તમિળ ભાષા અને સાહિત્ય

January, 2014

તમિળ ભાષા અને સાહિત્ય

દ્રવિડ ભાષાઓમાં સૌથી પ્રાચીન અને સર્વાધિક પ્રસિદ્ધ ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. સંસ્કૃત, હિબ્રૂ, પહેલવી, ગ્રીક, લૅટિન વગેરે ભાષાઓની જેમ પ્રાચીન હોવા છતાં આજે પણ તમિળ વિકાસશીલ અને આધુનિક ભાવો તથા વિચારોની અભિવ્યક્તિની ક્ષમતા ધરાવે છે.

તમિળ ભાષા તમિળનાડુ તથા ઉત્તરપૂર્વ લંકામાં બોલાય છે. આ પ્રદેશોથી દક્ષિણમાં – પૂર્વ આફ્રિકા, બર્મા, મલાયા અને દૂર પૂર્વના દેશોમાં ગયેલા લોકોની ભાષા પણ આ જ છે.

તમિળ ભાષાનાં બે રૂપ છે : શેન્તમિળ અને કોડુન્તમિળ. તમિળભાષાના સાહિત્યિક રૂપને શેન્તમિળ અને બોલચાલના રૂપને કોડુન્તમિળ કહે છે. ઈ. સ. પૂ.થી તમિળનાડુમાં પ્રચલિત તમિળ ભાષામાં સમયે સમયે અનેક પરિવર્તન થતાં રહ્યાં છે. પ્રાચીન કાળમાં પ્રયુક્ત કેટલાક શબ્દો આજે આ ભાષામાંથી નીકળી ગયા છે અને રાજનૈતિક, સામાજિક, આર્થિક કારણોને લીધે સંસ્કૃત, અંગ્રેજી, પોર્ટુગીઝ, ઉર્દૂ વગેરે અન્ય ભાષાઓના કેટલાક શબ્દનો આ ભાષામાં સમાવેશ થઈ ગયો છે.

તમિળ ભાષાની જેમ તમિળ લિપિ પણ ખૂબ પ્રાચીન છે. તમિળનાડુમાં બે લિપિઓનો પ્રચાર છે. વટ્ટ એળુત્તુ અને ગ્રંથમ્. ‘વટ્ટ એળુત્તુ’નો શાબ્દિક અર્થ ‘ગોળ અક્ષર’ થાય છે. ‘વેટ્ટ’ શબ્દનો અર્થ ‘ખોદવું’ થાય છે. પ્રાચીન કાળમાં યુગની મુખ્ય ઘટનાઓને પથ્થર ઉપર કોતરાવીને લખવામાં આવતી હતી. પથ્થર ઉપર કોતરવામાં સુવિધા રહે તે માટે પ્રાય: અક્ષરોને ગોળ કરવામાં આવતા હતા. આથી જ આ લિપિનું નામ ‘વટ્ટ એળુત્તુ’ પડ્યું. તમિળ પ્રાન્તમાં  આર્ય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાનો પ્રચાર થવાથી સંસ્કૃત લખવા માટે બ્રાહ્મણો દ્વારા ગ્રંથમ્ લિપિનો પ્રચાર કરવામાં આવ્યો. આની લિપિ પણ તમિળ લિપિ છે, પરંતુ તમિળ સિવાય અન્ય ધ્વનિઓને માટે તેમાં કેટલાંક નવાં ધ્વનિચિહન પણ મળી આવે છે.

તમિળ સંસ્કૃતની જેમ પ્રાચીન ભાષા છે; સંસ્કૃતના પાણિનિ વ્યાકરણની જેમ પ્રસિદ્ધ તમિળ વ્યાકરણ ‘તોલકાપ્પિયમ્’ના યુગમાં તમિળ સાહિત્યના ઇતિહાસનાં આદિ સૂત્ર મળે છે. તેનો રચનાકાળ ઈ. સ. પૂ. એક હજાર વર્ષનો છે. તેના રચયિતા તોલકાપ્પિયરે કહ્યું છે કે તે આદિ વૈયાકરણ નથી. આથી સિદ્ધ થાય છે કે ભાષાનો ભૂતકાળ અત્યંત સમૃદ્ધ રહ્યો છે. તમિળ સાહિત્યની સુદીર્ઘ પરંપરાને છ કાળખંડોમાં વિભાજિત કરી શકાય :

(1) સંઘમ્ કાળ : ઈ. સ. પૂ. 500થી ઈ. સ.ની પહેલી શતાબ્દી સુધી.

(2) સંઘમોત્તર કાળ : ઈ. સ.ની પહેલી સદીથી છઠ્ઠી સદી સુધી.

(3) ભક્તિકાળ : ઈ. સ.ની છઠ્ઠીથી નવમી સદી સુધી.

(4) સાહિત્યિક પુનરુત્થાન કાળ : ઈ. સ.ની નવમીથી ચૌદમી સદી.

(5) મઠો અને ધાર્મિક સંસ્થાઓનો કાળ : ઈ. સ.ની ચૌદમી સદીથી સત્તરમી સદી સુધી.

(6) આધુનિક કાળ : સત્તરમી સદીથી આજ સુધી.

સંઘમકાળ : તમિળનું પ્રાચીનતમ ઉપલબ્ધ સાહિત્ય ‘સંઘસાહિત્ય’ કહેવાય છે. તમિળ પુરાણોના અધ્યયનથી જણાય છે કે પ્રાચીન કાળમાં તમિળ સાહિત્યની અભિવૃદ્ધિ માટે પાંડિય રાજાઓએ વિદ્વાનોની એક મંડળી તૈયાર કરી હતી. તેને સંઘમ્ તરીકે ઓળખતા. તમિળ વિદ્વાનોના કહેવા  અનુસાર સમયે સમયે આ પ્રકારની ત્રણ મંડળીઓ રચાયેલી. તેને ક્રમશ: પ્રથમ, દ્વિતીય અને તૃતીય સંઘમ્ કહેવાય છે.

પ્રથમ અને દ્વિતીય સંઘમનું અધિકાંશ સાહિત્ય સમુદ્રનાં તોફાનોમાં લુપ્ત થઈ ગયું.  દ્વિતીય સંઘમ્ કાળની એકમાત્ર ઉપલબ્ધ રચના ‘તોલકાપ્પિયમ્’ના અધ્યયનથી જણાય છે કે આ ગ્રંથની રચના પૂર્વે તમિળમાં એક સુર્દઢ સાહિત્યિક પરંપરા વિદ્યમાન હતી; કારણ કે તેના રચયિતા તોલકાપ્પિયરે વિભિન્ન પ્રસિદ્ધ લેખકોની રચનાઓને આધારે વિવિધ કાવ્યપ્રકારોના  રચનાનિયમોનો ઉલ્લેખ કર્યો છે.

