દવે, જ્યોતીન્દ્ર હરિહરશંકર

March, 2016

દવે, જ્યોતીન્દ્ર હરિહરશંકર (જ. 21 ઑક્ટોબર 1901, સૂરત; અ. 11 સપ્ટેમ્બર 1980) : ગુજરાતના અદ્વિતીય હાસ્યકાર તથા સંસ્કૃત સાહિત્યના અને રસશાસ્ત્રના પ્રખર વિદ્વાન. એમનું પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચશિક્ષણ સૂરતમાં થયું. 1919માં મૅટ્ર્રિકની પરીક્ષા પસાર કર્યા પછી કૉલેજમાં સંસ્કૃત તથા ગુજરાતી વિષયો સાથે તેઓ 1923ની સાલમાં બી.એ. અને તે જ વિષયો સાથે 1925માં એમ.એ. થયા.

જ્યોતીન્દ્ર હરિહરશંકર દવે

1926થી તેમણે વ્યવસાયને કારણે મુંબઈ સેવ્યું અને ત્યાં કનૈયાલાલ મુનશીનો સંપર્ક થયા પછી તેમની ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ- (Gujarat and its Literature)ની પ્રવૃત્તિમાં સંકળાયા. એમની સાહિત્યલેખક, હાસ્યલેખક તરીકેની કારકિર્દી તેમના મુંબઈ વસવાટ દરમિયાન શરૂ થઈ ચૂકી હતી. એમના હાસ્યલેખો શિષ્ટ સાહિત્યિક સામયિકોમાં પ્રસિદ્ધ થવા માંડ્યા હતા. એ હાસ્યલેખોનો પ્રથમ સંગ્રહ ‘મારી નોંધપોથી’ શીર્ષકથી 1933માં પ્રગટ થયો. તેમણે એમાં લેખક તરીકે ‘ગુપ્તા’ તખલ્લુસ રાખ્યું હતું. પણ તે પછીનાં બધાં જ પુસ્તકો તખલ્લુસ છોડી દઈને પોતાને નામે પ્રગટ કર્યાં. મુંબઈમાં મુનશી સાથે થોડાં વર્ષો કામ કર્યા પછી તેઓ સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે જોડાયા. એ ગાળો 1933થી 1937 સુધીનો હતો. એ અગાઉ મુંબઈમાં કબીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેનો અનુભવ લઈ ચૂક્યા હતા. સૂરતમાં પ્રાધ્યાપક તરીકેની જવાબદારી સંભાળ્યા પછી મુંબઈની કૉલેજોમાં પણ એમણે થોડા થોડા સમય માટે કામગીરી બજાવી હતી. 1937માં મુંબઈમાં તેમણે ઓરિયેન્ટલ ટ્રાન્સલેટર તરીકે પણ કામગીરી સંભાળી હતી. સરકારી નોકરીમાંથી નિવૃત્તિ બાદ માંડવી (કચ્છ) કૉલેજમાં ત્રણેક વર્ષ આચાર્યપદ પણ સંભાળ્યું હતું.

જ્યોતીન્દ્ર દવેએ ભલે શિક્ષક-અધ્યાપક-અનુવાદક તરીકેની તેમજ અન્ય કામગીરી બજાવી, પણ મુખ્યત્વે એમની યશપતાકા એક અભૂતપૂર્વ હાસ્યલેખક તરીકે જ આજ સુધી ફરફરતી રહી છે.

1930 પછીના સમયગાળામાં ગુજરાતી સાહિત્યને હાસ્યથી પલ્લવિત કરનારા કેટલાક સમર્થ સર્જકો પ્રગટ થયા. એ સર્વ લેખકોમાં જ્યોતીન્દ્ર દવેએ જોતજોતામાં અદકેરું ઊંચું સ્થાન. બૌદ્ધિકોને સહેજે પ્રસન્નકર નીવડે તેવા, એમના ઉચ્ચ કોટિના હાસ્યલેખોથી પ્રાપ્ત કરી લીધું. 1932માં એમના હળવા નિબંધોનો પ્રથમ સંગ્રહ પ્રગટ થયો ત્યારપછી એક વિચક્ષણ મતિ ધરાવતા સૂક્ષ્મ હાસ્ય નિષ્પન્ન કરનારા લેખક તરીકે તેમની પ્રતિભાનો પ્રકાશ વિસ્તરતો રહ્યો. ‘રંગતરંગ’ના પહેલા ભાગ પછી 1941માં બીજો, ત્રીજો, ચોથો; 1944માં પાંચમો અને 1946માં છઠ્ઠો ભાગ પ્રગટ થયો.

