તેજમંડળ (halo) : પદાર્થની ફરતે પ્રકાશ વડે રચાતું પ્રદીપ્ત વલય કે તકતી. કોઈક વખત ચંદ્ર કે સૂર્યની ફરતે, ફિક્કા પ્રકાશના વલય રૂપે જોવા મળતી આ એક કુદરતી ઘટના છે. આવું તેજમંડળ સામાન્ય રીતે શિયાળામાં જોવા મળે છે. પૃથ્વીના વાતાવરણમાં રહેલા બરફના સૂક્ષ્મ સ્ફટિકો દ્વારા પ્રકાશનું વક્રીભવન થવાથી આવું વલય કે તકતી જોવા મળે છે.

સર્પિલ (spiral) કે દીર્ઘવૃતીય (elliptic) તારાવિશ્વ (galaxy)ની ફરતે પણ પ્રદીપ્ત વલય જોવા મળે છે. તારાવિશ્વના આવા તેજમંડળમાં હાઇડ્રોજન અને હિલિયમથી ભારે તત્વો ધરાવતા, વૃદ્ધ તારાઓનો સમાવેશ થાય છે. તારાવિશ્વના કેન્દ્રથી લાખો પ્રકાશ-વર્ષ અંતર સુધી આ તેજમંડળ પ્રસરેલું હોય છે.

સૂર્યમંડળ(solar system)ની ફરતે ધૂમકેતુના તેજમંડળની ખગોળવિદોએ ખાસ નોંધ કરી છે. આવા ધૂમકેતુઓ સૂર્યથી 100,000 ખગોલીય એકમ (astronomical unit, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર) અંતરે કક્ષીય ગતિ કરતા હોય છે. કેટલાક ધૂમકેતુઓ હાઇડ્રોજન વાયુના તેજમંડળ વડે ઘેરાયેલા હોય છે. ધૂમકેતુ સૂર્ય પાસે થઈને પસાર થાય ત્યારે તેજમંડળ રચાતું હોય છે, કારણ કે આ સમયે ધૂમકેતુના શીશ ઉપર અવરુદ્ધ (frozen) સ્થિતિમાં રહેલા મિથેન તથા એમોનિયા પ્રવાહી સ્થિતિમાં રૂપાંતર પામ્યા સિવાય સીધેસીધા વાયુમાં રૂપાંતરિત થતા હોય છે.

પ્રહલાદ છ. પટેલ