‘તોલકાપ્પિયમ્’ નામના વ્યાકરણગ્રંથમાં  1276 સૂત્રો  છે. એના  ત્રણ ભાગ છે : એળુત્તદિકારમ્ (વર્ણવિચાર), શોલ્લદિકારમ્ (શબ્દવિચાર) અને પોરુળદિકારમ્ (અર્થવિચાર). એળુત્તદિકારમ્માં વિભિન્ન વર્ણો, તેનો પ્રયોગ કરવાની વિધિ,  ધ્વનિભેદ અને તેની વિશેષતાઓ ઉપર વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો છે. શબ્દોનું વર્ગીકરણ કરતાં તોલકાપ્પિયરે તેના ચાર પ્રકારો : (1) ઇયલ શોલ (મૂળ શબ્દ), (2) તિરિ શોલ (તદભવ શબ્દ), (3) વડ શોલ (સંસ્કૃત શબ્દ) અને (4) દિશૈ શોલ(અન્ય ભાષાઓના શબ્દ)નો ઉલ્લેખ કર્યો છે. શોલ્લદિકારમ્ નામના બીજા ભાગમાં શબ્દ, રૂપ, વાક્યરચના વગેરેનું વિશદ વિવેચન મળે છે. પોરુળદિકારમમાં વિભિન્ન કાવ્ય-રૂઢિઓ, અલંકાર, છંદ વગેરે કાવ્યાંગો અને તેમના પ્રયોગ પર વિચાર કરાયો છે. આ વિભાગમાં તત્કાલીન રાજનૈતિક, સામાજિક, ધાર્મિક પરિસ્થિતિઓનું વિશદ વિવેચન પણ જોવા મળે છે.

તોલકાપ્પિયરે સાહિત્યને ત્રણ વર્ગોમાં વિભાજિત કર્યું છે : ઇયલ (કાવ્ય), ઈશૈ (સંગીત) અને નાડગમ્ (નાટક). ‘તોલકાપ્પિયમ્’માં ઇયલ (કાવ્ય) ઉપર જ વિસ્તૃત વિવેચન પ્રાપ્ત થાય છે. આ વ્યાકરણગ્રંથ આજે તેના પૂર્ણ રૂપમાં ઉપલબ્ધ છે. તેના પર અનેકાનેક ટીકાઓ લખાઈ ચૂકી છે.

ત્રીજો સંઘમયુગ જ વસ્તુત: આજે સંઘમ્ કાળના નામથી વિખ્યાત છે. આ સંઘમ્નું કેન્દ્ર વર્તમાન મદુરા હતું. તમિળના પ્રાચીનતમ ઉપલબ્ધ કાવ્યગ્રંથ આ જ કાળમાં રચાયેલા છે. ‘એટ્ટુત્તોગૈ’, ‘પત્તુપ્પાટ્ટુ’ અને ‘પદિનેણ કીળ કણક્કુ’માંથી અધિકાંશની રચના આ કાળમાં થઈ. ‘એટ્ટુત્તોગૈ’ વિભિન્ન કવિઓનાં ગીતોના આઠ સંગ્રહો છે. આ સંગ્રહોનાં નામ ‘નટ્રિણૈ’, ‘કુરુન્તોગૈ’, ‘અકનાનૂરુ’, ‘એંકુરુનૂરુ’, ‘કલિત્તોગૈ’, ‘પુરનાનૂરુ’, ‘પરિપાડલ’ અને ‘પદિટ્રુપ્પત્તુ’ છે.

‘પત્તુપ્પાટુ’નો અર્થ દશ કાવ્યોનો સંગ્રહ એવો થાય છે. આ દશ કાવ્યોના રચયિતા આઠ કવિઓ છે. વિભિન્ન કાવ્યસંગ્રહો અને તેના રચયિતાઓનાં નામ ક્રમશ: આ પ્રમાણે છે : તિરુમુરુકાટરુપ્પડૈ, નેડુનલવાડૈ (નક્કીરર), પોરુનરાટરુપ્પડૈ (મુડત્તામક્કણ્ણિયાર), શિરુપાણાટરુપ્પડૈ (નત્તત્તનાર), પેરુમપાણાટરુપ્પડૈ (રુત્તિરંકણ્ણનાર), મલૈપડુકડામ (પેરુમકૌશિકનાર), મદુરૈક્કાંજિ (માંગુડિ મરુદનાર), મુલ્લૈ પાટ્ટુ (નપ્પૂદનાર), કુરિંજિપ્પાટ્ટુ (કપિલર્) અને પટ્ટિનપાલૈ (રુત્તિરંકણ્ણનાર).

સંઘસાહિત્યને મુખ્યત: બે ભાગોમાં વહેંચી શકાય : અકમ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ સાહિત્યમાં પ્રેમ, તેની વિભિન્ન અવસ્થા, વિવાહ-પદ્ધતિ વગેરે અર્થાત્ માનવજીવનની આંતરિક બાબતોનું  વિવેચન મળે છે અને પુરમ્ સાહિત્યમાં યુદ્ધ, શાસન, રાજનીતિ, વિભિન્ન શાસકો અને તેમનાં ચરિત્રો, તેમની  વીરતા, દાનશીલતા વગેરે જીવનની બાહ્ય બાબતોનું વિવેચન મળે છે. ઉપર જણાવેલ ‘એટ્ટુત્તોગૈ’માં પ્રથમ પાંચનો સંબંધ અકમ સાહિત્ય સાથે તથા બાકીના ત્રણનો  પુરમ્ સાહિત્ય સાથે છે. ‘પત્તુપ્પાટ્ટુ’માં પ્રથમ સાત ગ્રંથ પુરમ્ સાહિત્યના તથા બાકીના ત્રણ અકમ સાહિત્યના છે.

‘પદિનેણ કીળ કણક્કુ’(અઢાર ગૌણ કૃતિઓ)માંથી કેટલીકની રચના સંઘમ્ યુગના અંતિમ ભાગમાં અને કેટલીકની સંઘમોત્તર યુગમાં થઈ છે. પરંતુ તેને સંઘસાહિત્યમાં જ ગણવામાં આવે છે.

‘પદિનેણ કીળ કણક્કુ’માં ‘તિરુક્કુરળ’ મુખ્ય છે. તેના રચયિતા સંત તિરુવળ્ળુવર છે. તેમના જીવન વિશે તમિળનાડુમાં અનેક દંતકથાઓ પ્રચલિત  છે. કહેવાય છે કે તેમણે મદ્રાસ(ચેન્નાઈ)માં આવેલ મયિલાપુર અને મદુરામાં વણકરનું કાર્ય કરતાં કરતાં પોતાનું જીવન વ્યતીત કર્યું હતું. હિંદુ, જૈન, બૌદ્ધ વગેરે વિવિધ ધર્મોના ગ્રંથોના અધ્યયનથી તેમની વિચારધારા ઉદાર થઈ હતી. તિરુવળ્ળુવરની પ્રશંસા તેમના સમકાલીન અને પરવર્તી અનેક કવિઓએ કરી છે. તમિળના અનેક પ્રસિદ્ધ કવિઓએ ‘તિરુક્કુરળ’નાં પદો અથવા ભાવોનો પોતાની કૃતિમાં સમાવેશ કર્યો છે. તિરુવળ્ળુવરની કીર્તિને આધારે ‘તિરુક્કુરળ’ને તમિળ સાહિત્યની  સર્વોત્કૃષ્ટ કૃતિઓમાં અને વિશ્વની નીતિવિષયક સર્વોત્તમ કૃતિઓમાં ગણવામાં આવે છે. સંસ્કૃતપ્રેમીઓની ર્દષ્ટિમાં જે સ્થાન અને મૂલ્ય ભગવદગીતાનું છે તે જ તમિળપ્રેમીઓની ર્દષ્ટિમાં તિરુક્કુરળનું છે. આથી જ એને ‘તમિળ વેદ’ પણ કહેવાય છે.

‘તિરુક્કુરળ’ શબ્દ ‘તિરુ’ અને ‘કુરળ’ એ બે શબ્દોના મળવાથી થયેલ  છે. ‘તિરુ’ આદરસૂચક ઉપસર્ગ છે. ‘કુરળ’નો શાબ્દિક અર્થ ‘નાનું’ એમ થાય છે. આ ગ્રંથ વેણ્બા છંદના લઘુ રૂપ કુરળ વેણ્બામાં રચાયો છે. આમાં દોઢ પંક્તિ હોય છે. આ ગ્રંથમાં નીતિવિષયક 330 દોહા સંગૃહીત છે. તેના ત્રણ વિભાગ છે : અરત્તુપ્પાલ (ધર્મવિભાગ). પોરુટ્પાલ (અર્થવિભાગ) અને કામત્તુપ્પાલ (કામવિભાગ). ધર્મવિભાગના આરંભમાં ઈશ્વરસ્તુતિ પછી ગૃહસ્થ અને સંન્યાસધર્મનું નિરૂપણ થયું છે. એક અધ્યાયમાં કર્મસિદ્ધાંતની વિવેચના છે અને પરોક્ષ રૂપે મોક્ષની માહિતી પણ અપાઈ છે. અર્થવિભાગમાં રાજા, રાજ્યશાસન, સેના-સંચાલન, મંત્રીનું કર્તવ્ય, રાજનીતિનાં વિભિન્ન અંગો તથા રાજા-પ્રજાનાં કર્તવ્યોનું વિશદ વિવેચન છે. કામવિભાગમાં પૂર્વરાગ, ગુપ્તપ્રેમ, સંયોગ અને વિયોગ – એમ શૃંગારનું વિસ્તૃત વર્ણન છે. આ રીતે લેખક આ ગ્રંથમાં વ્યક્તિના સામાજિક, વૈયક્તિક અને પારિવારિક જીવનના આદર્શોને વ્યક્ત કરવામાં સફળ થયા છે.

તિરુક્કુરળના વિભિન્ન કુરળોમાં શબ્દ-સૌંદર્ય અને ભાવગાંભીર્યનો અદભુત સમન્વય છે. તેના ભાવસૌંદર્યથી પ્રભાવિત થઈ દેશવિદેશના વિદ્વાનોએ પોતપોતાની ભાષામાં તેનો અનુવાદ કર્યો છે.

આ વર્ગની અન્ય રચનાઓ ‘નાલડિયાર’, ‘નાન્મણિક્કડિકૈ,’, ‘ઇનિયવૈ નારપદુ’, ‘ઇન્નાનારપદુ’, ‘કાર નારપદુ,’ ‘કળવળિ નારપદુ’ ‘એંતિણૈ ઐંબદુ’, ‘તિણૈમોળિ ઐંબદુ’, ‘ઐંતિણૈ એળુબદુ’, ‘તિણૈમાલૈ નૂટ્રૈમ્બદુ’, ‘તિરિકડુકમ્’, ‘આચારક્કોવૈ’, ‘પળમોળિ’, ‘શિરુપંચમૂલમ્’, ‘કૈન્નિલૈ’, ‘મુદુમોળિક્કાંજિ’ અને ‘એલાદિ’ છે. આમાં ઘણાખરા નીતિગ્રંથો છે. આ જ સમયમાં તિરુવળ્ળુવરની બહેન તરીકે ઓળખાતી અવ્વૈયાર નામની કવયિત્રીએ ‘આત્રિશૂડિ’, ‘કોન્રૈવેન્દન’, ‘મદુ રૈ’ વગેરે કૃતિઓની રચના કરી હતી.

સંઘમોત્તર કાળ : આ કાળમાં તમિળ પ્રાંતમાં જૈન અને બૌદ્ધ ધર્મોનું પ્રાબલ્ય હતું. જૈનો અને બૌદ્ધોએ પોતાના મતનો પ્રચાર કરવા માટે જનતાની ભાષા તમિળને અપનાવી અને અનેક સાહિત્યિક ગ્રંથોની રચના કરી. આ કાળમાં રચાયેલી કૃતિઓમાં મુખ્ય પાંચ મહાકાવ્ય છે : ‘શિલપ્પદિકારમ્’, ‘મણિમેખલૈ’, ‘જીવગ ચિન્તામણિ’, ‘કુણ્ડલકેશી’ અને ‘વળયાપતિ’ તેમજ પાંચ લઘુકાવ્ય : ‘શૂળામણિ’, ‘યશોધર કાવિયમ્’, ‘ઉદયન કુમાર કાવિયમ્’, ‘નાગકુમાર કાવિયમ્’ અને ‘નીલકેશી’ છે.

‘શિલપ્પદિકારમ્’ના રચયિતા ઇળંગોવડિગળ છે. તમિળનું આ પ્રથમ મહાકાવ્ય ગણાય છે. તમિળમાં ‘શિલમ્બુ’નો અર્થ ‘નૂપુર’  છે. આ મહાકાવ્યનું સંપૂર્ણ કથાનક નૂપુરની ચારે બાજુ ફરે છે. આથી જ તે ‘શિલપ્પદિકારમ્’ (નૂપુરની કથા) કહેવાય છે. આ મહાકાવ્યનાં નાયક-નાયિકા કોવળન અને કણ્ણકિ છે. આની કથા ત્રણ કાંડમાં વિભાજિત છે : પુહારકાંડમ્, મદુરૈકાંડમ્ અને વેજિકાંડમ્. તેમાં ક્રમશ: ચોળ, પાણ્ડિય અને ચેર રાજ્ય સંબંધી વિસ્તૃત વર્ણન પ્રાપ્ત થાય છે. તમિળ વિદ્વાનો દ્વારા માન્ય સાહિત્યના ત્રણ અંગો ઇયલ (કાવ્ય), ઇશૈ (સંગીત) અને નાડગમ્ (નાટક) આ મહાકાવ્યમાં પ્રાપ્ત થાય છે. આની શૈલી પ્રવાહી છે. ભાષા અત્યંત સરળ, સરસ અને શિષ્ટ છે. ઇળંગોવડિગળે આ મહાકાવ્યમાં તત્કાલીન સમાજની રાજનૈતિક, સામાજિક અને ધાર્મિક અવસ્થાનું સજીવ ચિત્રણ કર્યું છે. સમાજમાં  પ્રચલિત વિભિન્ન નૃત્યો અને વ્યવસાયોનો પરિચય આપ્યો છે. જૈનધર્મી ઇળંગોએ વિભિન્ન ધર્મો પ્રત્યે સદભાવ વ્યક્ત કર્યો છે.

‘મણિમેખલૈ’ના રચયિતા ચાત્તનાર હતા, જે તૃતીય સંઘના મુખ્ય અને પ્રતિભાશાળી કવિ હતા. ચાત્તનાર બૌદ્ધ મતાનુયાયી હતા. પોતાના મતના પ્રચારને માટે તેમણે આ મહાકાવ્યની રચના કરી હતી. આની નાયિકા ‘મણિમેખલૈ’ ‘શિલપ્પદિકારમ્’ના નાયક કોવળન અને એક વેશ્યા નારી માધવીની પુત્રી હતી. ‘શિલપ્પદિકારમ્’ અને ‘મણિમેખલૈ’ની કથામાં આ સમાન પ્રવાહિતા જોઈને વિદ્વાનોએ તેમને જોડિયાં મહાકાવ્ય કહ્યાં છે.

‘મણિમેખલૈ’ મહાકાવ્યમાં 30 સર્ગ છે. આની કથા  બહુ વ્યવસ્થિત નથી, છતાં આ કૃતિ ચાત્તનારની ભાષાની અદભુત અભિવ્યંજનાશક્તિ, કવિત્વશક્તિ અને ઉત્તમ પ્રતિભાનો પરિચય કરાવે છે. ‘મણિમેખલૈ’માં વિભિન્ન ધર્મો  અને દર્શનોની ચર્ચા છે તેથી ધર્મશાસ્ત્રના જિજ્ઞાસુઓની ર્દષ્ટિમાં તેનું મહત્વ વધારે છે. ‘શિલપ્પદિકારમ્’ની જેમ આ મહાકાવ્યમાં પણ તત્કાલીન સમાજનું સજીવ ચિત્રણ છે. ઇતિહાસજ્ઞોને તેમાં અનેક ઐતિહાસિક તથ્ય મળે છે. આ કાવ્ય સાહિત્યરસિકોને પણ સંતોષ આપે છે કારણ કે ચાત્તનાર કેવળ જ્ઞાની જ નહિ બલકે રસસિદ્ધ કવિ પણ હતા.

