તુકારામ (જ. 1608, દેહૂ, પુણે પાસે; અ. 1649, ઇન્દ્રાયણી) : વિખ્યાત મરાઠી સંત તથા કવિ. મહારાષ્ટ્રના લોકલાડીલા સાત સંતો તે નિવૃત્તિ, જ્ઞાનદેવ, સોપાન, મુક્તાબાઈ, એકનાથ, નામદેવ અને તુકારામ હતા. પુણે નજીકના દેહૂ ગામમાં મોરે વંશમાં જન્મ. પિતાનું નામ બોલ્હોબા અને માતાનું નામ કનકાઈ. પરિવારની અટક આંબિલે. કુટુંબનો વ્યવસાય વેપાર. તેમની ક્ષત્રિય મરાઠા કણબી જાત હતી. તુકારામ પોતાની જાતને ન્યાતજાતથી પર ગણતા. તત્કાલીન પ્રતિષ્ઠિત અને સુસંસ્કૃત પરિવારની વ્યક્તિની જેમ તેમણે શિક્ષણ લીધું હતું. સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષા પર તુકારામનું પ્રભુત્વ હતું. બાળપણમાં ભજન, કીર્તન, વેદપઠન, પુરાણો વગેરે સાંભળીને તુકારામ બહુશ્રુત થયા હતા. તે 13 વર્ષના હતા ત્યારથી પિતાએ તેમને વ્યવસાયની તાલીમ આપવાનું શરૂ કર્યું હતું. 17 વર્ષની વયે સંસાર અને વ્યવસાય બંનેની જવાબદારી તેમને ઉપાડવી પડી. તુકારામ પહેલાંની આઠમી પેઢીના પૂર્વજ વિશ્વંભરને ખેતરમાંથી વિઠ્ઠલ-રખુમાઈની મૂર્તિઓ મળી હતી તેની વિશ્વંભરે પોતાના મકાનની જોડે સ્થાપના કરી હતી. નાનપણમાં દિવસરાત આ મૂર્તિઓ સમક્ષ બેસીને તુકારામ ભજન-કીર્તન કરતા. કુટુંબના ભરણપોષણની જવાબદારી આવી પડ્યા પછી પણ ઈશ્વરસાધનાના તેમના નિત્યક્રમમાં કોઈ ખાસ ફેર પડ્યો નહિ. દેહૂની જોડે ઉત્તરમાં આવેલા ડુંગરોની ગુફાઓમાં બેસીને તુકારામ કલાકો સુધી ગીતા, ભાગવત, એકનાથી ભાગવત, જ્ઞાનેશ્વરી, રામાયણ, મહાભારત, યોગવાશિષ્ઠ વગેરે ધર્મગ્રંથોના પારાયણમાં તલ્લીન રહેતા. સાથોસાથ ભારતીય તત્વચિંતનનો ઊંડો અભ્યાસ પણ કર્યો. આ બધાને પરિણામે સંસાર પ્રત્યે વિરાગ થતાં પરમાર્થ પ્રત્યે તેમની રુચિ વધતી ગઈ. છતાં ઘણા લાંબા સમય સુધી સંયુક્ત કુટુંબ પ્રત્યેની અને વ્યવસાયના વિકાસને લગતી પોતાની જવાબદારી તેમણે કુશળતાથી પાર પાડી.

તુકારામના જીવનનાં પ્રથમ 17 વર્ષો સુખમય હતાં. પછી તેમના પર સળંગ આપત્તિઓ આવતી ગઈ. પિતા, માતા અને વડીલ બંધુનાં પત્નીનાં એક પછી એક મૃત્યુ અને વડીલ બંધુનો ગૃહત્યાગ અને અધૂરામાં પૂરું 1630માં પડેલા ભયંકર દુકાળને કારણે વ્યવસાયમાં આવેલી ભારે ખોટ, લેણદારોનો ઘેરો અને દેણદારોની ઇરાદાપૂર્વકની બેપરવાઈ, ઘરના પશુધનનો નાશ તથા પ્રથમ પત્ની અને તેનાથી થયેલ પુત્ર બંનેનું અવસાન – આ બધાંને કારણે ત્રાસી ગયેલા તુકારામને નાદારી જાહેર કરવી પડી હતી. છેવટે તેમણે સંસારનો ત્યાગ કર્યો અને મોક્ષપ્રાપ્તિની ઝંખનાને વશ થઈ ગામ નજીકના ભીમનાથ પર્વત પર સતત પંદર દિવસ સુધી એકાંતમાં તપશ્ચર્યા કરી તેને અંતે તેમને દિવ્યતત્વની  અનુભૂતિ થઈ. તુકારામને જેમ કવિત્વની પ્રેરણા સ્વપ્ન દરમિયાન મળી હતી તેમ જ ચૈતન્ય-પરંપરાના બાબાજી ચૈતન્ય નામક ગુરુએ તેમને સ્વપ્નમાં દીક્ષા આપી (1640); સાથોસાથ ‘રામકૃષ્ણ હરિ’ મંત્ર પણ આપ્યો. ત્યારથી તેઓ ચૈતન્ય પરંપરાના સંત ગણાવા લાગ્યા. દીક્ષા મળ્યા પછી તુકારામે શુદ્ધ પરમાર્થધર્મની સ્થાપના માટે જીવનના અંત સુધી પ્રચારકાર્ય કર્યું. વારકરિ પંથના બ્રહ્મસાક્ષાત્કારી સંતકવિ તરીકે તેમની ખ્યાતિ વધતી ગઈ. ધર્મરક્ષણના કાર્ય દરમિયાન તુકારામે ઉચ્ચ-નીચ તથા નાતજાત વચ્ચેના ભેદભાવનો ત્યાગ કર્યો તેને કારણે તેઓ કેટલાક ઉચ્ચવર્ણના સનાતની લોકોની નિંદા અને ટીકાનો ભોગ બન્યા.

