તરક્કી-એ-ઉર્દૂ બ્યૂરો

January, 2014

તરક્કી-એ-ઉર્દૂ બ્યૂરો : ઉર્દૂ ભાષા–સાહિત્યના વિકાસ માટેની સંસ્થા. ઉર્દૂ ભાષાના સર્વાંગી વિકાસ અને પ્રસારણ માટે માનવ-સંસાધન મંત્રાલયે પહેલા ‘તરક્કી-એ-ઉર્દૂ બૉર્ડ’ અને પાછળથી ‘તરક્કી-એ-ઉર્દૂ બ્યૂરો’ની સ્થાપના કરી છે. તે ઉર્દૂ ભાષા માટે વ્યાપક, વિસ્તૃત અને નક્કર કાર્યક્રમોનું આયોજન કરે છે. ઉર્દૂ જ્ઞાનકોશ, બૃહત શબ્દકોશ, વૈજ્ઞાનિક અને ટૅકનિકલ વિદ્યાઓને લગતા સંજ્ઞાકોશ તેમજ પૂરક પુસ્તકો, આધુનિક સંદર્ભમાં જ્ઞાન-વિજ્ઞાનને લગતા સંશોધનાત્મક ગ્રંથો ઉપરાંત પાઠસંપાદન, બાળસાહિત્ય શિષ્ટ ઉર્દૂ સાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, ભાષાવિજ્ઞાન, કાનૂન, વૈદક, ભૌતિકશાસ્ત્ર, વનસ્પતિ-શાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ખેતી, ઇજનેરી, જીવશાસ્ત્ર, પત્રકારત્વ, ગણિતશાસ્ત્ર વગેરે વિષયો ઉપરનાં પ્રમાણભૂત પુસ્તકો તૈયાર કરાવવાં કે અનુવાદ કરાવવાં અને તેમનાં પ્રકાશનો હાથ ધરવાની પ્રવૃત્તિઓ કરવી તે આ બ્યૂરોનું કાર્યક્ષેત્ર છે. આ સંદર્ભમાં જે તે વિષયોના તજ્જ્ઞો અને વિદ્વાનોના પરામર્શન અને માર્ગદર્શન અનુસાર તરક્કી-એ-ઉર્દૂ બ્યૂરો પોતાના કાર્યક્રમ ઘડે છે, જેથી કરીને ઉર્દૂ ભાષા પોતાના સાંસ્કૃતિક અભિગમ સાથે ભારતની અને વિશ્વની અન્ય ભાષાઓની સાથે સાંગોપાંગ તરક્કી કરી શકે ! અત્યાર સુધીમાં જુદા જુદા વિષયોને આવરી લેતાં પાંચસો કરતાં વધુ પુસ્તકો બ્યૂરો તરફથી પ્રસિદ્ધ થયાં છે. દિલ્હીમાં આવેલ તેના દફતરમાં આ ઉપરાંત અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે ઉર્દૂ સુલેખન, કમ્પ્યૂટર ભાષાશિક્ષણ, અનુવાદશાસ્ત્ર વગેરેના વર્ગો ચલાવવામાં આવે છે તેમજ અન્ય સ્થળે આવા વર્ગો ચલાવવા અનુદાન આપવામાં આવે છે.

અરબી, ફારસી, ઉર્દૂ ભાષાની પ્રાચીન હસ્તપ્રતોની સૂચિઓ અને સૂચિપત્રો તૈયાર કરવા માટે પણ મદદ આપવામાં આવે છે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા