દબીર, મિર્ઝા સલામતઅલી (જ. 1803, દિલ્હી; અ. 1875) : મરસિયાના કવિ. તેમણે ‘દબીર’ તખલ્લુસ અપનાવ્યું હતું. તેમના પિતા મિર્ઝા ગુલામહુસેન દિલ્હી છોડીને લખનૌ આવી રહ્યા તેથી દબીર પણ પિતાની સાથે બાળપણમાં જ લખનૌ આવ્યા. ત્યાં જ શિક્ષણ વગેરે મેળવ્યું.

તે સમયે ઘરેઘર શેરોશાયરીનો રિવાજ હતો. કવિતા લખવી એક કલા હતી. અને કવિઓ તેથી જ સન્માનની ર્દષ્ટિએ જોવાતા. આવા કવિતામય માહોલમાં દબીર ઊછર્યા હતા. તેઓ પ્રસિદ્ધ ઉસ્તાદ મીર મુઝફ્ફર હુસેન ઝમીરના શિષ્ય થયા અને પોતાની કવિત્વશક્તિના પ્રતાપે એવી નામના મેળવી કે ઉસ્તાદથી આગળ નીકળી ગયા. મીર ઝમીરે મરસિયાનાં જે કેટલાંક અંગો, જેવાં કે ‘ચહરા’, ‘આમદ’, ‘રજઝ’, ‘જંગ’ વગેરેને વિશેષ રીતે વર્ણવ્યાં હતાં, તેની ઉપર મિર્ઝા દબીરે શાનદાર ઇમારત ઊભી કરી અને મરસિયાની કળાને સર્વોચ્ચ સ્થાને પહોંચાડી.

એક મત મુજબ દબીરે ત્રણ હજાર જેટલા મરસિયા કહ્યા હશે.

શાનદાર શબ્દો, ઉપમા તેમજ રૂપકોનું વૈવિધ્ય, જુસ્સાદાર શૈલી તેમની કળાની નોંધપાત્ર વિશેષતાઓ છે. દબીરને ભાષા ઉપર પ્રભુત્વ હતું, શબ્દની પરખ હતી. છંદમાં તેઓ નિષ્ણાત હતા. અલંકારોની સાચી સમજ હતી. ર્દશ્યનિરૂપણમાં તેઓ પારંગત હતા. ઓગણીસમી સદીના લખનૌના સુપ્રસિદ્ધ ‘ઇમામ બારા’(તાઝિયા અને માતમનાં મથકો)ને તેમણે ગાજતા કરી મૂક્યા હતા.

મરસિયાના મહાન કવિ મીર અનીસની સાથે મિર્ઝા દબીરનો ઉલ્લેખ અનિવાર્ય ગણાય છે. મરસિયાની કળા તેમજ કાવ્યગુણોના બંને સરતાજ હતા.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા