થૂલિયો (Thrush) : મોંમાં ચાંદાં પર દહીં જેવી સફેદ પોપડી બનાવતો શ્વેતફૂગ(Candida albicans)નો ચેપ. તેનું સૌપ્રથમ વર્ણન 1839માં થયેલું નોંધાયેલું છે. તેની પોપડીને સહેલાઈથી દૂર કરી શકાય છે અને ત્યારે તેની નીચેનું શોથજન્ય (inflammed) ચાંદું જોવા મળે છે. તે શીશી વડે દૂધ લેતાં શિશુઓ અને રોગપ્રતિકારની ખામીવાળી પુખ્ત વ્યક્તિઓમાં જોવા મળે છે. એઇડ્ઝના દર્દીમાં રોગપ્રતિકારક ક્ષમતા (પ્રતિરક્ષા) ઓછી હોવાથી પણ તે થાય છે. મધુપ્રમેહના દર્દીઓમાં પણ શ્વેતફૂગથી ચેપ થાય છે.

આકૃતિ – 1 : કૅન્ડિડા આલ્બિકાન્સ (શ્વેતફૂગ) પ્રકારની ફૂગ
[અ] : સૂક્ષ્મદર્શક દ્વારા જોવા મળતો દેખાવ.

[આ] : વીજાણુ સૂક્ષ્મદર્શક વડે જોવા મળતો દેખાવ.

શ્વેતફૂગથી થતા ચેપને શ્વેતફૂગ-ચેપ(candidiasis, candidosis કે moniliasis) કહે છે. તે ચામડી અને શ્લેષ્મકલા પર ચેપ કરે છે તથા ક્યારેક અંદરના અવયવોમાં પ્રસરે છે. શ્વેતફૂગ યીસ્ટ જેવી દેખાય છે. તેના કોષો ગોળા જેવા કે અંડાકાર હોય છે અને તેના પર કલિકાઓ (buds) હોય છે. તે ચામડી તથા મોં અને યોનિ (vagina) સહિતના અનેક ભાગોની અંદરની દીવાલ(શ્લેષ્મકલા)માં સામાન્યપણે રહે છે. સૌથી વધુ તે મધુપ્રમેહના દર્દીમાં ચેપ કરે છે. નખની આસપાસ અને બે અંગ વચ્ચેની ફાડમાં દા. ત., બગલ, જાંઘ, સ્તનની નીચે તથા પરિગુદેન્દ્રીય વિસ્તારને (perineum) એટલે કે મૂત્રદ્વાર અને ગુદાદ્વારની આસપાસના વિસ્તારને તેનો ચેપ લાગે છે. તેને કારણે નખની આસપાસ લાલાશ થાય છે. ફોતરી ઊખડે છે, ચામડી ભીની (moist) થયેલી હોય છે. દોષવિસ્તાર(lesion)ની કિનારી સુસ્પષ્ટ હોય છે. પાણીમાં વધુ પડતો સમય હાથ બોળી રાખવો પડતો હોય તેવા (ધોબી જેવા) વ્યવસાયોમાં નખચેપ (onychia) અને પરિનખચેપ (paronychia) વધુ થાય છે.

યોનિની શ્લેષ્મકલામાં ખાસ કરીને સગર્ભાવસ્થા સમયે ચેપ લાગે છે ત્યારે બળતરા કરતો ઍસિડવાળો બહિ:સ્રાવ (discharge) અથવા પ્રદર થાય છે. શીશી વડે દૂધ લેતાં શિશુઓ અને પ્રતિરક્ષા(immunity)ની ઊણપવાળા વૃદ્ધોમાં જીભ અને ગલોફામાં મલાઈ કે દહીં જેવા સફેદ પોપડા થાય છે. તેને દૂર કરીએ ત્યારે નીચે લાલ પ્રવાહી ઝરતું ચાંદું હોય છે. તેને થૂલિયો કહે છે.

મોં વાટે ઍન્ટિબાયૉટિક દવાઓ લેવાય ત્યારે ક્યારેક આંતરડાંમાં શ્વેતફૂગનો ચેપ લાગે છે. તેને કારણે થતા ઝાડા સામાન્ય દવાથી મટતા નથી. કેટલાક ફેફસાંના રોગોમાં, કેટલાક વિવિધ અવયવી તંત્રોમાં થતા બહુતંત્રીય (systemic) રોગોમાં શ્વસનનળી અને ફેફસાંમાં તેનો ચેપ લાગે છે. લોહીના કૅન્સર કે ચેપ પ્રતિકાર ઘટે તેવા પ્રતિરક્ષાઊણપ(immuno deficiency)વાળા વિકારોમાં સપૂયરુધિરતા (septicaemia), હૃદયની અંદરની દીવાલના ચેપમાં થતા હૃદયાંત:શોથ (endocarditis) કે મગજનાં આવરણોમાં થતા તાનિકાશોથ (meningitis) જેવા અનુક્રમે લોહી, હૃદય અને મગજનાં આવરણોમાં ફેલાયેલા ચેપનો વિકાર થાય છે. ક્યારેક તેનાથી લાંબા ગાળાની ચેપજન્ય ગડ અથવા ચિરશોથગડ (granuloma) કે દીર્ઘકાલીન શ્લેષ્મકલા-ત્વચાકીય શ્વેતફૂગતા(chronic mucocutaneous candidiasis)નો ચેપ લાગે છે. તે ઘણો જ જોખમી વિકાર ગણાય છે.

