્રદેશ આદિ સાથે વ્યાપાર’ [ભાગ : 1, 3, 4 (1916), ભાગ : 2 (1915), ભાગ : 5 (1918)] જેવા દળદાર વાણિજ્યવિષયક ગ્રંથો આપ્યા છે.

રણછોડભાઈની અનુવાદસેવા પણ બહુમૂલ્ય છે. ઉપર્યુક્ત સંસ્કૃત નાટકોના અનુવાદ ઉપરાંત અંગ્રેજી ઉપરથી ‘બર્થોલ્ડ’ (1865) તથા નાટ્યકથાઓનો ‘શેક્સપિયર કથાસમાજ’ (1876) જેવા રસપ્રદ ગ્રંથો ગુજરાતીમાં સુલભ કર્યા. તેમણે ફાર્બસની ‘રાસમાળા’ [ભાગ : 1, (1870), ભાગ : 2 1892]નો ગુજરાતીમાં અનુવાદ આપવા ઉપરાંત ‘લઘુસિદ્ધાન્તકૌમુદી’ (1874) તથા ‘ગુજરાતી હિતોપદેશ’ (1899) ગ્રંથો પણ આપ્યા છે. આમ રણછોડભાઈની ગુજરાતી સાહિત્યક્ષેત્રે – નાટ્યક્ષેત્રે અનેકદેશીય સેવા રહેલી છે.

ધીરુભાઈ ઠાકર