‘દર્શક’; પંચોળી, મનુભાઈ રાજારામ

March, 2016

‘દર્શક’; પંચોળી, મનુભાઈ રાજારામ (જ. 15 ઑૅક્ટોબર 1914, પંચાશિયા, જિ. સુરેન્દ્રનગર; અ. 29 ઑગસ્ટ 2001, અમદાવાદ) : ગુજરાતી નવલકથાકાર, નાટ્યલેખક, વિવેચક, નિબંધલેખક, ચિંતક-કેળવણીકાર. પ્રાથમિક શાળાના શિક્ષકનાં આઠ સંતાનો પૈકી ચોથા મનુભાઈએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે તીથવા, લૂણસર અને વાંકાનેરમાં લીધેલું. દેશની આઝાદી માટે ગાંધીજીએ ચલાવેલા રાષ્ટ્રીય આંદોલનથી પ્રભાવિત થઈને નવમા ધોરણથી અભ્યાસ છોડીને વીરમગામની સૈનિક છાવણીમાં  સ્વાતંત્ર્યસૈનિકની તાલીમ, સત્યાગ્રહમાં સક્રિય અને પરિણામે વિસાપુરમાં જેલવાસ ભોગવ્યો.

‘દર્શક’ (મનુભાઈ રાજારામ પંચોળી)

સૈનિક-છાવણીની તાલીમ દરમિયાન નાનાભાઈ ભટ્ટ સાથે પરિચય થતાં 193૨માં ભાવનગરની દક્ષિણામૂર્તિ-સંસ્થામાં ગૃહપતિ બન્યા. એ દરમિયાન ગ્રામોત્થાનની અનિવાર્ય આવશ્યકતા સમજાતાં તળાજા પંથકનાં સોંશિયા વગેરે ગામોમાં લોકચેતના જાગ્રત કરવા મથામણ કરી. 1938માં નાનાભાઈએ આંબલા ગામમાં ગ્રામાભિમુખ કેળવણીના પ્રયોગ રૂપે સ્થાપેલી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ગૃહપતિ અને શિક્ષક બન્યા. 1953થી ગ્રામીણ સ્તરે ઉચ્ચશિક્ષણની સુવિધા પૂરી પાડવા નાનાભાઈના સાથીદાર તરીકે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ : સણોસરાની સ્થાપના અને સંચાલન. આ સમય દરમિયાન, 1948માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન, 1967થી ’71 સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય અને 1970માં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી બન્યા. શિક્ષણવિદ તરીકે ડેન્માર્કની તથા સાહિત્યકાર તરીકે ઇઝરાયલ, ઇંગ્લૅન્ડ-યુરોપ તથા અમેરિકાની યાત્રા કરી. 1964માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 1975માં ‘સૉક્રેટિસ’ નવલકથા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીદિલ્હીનો પુરસ્કાર, 1982માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ અને 1987માં ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નવલકથા માટે ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર વગેરે સન્માન મેળવ્યાં. 1992થી ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ.

ઉમાશંકર જોશીએ જેમને ગ્રીક નાગરિક કહીને નવાજ્યા છે એ દર્શક જગતનાં ઇતિહાસ અને સંસ્કૃતિના પરમ ચાહક હતા. આ ઉપરાંત ધર્મતત્વદર્શન, સાહિત્ય, રાજનીતિ અને કૃષિવિદ્યા તથા સમગ્ર સમાજકારણના ઊંડા અભ્યાસી મનુભાઈનું સર્જકહાડ મધ્યકાલીન સંતપરંપરાના ઉદાત્ત સંસ્કાર તથા ગાંધીવિચારના પ્રત્યક્ષ આચરણથી ઘડાયેલું હતું. કિશોર વયથી કેળવાયેલા વાચનપ્રેમને કારણે, એમણે શાળા-કૉલેજના વર્ગખંડોમાં બેસીને કરવાના અભ્યાસની ગુમાવેલી તક ભરપાઈ થતી રહી છે. એમના સમગ્ર વ્યક્તિત્વના ઘડતરનું સઘળું શ્રેય એક તરફ ગ્રંથસેવનને તો બીજી બાજુ એમની  સાતત્યપૂર્ણ સમાજચર્યાને જાય છે. ગાંધીવાદીઓમાં તરત નજરે ચડતી શુષ્કતાથી બચી જવા માટે દર્શક ગાંધીચીંધ્યા આચારબોધમાં ઉમેરાયેલા રવીન્દ્રનાથના સૌંદર્યબોધ અને જીવનરાગના ઋણી છે. પ્રકૃતિએ રંગદર્શી ચિંતક-સર્જક હોવા છતાં દર્શક જાગ્રત સમાજપ્રહરી, કલ્પનાશીલ કેળવણીકાર અને પીઢ લોકનેતા નીવડ્યા હતા એ એમની બહુમુખી પ્રતિભાની દેણ છે.

