તોતડાપણું : વાણીની વિકૃતિ. બાળકની વાણીના વિકાસમાં મુશ્કેલીઓ આવે તો તે ખામીયુક્ત બની શકે છે. વાણીની ખામીઓમાં અપૂરતા શિક્ષણથી પરિણમતી અશુદ્ધ ભાષાથી માંડીને વાણીની વિકૃતિઓ જોવા મળે છે. વાણીની વિકૃતિઓમાં મુખ્યત્વે (1) કાલું બોલવું (lipsing); (2) અસ્પષ્ટ કે ગરબડિયું બોલવું (slurring); (3) તોતડાપણું (stuttering) અને અટકીને બોલવું  – આ ત્રણનો સમાવેશ થાય છે.

તોતડાપણું (stammering) અને અટકીને બોલવું – એ બંને સાથે જોવા મળતાં હોવા છતાં બંને વચ્ચે વર્તનની ભિન્નતા છે. તોતડાપણામાં બાળક અક્ષર, શબ્દ અને વાક્યાંશોનું પુનરાવર્તન કરવા પ્રેરાય છે. તેને પ્રથમ અક્ષર, શબ્દ કે વ્યંજન બોલવામાં પ્રમાણમાં વધારે મુશ્કેલી પડે છે. દા.ત., ‘પ…પ…પાણી’ કે ‘બ…બ…બકરી’ વગેરે. અટકીને બોલનાર મોઢામાં શબ્દ લાવે પણ બોલતાં અચકાય કે હાંફે, તેના ચહેરા ઉપર  વિચિત્ર ફેરફાર થાય વગેરે લક્ષણો પ્રમાણમાં વધારે જણાય છે. હવે શાસ્ત્રીય તથા સામાન્ય વપરાશની ભાષામાં ‘તોતડાપણું’ શબ્દમાં આ બધાં લક્ષણો સમાવિષ્ટ થતાં જણાય છે.

બેથી પાંચ વર્ષની ઉંમરના ગાળામાં થતા વાણીવિકાસ દરમિયાન વાણીની મર્યાદા, ખામી કે વિકૃતિ પેદા થવાની શક્યતા વધારે રહે છે. ઉંમર વધતાંની સાથે તેમાંની ઘણી મુશ્કેલીઓ ઓછી કે તદ્દન બંધ થઈ જાય છે. ડેવિસ, ક્રેસ્ટિન અને જ્હૉનસન જેવા સંશોધકોના મંતવ્ય  પ્રમાણે વાણીવિકાસના આ ગાળા દરમિયાન માબાપ અજ્ઞાન કે અણસમજ દાખવે તો બાળકની મુશ્કેલીઓ ર્દઢ અને કાયમી થઈ શકે છે. બાળકની વાણીવિકાસની ખામીઓને સમસ્યારૂપ કે ઘેરી ચિંતાનો વિષય ગણનારાં માબાપ વધારે નુકસાન કરનારાં સાબિત થાય છે.

તોતડાપણાનાં કારણો અંગે વિવિધ મંતવ્યો પ્રવર્તે છે. કેટલાક સંશોધકો વારસા કે આનુવંશિકતાને કારણ ગણે છે. કેટલાકના મંતવ્ય પ્રમાણે ડાબેરી બાળકને જમણા હાથે કાર્ય કરવાની ફરજ પાડવામાં આવે તો તેમાં તોતડાપણાનો સંભવ વધે છે. આવા કિસ્સામાં ડાબા-જમણા હાથના વપરાશને બદલે નવી ટેવ પાડવામાં બાળક દ્વારા અનુભવાતા માનસિક કે આવેગાત્મક તણાવને મહત્વ અપાય છે.

સંશોધનોમાં જણાયા પ્રમાણે આદિવાસી જાતિઓમાં તોતડાવાની ખામી નહિવત્ જણાઈ હતી. આનો એક અર્થ એવો કરવામાં આવે છે કે તોતડાપણા માટે મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિબળો વધારે જવાબદાર હોવાં જોઈએ. તોતડાપણા માટે વિવિધ પરિબળો જવાબદાર મનાય છે. બાળકની વાણીવિકાસની ખામીઓ  પ્રત્યે માબાપનું મનોવલણ, માબાપના સ્વભાવ કે વર્તન પ્રતિ બાળકના પ્રતિભાવો, માબાપ અને બાળક વચ્ચેની આંતરક્રિયાનું સ્વરૂપ, કુટુંબમાં સાથે રહેતાં સગાં ભાઈબહેન કે આવેગાત્મક સાન્નિધ્ય ધરાવતાં અન્ય સગાંવહાલાંનું બાળક સાથેનું વર્તન વગેરે મનોવૈજ્ઞાનિક ઘટકો સીધી કે આડકતરી રીતે બાળકના  તોતડાપણાનું કારણ બની શકે છે.