આકૃતિ 2 : ગલોફા અને જીભ પર થૂલિયો
નોંધ : (1) નાક, (2) હોઠ, (3) જીભ, (4) ગલોફું, (5) થૂલિયાનાં જીભ અને ગલોફામાં સફેદ દહીં જેવા પોપડાવાળાં ચાંદાં.

નિદાન : મોંમાં પડેલાં સફેદ મલાઈ જેવા અને સહેલાઈથી દૂર કરી શકાય એવા પોપડાવાળાં ચાંદાં થૂલિયાના નિદાન માટે મહત્વનું ચિહન છે. મોંમાં ક્યારેક ચકતીકારી ત્વચાકાઠિન્ય (lichen planus) અને શ્વેતચકતી(leukoplakia)ના વિકારોમાં પણ સફેદ પોપડીઓ બને છે જેને સહેલાઈથી થૂલિયાથી અલગ પાડી શકાય છે. સૂક્ષ્મદર્શક વડે  તપાસ તથા કૃત્રિમ માધ્યમ પર ફૂગનો ઉછેર કરવાની સંવર્ધનપ્રક્રિયા (culture) વડે નિદાન નિશ્ચિત કરી શકાય છે. દોષવિસ્તારમાંથી મેળવેલા પ્રવાહીને કાચની તકતી પર પાથરીને ભીની દશામાં (wet film) જોઈ લેવામાં આવે છે. તેને ગ્રામની પદ્ધતિથી અભિરંજિત (staining) કરાય તો અભિરંજિત થતા અને કલિકાઓવાળા કોષોની ફૂગ દર્શાવી શકાય છે. તે સામાન્ય ચામડી કે શ્લેષ્મકલામાં પણ હોય છે. તેથી તે વધુ પ્રમાણમાં હોય તો જ તેને નિદાનની ર્દષ્ટિએ મહત્વનું ગણાય છે. જો ફૂગતંતુકાય (mycelium) જોવા મળે તો તે ફૂગનો ચેપ આક્રમક છે એવું મનાય છે. સેબોરોડના માધ્યમ કે અન્ય સામાન્ય જીવાણુલક્ષી સંવર્ધનમાધ્યમ (culture media) પર શ્વેતફૂગની સફેદ, મલાઈસમ (creamy), લીસી (smooth) અને યીસ્ટ જેવી ગંધવાળી વસાહતો (colonies) ઉછેરી શકાય છે. શ્વેતફૂગને અન્ય પ્રકારના candida જૂથની ફૂગથી અલગ પડાય છે. તે માટે રેયનોડ્સ-બ્રોડેની ક્રિયાઘટના(phenomenon)ની કસોટી મહત્વની ગણાય છે. ગુચ્છીકરણ (agglutination) દર્શાવવાની કે વિલંબિત અતિસંવેદના (delayed hypersensitivity) દર્શાવવાની ચામડી પરની કસોટીઓ પણ નિદાન માટે ઉપયોગી છે.

સારવાર : ક્લોટ્રાઇમેઝોલ કે નિસ્ટેટિનની સ્થાનિક સારવાર ઉપયોગી રહે છે. જો ચેપ અન્યત્ર પણ ફેલાયેલો હોય તો ઍમ્ફોટેરિસિન-બી, 5-ફલ્યુરોસાટોસાઇન, ક્લોટ્રાઇમેઝોલ, ફ્લુકેનેઝોલ, કીટોકોનેઝોલ કૅસ્પોફંગિન વગેરે ઔષધો ઉપયોગી રહે છે. આ ઉપરાંત મધુપ્રમેહની સારવાર, વધુ પડતી ઍન્ટિબાયૉટિકના ઉપયોગમાં ઘટાડો, શીશી વડે દૂધ આપતી વખતે યોગ્ય સંભાળ લેવી વગેરે વિવિધ પૂર્વભૂમિકારૂપ ઘટકો(predisposing factors)ની સાર-સંભાળ પણ જરૂરી ગણાય છે.

શિલીન નં. શુકલ