તાળાબંધી (lock-out) : કારખાનાના માલિક દ્વારા કામચલાઉ કામ બંધ કરવાનું  જાહેર કરવામાં આવે અથવા કામદારોને કામ નહિ કરવા માટે જણાવવામાં આવે અથવા માલિક દ્વારા કામદારોને કામ પર આવવાની મનાઈ ફરમાવવામાં આવે તેવી પરિસ્થિતિ. તાળાબંધી અને હડતાળ વિરોધાભાસી પરિસ્થિતિઓ છે.

કામદારો પોતાની માગણીઓનો માલિક દ્વારા અસ્વીકાર કરવામાં આવે ત્યારે કામ નહિ કરવા માટેનું શસ્ત્ર ઉપયોગમાં  લે તે હડતાળ કહેવાય છે. તાળાબંધી કામદારોને સંચાલકો દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે તેનો સ્વીકાર કરાવવા માટેનું શસ્ત્ર છે.

જ્યારે માલિક કામદારના કોઈ કાયદા હેઠળ અથવા કામદારોને પાઠ ભણાવવાના આશયથી 30 દિવસ સુધી કામ બંધ રાખે તો તેને પણ તાળાબંધી જાહેર કરી છે તેમ કહી શકાય. તાળાબંધીનો  આશય કાયમ માટે કારખાનું કે ફૅક્ટરી બંધ કરવાનો હોતો નથી પણ કામદારોને કામચલાઉ કામ કરતાં રોકવાનો છે. જો કાયમ માટે કારખાનું કે ફૅક્ટરી બંધ કરવામાં આવે તો તેને તાળાબંધી ગણી શકાય નહિ.

કામદારોને કાચા માલની તંગી કે ઊર્જા કે કોલસો કે બીજી કોઈ વસ્તુની અછત હોવાના કારણે અથવા તૈયાર માલનો ભરાવો થાય ત્યારે કામ પર નહિ આવવાનું કહેવામાં  આવે તો તેને તાળાબંધી કહી શકાય નહિ. તાળાબંધીની જાહેરાત માલિક દ્વારા કરવામાં આવે છે.

જશવંત મથુરદાસ શાહ