બાળક પાસેથી શિસ્તના કડક પાલનનો અતિઆગ્રહ રાખતાં માબાપ, બાળક પાસેથી પૂર્ણવર્તનનો અતિઆગ્રહ રાખતાં માબાપ, બાળકની શક્તિ કે અવસ્થા કરતાં વધારે ઝડપી ભાષા કે વાણીવિકાસનો આગ્રહ રાખતાં માબાપ વગેરે પોતાનાં બાળકોને વધારે ચિંતાગ્રસ્ત કે ભયગ્રસ્ત બનાવે છે. આવા તણાવગ્રસ્ત વાતાવરણમાં ઊછરતાં બાળકોમાં તોતડાપણું  વધારે જણાય છે. માબાપની અપેક્ષાને પહોંચી શકવા અસમર્થ એવાં કોઈ બાળકો બચાવપ્રયુક્તિઓનો અજાગ્રત સહારો લેતાં જણાય છે. આવાં કોઈ બાળકોનાં તોતડાપણું માબાપની સહાનુભૂતિ મેળવવાની પ્રયુક્તિ બને !

અતિ લાડ, નવા ભાઈ કે બહેનના જન્મના લીધે અનુભવાતી અસલામતીની લાગણી, માબાપ વચ્ચે વધારે વિસંવાદ વગેરે બાબતો તોતડાપણાનું કારણ બની શકે છે. ક્યારેક સ્વરતંત્રની સાથે જોડાયેલા ચેતાતંત્રના શારીરિક વિકારને લીધે પણ તોતડાપણું થાય છે.

તોતડાપણાની ખામીના કિસ્સામાં વાણીચિકિત્સા (speech therapy) ઘણી મદદરૂપ નીવડે છે. વળી તોતડાવા માટે મનોવૈજ્ઞાનિક કારણો પ્રાધાન્ય ધરાવતાં હોય ત્યારે મનોચિકિત્સા કે સલાહ (counselling) ઉપયોગી થાય છે. તોતડાપણું કઈ પરિસ્થિતિમાં વધે છે, ક્યારે તદ્દન ઓછું કે નહિવત્ બને છે, તેને વ્યક્તિના આવેગાત્મક સંઘર્ષો કે પાપની લાગણી સાથે કેટલો સંબંધ છે વગેરે બાબતોની ચિકિત્સામાં નોંધ લેવાતી હોય છે. શારીરિક કારણોના લીધે જ હોય તો શસ્ત્રક્રિયાની મદદ લઈ શકાય. શ્વાસોચ્છવાસની અનિયમિતતા કે શ્વાસ રૂંધાવાની બીક વગેરે ખામીઓ ઓછી કરવામાં પ્રાણાયામ મદદકર્તા નીવડી શકે. વાણીવિકાસ દરમિયાન બોલવાની લયબદ્ધતામાં નોંધપાત્ર ખામી જણાતી હોય તો વાણીચિકિત્સકની મદદ લઈ બોલવાની સાચી ટેવો શીખી શકાય છે.

તોતડી વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી ગણાય છે : (1) તોતડી વ્યક્તિ પોતાની ખામી પ્રત્યે સભાન બને એવી રીતે સહાનુભૂતિ દર્શાવવી નહિ; (2) તોતડી વ્યક્તિની વાતને એકદમ કે અર્ધેથી કાપી તેને બોલતી અટકાવવી નહિ અને (3) તેની વાતને ધીરજથી સાંભળવી. તોતડાપણાની ખામી પ્રત્યે અતિસંવેદનશીલ, ચિંતાગ્રસ્ત અને શરમયુક્ત વલણ અપનાવવાના બદલે વિધાયક વલણ રાખવાથી વધારે ફાયદો થાય છે એવું નોંધવામાં આવેલું છે.

રજનીકાન્ત પટેલ