‘જીવગ ચિન્તામણિ’ના રચયિતા તિરુતક્કદેવર હતા. આનું કથાવસ્તુ જોકે સંસ્કૃતમાંથી લીધેલું છે, પરંતુ કવિએ પોતાની કલ્પના અને પ્રતિભાના બળ વડે તેને સર્વથા નવીન રૂપમાં પ્રસ્તુત કરેલ છે. તેમાં તત્કાલીન તમિળ સમાજની રાજનૈતિક, સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિઓનું સજીવ ચિત્ર પ્રાપ્ત થાય છે. તેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – એ ચાર પુરુષાર્થનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે.

આ મહાકાવ્યમાં 3145 છંદ છે. આમાં નાયક જીવગના જન્મથી માંડીને મોક્ષપ્રાપ્તિ સુધીની કથા વર્ણવી છે. પોતાની ગૌરવયુક્ત ભાષા, ભાવગાંભીર્ય, માનવચરિત્ર અને વિભિન્ન ધાર્મિક મતોની ગંભીર ચર્ચાને કારણે આ ગ્રંથ તમિળ સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

‘કુણ્ડલકેશી’ના રચયિતા નાદકુત્તનાર છે. આ ગ્રંથને ‘કુણ્ડલકેશી વિરુત્તમ’ પણ કહે છે. આનો સંબંધ બૌદ્ધ ધર્મ અને તત્કાલીન સમાજ સાથે છે.

‘વળયાપતિ’નો રચયિતા અજ્ઞાત છે. આ ગ્રંથ પૂર્ણ રૂપમાં અપ્રાપ્ય  છે. વિદ્વાનોના મતાનુસાર આમાં જૈન ધર્મના સિદ્ધાંતોનું વિવેચન છે.

આ યુગમાં રચાયેલાં ‘શૂળામણિ’, ‘યશોધર કાવિયમ્’, ‘ઉદયનકુમાર કાવિયમ્’, ‘નાગકુમાર કાવિયમ્’ અને ‘નીલકેશી’ નામનાં પાંચ લઘુ કાવ્યોનું પણ પોતાનું મહત્વ છે. આ યુગનાં આ દસેય કાવ્યો નવ રસોથી સિક્ત, કલ્પનાથી મંડિત અને વિવિધ અલંકારો વડે અલંકૃત છે.

‘મૃત્તોળ્ળાયિરમ્’, ‘ભારત વેણ્બા’, ‘મેરુમન્દિર પુરાણમ્’ વગેરે કાવ્યગ્રંથો તથા ‘નસુળ,’ ‘યપ્પરુંકલ વિરુત્તિ’, ‘યપ્પરુંકલ કારિકૈ’, ‘વીર ચોળિયમ્’ વગેરે વ્યાકરણગ્રંથોની રચના પણ આ જ યુગમાં થઈ. આ કાવ્યોના રચયિતાઓમાંથી ઘણાખરા જૈન અને બૌદ્ધ મતાનુયાયી હતા.

ભક્તિકાળ : ઈ. સ.ની લગભગ છઠ્ઠી સદી સુધી તમિળ પ્રાંતમાં જૈનો અને બૌદ્ધોનું પ્રાબલ્ય રહ્યું. ધીરે ધીરે આ ધર્માનુયાયીઓ અને તેમના મત ઉપરથી જનતાનો વિશ્વાસ ઊઠી જવા લાગ્યો. આ સમયે તમિળ પ્રદેશમાં શૈવ સંત નાયન્માર અને વૈષ્ણવ ભક્ત આળવારોનો ઉદય થયો. તેઓએ ઠેર ઠેર પોતાના ઉપાસ્ય દેવનાં મંદિર બંધાવ્યાં અને તેમની પ્રશંસા માટે સંખ્યાબંધ સરસ પદોની રચના કરી. આ મધુર પદોના માધ્યમ વડે ઉત્પન્ન થયેલી ભક્તિની પવિત્ર ધારામાં સમગ્ર તમિળ પ્રદેશ ભક્તિમય બની ગયો.

શૈવ સંતોની સંખ્યા 63 છે; જેમાં તિરુશાન સંબંધર, અપ્પર, સુન્દરર અને માણિક્કવાશગર પ્રસિદ્ધ છે.

દક્ષિણના શૈવ સંતોમાં તિરુશાન સંબંધરનું પ્રમુખ સ્થાન છે. કહેવાય છે કે ભગવતીના પ્રભાવથી સંબંધર ભક્તિનાં ગીત ગાવા લાગ્યા. શૈવ અનુશ્રુતિ અનુસાર સોળ વર્ષની ઉંમરે તેમના વિવાહ થયા હતા અને તે પત્ની સહિત પ્રભુમાં લીન થઈ ગયા હતા. સંબંધરનાં વિભિન્ન પદોમાં પ્રકૃતિચિત્ર અને ઈશ્વરની સ્તુતિનું પ્રાધાન્ય છે.

અપ્પરનું બીજું નામ ‘તિરુનાવુક્કરશર’ હતું. તેનો અર્થ થાય છે ‘પવિત્ર વાણીનો રાજા’. વસ્તુત: તેમની વાણીમાં અપાર શક્તિ હતી. તે આરંભમાં જૈન મતાનુયાયી હતા. કાળાન્તરે તેમણે શૈવ મત અપનાવ્યો. તેમણે રચેલી શિવની સ્તુતિનાં પદ ‘તેબારમ્’માં સંગૃહીત છે.

સુન્દરર શિવજીના ભક્ત હતા. તેમની ભક્તિ સખાભાવની ભક્તિ હતી. તેમનાં પદોમાં પ્રકૃતિનાં અનેક સુંદર ચિત્ર પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે તેમના ‘તિરુતોણ્ડર તિરુવન્તાદિ’ના આધારે પછીના સમયમાં શેક્કિયારે ‘પેરિય પુરાણમ્’ની રચના કરી હતી, જેમાં 63 શૈવ સંતોનાં ચરિત્ર મૂકેલાં છે.

દક્ષિણના શૈવ સંતોમાં માણિક્કવાશગરનું અત્યંત મહત્વપૂર્ણ સ્થાન છે. તે કોઈ પાણ્ડિય રાજાના મંત્રી હતા, પરંતુ તેમણે પોતાનું સુખ તજીને શિવજીની ઉપાસનાનો આરંભ કર્યો. જુદાં જુદાં શિવમંદિરોની યાત્રા કરતી વખતે તેમણે ગાયેલાં ભક્તિરસથી ભરપૂર પદો શિવભક્તો માટે અમૂલ્ય ખજાનો છે. તેમની પ્રસિદ્ધ રચનાઓમાં ‘તિરુવાશગમ્’ અને ‘તિરુક્કોવૈયાર’ એ બે છે. ‘તિરુવાશગમ્’, ભક્તિરસપૂર્ણ મધુર પદોનો સંગ્રહ છે. ‘તિરુક્કોવૈયાર’માં 400 રહસ્યવાદી પદ સંગૃહીત છે. આ કૃતિનો મૂળ ઉદ્દેશ લૌકિક પ્રેમ દ્વારા અલૌકિક પ્રેમની અભિવ્યક્તિ કરવાનો છે. તેમની અન્ય એક રચના ‘તિરુવૈમ્પાવૈ’માં દક્ષિણ ભારતમાં પ્રચલિત એક દેવીવ્રત-માર્ગળિ નોન્બુનું વર્ણન છે.