પ્રબુદ્ધ ચિંતક અને મનોહારી સર્જક – એવાં ઉભય રૂપોથી સહજતયા વ્યક્ત થતા દર્શકનો પ્રથમ પ્રેમ નવલકથાને પ્રાપ્ત થયો છે. અલબત્ત, કલ્યાણરાજની કામના-ખેવના કરનારા સમાજચિંતક અને ઉત્કૃષ્ટ કલાના આરાધક દર્શકમાં ચિંતન અને કલ્પના વચ્ચે સંઘર્ષ-સમન્વય નિરંતર જોવા મળે છે ને છતાં દર્શક યાદ તો રહેશે એમની, સમાજનાં શીલ અને સંસ્કૃતિની ગાથા સિદ્ધ કરતી નવલકથાઓથી જ.

જેલજીવનના પ્રત્યક્ષ અનુભવોનું લોહીના લયથી કરેલું આલેખન જેમાં સાંપડે છે એ ‘કબ્રસ્તાન’, ‘બંદીઘર’ (1936) અને ‘કલ્યાણયાત્રા’ (1939), ભારતીય આઝાદીના ઉષ:કાળનું સ્વપ્નિલ નિરૂપણ જેમાં થયું છે તે ‘પ્રેમ અને પૂજા’ (1944), 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની પૃષ્ઠભૂમાં ‘ધર્મે મૃત્યુ ભલે આવે, અધર્મે જય ના ખપે’ની ખાંડાધારે થતા ધર્માચરણજન્ય સમર્પણને ચરિતાર્થ કરતી ‘બંધન અને મુક્તિ’ (1939), ગુલામીમાં સબડી રહેલા દેશભાંડુઓને ગણરાજ્યોની પ્રજાસત્તાકની ભાવનાના રંગે રંગીને લોકશાહીજન્ય સ્વાતંત્ર્યની ખેવનાના પાઠ શીખવતી ‘દીપનિર્વાણ’ (1944), અવિસ્મરણીય પાત્રો અને એમના જીવનના, શ્વાસ થંભાવી દેનારા આરોહ-અવરોહોના તાશ નિરૂપણથી બૌદ્ધધર્મચીંધ્યા ચાર બ્રહ્મવિહારો મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની મીમાંસા કરતી લોકપ્રિય બૃહત્કથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ (1 : 1952, 2 : 1958, 3 : 1985), ગ્રીક ઇતિહાસ અને સંસ્કૃતિના પરિશીલન તથા સત્ય અને શીલના આરાધક-સાધક મહામના સૉક્રેટિસના ચરિત્રના અપરિહાર્ય આકર્ષણ થકી અવતરેલી ‘સૉક્રેટિસ’ (1974) અને પૂર્વે ચુનીલાલ મડિયા સંપાદિત સામયિક ‘રુચિ’માં ધારાવાહી આઠ પ્રકરણ રૂપે અપૂર્ણ પ્રકાશિત થયેલી અને વચ્ચે ‘પરિત્રાણ’ નાટક રૂપે ઢળાયા પછી વર્ષોના અંતરાલ બાદ નવલકથા રૂપે જ પૂરી થયેલી, મહાભારતના કૃષ્ણના માનવીય રૂપનું સંકીર્તન–મીમાંસા કરતી ‘કુરુક્ષેત્ર’ (1991) એ દર્શકની ઉત્તરોત્તર પક્વ અને પ્રૌઢ થતી રહેલી નવલકથાલેખનકલાનાં ર્દષ્ટાંતો છે.

