ત્વષ્ટા : વેદમાં સ્તુતિ કરાયેલા દેવો પૈકી એક. વેદાંગ નિરુક્તના લેખક યાસ્કે તેનાં ત્રણ નિર્વચનો આપ્યાં છે : (1) જે ઝડપથી ફેલાય છે તે એટલે કે વાયુ. (2) જે પ્રકાશે છે તે એટલે વિદ્યુતમાં રહેલો અગ્નિ. (3) જે પ્રકાશે છે તે એટલે આકાશમાં રહેલો સૂર્ય. ભાગવતમાં જણાવ્યા મુજબ બાર આદિત્યોમાં જે સૂર્ય દરેક આસો માસમાં સૂર્ય મંડળનો અધિપતિ થાય છે તે ત્વષ્ટા છે. આ અધિપતિ ત્વષ્ટાની સાથે ઋષિ જમદગ્નિ, અપ્સરા તિલોત્તમા, ધૃતરાષ્ટ્ર નામનો ગંધર્વ, કબંધ નામનો નાગ, શતજિત નામનો યક્ષ અને રાક્ષસ બ્રહ્માપેત આવે છે. વેદમાં પાછળથી પુરાણની અસર નીચે ઇન્દ્રનું વજ્ર વગેરે સર્જનારા વિશ્વકર્મા નામના દેવોના શિલ્પી તરીકે ત્વષ્ટા દેવનો ખ્યાલ સ્વીકારાયો છે. વેદમાં ઋભુઓના ગુરુ, સ્વર્ગ વગેરેને બાંધનારા અને મનુષ્યોના ઘડનારા દેવ તરીકે ત્વષ્ટા મનાયા છે.

પુરાણોમાં ત્વષ્ટાનું બીજું નામ વિશ્વકર્મા છે. મત્સ્યપુરાણ મુજબ ત્વષ્ટા પ્રભાસ નામના વસુના પુત્ર છે. ત્વષ્ટાની પત્ની વિરોચના પ્રહલાદની પુત્રી છે. ત્વષ્ટાની માતા બ્રહ્મવાદિની યોગસિદ્ધા બૃહસ્પતિની બહેન છે એમ હરિવંશ અને વિષ્ણુપુરાણ જણાવે છે. ત્વષ્ટા અને વિરોચનાનો પુત્ર ત્રિશિરા છે. ત્વષ્ટાની પુત્રી સંજ્ઞા કે જે ત્વાષ્ટ્રી નામથી ઓળખાય છે તેને વિવસ્વાન્ આદિત્યને પરણાવેલી. સંજ્ઞા પતિનું તેજ સહન કરી શકતી ન હતી તેથી ત્વષ્ટાએ સરાણ પર ચઢાવી સૂર્યને છોલી નાખી તેનું તેજ ઓછું કરેલું. એ સૂર્યને છોલવાથી જે ટુકડા પડ્યા તેમાંથી ચક્ર, ત્રિશૂળ, ભાલો વગેરે જુદાં જુદાં શસ્ત્રો બનાવીને દેવોને આપેલાં. દધીચિ ઋષિનાં હાડકાંમાંથી ઇન્દ્રને વજ્ર બનાવી આપેલું. પાંડવોને ઇન્દ્રપ્રસ્થ નગરી, શિવને રથ, સુંદ અને ઉપસુંદ માટે અપ્સરા  તિલોત્તમા વગેરે સર્જનો ત્વષ્ટાનાં છે. અશ્વિન ત્વષ્ટાના દૌહિત્ર છે.

પ્ર. ઉ. શાસ્ત્રી