તાયુમાનવર : દસમી શતાબ્દીના તમિળ સંતકવિ. એમણે રહસ્યવાદી કાવ્યો રચ્યાં છે. તાયુમાનવર ભગવાન શિવનું નામ છે. શિવની કૃપાને લીધે પુત્રજન્મ થયો હોવાને કારણે શિવભક્ત માતાપિતાએ એમનું નામ તાયુમાનવર શિવ રાખ્યું હતું. બાળપણથી જ એમનામાં વૈરાગ્યની ભાવના હતી. તાયુમાનવરની ઇચ્છા ન હોવા છતાં માતાપિતાના અતિઆગ્રહને કારણે અને એમને નારાજ ન કરવા એમણે થોડાં વર્ષો ગૃહસંસાર માંડ્યો; પણ સંસારમાં મન ન હોવાને કારણે એમણે સંન્યસ્ત-દીક્ષા લીધી. એમણે તમિળ અને સંસ્કૃતનું સારું અધ્યયન કરેલું. એમણે અનેક કાવ્યગ્રંથો રચ્યા છે. તેમાં મુખ્ય છે ‘પરાપરવકણ્ણિ’, ‘પૈગિળિવકણ્ણિ;’ ‘એણ્ણલકણ્ણિ’ તથા ‘આનંદકળિપ્પુ’. એમની કૃતિઓમાં શૈવસિદ્ધાંતોની લોકગ્રાહ્ય ભાષામાં રજૂઆત છે. એમણે અનેક શિવક્ષેત્રોમાં ભ્રમણ કર્યું હતું અને વિભિન્ન શૈવકેન્દ્રોનું માહાત્મ્ય સમજાવતાં શિવભક્તિનાં ભાવપ્રધાન ગીતો રચ્યાં હતાં,  અન્ય પંથો તરફ પણ એમને આદરભાવ હતો અને એમણે સર્વધર્મસમભાવનો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો, જે ‘સમય-સમરસમ્’ નામથી ઓળખાય છે. એ દાર્શનિક ર્દષ્ટિએ અદ્વૈતવાદી હતા અને જીવાત્માના શિવમાં વિલીન થવા વિશે એમણે અનેક પદો રચ્યાં છે. એમની રચનાઓમાં સંસ્કૃત શબ્દોનો પ્રચુર માત્રામાં ઉપયોગ થયો છે.

ચન્દ્રકાન્ત મહેતા