દર્શકે લેખનનો આરંભ નાટ્યરચનાઓથી કર્યો છે. ‘જલિયાંવાલા’(1934)માં શીર્ષક સૂચવે છે તેમ ક્રૂર બ્રિટિશ રાજલિપ્સાથી થયેલા અકલ્પ્ય માનવસંહારની વેદના વાચા પામી છે, તો ‘અઢારસો સત્તાવન’ (1935)માં, જેને ‘બંડ–બળવો’ કહીને ઓળખાવવાના પ્રયત્નો થયા છે એવા વિપ્લવની યશોગાથા આલેખાઈ છે. પ્રારંભિક રચનાઓ લેખેની કચાશ ધરાવવા છતાં આ બંને નાટ્યકૃતિઓને તેના પ્રકાશન સમયે અંગ્રેજ હકૂમતે પ્રતિબંધિત કરવી પડેલી એવો એનો ત્વરિત પ્રભાવ હતો. આરંભે જે વસ્તુનો ઉપયોગ કૃષ્ણચરિત્ર-આધારિત નવલકથા તરીકે કરવા ધારેલો એ પ્રયત્ન અપૂર્ણ રહેતાં એનું નાટ્ય રૂપે સુભગ પરિણામ એટલે ‘પરિત્રાણ’ (1967). આ નાટકમાં દર્શકે મહાભારતનું યુદ્ધ એ યુધિષ્ઠિર અને દુર્યોધન વચ્ચેનો રાજ્યવારસાની વહેંચણીનો વિવાદ નહિ પરંતુ વસ્તુત: એ કણાદશિષ્ય શકુનિ અને સાંદીપનિશિષ્ય શ્રીકૃષ્ણ વચ્ચેનો, બે જીવનશૈલી અને તજ્જન્ય ધર્મબુદ્ધિવિષયક વિસંવાદ છે એવું નિરૂપણ નાટ્યોચિત સંઘર્ષ દ્વારા કર્યું છે. ઉત્તરકાળે દર્શક નાટકના વિકલ્પે એકાંકીલેખન કરે છે. બીજા વિશ્વયુદ્ધનાં કારમાં પરિણામોનો દુષ્પ્રભાવ ઝીલતા વિષયવસ્તુ આધારિત ‘અંતિમ અધ્યાય’ (1983)માં, હિટલરના આત્મહત્યા પૂર્વેના દિવસોનું નિરૂપણ કરતું ‘અંતિમ અધ્યાય’, માતૃત્વની ઉદાત્ત ભાવના સામે હારી જતી વૈરલિપ્સાને આલેખતું ‘હેલન’ અને રાજકીય પ્રપંચોના પડછાયામાં મહોરી ઊઠતા માનવ્યનો મહિમા કરતું ‘સોદો’- એમ ત્રણ એકાંકીઓ સમાવિષ્ટ છે. ટૉલ્સ્ટૉય, સૉક્રેટિસ અને દ્રૌપદી જેવાં ઇતિહાસસિદ્ધ અને પુરાણપ્રસિદ્ધ વ્યક્તિત્વોનાં જીવનની વિશિષ્ટ ક્ષણોને આલેખતાં ત્રણ એકાંકી ‘ગૃહારણ્ય’, ‘લોકોત્તર’ અને ‘વસ્ત્રાહરણ’ને સમાવતો એકાંકીસંગ્રહ ‘ગૃહારણ્ય’ (1995), દર્શકની કલ્પનાશીલ નાટ્યચેતનાનો સુભગ પરિચય કરાવે છે.

