થેચર, માર્ગારેટ (હિલ્ડા) (જ. 13 ઑક્ટોબર 1925, ગ્રેન્થામ, ઇંગ્લૅન્ડ; અ. 8 એપ્રિલ 2013, લંડન, યુ.કે.) : યુરોપના ઇતિહાસમાં પ્રથમ વાર ચૂંટાયેલાં બ્રિટિશ મહિલા-વડાપ્રધાન. તેમના પિતા જીવનજરૂરિયાતની વસ્તુઓની દુકાન ચલાવતા હતા. તેમનો  જીવનઉછેર શિસ્તબદ્ધ રીતે થયો હતો. પિતા આલ્ફ્રેડ રૉબર્ટે પોતાનાં સંતાનોના શિક્ષણ પાછળ સારો એવો ખર્ચ કર્યો. ગ્રેન્થામમાં તે સંમાન્ય વ્યક્તિ ગણાતા. તેમણે રૂઢિવાદી (Conservative) પક્ષના સભાસદ, મૅજિસ્ટ્રેટ તથા મેયર તરીકે કામ કર્યું.

માર્ગારેટ તેજસ્વી વિદ્યાર્થિની અને કુશળ ખેલાડી હતાં. 1943માં તેમને ઑક્સફર્ડ વિદ્યાપીઠ ખાતે વધુ અભ્યાસ અર્થે શિષ્યવૃત્તિ મળી. 1946માં વિદ્યાપીઠના રૂઢિવાદી એકમના પ્રમુખ તરીકે તેઓ ચૂંટાઈ આવ્યાં. 1947માં ’પ્રાકૃતિક વિજ્ઞાન’માં સ્નાતકની પદવી પ્રાપ્ત  કરી. 1947થી 1951 સુધી સંશોધક કેમિસ્ટ તરીકે કામ કર્યું; સાથે સાથે કાયદાનો પણ અભ્યાસ કર્યો. 1951માં ડેનિસ થેચર સાથે લગ્ન થયું. 1953 પછી કાયદાનો અભ્યાસ પૂરો કર્યા બાદ કરવેરા અને પેટન્ટના ક્ષેત્રે બૅરિસ્ટર તરીકે કારકિર્દી શરૂ કરી.

માર્ગારેટ થેચર (હિલ્ડા)

1959માં ઉત્તર લંડનના ફિન્ચલે મતદાર વિભાગના પ્રતિનિધિ તરીકે માર્ગારેટે પાર્લમેન્ટમાં પ્રવેશ કર્યો. 1961માં તેઓ પેન્શન અને નૅશનલ ઇન્સ્યુરન્સ મંત્રાલયમાં  સેક્રેટરી તરીકે નિયુક્ત થયાં. 1964માં રૂઢિવાદી પક્ષનો સામાન્ય ચૂંટણીમાં પરાજય થતાં પાર્લમેન્ટમાં વિરોધપક્ષના સભ્ય તરીકે માર્ગારેટે અર્થતંત્રથી માંડીને ઊર્જા સુધીના વિષયો પર તેમના વિચારો વ્યક્ત કર્યા. મુક્ત બજાર, સ્વાવલંબન તથા ઉદ્યોગોની ખાનગી માલિકીમાંની તેમની શ્રદ્ધા ર્દઢ બની તથા રાજ્ય દ્વારા ઉદ્યોગોને પૂરા પાડવામાં આવતા ટેકાનાં વધુ ઉગ્ર ટીકાકાર બન્યાં. 1969થી 1970 સુધી તેમણે શિક્ષણની બાબતે વિરોધપક્ષના પ્રવક્તા તરીકે સેવાઓ આપી. 1970માં એડવર્ડ હીથના નેતૃત્વ નીચે રૂઢિવાદીઓ પુન: સત્તારૂઢ થતાં માર્ગારેટ થેચરની શિક્ષણમંત્રી તરીકે નિમણૂક થઈ. વડાપ્રધાન થતાં અગાઉની આ તેમની કૅબિનેટ-મંત્રી તરીકેની પ્રથમ અને આખરી  નિમણૂક હતી.

1974માં રૂઢિવાદીઓએ સત્તા ગુમાવી ત્યારે અર્થતંત્ર વિશેના પક્ષના  પ્રવક્તા તરીકે થેચર નિયુક્ત થયાં અને થોડા સમયમાં તેમણે પક્ષની ઉદ્દામવાદી  જમણેરી પાંખની નેતાગીરી સંભાળી. 1974ના અંતભાગે તે પક્ષનાં નેતા બનવા માટે હરીફાઈમાં ઊતર્યાં અને મધ્યમ વર્ગની ઉન્નતિ માટે તેમણે પ્રયત્નો શરૂ કર્યા. ફેબ્રુઆરી, 1975માં હીથ પક્ષના નેતા તરીકેની ચૂંટણીમાં હાર્યાં અને રૂઢિવાદી પક્ષે તેમના સ્થાને થેચરને પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢ્યાં. 1979ની સામાન્ય ચૂંટણીઓમાં મજૂર-પક્ષને હરાવીને રૂઢિવાદી પક્ષ સત્તા પર આવ્યો અને થેચર ઇંગ્લૅડનાં પ્રથમ મહિલા-વડાંપ્રધાન બન્યાં.