વિભિન્ન શૈવ સંતોનાં ભક્તિરસપૂર્ણ પદોને કાળાન્તરે નમ્બિ આણ્ડાર નમ્બિએ ‘તિરુમુરૈ’ નામથી સંકલિત કર્યાં. ‘તિરુમુરૈ’ની સંખ્યા  12 છે.

આ જ યુગમાં કારૈકાલ અમ્મૈયાર નામની કવયિત્રી થઈ ગઈ. તેમની ભક્તિસભર રચનાઓમાં મુખ્ય ‘કયિલૈતિરુવન્તાદિ’ છે. આ જ અરસામાં તિરુમૂલર નામના એક રહસ્યવાદી સંત કવિ થઈ ગયા. તેમની રચનાઓમાં લૌકિક તેમજ પારલૌકિક જ્ઞાનનું અપૂર્વ મિશ્રણ છે. તિરુમૂલરનો મૂળ ઉદ્દેશ વિશ્વપ્રેમનો પ્રચાર કરવાનો હતો. તેમણે વિવિધ વિષયો ઉપર લગભગ ત્રણ હજાર પદ્યોની રચના કરી છે. તેમની સર્વપ્રસિદ્ધ રચના છે ‘તિરુમન્દિરમ્’ (પવિત્ર મંત્ર).

વૈષ્ણવ ભક્તો(આળવારો)ની સંખ્યા 12 છે. તેમનાં નામ આ પ્રમાણે છે : પોયગૈ આળવાર, ભૂત આળવાર, પેય આળવાર, તિરુમળિશૈ આળવાર, તિરુમંગૈ આળવાર, તોણ્ડરડિપોડિ આળવાર, પેરિય આળવાર, આણ્ડાળ, તિરુપ્પાણ આળવાર, કુલશેખર આળવાર, નમ્માળવાર અને મધુરકવિ આળવાર.

પોયગૈ આળવારનું સંસ્કૃત નામ સરોયોગી છે. તેમની એકમાત્ર રચના ‘મુદર તિરુવન્તાદિ’ છે, જેમાં વિષ્ણુની વિભિન્ન અવતારલીલાઓનું ગાન છે. ભૂત આળવારનું  સંસ્કૃત નામ ભૂતયોગી છે. તેમની રચના ‘ઇરણ્ડામ તિરુવન્તાદિ’માં વિષ્ણુના મહિમાનું ગાન છે. પેય આળવારનું સંસ્કૃત નામ ભ્રાન્તયોગી છે. તેમની એકમાત્ર રચના ‘મૂન્રામ તિરુવન્તાદિ’નાં વિભિન્ન પદોમાં તેમની ભક્તિભાવના વ્યક્ત થઈ છે. તિરુમળિશૈ આળવાર(સંસ્કૃત નામ ભક્તિસાર)ના તપના મહિમા સંબંધી અનેક દંતકથાઓ તમિળ પ્રાંતમાં પ્રચલિત છે. તેમની બે કૃતિઓ છે : ‘તિરુચ્ચન્દવિરુત્તમ્’ અને ‘નાનમુખન તિરુવન્તાદિ’. તિરુમંગૈની છ રચનાઓ : ‘પેરિય તિરુમોળિ’, ‘શિરિય તિરુમડલ’, ‘પેરિય તિરુમડલ’, ‘તિરુવેળુકૂટ્રિરુકૈક’, ‘તિરુક્કુરુન્દાણ્ડકમ્’ અને ‘તિરુનેડુન્દાણ્ડકમ્’. ‘તિરુનેડુન્દાણ્ડકમ્’ને દક્ષિણના વૈષ્ણવ સમાજમાં વેદાંગ કહેવામાં આવે છે. આમાં વૈષ્ણવ ભક્તિ અને દર્શનની સાથે સાથે વિષ્ણુની વિભિન્ન અવતારલીલાઓનું વિશદ વિવેચન છે. તોણ્ડરડિપોડિ આળવારનું સંસ્કૃત નામ ભક્તાંઘ્ર્રિરેણુ છે. તેમની બે રચનાઓ છે : ‘તિરુમાલૈ’ અને ‘તિરુપ્પળ્ળિ એકુચ્ચિ’. ‘તિરુમાલૈ’માં પ્રભુના મહિમાનું વર્ણન છે. મંદિરોમાં ‘પ્રભુજાગરણ’ એ દૈનિક પૂજાનું એક અંગ છે તેનું સુંદર અને સ્વાભાવિક વર્ણન ‘તિરુપ્પળ્ળિ એકુચ્ચિ’માં છે.

પેરિયાળવાર વિષ્ણુભક્ત મુકુન્દ પટ્ટરના પુત્ર હતા. વિષ્ણુને હંમેશાં ચિત્તમાં ધારણ કરવાને લીધે તેમને ‘વિષ્ણુચિત્ત’ નામ આપવામાં આવ્યું હતું. વિષ્ણુના વિભિન્ન અવતારોમાં પેરિયાળવારનું મન તેમના કૃષ્ણાવતારમાં અને તેમાં પણ બાલ્યરૂપમાં વિશેષ હતું. તેમની બે રચનાઓ છે : ‘તિરુપ્પલ્લાણ્ડુ’ અને ‘પેરિયાળવાર તિરુમોળિ’. ‘તિરુપ્પલ્લાણ્ડુ’માં ભગવતપ્રશંસા છે ત્યારે ‘પેરિયાળવાર તિરુમોળિ’માં કૃષ્ણનાં બાલલીલાવિષયક પદ છે.  પેરિયાળવાર તમિળમાં શિશુની ક્રીડાઓનું  વર્ણન કરનારી એક શૈલી ‘પિળ્ળૈતમિળ’ના જન્મદાતા કહેવાય છે. પ્રભુને બાળક માનીને તેના પ્રત્યે મંગલ કામનાઓ અભિવ્યક્ત કરવાને લીધે તેમને પેરિય (મહાન) આળવાર કહ્યા છે.

વૈષ્ણવ ભક્તકવિસમૂહમાં એકમાત્ર સ્ત્રી આણ્ડાળ છે. તેમને પેરિયાળવારની પાલિત પુત્રી તરીકે ઓળખવામાં આવે છે. પેરિયાળવારને આ કન્યા  પોતાના નંદનવનમાં એક તુલસીના ઝાડ નીચે પડેલી મળી હતી તે વાત જાણીતી છે. આણ્ડાળની બે રચનાઓ છે : ‘તિરુપ્પાવૈ’ અને ‘નાચ્ચિયાર તિરુમોળિ’. ‘તિરુપ્પાવૈ’માં  દક્ષિણ ભારતમાં પ્રચલિત દેવીવ્રત માર્ગળિ નોન્બુનું વર્ણન છે. તેમની આ કૃતિને ભારતમાં જ નહિ, અન્ય દેશોમાં પણ પ્રસિદ્ધિ મળી છે. ભગવાન રંગનાથને પતિ માનીને આણ્ડાળે જે સરસ અને મધુર પદોની રચના કરી તે ‘નાચ્ચિયાર તિરુમોળિ’માં સંગૃહીત છે.

