દવે, ભરત બાલકૃષ્ણ

March, 2016

દવે, ભરત બાલકૃષ્ણ (જ. 16 ઑગસ્ટ 1948, અમદાવાદ) : નાટ્ય દિગ્દર્શક અને ટીવી નિર્માતા. ગુજરાત યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર સાથે એમ.એ. (1971) તથા એલએલ.બી.(1972)ની પદવી મેળવી. મુંબઈના નાટ્યસંઘમાં નાટ્યવિદ્યાનો એક વર્ષનો ડિપ્લોમા અભ્યાસ (1973) કર્યા પછી દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામામાં દિગ્દર્શનનો ત્રણ વર્ષનો ડિપ્લોમા અભ્યાસ કર્યો (1976). 1977માં અમદાવાદમાં ‘ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન(ISRO)માં ટીવી કાર્યક્રમમાં નિર્માતા તરીકે જોડાયા. ફુલબ્રાઇટ સ્કૉલરશિપ પ્રોગ્રામ હેઠળ ન્યૂયૉર્કની સાઇરક્યૂઝ યુનિવર્સિટીમાં ‘કૉમ્યુનિકેશન ટૅક્નૉલૉજી ઇન ટીવી પ્રૉડક્શન’ વિશે છ મહિનાનો તાલીમી અભ્યાસ કર્યો.

ટીવીના કાર્યક્રમ નિર્માતા તરીકે તેમણે મહિલા તથા બાળકો માટેની શ્રેણી ઉપરાંત શાળા તથા યુનિવર્સિટી કક્ષાના ઘણા ટીવી કાર્યક્રમો તૈયાર કર્યા. ‘ભલાભૂસાના ભેદભરમ’ જેવી લોકભોગ્ય શ્રેણીનું નિર્માણ કર્યું. ગ્રામીણ સંસ્થાઓ, સામાજિક કાર્યકર્તાઓ, રાષ્ટ્રીય નેતાઓ તથા અનેક વિકાસલક્ષી કાર્યક્રમો અંગે સંખ્યાબંધ દસ્તાવેજી વીડિયો ફિલ્મો તૈયાર કરી. વળી તેમણે ઘણાં નાટકો અને નૃત્યનાટિકાઓનું નિર્માણ કર્યું છે.

1978માં ‘સપ્તસિંધુ’ નામનું પોતાનું નાટ્યવૃંદ ઊભું કરી 1994 સુધીમાં વિદેશી (મૉલિયર, ટૉમ સ્ટૉપર્ડ, ગોગૉલ, અરવિન શૉ, યુરિપિડીઝ, ટૉલ્સ્ટૉય), ભારતીય (શરદબાબુ, ટાગોર, ટેંડુલકર, લક્ષ્મીનારાયણ લાલ વગેરે) તથા ગુજરાતી (‘દર્શક’, પન્નાલાલ પટેલ, શ્રીકાન્ત શાહ વગેરે) લેખકોની 20 જેટલી કૃતિઓનું નાટ્યનિર્માણ તથા દિગ્દર્શન કર્યું. 1980માં નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામાની નાટ્યમંડળી માટે રસિકલાલ પરીખકૃત ‘મેનાં ગુર્જરી’નું દિગ્દર્શન સંભાળ્યું અને એ દેશભરમાં ભજવાયું. તેમનું ‘મુક્તધારા’ નવી દિલ્હીની સંગીત નાટક અકાદમી યોજિત રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવમાં પસંદગી પામ્યું (1985). 1987માં જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રદાન સમારંભ પ્રસંગે નવી દિલ્હીમાં તેમણે તૈયાર કરેલું ‘માનવીની ભવાઈ’ નાટક ભજવાયું.

ભરત બાલકૃષ્ણ દવે

તેમની અન્ય નાટ્યવિષયક કામગીરીમાં કેટલાંક નાટકોનાં ભાષાંતર-રૂપાંતર, ‘સંવાદ’ નામના થિયેટર અભ્યાસ-વર્તુળનું (1983થી) સંચાલન, ‘અભિવ્યક્તિ’ નામના સાઇક્લોસ્ટાઇલ થિયેટર બુલેટિનનું (1982થી) પ્રકાશન તથા દૈનિક – સામયિકમાં રંગભૂમિવિષયક લેખોનું પ્રકાશન વગેરેનો સમાવેશ થાય છે. આ લેખો ‘આપણી રંગભૂમિ’ નામથી પુસ્તક રૂપે પ્રગટ થયા છે.

‘ક્રિટિક્સ સંધાન ઍવૉર્ડ’ (1989–1991) તથા ગુજરાત રાજ્યના ‘ગૌરવ પુરસ્કાર’ (1991) વડે તેમનું બહુમાન થયું છે.

એમની નાટ્યપ્રવૃત્તિનાં સ્મરણો ‘રંગયાત્રા’માં સમાવિષ્ટ થયાં છે.

મહેશ ચોકસી