1979થી 1983 સુધીમાં તેમની સરકારે બ્રિટિશ અર્થતંત્રમાં મુક્ત બજારનાં પરિબળો પુન:સ્થાપિત થઈ શકે તે માટે વિત્તીય નીતિમાં ધરખમ ફેરફારો કર્યા તથા ભાવનિયંત્રણની પ્રથા રદ કરી. ફુગાવાને દૂર કરવાના મુખ્ય ઉપાય તરીકે તેમણે નાણાપુરવઠા અને જાહેરખર્ચ પરનાં સખત નિયંત્રણોનું પ્રતિપાદન કર્યું. પરિણામે 1981 સુધી તો જાહેર મોજણીઓએ થેચરને અલ્પ લોકપ્રિયતા ધરાવતા નેતા તરીકે જાહેર કર્યાં હતાં. આમ છતાં, તેમની સરકારે ખાનગીકરણના કાર્યક્રમને અમલમાં મૂક્યો.

એપ્રિલ, 1982માં ફોકલૅન્ડ ટાપુઓ પરના સાર્વભૌમત્વના મુદ્દે બ્રિટન આર્જેન્ટિના સાથે સશસ્ત્ર અથડામણમાં ઊતર્યું. આર્જેન્ટિનાની શરણાગતિએ ઘરઆંગણે થેચરની લોકપ્રિયતામાં વધારો કર્યો. 1983ની સામાન્ય ચૂંટણીઓમાં તેમના નેતૃત્વ નીચે રૂઢિવાદી પક્ષનો ભવ્ય વિજય થયો. 1985માં સરકારના સખત વલણના પરિણામે દેશના ખાણમજદૂરોએ વર્ષજૂની હડતાળ સમેટી લીધી. 1986માં ‘વેસ્ટલૅન્ડ’ મુદ્દે કૅબિનેટમાં કટોકટી ઊભી થઈ તથા બે કૅબિનેટ મંત્રીઓએ રાજીનામાં આપ્યાં. આ કટોકટીએ થેચરની નેતૃત્વશૈલીની નબળાઈઓ પણ પ્રગટ કરી. 1987માં થેચર સરકારે ગૅસ, ખનિજતેલ, વિમાની સેવા, દૂરસંચાર તથા જહાજબાંધકામ-ઉદ્યોગોનું ખાનગીકરણ કર્યું. મજૂરસંઘોની સત્તાને નાથતો કાયદો ઘડવામાં આવ્યો. કંપનીઓની નફાકારકતામાં વધારો થતો રહ્યો. આનો લાભ થેચરને તે પછીની સામાન્ય ચૂંટણીઓમાં મળી રહ્યો.

વિદેશનીતિના ક્ષેત્રે બ્રિટિશ સંસ્થાન રોડેશિયાનું ભાવિ નક્કી થયું.  રોડેશિયા સ્વતંત્ર થયા પછી તે ઝિમ્બાબ્વે તરીકે ઓળખાયું. 1984માં મિખાઇલ ગોર્બાચૉવને સત્કારનાર થેચર પશ્ચિમનાં પ્રથમ નેતા હતાં. 1985માં તેમની સરકારે ચીન સાથે સંધિ કરી. આ સંધિ મુજબ તે હૉંગકૉંગના ટાપુ પરનું આધિપત્ય 1997માં ચીનને સોંપાયા બાદ પણ પચાસ વર્ષ સુધી મૂડીવાદી અર્થતંત્ર જાળવી રાખવાની ચીને ખાતરી આપી.

થેચર સરકારના સંખ્યાબંધ નિર્ણયો લાંબા ગાળા માટે વિવાદાસ્પદ બની રહ્યા. 1980ના દાયકા દરમિયાન થેચર કૉમનવેલ્થ દેશોની સરકારો સાથે એક યા બીજા સમયે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધના આર્થિક પ્રતિબંધોના મુદ્દે વિરોધમાં રહ્યાં. યુરોપીય સમુદાયની અંદર પણ થેચરે મુક્ત બજાર ઊભું કરવાની બાબતને મજબૂત ટેકો પૂરો પાડ્યો, જોકે સાથોસાથ રાજકીય સાર્વભૌમત્વને ટકાવી રાખવાનાં તેઓ ર્દઢ આગ્રહી રહ્યાં.

1990 દરમિયાન થેચરના નેતૃત્વ સામે વિરોધ વધ્યો. રૂઢિવાદીઓ સહિત ઘણા લોકોએ યુરોપિયન સમુદાયના પ્રશ્ને અને સાથીદારોને પૂછ્યા વિના નિર્ણયો લેવા અંગેના તેમના વલણનો વિરોધ કર્યો. પરિણામે થેચરને પક્ષના નેતાપદેથી રાજીનામું આપવું પડ્યું. તેમના અનુગામી તરીકે જ્હૉન મેજર ચૂંટાઈ આવ્યા.

નવનીત દવે