તેગબહાદુર (જ. 1 એપ્રિલ 1621, અમૃતસર; અ. 11 નવેમ્બર 1675, દિલ્હી) : નવમા શીખગુરુ. છઠ્ઠા ગુરુ હરિગોવિંદ સાહિબ તેમના પિતા. 1632માં કરતારપુરમાં ગુજરી નામની યુવતી સાથે લગ્ન થયાં. 1666માં વિધિસર ગુરુપદે બિરાજ્યા. 10 વર્ષ ઉપરાંતના ગુરુપદ દરમિયાન તેમણે અનેક લોકોને સુમાર્ગે વાળ્યા અને ધર્મપ્રચાર માટે માળવા, પુઆધ, બાંગર, બિહાર, બંગાળ, અસમ વગેરે સ્થળે દેશાટન કર્યું તથા જનસામાન્ય ને સત્યધર્મ વિશે સૂઝ આપી. તેમની પ્રેમસભર તથા વૈરાગ્યભરી વાણી ‘ગ્રંથસાહિબ’ રૂપે ગ્રંથસ્થ છે. તેમાંની 115 શ્લોકબદ્ધ રચનાઓમાં સંસારત્યાગનો નહિ પણ દુનિયામાં રહીને દુનિયાદારીના ત્યાગનો બોધ છે.

તેગબહાદુર

સતલજના કાંઠે હોશિયારપુર જિલ્લાના ડુંગરાળ પ્રદેશમાં હાલના ભાકરા નાંગલ પાસે જમીન ખરીદી તેમણે આનંદપુર વસાવ્યું. એ સમયે ધર્મપરિવર્તન માટે હિંદુઓ ઉપર મુસ્લિમ શાસક ઔરંગઝેબ તરફથી ભારે દમન ગુજારાતું. કાશ્મીરના કૃપારામ તથા અન્ય પંડિત નેતાઓએ આનંદપુર આવીને આ આતંકની વીતકકથા કહી. ગુરુએ તેમને એવું સૂચવ્યું કે તમે બધા ઔરંગઝેબ પાસે જઈ એવું કહો કે ‘પહેલાં અમારા ગુરુનું ધર્મપરિવર્તન કરાવો, પછી અમે ઇસ્લામ ધર્મ સ્વીકારીશું’ ગુરુ પોતે દિલ્હી ગયા ત્યારે ઔરંગઝેબે ધર્મપરિવર્તન અથવા મોતનો સ્વીકાર એવી સ્પષ્ટ ધમકી આપી. પરંતુ ગુરુએ ઇસ્લામ અંગીકાર કરવાની ના પાડી સ્પષ્ટપણે જણાવ્યું કે ‘દરેક માનવીને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે. ધર્મના નામે લોહી વહાવી ધર્મ પળાવવો એ ધર્મ નહિ પણ પાપ છે અને એમાં અલ્લાહની સેવા નથી.’ ઔરંગઝેબના અનેક પ્રયત્નો છતાં ગુરુ અડગ રહ્યા ત્યારે છેવટે તેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો.

તેગબહાદુરની શહાદતની ઘટનાથી આખા દેશમાં હાહાકાર મચી ગયો. ઇસ્લામ ધર્મના નામે જ અન્ય ધર્મના ગુરુનો શિરચ્છેદ કરાયો તેથી હિંદુઓ ઉપરાંત ઘણા સમજુ મુસલમાનોની લાગણી પણ દુભાઈ. કોટવાળીના દરોગા ખ્વાજા અબ્દુલ્લા નોકરીનું રાજીનામું આપી આનંદપુર જતા રહ્યા. આ શહીદીનું સારું પરિણામ એ આવ્યું કે હિંદુઓની કત્લેઆમ તથા ધર્મપરિવર્તનની ઝુંબેશ થંભી ગઈ.

ગુરુ તેગબહાદુરનો શિરચ્છેદ કરાયો હતો તે સ્થળ અત્યારે દિલ્હીના ચાંદની ચોકમાં ગુરુદ્વારા શીષગંજ તરીકે અને તેમના અગ્નિસંસ્કારનું સ્થળ ગુરુદ્વારા રકાબગંજ તરીકે જાણીતાં છે.

દર્શનસિંઘ બસન