‘રંગતરંગ’ની શ્રેણી પછી શિષ્ટ, સૂક્ષ્મ હાસ્યના ભોક્તા વર્ગને માટે હળવા નિબંધોના સંગ્રહો પ્રગટતા જ રહ્યા : ‘પાનનાં બીડાં’ (1946), ‘અલ્પાત્માનું આત્મપુરાણ’ (1947), ‘રેતીની રોટલી’ (1952), ‘નજર : લાંબી અને ટૂંકી’ (1956), ‘ત્રીજું સુખ’ (1957), ‘રોગ, યોગ અને પ્રયોગ’ (1960), ‘જ્યાં જ્યાં પડે નજર મારી’ (1965).

એમણે પોતે જ પોતાના પ્રતિનિધિરૂપ હાસ્યલેખોનો સંગ્રહ પણ ‘જ્યોતીન્દ્ર તરંગ’ શીર્ષકથી પ્રકાશિત કર્યો (1976). રણજિતરામ વાવાભાઈ મહેતાએ સ્થાપેલી અમદાવાદની ગુજરાત સાહિત્ય સભાએ તેમની હાસ્યકાર તરીકેની પ્રતિભાનું સન્માન કરીને 1941ની સાલનો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કર્યો હતો.

સૂરતની સાહિત્ય સભાએ નર્મદ ચંદ્રક અર્પણ કરીને તેમનું સન્માન કર્યું હતું.

1966માં સૂરત મુકામે યોજાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ પણ તેમણે શોભાવ્યું હતું.

એમની હાસ્ય નિષ્પન્ન કરવાની અનેક પદ્ધતિઓ છે. ‘રંગતરંગ’ના પહેલા ભાગમાં ‘અશોક પારસી હતો’ જેવા લેખમાં તેમણે પારસી બોલી યોજીને વૈચિત્ર્ય દ્વારા હાસ્ય પ્રેર્યું છે. ‘ગઝલમાં ગીતા’માં તેમણે ગીતાના શ્લોકોને ગઝલ રૂપમાં ઢાળવાનો મજાનો પ્રયોગ કર્યો છે. પણ એમની સાચી શક્તિ તો ગંભીર વિષયને તર્કાભાસી દલીલો દ્વારા અગંભીર રીતે રજૂ કરવામાં રહેલી છે. સત્યાભાસી દલીલો કરવામાં તેમનું પ્રભુત્વ છે. ‘અજ્ઞાન’ વિશે એ લેખ લખતા હોય તો અજ્ઞાનની તરફેણમાં એમની વાક્પટુતા દર્શાવતી તર્કાભાસી દલીલો વાચકને સાનંદાશ્ચર્ય મુગ્ધ કરી દે છે. એવા બીજા અનેક વિષયોમાં તેમની ચાતુર્યયુક્ત દલીલો સદ્ય સ્મિત પ્રગટાવે છે. ‘ઊંઘ’, ‘ચોરોના બચાવમાં’, ‘કરકસર’, ‘પરતંત્ર પુરુષ’ વગેરે હાસ્યનિબંધો સહેજે એમની વાક્ચાતુરીનો આહલાદ આપી રહે છે. એમણે હળવા નિબંધોમાં એક પણ વિષયને અસ્પૃશ્ય ગણીને તરછોડ્યો નથી. ‘સાહિત્યપરિષદ’, ‘સાહિત્યસમીક્ષા’ જેવા ગંભીર વિષયોમાં પણ તેમણે પોતાની હાસ્ય નિષ્પન્ન કરવાની અનોખી કલાનો અનુભવ કરાવ્યો છે. એ સિવાય ‘ચૂંટણી’, ‘જીભ’, ‘કાન’, ‘પેટ’, ‘છીંક’ જેવા વિષયોમાં તો એમની કલમ આસાનીથી (સ્વૈર)વિહાર કરે છે. જીવનમાંથી અને આસપાસના વાતાવરણમાંથી ઝટ કોઈને સૂઝે નહિ એવું વસ્તુ તે તેમની વિચક્ષણ ર્દષ્ટિથી શોધી લાવે છે અને તેને હાસ્યનું આલંબન બનાવે છે. હાસ્ય નિષ્પન્ન કરવા માટે તેમની પાસે વિનોદી ટુચકાનો ખાસ્સો ભંડાર છે. શ્લેષમાં તો તેઓ અદ્વિતીય છે. પ્રતિકાવ્ય(parody)નો આશ્રય પણ તેઓ કરે છે. એમનાં પ્રતિકાવ્યો અનેરી રંગત જમાવે તેવાં હોય છે. એમના હાસ્યની વિશેષતા એ છે કે એ નિર્દોષ છે. ઘણી વાર પોતાને ભોગે તે નિષ્પન્ન થાય છે. ‘મારી વ્યાયામસાધના’ જેવા અનેક લેખોમાં તેની પ્રતીતિ થશે.