સાહિત્યસિદ્ધાન્તનું સીધું શિક્ષણ ન પામેલા દર્શકની ભાવનક્ષમતા એમના વિપુલ અને બહુપરિમાણી વાચનથી વિકસિત અને પરિષ્કૃત થતી રહી છે, જે ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’ (1963) અને ‘મંદારમાલા’ (1985) જેવા વિવેચનગ્રંથોમાં વ્યક્ત થઈ છે, તો ‘ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી’(1972)માં સંગૃહીત પાંચ વ્યાખ્યાનોમાં ઝવેરચંદ મેઘાણીની સાહિત્યસૃષ્ટિમાં, ‘વરણ અને વેશ’થી ઉપર ઊઠીને પ્રવર્તતા  અભેદની હૃદયસ્પર્શી પિછાન કરાવી છે. આત્મકથા નહિ, પણ વિશાળ વાચનથી લાદેલી આત્મતત્ત્વની ઓળખ આપવાના પ્રયત્ન રૂપે લખાયેલી ‘મારી વાચનકથા’(1969)માં પણ દર્શકે એમનામાં સતત જાગ્રત રહેલા વાચકે નાનાવિધ સાહિત્યિક રચનાઓના ઝીલેલા પ્રભાવની જ વાત કહી છે.

ઇતિહાસનું વાચન, મનન અને લેખન એ દર્શકનો પ્રિય વ્યાસંગ છે. ઇતિહાસલેખન કેમ થવું –કરવું જોઈએ એ અંગે એમનો આગવો અભિપ્રાય છે અને એને ચરિતાર્થ કરતાં ઇતિહાસલેખનનાં ર્દષ્ટાંતો પણ એમણે આપ્યાં છે. ‘ગ્રીસ’ ભા. 1–2 (1946), ‘રોમ’ (1946) જેવી ઇતિહાસકથાઓ, ‘મંગલકથાઓ’ (1956), ‘માનવકુળકથાઓ’ (1956) તથા ‘આપણો વારસો અને વૈભવ’ (1953) એ સીધા ઇતિહાસગ્રંથો છે, તો ‘ઇતિહાસ અને કેળવણી’ (1973) એમનું ઇતિહાસશિક્ષણની મીમાંસા કરતું પુસ્તક છે. ઇતિહાસના વાચનથી સંકોરાયેલી એમની પ્રજ્ઞાએ, લોકશાહી રાજવ્યવસ્થા એ મનુષ્યના કલ્યાણરાજના સ્વપ્નની સૌથી નિકટવર્તી શાસનપ્રણાલી છે એવો નીરક્ષીરવિવેક દાખવ્યો છે. ‘બે વિચારધારા’ (1945), ‘લોકશાહી’ (1973), ‘સૉક્રેટિસ : લોકશાહીના સંદર્ભમાં’ (1982) અને ‘રાજ્યરંગ’ 1–7 (1987) જેવાં પુસ્તકોમાં એમની લોકકલ્યાણક શાસનપદ્ધતિની શોધ, લોકશાહીવિષયક તાત્વિક વિચારણા અને તુલનાત્મક અભ્યાસ સમેત નિરૂપાઈ છે.

વૃક્ષોની છાયામાં ચાલતા વર્ગો દ્વારા થતા વિધિસરના શિક્ષણ સાથે તેમજ વ્યાપક ભૂમિકાએ શિબિરો, કાર્યશાળાઓ, વ્યાખ્યાનો અને પ્રવાસો રૂપે નિરંતર ચાલતી લોકકેળવણી સાથે કેળવણીકાર દર્શકે તાદાત્મ્ય સાધેલું છે. ગાંધીચીંધ્યા રચનાત્મક કાર્યક્રમોનો જીવન અને તેની આમૂલ કેળવણી સાથે ઔચિત્યપૂર્ણ અનુબંધ રચીને બુનિયાદી તાલીમના નકશે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ સ્તરે ગ્રામાભિમુખ કેળવણીની સંસ્થાઓની સ્થાપના અને સંચાલનમાં નાનાભાઈના પગલે આગળ વધી સમ્યક્ કેળવણીવિચાર પ્રતિષ્ઠિત કરનારા દર્શકે ‘નઈ તાલીમ અને નવવિધાન’ (1957), ‘પાયાની કેળવણી’ (1959) તથા ‘સર્વોદય અને શિક્ષણ’ ભા. 1–2 (1963) જેવાં પુસ્તકોમાં ગ્રામસ્વરાજની કલ્પના સાકાર કરવામાં ખપ લાગનારી કેળવણીની દિશા ચીંધી છે.