તિરુપ્પાણ આળવારનો જન્મ ગાયનવાદન જાણનાર પાનર કુળમાં થયો હતો. તેમની રચના ‘અમલનાદિપિરાન’નાં દસ પદોમાં  વિષ્ણુના નખશિખ સૌન્દર્યનું મનોહારી ચિત્રણ છે. કુલશેખર આળવાર ચેર સમ્રાટ ર્દઢવ્રતના પુત્ર હતા. તમિળ અને સંસ્કૃત ભાષાઓમાં વિદ્વત્તા પ્રાપ્ત કરીને તેમણે આ ભાષાઓમાં ક્રમશ: ‘પેરુમાળ’, ‘તિરુમોળિ’ અને ‘મુકુન્દમાલા’ની રચના કરી હતી.

આળવારોમાં નમ્માળવારનું સ્થાન સર્વોપરી છે. વિભિન્ન વિદ્વાન નમ્માળવારને અવયવી અને અન્ય આળવારોને અવયવ માને છે. નમ્માળવારે ‘તિરુવાયમોળિ’, ‘તિરુવિરુત્તમ્’, ‘તિરુવાશિરિયમ્’ અને ‘પેરિયતિરુવન્તાદિ’ નામની ચાર કૃતિઓની રચના કરી હતી. દક્ષિણના વૈષ્ણવ સમાજમાં આ કૃતિઓ ચતુર્વેદ સમાન સમ્માનિત છે. આમાં વિષ્ણુની અવતારલીલાઓ, પ્રભુસાક્ષાત્કારથી પ્રાપ્ત આનંદ, ભગવદભક્તિમહિમા, ભક્તિની સુલભતા, ઈશ્ર્વરની ભક્તવત્સલતા, પ્રભુના રૂપસૌન્દર્યની અલૌકિકતા વગેરેનું વર્ણન છે.

મધુરકવિ આળવારનો જન્મ તિરુક્કોમૂરના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે ઉત્તર દક્ષિણનાં અનેક તીર્થસ્થાનોમાં ભ્રમણ કર્યું હતું. લોકવાયકા છે કે અયોધ્યામાં નિવાસ દરમિયાન તેમને દક્ષિણ દિશામાં એક જ્યોતિ દેખાઈ. તેના આધારે તે નમ્માળવારની પાસે પહોંચ્યા. તેમને પોતાના ગુરુ માનીને તેમની રચનાઓને તાડપત્ર ઉપર લખી. મધુરકવિએ પોતાના ગુરુ નમ્માળવારને પ્રભુ સમાન માનીને તેમની પ્રશંસા કરવા ‘કણ્ણિનુગ શિરુત્તામ્બુ’ નામના કાવ્યની રચના કરી હતી.

ઈ. સ.ની દશમી સદીની આસપાસ આચાર્ય નાથમુનિએ આળવારોનાં પદોને ‘નાલાયિરદિવ્ય પ્રબંધમ્’ નામથી સંગૃહીત કર્યાં હતાં. આ કૃતિને તમિળ વેદ અથવા દ્રવિડ વેદ કહેવામાં આવે છે.

તમિળ પ્રાંતમાં આળવારો ઉપરાંત આચાર્યોના યુગનો આરંભ થાય છે. આ આચાર્યોએ આળવારોનાં પદોમાં રહેલી ભક્તિભાવનાનો પ્રચાર જનતામાં કર્યો અને તેનું દાર્શનિક વિવરણ રજૂ કર્યું. આ આચાર્યોમાં એક રામાનુજાચાર્ય હતા. તેમના એક શિષ્ય રામાનંદે દક્ષિણ ભારતમાં ચાલેલા ભક્તિના પ્રવાહની ધારાને ઉત્તરમાં પહોંચાડી.

સાહિત્યિક પુનરુત્થાન કાળ : શૈવ અને વૈષ્ણવ ભક્તોની પરંપરા સમાપ્ત થવા ઉપરાંત તમિળ સાહિત્યની ધારામાં એક ગતિરોધ દેખાય છે. લગભગ બે સદી સુધી સાહિત્યના ક્ષેત્રમાં વિશેષ પ્રગતિ થઈ નથી. આ સમયની પ્રથમ મહત્વપૂર્ણ રચના મહાકવિ કમ્બન કૃત ‘કમ્બરામાયણમ્’ છે. આ કૃતિ છ કાંડમાં વિભાજિત છે અને તેમાં 10,500 પદ છે. કમ્બને જોકે વાલ્મીકિના રામાયણમાંથી કથાવસ્તુ લીધું છે, તેમ છતાં પોતાની અપૂર્વ પ્રતિભા અને કલ્પનાશક્તિના બળે કાવ્યને સર્વથા નવીન રૂપ આપ્યું છે. ‘કમ્બરામાયણ’માં એવા અનેક પ્રસંગ છે જેનો  વાલ્મીકિ રામાયણમાં અભાવ છે. કમ્બન તમિળની સાથે સાથે સંસ્કૃતના પણ પ્રકાંડ પંડિત હતા. તેમણે પોતાના રામાયણમાં તમિળ અને સંસ્કૃત કાવ્યશૈલીનો યોગ્ય સમન્વય કર્યો છે. ‘કમ્બરામાયણ’નું  તમિળ ઉપરાંત ભારતીય અને વિશ્વસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે.

આ જ અરસામાં શેક્કિયારે ‘પેરિય પુરાણમ્’ની રચના કરી, જેમાં 63 શૈવ સંતોનાં જીવનચરિત્રો આપવામાં આવ્યાં છે. ઓટ્ટક્કૂત્તરે બે હજાર છંદોમાં રામાયણનો ઉત્તરાર્ધ લખ્યો. પુકળેન્દિ પુલવરે ‘નળ વેણ્બા’ નામના કાવ્યગ્રંથની રચના કરી, જેમાં  વેણ્બા છંદમાં ‘નળ-દમયંતી’ની કથા વર્ણવી છે. સંઘકાલીન અવ્વૈયારથી ભિન્ન અવ્વૈયાર નામની કવયિત્રીએ ‘નળવળિ’, ‘નીતિ વેણ્બા’ વગેરે કૃતિઓની રચના કરી છે.

આ જ કાળમાં તમિળમાં ‘દિવાકરમ્’, ‘પિંગલ નિઘંટુ’, ‘શૂડામણિ નિઘંટુ’, ‘આશિરિય નિઘંટુ’ વગેરે ગ્રંથ રચાયા. વિભિન્ન વિદ્વાનોએ પ્રસિદ્ધ પ્રાચીન તમિળ ગ્રંથો ઉપર ટીકાઓ લખી.

ઉત્તર ભારતની જેમ દક્ષિણમાં પણ સિદ્ધોની પરંપરા રહી છે. આ સિદ્ધ જનો તીર્થાટન, પૂજા વગેરે બાહ્યાડમ્બરોની નિંદા કરતા હતા અને આંતરિક સાધનાની મહત્તાનું પ્રતિપાદન કરતા હતા. આવા સિદ્ધોની સંખ્યા 18 છે. તેઓએ બોલચાલની ભાષામાં યોગ અને દર્શન સંબંધી અનેક રહસ્યપૂર્ણ પદોની રચના કરી.

મઠો અને ધાર્મિક સંસ્થાઓનો કાળ : આ સમયમાં શૈવ, વીરશૈવ, વૈષ્ણવ અને મુસ્લિમ કવિઓએ વિભિન્ન કાવ્યગ્રંથોની રચના કરીને તમિળ સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. અનેક જગ્યાએ મઠોની સ્થાપના થઈ. તેમનું લક્ષ્ય ધર્મપ્રચારની સાથે સાથે સાહિત્યસર્જનનું પણ હતું. આ સમયમાં સસ્કૃતનાં વિભિન્ન પુરાણો, ભગવદગીતા, મહાભારત વગેરે ગ્રંથોનો તમિળમાં અનુવાદ થયો. સંસ્કૃત પુરાણોના આધારે તમિળમાં કેટલાંક નવીન પુરાણો અને સ્થળપુરાણોની રચના પણ કરવામાં આવી.

