તંદ્રા : મનની જાગૃતિ અને સુષુપ્તિ અવસ્થાઓ વચ્ચેની સ્થિતિ. આ અવસ્થા મન અને દેહ ઉભયની વિકૃત-વિશિષ્ટ સંજ્ઞારૂપ છે. મનની ત્રણ સ્થિતિ છે : (1) જાગ્રત (2) સુષુપ્તિ (નિદ્રસ્થ) અને (3) તંદ્રા, જાગ્રત અવસ્થામાં મોટું મન પૂર્ણ જાગ્રત, ચૈતન્યપૂર્ણ હોઈ, ઇંદ્રિયો પોતાના બધા વિષયોને સારી રીતે ગ્રહણ કરી શકે છે. જ્યારે મનની સુષુપ્તાવસ્થામાં મન ઊંઘતું હોઈ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો શાંત-નિશ્વેષ્ટ જેવી પડી રહે છે, આરામ કરે છે. પરંતુ તંદ્રા અવસ્થામાં મન ન તો પૂર્ણ જાગ્રત હોય છે કે ન તો પૂર્ણ નિદ્રસ્થ. બસ કે રેલવેની ચાલુ યાત્રામાં ઘણા લોકો ઝોકું લઈ લે છે, ત્યારે પ્રાય: તેઓ તંદ્રાવસ્થામાં હોય છે.

આયુર્વેદ વિજ્ઞાને અનેક રોગોની ગણનામાં ‘તંદ્રા’ નામના રોગની પણ ગણના કરી છે; મહર્ષિ ચરકે (सि. अ. / નં. 26-27થી) તંદ્રા રોગની સંપ્રાપ્તિ બતાવતાં કહ્યું છે કે ‘મધુર, સ્નિગ્ધ અને ભારે અન્નના વધુ સેવનથી, વધુ પડતી ચિંતા, પરિશ્રમ, શોક કે કોઈ રોગથી લાંબા સમય સુધી નિરંતર પીડિત રહેવાથી પ્રકુપિત વાયુ દ્વારા પ્રવૃદ્ધ કફદોષ જ્યારે ઊર્ધ્વ ગતિ કરીને મગજમાં પહોંચે છે અને જ્ઞાનતંતુઓને આવૃત્ત કરી લે છે, ત્યારે ‘તંદ્રારોગ’ ઉત્પન્ન થાય છે.

રોગ લક્ષણો : તંદ્રાવસ્થામાં કે તંદ્રારોગમાં ઇંદ્રિયોને પોતાના વિષયોનું જ્ઞાન થતું નથી, શરીર – ઇંદ્રિયો ખૂબ ભારે થઈ જાય છે, બગાસાં આવે છે, શ્રમ કર્યા વિના થાક લાગે છે અને વ્યક્તિ ઊંઘમાં હોય તેવી ચેષ્ટાઓ કરે, તે તેનાં ખાસ લક્ષણો છે. તંદ્રા તમોગુણ, વાત અને કફદોષથી ઉત્પન્ન થાય છે. તંદ્રાથી હૃદયમાં વ્યાકુળતા, વાણીની અસ્પષ્ટતા કોઈ પણ ક્રિયામાં મંદતા, કે શિથિલતા, ઇંદ્રિયોમાં ભારેપણું, મનની અપ્રસન્નતા (ઉત્સાહ–જાગૃતિનો અભાવ) તથા બુદ્ધિની અપ્રસન્નતા (બુદ્ધિની દક્ષતાનો અભાવ) – આ બધાં લક્ષણો થાય છે.

નિદ્રા–તંદ્રામાં તફાવત

  નિદ્રા   તંદ્રા
1. નિશ્ચિત કાળ સુધીની હોય છે. 1. અનિયત કાળની હોય છે.
2. જગાડવાથી વ્યક્તિ ઊઠે છે. 2. જગાડવા છતાં પણ વ્યક્તિ

ઊઠતી નથી.

3. જાગ્યા પછી ઇંદ્રિયો જ્ઞાન ગ્રહણ

કરે છે.

3. જગાડ્યા પછી પણ ઇંદ્રિયો

જલદી જ્ઞાન ગ્રહણ કરતી નથી.

4. આંખોની ચમક સ્વચ્છ રહે છે. 4. આંખોની કાન્તિ નિર્મળ રહેતી

નથી. (આંખો જલદી ઢળી

જાય છે.)

5. નિદ્રા પછી થાક ઊતરી જાય છે. 5. તંદ્રા પછી થાક વધી જાય છે.

તંદ્રારોગ ચિકિત્સા સિદ્ધાંત : તંદ્રારોગની સારવારમાં કફનાશક, દેહશોધક અને શામક ઔષધિચિકિત્સા કરવી. દર્દીને વ્યાયામ કરાવવો. રક્તમોક્ષણ કરાવવું અને તેને કડવા તથા તીખા રસપ્રધાન આહાર આપવા જોઈએ.

ઔષધિ ઉપચાર : (1) મકરધ્વજ રસ 1 રતીમાં લીંડીપીપર ચૂર્ણ 2 રતી મેળવી મધ સાથે દિવસમાં ત્રણ વાર ચટાડવું. (2) દશમૂલારિષ્ટ તથા કુમાર્યાસવ 3–3 ચમચી સવાર-સાંજ આપવો. (3) ભોજન પૂર્વે લવણ ભાસ્કર ચૂર્ણ 5 ગ્રામમાં શંખભસ્મ 3 રતી અને ખાવાનો સોડા બાય કાર્બ 3 રતી ઉમેરી પાણી સાથે બપોરે–રાતે આપવું. (4) ભોજન બાદ અગ્નિતુંડીવટી કે સંજીવનીવટી 2–2 ગોળી પાણી સાથે આપવી. (5) રાત્રે સૂતી વખતે દીનદયાળ ચૂર્ણ 5 ગ્રામ પાણી સાથે એક વાર આપવાથી ‘તંદ્રારોગ’ દૂર થાય. આ સાથે કફદોષની પરેજી દર્દીને પળાવવી.

બળદેવપ્રસાદ પનારા