સૉક્રેટિસ, ભગવાન બુદ્ધ, મહાત્મા ટૉલ્સ્ટૉય, રામકૃષ્ણ પરમહંસ, રાષ્ટ્રપિતા ગાંધીજી જેવી પ્રાત:સ્મરણીય વિભૂતિઓનું ચરિત્રસંકીર્તન કરતી પુસ્તિકાઓ ‘સૉક્રેટિસ’ (1953), ‘ત્રિવેણીતીર્થ’ (1955), ‘ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મસંદેશ’ (1956), ‘નાનાભાઈ’ (1961), ‘ટોલ્સ્ટૉય’ (1979) તેમજ ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા : આંબલા અને લોકભારતી ગ્રામવિદ્યાપીઠ : સણોસરાના સેવાકાળ દરમિયાનના સાથી-કાર્યકરોના સાથ-સંગાથને નિરૂપતા ‘સદભિ: સંગ:’ (1989)માં પણ વ્યક્તિચિત્રો મળે છે.

દર્શકનું ધર્મતત્વદર્શન જેમાં નિરૂપાયેલું છે એ ‘ધર્મચક્રપ્રવર્તન’ (1956), ‘શાંતિના પાયા’ (1963), ‘અમૃતવલ્લરી’ (1973), ‘મહાભારતનો મર્મ’ (1978), ‘રામાયણનો મર્મ’ (1983), ‘મધ્ય મહાભારતમ્’ (1990) વગેરે પુસ્તિકાઓમાંનાં વ્યાખ્યાનો અને લેખો દ્વારા ધર્મની સમુચિત વ્યાખ્યા તો થઈ જ છે, સાથોસાથ ધર્મના વ્યવહૃત સ્વરૂપની સર્દષ્ટાંત મીમાંસા પણ થઈ છે.

વિદેશયાત્રા દરમિયાન દર્શક, વિવિધ નયનરમ્ય સ્થળો તથા અવિસ્મરણીય વ્યક્તિ-મુલાકાતો વિશે સ્વજનોને લાંબા, વિગતભર્યા ને છતાં હૃદયસ્પર્શી પત્રો લખીને પોતાનો આનંદ વહેંચે છે, તો સ્વજનોનું સ્મરણ કરીને એમનો વિયોગ સહ્ય બનાવે છે. ક્વચિત્ તે વિવિધ વિષયો-વિષયાંગો વિશેના પોતાના અંતરસંવાદને પણ નિકટવર્તી મિત્રો-સ્વજનોને પત્રો લખી પ્રગટ કરે છે. ‘ચેતોવિસ્તારની યાત્રા’ (1987) અને ‘પત્રતીર્થ’(1990)માં એમણે એમનાં શિષ્યા મૃદુલા મહેતા સાથે આવી વિચારપત્રગોષ્ઠી કીધી છે, તો ‘દેશ-વિદેશ’માં એમની ડેન્માર્ક, ઇઝરાયલ, અમેરિકા અને ઇંગ્લૅન્ડ-યુરોપની યાત્રાનાં વૃત્તવર્તમાન બહુધા પત્ર, નિબંધ રૂપે તો ક્વચિત્ ડાયરી રૂપે નિરૂપાયાં છે. પોતાને સાંપડેલા સમયમાં પ્રથમ પ્રાધાન્ય પ્રજાકાર્યને, પછી વિશ્વસાહિત્યના વાચનને અને એ પછી વધતા સમયમાં જ સાહિત્યસર્જન કરનારા દર્શકે,  સમકાલીનોની તુલનામાં જરીકે પાછું ન પડે એવું ને એટલું લલિત સાહિત્ય સર્જ્યું છે.

રમેશ ર. દવે