આ અરસામાં અરુણગિરિનારે ‘તિરુપ્પુગળ’, ‘કંદર અન્તાદિ’, ‘યમક અન્તાદિ’, ‘કંદર અલંકારમ્’, ‘કંદર અનુભૂતિ’ વગેરે કૃતિઓની રચના કરી. પોતાની ધાર્મિક કૃતિ ‘તિરુપ્પુગળ’ને કારણે તેઓ શિવભક્તોમાં વિશેષ રૂપે સ્થાન પામ્યા છે. કુમરગુરુપરર સ્વામીએ દક્ષિણમાં જન્મ લઈને ઉત્તરમાં શૈવધર્મનો પ્રચાર કર્યો. તેમની મુખ્ય કૃતિઓ ‘મીનાક્ષીયમ્મૈ’, ‘પિળ્ળૈ તમિળ’, ‘નીતિ નેરિ વિળક્કમ્’, ‘ઇરટ્ટૈ મણિમાલૈ’, ‘શેય્યુટ કોવૈ’ વગેરે છે.

વૈદ્યનાથ નાવલરની ‘ઇલક્કણ વિળક્કમ્’, તિરુવેંકટનાયરની ‘પ્રબોધચન્દ્રોદયમ્’ (સંસ્કૃત – ‘પ્રબોધચન્દ્રોદય’ પર આધારિત) વગેરે કૃતિઓનો રચનાકાળ પણ આ જ યુગ છે. તાયુમાનવર, રામલિંગ સ્વામી, તત્તુવરાયર, કત્તુડૈ વળ્ળલ વગેરે કવિગણ પણ આ જ યુગનો છે. આ જ સમયે વૈષ્ણવ કવિ પિળ્ળૈ પેરુમાળ અય્યંગારે ‘અષ્ટ-પ્રબંધમ્’ નામનો એક મહત્વપૂર્ણ ગ્રંથ રચ્યો હતો.

આ કાળમાં શક્કરૈ પુલવર, શબ્વાદુ પુલવર, મુહમ્મદ ઇબ્રાહીમ, અલિયાર, મુહમ્મદ હુસૈન, મદાર સાહિબ, નયિના મુહમ્મદ, ઉમર, ગુણંકુડિ મસ્તાન સાહિબ વગેરે  મુસ્લિમ કવિઓએ પણ પોતાની રચનાઓ દ્વારા તમિળ સાહિત્યને સમૃદ્ધ કર્યું છે.

આધુનિક કાળ : સત્તરમી સદીની આસપાસ અંગ્રેજો દક્ષિણ ભારતમાં આવ્યા. લોકોમાં ઈસાઈ ધર્મનો  પ્રચાર કરવા માટે  તેમણે જનતાની ભાષા તમિળ શીખીને તેમાં સાહિત્યની રચના કરી. આ રીતે અંગ્રેજોએ ધર્મપ્રચારની સાથે સાથે તમિળ સાહિત્યને સમૃદ્ધ કરવાનું કાર્ય પણ કર્યું. યુરોપીય વિદ્વાનોએ વ્યાકરણગ્રંથો, કોશો અને કાવ્યકૃતિઓની રચના કરી. આ વિદ્વાનોમાં જૉસેફ બેસ્કી અગ્રગણ્ય છે. વીરમામુનિવર નામથી પ્રસિદ્ધ સર બેસ્કીએ ‘તેમ્બાવણિ’ નામના મહાકાવ્યની રચના કરી. તેમાં ઈસા મસીહાનું જીવનચરિત્ર આલેખ્યું છે. તેમનો ‘ચતુર અકરાદિ’ ગ્રંથ તમિળનો પ્રથમ કોશગ્રંથ છે. તેમનો ‘તોન્નુલ વિળક્કમ્’ નામનો વ્યાકરણગ્રંથ પણ પ્રસિદ્ધ છે. રેવરન્ડ યૂ. પોપે અનેક પ્રાચીન તમિળ કૃતિઓનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. પ્રસિદ્ધ ભાષાવૈજ્ઞાનિક ડૉ. કાલ્ડવેલનું ‘અ કમ્પેરેટિવ ગ્રામર ઑવ્ દ્રવિડિયન લૅંગ્વેજિઝ’ એક મહત્વનો સંશોધનગ્રંથ છે.

મીનાક્ષી સુન્દર પિળ્ળૈ ઓગણીસમી સદીના વિપુલ સાહિત્યના સર્જક છે. તેમની પ્રસિદ્ધ કૃતિઓ ‘તિરુનાકૈ કારોણ પુરાણમ્’, ‘શૈક્કિળાર પિળ્ળૈ તમિળ’, ‘તિરુવાનૈક્કા ઇરટ્ટૈ મણિમાલૈ’, ‘તિલ્લૈ યમક અન્તાદિ’ વગેરે છે.

આધુનિક કાળની પૂર્વે તમિળમાં પદ્યાત્મક સાહિત્યની પ્રચુરતા હતી. પરંતુ આ કાળમાં પાશ્ચાત્ય વિદ્વાનોના માધ્યમથી તમિળ સાહિત્ય ઉપર અંગ્રેજી સાહિત્યનો  પ્રભાવ પડ્યો. પરિણામે તમિળમાં ગદ્ય અને વાર્તા, નાટક, નવલકથા, નિબંધ વગેરે ગદ્યસ્વરૂપોનો ઉદભવ અને વિકાસ થયો.

આધુનિક કાળના સર્વશ્રેષ્ઠ કવિ સુબ્રહ્મણ્ય ભારતી છે. તેઓ રાષ્ટ્રીયતાના પ્રથમ કવિ હતા. રાજકીય ક્રાંતિના યુગમાં જન્મેલા આ કવિના ભાવુક હૃદયે અનેક સુંદર કાવ્યકૃતિઓનું સર્જન કર્યું. પોતાની કવિતા દ્વારા તેમણે તમિળનાડુની જનતાના હૃદયમાં દેશભક્તિ અને દેશપ્રેમની ભાવના જાગ્રત કરી. તેમની કવિતાના મૂળ ભાવ છે વ્યક્તિગત મુક્તિ, રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય, સમાજસુધારણા, વિશ્વબંધુત્વ વગેરે. તેમની પ્રસિદ્ધ કૃતિઓ છે : ‘પાંચાલીશપદમ્’, ‘કુયિલ પાટ્ટુ’, ‘કણ્ણન પાટ્ટુ’, ‘ભારતી અરુપત્તારુ’ વગેરે. ભારતી ઉપરાંત આધુનિક કાળના અન્ય પ્રસિદ્ધ કવિ છે ભારતીદાસન્, કવિમણિ દેશિગ વિનાયકમ્ પિળૈ, નામક્કલ રામલિંગમ પિળૈ, શુદ્ધાનંદ ભારતી, કમ્બદાસન્, કિ.વા. જગન્નાથન (જ્યોતિ), કૃષ્ણદાસન વગેરે.

