તલ (mole, naevus) : ચામડીમાંના કાળા રંગના દ્રવ્યવાળા કૃષ્ણ-કોષો(melanocytes)ના સમૂહથી બનતો ચામડી પરનો નાનો ડાઘ. તે બે પ્રકારના હોય છે: (અ) વાહિનીરહિત (avascular) અથવા કૃષ્ણકોષી તલ અને (આ) વાહિનીકૃત (vascular). ચામડીમાં કૃષ્ણકોષોના એકઠા થવાથી થતો તલ વાહિનીરહિત તલ હોય છે. સામાન્ય રીતે તેને જ તલ તરીકે ઓળખવામાં આવે છે. તે વ્યક્તિની ઓળખ નિશ્ચિત કરવામાં અને ક્યારેક સૌંદર્યવર્ધક તરીકે પણ ઉપયોગી રહે છે.

કૃષ્ણકોષી રંજકદ્રવ્યતા જન્મજાત અથવા જીવન દરમિયાન પાછળથી ઉદભવતી હોય છે. સામાન્ય રીતે મોટાભાગના તલ 1થી 35 વર્ષની વય સુધીમાં દેખાઈ આવે છે. તે 3 પ્રકારના હોય છે : (1) સંયુગ્મનીય (junctional) તલ, (2) સંયોજિત (compound) તલ અને (3) ત્વચાંત: (intradermal) તલ.

આ ત્રણે પ્રકાર તેમના જુદા જુદા જૈવિક વિકાસ અને વર્ધનની પ્રક્રિયાને આધારે બને છે. સંયુગ્મન તલ આછા છીંકણી રંગના ડાઘા જેવા રંજકબિંદુ (macular) પ્રકારના હોય છે. તે ઊપસેલા હોતા નથી. અધિત્વચામાં કોષોના ઝૂમખા રૂપે જોવા મળે છે. ચામડીના ત્વચાવાળા ભાગમાં ત્વચાંત: તલ વિકસે છે. તે માંસના રંગના કે છીંકણી રંગની ફોલ્લીઓ(papules) રૂપે જોવા મળે છે. ક્યારેક પ્રદંડ (stalk) વગરની વર્ધનગાંઠ જેવા પણ દેખાય છે. સંયુગ્મન અને ત્વચાંત: તલના સંયુક્ત રૂપને સંયોજિત તલ કહે છે. સંયોજિત તલના જોડાણવાળો ભાગ ચપટો હોય છે.અને સાથે સાથે લીસી કે કરકરી છીંકણી રંગની ફોલ્લીઓ હોય છે. સામાન્ય રીતે તે મોટાં બાળકો અને યુવાનોમાં સંયુગ્મન તલમાંથી વિકસેલા હોય છે.

તલના રંગ અને આકાર વિવિધ હોય છે; છતાં તે સામાન્ય રીતે એકસરખા રંગના, એકસરખા વિકાસ અને રચનાવાળા તથા 6 મિમી.થી નાના હોય છે. ઘણી વખત તેનો રંગ ગાઢો થાય છે તથા તેમાં ખૂજલી આવે છે. સગર્ભાવસ્થામાં ક્યારેક નવા તલ બને છે. જે તલ પર ખૂજલી આવે, તેનું કદ વધે, તેના પર વાળ હોય તેવા તલનું ગંભીરતાથી ધ્યાન આપવામાં આવે છે; કેમ કે તેમાંથી ક્યારેક કૃષ્ણકોષી કૅન્સર (malignant melanoma) ઉદભવે છે. કૃષ્ણકોષી તલ તથા કૃષ્ણકોષી કૅન્સર આંખની અંદર પણ જોવા મળે છે.

