થિયોડૉરિક (જ. આશરે ઈ. સ. 454, વિયેના; અ. 30 ઑગસ્ટ 526, રેવેના) : ઑસ્ટ્રોગૉથ લોકોનો રાજા અને ઇટાલીનો વિજેતા. એના બાળપણ દરમિયાન 10 વર્ષ સુધી તેને કૉન્સ્ટન્ટિનોપલમાં બાન તરીકે રાખવામાં આવ્યો હતો અને સમ્રાટ લિયોનાં બાળકો સાથે તેને વિશિષ્ટ તાલીમ આપવામાં આવી હતી. 473માં એ પોતાના વતનમાં પાછો ફર્યો અને શૂરવીર યોદ્ધા તથા કુનેહબાજ સેનાપતિ તરીકે પોતાની શક્તિનો પરચો બતાવ્યો. તેણે ડેસિયા અને મોએશિયાના કેટલાક પ્રદેશો જીતી લીધા.

ઈ. સ. 475માં એના પિતા થિયોડેમિરનું અવસાન થતાં તેની જાતિના લોકોએ તેને પોતાનો નેતા અને રાજા બનાવ્યો. ઑસ્ટ્રોગૉથ લોકો અને પૂર્વના રોમન સામ્રાજ્યના સમ્રાટ ઝેનો વચ્ચે 471થી 491 સુધી યુદ્ધ ચાલેલું. ઝેનોએ પોતાનું રાજ્ય બચાવવા થિયોડૉરિકને ઇટાલીની ગાદી પચાવી પાડનાર ઓડોસર ઉપર હુમલો કરવાની પ્રેરણા અને સલાહ આપી. થિયોડૉરિકે 489માં ઇટાલી ઉપર હુમલો કર્યો.

થિયોડૉરિક – ચર્ચના ભિત્તિચિત્રની એક પ્રતિકૃતિ

ત્રણ લડાઈઓમાં તેણે ઇટાલીના ઘણા પ્રદેશો જીતી લીધા. 493માં ઓડોસરનું ખૂન કરાવીને થિયોડૉરિકે પોતાને ‘ઇટાલીના રાજા’ તરીકે જાહેર કર્યો. તેણે શક્તિ અને સાહસપૂર્વક રાજ્ય કર્યું. ઑસ્ટ્રોગૉથના પ્રદેશોમાંથી ફ્રૅન્કોને હાંકી કાઢ્યા અને સ્પેનમાં થયેલા બળવાને દબાવી દીધો. તેણે ઇટાલીમાં નાગરિક તથા વહીવટી ક્ષેત્રે વિકાસ સાધ્યો. એણે ખ્રિસ્તી ધર્મના બધા પંથો તરફ ઉદાર વલણ દર્શાવ્યું, વિદ્યાને ઉત્તેજન આપ્યું અને કાર્યક્ષમ ન્યાયપદ્ધતિની સ્થાપના કરી. 33 વર્ષના તેના શાસન દરમિયાન તેણે ઇટાલીમાં શાંતિ જાળવી. તેણે 154 કાયદા અને નિયમો પ્રગટ કર્યા. તે કાયદા ન્યાયાધીશોને તેમની સગવડ માટે પુસ્તિકા રૂપે જણાવવામાં આવ્યા. તેણે ગૉથ અને રોમન લોકો વચ્ચે સુમેળ જાળવ્યો.

મુગટલાલ પોપટલાલ બાવીસી