થેલ્સ : ચંદ્રના ઊબડ-ખાબડ વિસ્તારમાં આવેલા કેટલાક ગર્ત પૈકીનો એક. ચંદ્ર પર ઘેરા રંગના દેખાતા, પ્રમાણમાં સમથળ જણાતા અને મેર-ફ્રીગોનીસ વિસ્તારની જમણી તરફ ચંદ્રના ઈશાન વિસ્તારમાં થેલ્સ આવેલો છે. ડેમોક્રિટસ, સ્ટ્રેબો અને ટ્રોમેન જેવા ગર્તની બાજુમાં આવેલા ‘થેલ્સ’ કે ‘લા રૂ’ નામના ગર્તની બાજુમાં તે આવેલો છે. તેનું સ્થાન ઈશાન ભાગમાં 59° ઉત્તર અક્ષાંશે અને 41° પૂર્વ રેખાંશે આવેલું છે. થેલ્સ ગર્ત ગોળાકાર છે અને તેની ફરતે ઊંચા પહાડ અને મધ્યમાં 39 કિમી. વ્યાસનો સમથળ ગર્ત આવેલો છે. થેલ્સ એ કિરણકેન્દ્રિત ગર્ત છે અને પૂનમના ચંદ્રમાં તેને સારી રીતે જોઈ શકાય છે.

થેલ્સ

અશોકભાઈ પટેલ