જ્યોતીન્દ્ર હાસ્યને સુધારાના કે કોઈ પ્રચારના વાહન તરીકે પ્રયોજતા નથી. એ માનવજીવનની નબળાઈઓથી સુપરિચિત છે. એના પર કટાક્ષનાં તાતાં તીર છોડવાને બદલે તેને હસી નાખવાનું તેમને ઇષ્ટ લાગે છે. એ હાસ્ય ખાતર હાસ્ય રેલાવે છે. એમના હાસ્ય પાછળ ફિલસૂફીની ઉચ્ચ ભૂમિકા હોય છે. એટલે જ તો વિદ્વાનોને અને બૌદ્ધિકોને પણ તે અપીલ કરી શકે છે. એમનાં વક્તવ્યોમાં પણ એવા જ રમૂજી અને વિલક્ષણ બુદ્ધિના ચમકારા જોઈ શકાય. જ્યોતીન્દ્ર દવે હસતા ફિલસૂફ છે. એમના હાસ્ય પાછળ નથી દંશ કે નથી આંસુ. જ્યોતીન્દ્ર દવે એમના નિબંધોથી અને વક્તવ્યોથી હાસ્યકાર તરીકે એવા તો પંકાઈ ગયા, છવાઈ ગયા કે એમને હાસ્યકાર તરીકે ઓળખવામાં એ કેવા મોટા વિદ્વાન છે, રસશાસ્ત્રના, સંસ્કૃત ભાષાસાહિત્યના કેવા પંડિત છે તે વાત ઢંકાઈ ગઈ છે.

એમણે 1957માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનશ્રેણીમાં રસશાસ્ત્ર વિશે જે પાંચ વ્યાખ્યાનો આપેલાં તેમાં તેમની રસશાસ્ત્રના પ્રખર પંડિત તરીકેની પ્રતીતિ થશે. એ વ્યાખ્યાનો પુસ્તક રૂપે ‘વાઙ્મય ચિંતન’(1984)માં સંગ્રહાયાં છે.

એમણે નાટક રચવાના અખતરા પણ કર્યા છે. 1928માં તેમનું ઐતિહાસિક ત્રિઅંકી ‘વિષપાન’ અને 1954માં ફ્રેન્ચ નાટ્યકાર મોલિયેરના ‘માઇઝર’ ઉપરથી રૂપાંતર રૂપે ‘વડ અને ટેટા’ પ્રગટ થયાં છે.

એમણે ‘બીરબલ અને બીજા’માં બીરબલની હાસ્યકથાઓનું સંપાદન કર્યું છે. ‘વાઙ્મયવિહાર’ (1961)ના ચાર ખંડોમાં સર્જકપરિચય કરાવતાં વ્યક્તિત્વ અને સર્જનની વાત હળવી શૈલીમાં કરી છે. ‘સામાજિક ઉત્ક્રાંતિ’ (1930) અને ‘અબ્રાહમ લિંકન – જીવન અને વિચાર’ (1931) એમના અનુવાદગ્રંથો છે.

એમણે ધનસુખલાલ મહેતાના સહયોગમાં ‘અમે બધાં’ (1936) નામની જે હાસ્યરસિક નવલકથા આપી તે ‘ભદ્રંભદ્ર’ પછીની એ પ્રકારની સ્મરણીય કૃતિ છે. ‘સરી જતા સૂરત’ની કથા તેમાં હળવી કલમે રજૂ થઈ છે. તે પરથી  ‘સરી જતું સૂરત’ નાટક પણ રચ્યું છે.

મધુસૂદન પારેખ