તર્કરત્ન રામનારાયણ

January, 2014

તર્કરત્ન રામનારાયણ (જ. 1822; અ. 1886) : બંગાળી નાટ્યકાર. ઓગણીસમી સદીમાં બંગાળી નાટકને તેમણે નવી દિશા દાખવી. તેમણે કૉલકાતાની સરકારી સંસ્કૃત કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ લીધું હતું અને કૉલેજમાં ભણતા હતા ત્યારે જ નાટકો લખવાની અને ભજવવાની શરૂઆત કરેલી. એમની પહેલી કૃતિ ‘રત્નાવલિ’ સંસ્કૃત નાટકનું રૂપાંતર હતું. એ લખાયેલું તો 1854માં પણ પહેલી વાર ભજવાયું પાઈકપાડા રાજાઓના ઉદ્યાનગૃહમાં 1858ના જુલાઈ માસમાં. પ્રથમ પ્રયોગથી જ તે નાટક લોકપ્રિય થયું અને વર્ષો સુધી લગાતાર ભજવાતું રહ્યું. એ સંસ્કૃત નાટકનું રૂપાંતર હોવાથી એમાં સંસ્કૃત નાટ્યશૈલી જળવાઈ રહી છે. એ નાટક સાતમા દશકાના મધ્ય સુધી શેક્સપિયરનાં રૂપાંતરિત અને અનુવાદિત નાટકોની હરીફાઈ હોવા છતાં લોકપ્રિય રહ્યું હતું. તર્કરત્ન રામનારાયણ ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરના શિષ્ય હતા. તે સમયે બંગાળમાં સમાજસુધારાનો પવન  જોરશોરથી ફૂંકાતો હતો અને સમાજસુધારકો સુધારાના પ્રચાર માટે અનેક માધ્યમોનો ઉપયોગ કરતા હતા. એમાં એક વાર છાપામાં કુલીન ગણાતા બ્રાહ્મણોની લગ્નપદ્ધતિના દોષો દર્શાવતું નાટક રચવા માટે 50 રૂપિયાનું પારિતોષિક આપવાની જાહેરાત થઈ. તર્કરત્ને બીડું ઝડપ્યું અને ‘કુલીન કુલ સર્વસ્વ’ નાટકની રચના કરી એ પારિતોષિક જીતી ગયા. કુલીન મનાતા બ્રાહ્મણો સામાજિક ર્દષ્ટિએ કેવા પછાત હતા અને એમના રીતરિવાજ કેવા હાસ્યાસ્પદ હતા તે દર્શાવતું એ પ્રહસન છે. એ નાટકમાં વચ્ચે વચ્ચે ગીતો આવે છે, જે લોકપ્રિય થયેલાં. એ રંગભૂમિ પર સફળ થયું હતું.

1866માં એમના બીજા નાટક ‘નવનાટક’માં એમનો કુશળ નાટ્યકાર તરીકેનો પરિચય થાય છે. એ દેવેન્દ્રનાથ ઠાકુરના ભત્રીજાઓ દ્વારા સંચાલિત વ્યક્તિગત રંગમંચ પર ભજવવા માટે રચાયું હતું અને ઠાકુર કુટુંબના પૈતૃક ઘરમાં એ સફળતાપૂર્વક ભજવાયું હતું. એ કરુણાન્ત નાટક છે. તેની પર તે સમયના બંગાળના દીનબંધુ મિત્રના ખૂબ જ લોકપ્રિય નાટક ‘નીલ દર્પણ’નો પ્રભાવ સ્પષ્ટ રીતે વર્તાય છે. કથાવસ્તુ સામાન્ય છે. એક ધનવાન જમીનદારની સૌથી નાની અને માનીતી પત્ની, એની સૌથી મોટી પત્ની તથા પુત્ર પર પારાવાર જુલમ ગુજારે છે. કહેવાય છે કે એ નાટક જોઈને પ્રેક્ષકો ચોધાર આંસુએ રડતા.

એમણે ચાર સંસ્કૃત નાટકો ‘વેણીસંહાર’ (1858), ‘રત્નાવલિ’ (1858), ‘અભિજ્ઞાનશાકુંતલ’ (1860) અને ‘માલતીમાધવ’નાં બંગાળી રૂપાંતરો કર્યાં છે. એમનું ઘણું વખણાયેલું પ્રહસન ‘ઉભય સંકટ’ (1869) બંગાળનાં અનેક નાનાંમોટાં શહેરોમાં  વારંવાર ભજવાયું હતું. એમાં વહુઘેલા પતિની ઠેકડી ઉડાવી છે અને પ્રેક્ષકોને તે ખડખડાટ હસાવે છે.

એમનાં નાટકો પર સંસ્કૃત નાટ્યશૈલીનો સારો પ્રભાવ છે. એમાં નાંદી – મંગળાચરણ, ઇષ્ટદેવસ્તુતિ ઇત્યાદિ છે. બીજી તરફ સંસ્કૃત નાટકોમાં જેનું દર્શન નિષિદ્ધ છે એવાં મૃત્યુનાં ર્દશ્યો પણ આલેખાયાં છે. નાટકોમાં ભાષા પાત્રાનુસાર છે.

ચન્દ્રકાન્ત મહેતા