દંડી : પ્રસિદ્ધ સંસ્કૃત ગદ્યકથાકાર અને કાવ્યમીમાંસક. ત્રણ સંસ્કૃત ગ્રંથો – ગદ્યકથાઓ ’દશકુમારચરિત’, ‘અવન્તિસુન્દરીકથા’ તેમજ કાવ્યશાસ્ત્રનો ગ્રંથ ’કાવ્યાદર્શ’ – ના કર્તા તરીકે દંડીનું નામ મળે છે, त्रयो दण्डिप्रबन्धाश्व એમ પણ કહેવાયું છે, છતાં આ ત્રણે દંડી એક ન પણ હોય. દંડીનો સમય સાતમી સદીના અંતનો હોવાનો સંભવ છે. ‘અવન્તિસુન્દરીકથા’ના આરંભમાં એના લેખકનો પરિચય છે. મૂળ ગુજરાતના આનંદપુર(વડનગર)ના કૌશિક ગોત્રના કેટલાક બ્રાહ્મણો નાસિક જઈને વસ્યા. તેમાંના એક નારાયણસ્વામીનો પુત્ર દામોદરસ્વામી (તે જ કેટલાકને મતે ‘કિરાતાર્જાનીયમ્’નો કવિ ભારવિ)નો પ્રપૌત્ર તે દંડી. માતા ગૌરી. પિતા વીરદત્ત. દંડીએ અભ્યાસકાળમાં જ માતા-પિતા ગુમાવ્યાં. પછી દેશાટન, જ્ઞાનસંપાદન. અંતે કાંચીમાં સ્થિર થયો. તેને બહોળું મિત્રવર્તુળ હતું. ‘અવન્તિસુન્દરીકથા’માં લગભગ ‘દશકુમારચરિત’ની જ કથા વર્ણવાઈ છે, પણ ખૂબ વિસ્તારથી. યશોદાયી કથા ‘દશકુમારચરિત’ દશ રાજકુમારો–મંત્રીકુમારોનાં સાહસો–પ્રણયોની રોચક પ્રેમકથા છે, આદિ-અંતમાં અધૂરી છે, આઠ જ કુમારોનાં કથાનકો (આઠમું અધૂરું) આઠ પ્રકરણોમાં મળે છે, અન્યોએ પૂર્વપીઠિકા તથા ઉત્તર પીઠિકા ઉમેરીને કથા પૂરી કરી છે. ‘દશકુમારચરિત’માં પ્રસંગોનું વૈવિધ્ય રોચક છે, ગદ્ય કર્ણમધુર પ્રાસાદિક રોચક વૈદર્ભી શૈલીનાં લક્ષણો ધરાવે છે. દંડીનું પદલાલિત્ય એની શૈલીનો વિશિષ્ટ ગુણ ગણાયો છે. સમકાલીન સમાજના દરેક સ્તરનું સૂક્ષ્મ વિગતોવાળું, પ્રત્યક્ષ અનુભવસિદ્ધ, પ્રમાણભૂત, પ્રતીતિજનક ચિત્ર મળે છે. દંડી અનેક શાસ્ત્રોનો જાણકાર, જીવનના વિશાળ અનુભવવાળો, ઉદારમતવાદી અને સરસ હાસ્યવૃત્તિવાળો વિષ્ણુભક્ત દાક્ષિણાત્ય બ્રાહ્મણ જણાય છે. એનો મનાતો મહત્વનો કાવ્યશાસ્ત્રીય ગ્રંથ ‘કાવ્યાદર્શ’ અલંકારવાદી પરંપરાનો છતાં રીતિસિદ્ધાંતની પીઠિકા રચનારો છે.

રાજેન્દ્ર નાણાવટી