દંતપુર : અંગદેશના રાજા દધિવાહનની નગરી ચંપાપુર અને કલિંગ દેશના રાજ્યની સરહદની વચ્ચે આવેલું ગામ. તે કલિંગથી ચંપાપુરી જતાં રસ્તામાં આવે છે. ત્યાં પદ્માવતી(શ્રેષ્ઠ સાધ્વી)એ તપોમય જીવન ગાળ્યું હતું.

એક મતાનુસાર મેદિનીપુર જિલ્લામાં જળેશ્વરથી દક્ષિણે આશરે 15 કિમી. અંતરે દાંતન નામનું સ્થળ છે, તે જ બૌદ્ધોનું પ્રાચીન દંતપુર.

તે પ્રાચીન કલિંગ રાજ્યનું એક નગર હતું, જ્યાં રાજા બ્રહ્મદત્તે બુદ્ધદેવનો એક દાંત સ્થાપી તેના પર મોટું મંદિર બંધાવ્યું હતું. દાઢ વંશમાં બુદ્ધના એક શિષ્યે એ દાંત બુદ્ધની ચિતામાંથી લઈ બ્રહ્મદત્તને આપ્યો હતો. ઘણી પેઢીઓ સુધી એ દાંતને દંતપુરના મંદિરમાં રાખીને તેની પૂજા કરી હતી. ચોથા સૈકામાં કલિંગનરેશ ગોહસિવ (ગુહશિલ) તે દાંત પાટલીપુત્ર લઈ ગયો. પાટલીપુત્રમાં એ દાંતે, જૈનને ગૂંચવાડા થાય તેવા ચમત્કારો બતાવ્યા હતા. નિર્ગ્રંથી(જૈન)ઓના કહેવાથી ઉક્ત દાંત દંતપુરમાંથી પાટલીપુત્ર લઈ જવાયો હતો, પરંતુ ઉત્તર તરફના રાજા ખીરધારના ભત્રીજાઓએ આ દાંત લઈ જવા સારુ દંતપુર ઉપર હુમલો કર્યો. લડાઈમાં ગોહસિવના મૃત્યુ પછી તેની દીકરી હેમમાળા અને તેના પતિ, ઉજ્જૈનના રાજપુત્ર દંતકુમારે એ દાંત લંકામાં ખસેડ્યો. દંતકુમાર ગોહસિવનો ભાણેજ થતો હતો. કીર્તિશ્રી મેઘવર્ણના રાજ્યકાળ(ઈ. સ. 298–326)માં આ દાંત લંકા મોકલાયો હતો. એણે અનુરાધાપુરમાં એનું રક્ષણ કર્યું હતું. એ દાંત શ્રીલંકાના બૌદ્ધ રાજ્યનું મહત્વનું પ્રતીક ગણાતો અને જ્યાં જ્યાં રાજધાની ખસેડાઈ ત્યાં ત્યાં તેને પણ ખસેડવામાં આવતો હતો. મેઘવર્ણ(ચેદિરાજ-કરકંડુ)ના રાજ્યકાળના 9મા વર્ષે આ દાંતની સ્થાપના શ્રીલંકામાં થઈ.

રાજા પાંડુને દંતપુરમાંથી આ દાંત મળ્યો હતો એવી એક વાત પ્રચલિત છે. ઓરિસાની રાજધાની જગન્નાથપુરી એ જ દંતપુર તરીકે જાણીતી નગરી હતી. બુદ્ધનો દાંત પ્રથમ તો પુરીમાં રાખવામાં આવ્યો હતો. પાછળથી તેને શ્રીલંકામાં લઈ જવામાં આવ્યો.

વિભૂતી વિ. ભટ્ટ