તમિળમાં નાટકની પરંપરા પ્રાચીન છે, પરંતુ વર્તમાન તમિળ નાટક અંગ્રેજી સાહિત્યની દેણગી છે. પૂર્વકાલીન નાટક રંગમંચ ઉપર પ્રસ્તુત કરાતાં અને જનતામાં લોક્પ્રિય પણ થતાં, પરંતુ  નાટ્યોચિત તત્વોના અભાવે તેને સાચા અર્થમાં નાટક કહી શકાય નહિ. તમિળના પ્રથમ નાટકકાર શંકરદાસ સ્વામિગળ છે. તેમણે લગભગ 40 નાટકોની રચના કરી છે. આ ઉપરાંત સુન્દરમ્ પિળ્ળૈએ લિટનકૃત ‘ધ સિક્રેટ વે’ના આધારે ‘મનોન્મણીયમ્’ નામના પદ્યબદ્ધ નાટકની રચના કરી. સૂર્યનારાયણ શાસ્ત્રીએ પણ અનેક નાટકો લખ્યાં. આધુનિક તમિળ નાટકોના જનક મનાતા પમ્મલ સંબંધ મૃદલિયારે લગભગ 80 નાટકો અને પ્રહસનોની રચના કરી.

વર્તમાનકાળમાં તમિળ નાટકોને ચલચિત્ર સાથે ટક્કર લેવી પડે છે; છતાં તેનો નિરંતર વિકાસ થઈ રહ્યો છે. આજના પ્રસિદ્ધ નાટકકાર છે બી.એસ. રામય્યા, બાલચન્દર, રામસામી ‘ચો’, શક્તિ કૃષ્ણસ્વામી, એ.પી. નાગરાજન, ઇન્દિરા પાર્થસારથી, અરુ અળકપ્પન વગેરે.

તમિળમાં નવલકથાસાહિત્યનો આરંભ વેદનાયકમ્ પિળ્ળૈકૃત ‘પ્રતાપ મુદલિયાર ચરિત્રમ્’થી થાય છે. તે પછી રાજમ અય્યર, માધવય્યા, પે. નરેશ શાસ્ત્રી, કોદૈનાયકી અમ્માળ વગેરે વિદ્વાનોએ તમિળ નવલકથાસાહિત્યને વિકસિત કર્યું.

કૃષ્ણમૂર્તિ ‘કલ્કિ’ના આગમનથી તમિળ નવલકથાસાહિત્ય એક વળાંક લે છે. તેમણે ઐતિહાસિક, સામાજિક, હાસ્યપ્રધાન નવલકથાઓની રચના કરી. આજે તમિળમાં ઐતિહાસિક, સામાજિક, યથાર્થવાદી, જાસૂસી વગેરે અનેક પ્રકારની નવલકથાઓ લખાઈ રહી છે. આધુનિક  નવલકથાકારોમાં દેવન, તિ. જાનકીરામન, ડૉ. મુ. વરદરાજન, અખિલન, શાણ્ડિલ્યન, ગોવી મણિશેખરન, જગશિર્પિયન, જીવા, પૂર્વે આરુમુખ, નીલ પદ્મનાભન, આખી વગેરે પ્રસિદ્ધ છે. નવલકથાની લેખિકાઓમાં લક્ષ્મી, ગુહપ્રિયા, સરસ્વતી અમ્માળ, અનુત્તમા, રાજમકૃષ્ણન, ન. આર. શૂડામણિ વગેરે પ્રસિદ્ધ છે.

તમિળ વાર્તાની પરંપરા પ્રાચીન છે. આધુનિક ઢબે વાર્તા લખનાર સૌપ્રથમ લેખક સુબ્રહ્મણ્ય અય્યર છે. તેમની પ્રસિદ્ધ વાર્તા ‘મંગૈયરક્કરશિયિન કાવલ’ છે. લગભગ આ જ સમયમાં ભારતીએ કેટલીક મૌલિક વાર્તાઓ લખી. તમિળ વાર્તાના ક્ષેત્રમાં પુદુમૈપિત્તન, કુ. પા. રાજગોપાલન અને ‘કલ્કિ’નું નામ અત્યંત પ્રસિદ્ધ છે. આ લેખકોએ વિવિધ વિષયો ઉપર અનેક વાર્તાઓ લખીને તમિળ વાર્તાસાહિત્યને અત્યંત સમૃદ્ધ બનાવ્યું છે.

તમિળ વાર્તાના આરંભકાળના અન્ય મહત્વપૂર્ણ વાર્તાકાર વા. રા. રાજાજી, કિ. વા. જગન્નાથન, બી.એસ. રામય્યા, મી. પ. સોમસુન્દરમ્, દેવન, અખિલન વગેરે છે. વર્તમાન વાર્તાકારોમાં રાણમ કૃષ્ણન, ન. પાર્થસારથી, જયકાન્તન વગેરે ઉલ્લેખનીય છે.

તમિળમાં પત્રપત્રિકાઓના માધ્યમ દ્વારા પણ સાહિત્યનો વિકાસ થયો છે અને થઈ રહ્યો છે. તમિળની પ્રસિદ્ધ પત્રિકાઓમાં ‘કુમુદમ્’, ‘કલ્કિ’, ‘આનંદ વિકટન’, ‘સુદેશમિત્રન’, ‘કલૈમગળ’, ‘અમુદસુરમિ’, ‘મંજરી’, ‘તામરૈ’, ‘દીપમ’, ‘કણૈયાળિ’ વગેરે છે. બાલપત્રિકાઓમાં ‘કણ્ણન’, ‘કલ્કણ્ડુ’, ‘અમ્બુલિમામા’, ‘ગોકુલમ્’ વગેરે નોંધપાત્ર છે.

તમિળનું નિબંધસાહિત્ય પણ સમૃદ્ધ છે. તમિળમાં નિબંધલેખકોની સંખ્યા અધિક છે; જેમણે સામાજિક, ધાર્મિક, સાહિત્યિક વિષયો ઉપર અનેક નિબંધો લખ્યા છે.

તમિળમાં આત્મચરિત અને જીવનચરિત પણ લખાયાં છે. જીવનચરિતના ક્ષેત્રમાં ડૉ. સ્વામિનાથન અય્યર, વા. રા., ડૉ. મુ. વરદરાજન, મો.પો. શિવશાનમ્, શુદ્ધાનંદ ભારતી વગેરે પ્રસિદ્ધ છે.

તમિળમાં સંસ્મરણ લખવાની કળા પણ વિકસી છે. આજે તમિળમાં સંસ્મરણલેખકોની સંખ્યા અધિક છે. પ્રવાસ સંબંધી કેટલાક ગ્રંથ પણ તમિળમાં લખાયા છે. કેટલાંક વર્ષોથી તમિળ વિદ્વાનોનું ધ્યાન પ્રાચીન લોકસાહિત્યના સંકલન અને પ્રકાશન તરફ પણ ગયું છે. વર્તમાનકાળમાં તમિળના પ્રાચીન લુપ્ત ગ્રંથોનું સંશોધન, વિભિન્ન હસ્તલિખિત કૃતિઓનાં પ્રમાણભૂત સંસ્કરણોનું પ્રકાશન તથા પ્રાચીન ગ્રંથોના ગંભીર અધ્યયનનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે. વિભિન્ન પ્રાચીન પુસ્તકો ઉપર વિવેચનગ્રંથ અને ટીકાગ્રંથો લખાય છે.

આજ સુધી તમિળ સાહિત્યનો સંપૂર્ણ, વિસ્તૃત અને સુસંબદ્ધ ઇતિહાસ લખાયો નથી. વિભિન્ન વિદ્વાનોએ કાળવિશેષ ઉપર અથવા પ્રસિદ્ધ લેખકો અને કૃતિઓ સાથે સંબંધિત પરિચયાત્મક ગ્રંથ લખ્યા છે.

કે. એ. જમના