તુકારામ

તુકારામની ભક્તિરચનાઓ અભંગ તરીકે ઓળખાય છે. બાબાજી ચૈતન્યે તુકારામને સ્વપ્નામાં દીક્ષા આપ્યા પછી જ તેમનામાં કવિત્વની પ્રેરણા જાગ્રત થઈ હતી એવી એક આખ્યાયિકા પ્રચલિત છે. મહારાષ્ટ્રના બીજા એક મહાન સંત નામદેવ (1270–1350) શતકોટી અભંગ રચવાની ઝંખના ધરાવતા હતા જે તેમના જીવનકાળમાં પૂરી થઈ શકી ન હતી. તેથી નામદેવે તુકારામને તેમના બંનેના આરાધ્યદેવ પાંડુરંગની સાથે સ્વપ્નામાં દર્શન આપી પોતાનું અધૂરું રહેલું કાર્ય પૂરું કરવાની પ્રેરણા આપી. સંસાર અને પરમાર્થમાંથી પસાર થયેલા તુકારામે અંત:પ્રેરણાથી મરાઠી ભાષામાં આશરે 5000 જેટલા અભંગોની રચના કરી છે. તેમના અભંગોમાં નિ:સ્વાર્થ ઈશ્વરભક્તિ, નિરપેક્ષ ધર્મનિષ્ઠા, જ્ઞાનોપાસના, લોકકલ્યાણ ઇત્યાદિની ઝાંખી ઉપરાંત માત્ર ચમત્કૃતિઓ દ્વારા ભોળા લોકોને છેતરનારાઓ, પાખંડી બાવાઓ, ભવિષ્યવેત્તાઓ, કર્મકાંડીઓ વગેરેની ઝાટકણીની પ્રતીતિ થાય છે. અભંગો દ્વારા શુદ્ધ પરમાર્થ ધર્મની પ્રતિષ્ઠા કરવાનો તેમણે સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે.

ભાગવત ધર્મના મહાન સંતોએ જે સ્થાનને અત્યંત પવિત્ર ગણ્યું છે તે ભીમા નદી પર વસેલા તીર્થસ્થાન પંઢરપુરના વિઠોબા તુકારામના આરાધ્યદેવ હતા. વિઠોબા અને રખુમાઈની ભક્તિમાં તે સદા સર્વદા તલ્લીન રહેતા હતા. પોતાના અભંગોમાં તુકારામે ભક્તિભાવે વિઠોબાનો અપાર મહિમા વર્ણવ્યો છે. ‘મી આહે મજૂર વિઠોબાચા’ (હું વિઠોબાનો ચાકર છું) એવું તે સતત કહેતા.

મહારાષ્ટ્રમાં જ્ઞાનેશ્વરે ભાગવતધર્મનો પાયો નાંખ્યો અને તુકારામે તેના પર કળશ ચઢાવ્યો એવું કહેવાય છે.

પ્રાણીમાત્ર પ્રત્યે નિરપેક્ષ પ્રેમ એ તેમના જીવનની વિશેષતા ગણાય છે. આરાધ્યદેવ વિઠ્ઠલ સાથેનો તેમનો સંબંધ પરમ આત્મીય હતો અને ઈશ્વર જોડે તેમનો સખ્યભાવ હતો. એમની રચનાઓમાં નીચામાં નીચા થરના માનવીને સહેલાઈથી સમજાય એવી ભાષામાં સામાજિકથી માંડીને અધ્યાત્મ સુધીના માનવજીવનને સ્પર્શતા લગભગ બધા જ વિષયો છે. એમણે લખેલી પ્રાર્થના અને સ્તુતિમાં ઈશ્વર તરફનો પ્રેમ વ્યક્ત થાય છે. તેમાં ભક્તનાં લક્ષણો, ભગવાન અને ભક્ત વચ્ચેનો સંબંધ, ઈશ્વરસ્વરૂપ  એમ વિવિધ વિષયો પર ચિંતન છે. મહારાષ્ટ્રના વારકરિ પંથના શ્રેષ્ઠ સંતકવિઓ જ નહિ પરંતુ અન્ય પ્રદેશોના નરસિંહ, ચૈતન્ય, સૂરદાસ, મીરાં વગેરે સંતોની સમકક્ષ એમનું ભારતીય સંતકવિ તરીકે સ્થાન છે. ભારતની અનેક ભાષાઓમાં એમના વિશે ગ્રંથો લખાયા છે. મરાઠી કવિ દિલીપ ચિત્રેએ તેમના અભંગોનું ‘સે તુકા’ શીર્ષકથી અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે (1996).

જીવનનાં 41 વર્ષ પૂરાં કર્યાં પછી સંપૂર્ણ સંતોષની લાગણી સાથે તેમણે 1649માં એક દિવસ ભક્તોની ઉપસ્થિતિમાં દેહત્યાગ કર્યો.

શિવાજી મહારાજે એમની મુલાકાત લીધેલી તે દરમિયાન શિવાજીએ તેમને આપેલું ઝવેરાત તેમણે નિરપેક્ષભાવે પરત કર્યું હતું એવો ઉલ્લેખ ઇતિહાસમાં સાંપડે છે.

એમના જીવન પર તૈયાર કરવામાં આવેલા ‘સંત તુકારામ’ ચલચિત્રે સળંગ એક વર્ષ સુધી લાગલાગટ ચાલી વિક્રમ સ્થાપેલો.

અરુંધતી દેવસ્થળે

અનુ. ચન્દ્રકાન્ત મહેતા