તોરણ : પ્રાચીન બૌદ્ધ સ્તૂપમાં પ્રવેશમાર્ગ નિર્ધારિત કરતી રચના. પાછળથી હિન્દુ સ્થાપત્યમાં પણ તેનો ઉપયોગ થયો. સ્તૂપનું તળદર્શન ગોળાકાર હોવાથી તેમાં દિશાનું અનુમાન કરવું કઠિન બનતું, તેથી ચારે દિશામાં ચાર પ્રવેશદ્વાર-તોરણ બનાવી સ્તૂપની પ્રવેશની દિશા નિર્ધારિત કરાતી. શરૂઆતમાં લાકડાના બાંધકામની રીત પ્રમાણે બનાવાતાં આવાં તોરણથી પ્રવેશ ઔપચારિક, શિષ્ટ તથા પવિત્રતાની ભાવનાવાળો બનતો. હિન્દુ સ્થાપત્યમાં પ્રવેશદ્વાર ઉપરાંત તોરણ વિજયના સંભારણા તરીકે પણ બનાવાતાં.

વડનગરનું શૌર્યતોરણ

પથ્થરના બે સ્તંભ પર કમાન જેવી રચના કરીને આ તોરણ બનાવાતાં, જોકે શરૂઆતનાં બૌદ્ધ તોરણમાં કમાનને બદલે પથ્થરની સીધી પાટ પણ મુકાતી. ઈસુ પૂર્વેની પહેલી સદીના ઉત્તરાર્ધમાં બનેલ સાંચીના સ્તૂપનાં તોરણ તેના સૌથી પ્રાચીન હયાત નમૂના છે. તોરણનો ઉલ્લેખ વૈદિક ગ્રામરચનામાં પણ જોવા મળે છે. ગુજરાતમાં વડનગર, સિદ્ધપુર, કપડવંજનાં તોરણો પણ ઉલ્લેખનીય છે. શામળાજીમાં આવેલું તોરણ ગુજરાતનું સૌથી જૂનું તોરણ છે અને તે હરિશ્ચંદ્રની ચોરી તરીકે ઓળખાય છે. તોરણ વિશે મહત્વની બાબત એ છે કે એક રીતે તે આવકાર આપે છે. તે સાથે સાથે બિનજરૂરી પ્રવેશને અટકવાનું પણ સૂચન કરે છે. જાપાનના સ્થાપત્યમાં તોરી(torii)ની રચના ભારતના તોરણ પરથી આવી હોવાનું અનુમાન છે. જુઓ તોરી.

હેમંત વાળા