વાહિનીકૃત તલ : ક્યારેક કેશવાહિનીઓની ગાઢી જાળી પણ ચામડી પરના નાના નાના ડાઘા રૂપે દેખાય છે. તે પણ તલનો એક પ્રકાર છે. તે સુસ્પષ્ટ આકારના, લાલ કે જાંબુડી રંગના હોય છે. તેમને કેશવાહિની અર્બુદતા (capillary angiomata) કહે છે. તેમાં કેશવાહિનીઓના અંતશ્ચ્છદ(endothelium)ના કોષો છૂટા છૂટા પરંતુ એકથી વધુ હરોળમાં ગોઠવાયેલા હોય છે. તેમની વચ્ચે પોલાણ રહે છે. આ ઉપરાંત તેમાં શ્વેત તંતુલિકાઓ (collagen) પણ હોય છે. તેમને કોઈ સંપુટ (capsule) હોતો નથી. ક્યારેક તે ઘણા હોય ત્યારે તે દારૂના રંગના ગંદા ડાઘ(portwine-stain) જેવા દેખાય છે. યકૃત(liver)ના વિકારોમાં ઇસ્ટ્રોજન નામના અંત:સ્રાવ(hormone)નો ચયાપચય (metabolism) બદલાય છે, અને તેથી ચામડીમાંની ધમનિકા (arteriole) નામની નાની ધમનીઓ પહોળી થાય છે અને તેથી તેમને ગોળ ફરતી પૈડાની અરીઓ જેવી કેશવાહિનીઓ જાણે એક નાના કરોળિયા જેવો દેખાવ કરે છે. તેને કરોળિયાતલ (spider naevus) કહે છે.

ચામડીનો ઊભો છેદ તથા તલના પ્રકારો
(અ) સામાન્ય ચામડી, (આ) કૃષ્ણકોષ – બે જુદી જુદી અભિરંજનપદ્ધતિ પ્રમાણે, (ઇ) લાખુ, (ઈ) સંયુગ્મન તલ, (ઉ) સંયોજિત તલ, (ઊ) ત્વચાંત: તલ, (એ) નીલ તલ. નોંધ : (1) ત્વચા (dermis), (2) અધિત્વચા (epidermis), (3) કૃષ્ણકોષ, (4) કૃષ્ણકોષની સળંગ હાર, (5) અધિત્વચામાં કૃષ્ણકોષનાં ઝૂમખાં, (6) અધિત્વચા અને ત્વચામાં કૃષ્ણકોષનાં ઝૂમખાં, (7) ફક્ત ત્વચામાં કૃષ્ણકોષનાં ઝૂમખાં, (8) વિશેષ પ્રકારના કૃષ્ણકોષો –ત્વચામાં.

પ્રકીર્ણ પ્રકારો : ચામડી પરના રંગના ફિક્કા કે ગાઢા છીંકણી કે કાળા રંગના મોટા ડાઘાને લાખું(lentigo) કહે છે. તેને સંયુગ્મન તલથી અલગ તારવવું અઘરું છે. સૂક્ષ્મપેશીપરીક્ષણ(histo-pathology examination)માં સૂક્ષ્મદર્શક વડે તપાસતાં જણાય છે કે લાખું હોય તો કૃષ્ણકોષોનો ભરાવો સળંગ હોય છે. જ્યારે સંયુગ્મન તલમાં છૂટો છૂટો(focal) હોય છે. મોટા, વધુ સંખ્યામાં ઉદભવતા, ચપટા અને અનિયમિત કિનારીવાળા તલને દુર્વિકસિત (dysplatic) તલ કહે છે. તેમાં કૃષ્ણકોષી કૅન્સર થવાનો ભય વધે છે. તે કૌટુંબિક વિકાર છે અને તેથી તેને ક્યારેક બી-કે તલ-સંલક્ષણ (B-K mole syndrome) અથવા કૌટુંબિક અનાદર્શ અનેક-તલ કૃષ્ણકોષી અર્બુદ-સંલક્ષણ (familial atypical multiple mole melanoma syndrome) કહે છે. ચામડીના અંદરના વિસ્તારમાં ભૂરા રંગનું દ્રવ્ય ઉત્પન્ન કરતાં કૃષ્ણકોષોના સમૂહો નીલ અથવા ભૂરા તલ બનાવે છે. તેમાં કૅન્સર થતું નથી જે તલ કે ગાંઠમાં સંયુગ્મન તલ અને નીલ તલ બંને હોય તેમને સંયુક્ત તલ કહે છે.

શિલીન નં. શુક્લ

દીપા ભટ્ટ