ડ્યૂઈ, મેલ્વિલ

January, 2014

ડ્યૂઈ, મેલ્વિલ (જ. 10 ડિસેમ્બર 1851, ઍડમ્સ સેન્ટર, ન્યૂયૉર્ક; અ. 26 ડિસેમ્બર 1931, લેક પ્લૅસિડ, ફ્લૉરિડા) : ગ્રંથાલયો માટે દશાંશ વર્ગીકરણ પદ્ધતિના શોધક. ઍમહર્સ્ટ કૉલેજમાંથી 1874માં સ્નાતક થયા પછી ત્યાં 1874–1877 સુધી નાયબ ગ્રંથપાલ તરીકે કામ કર્યું. 1877માં બૉસ્ટન જઈ ગ્રંથાલયને લગતું માસિક ‘લાઇબ્રેરી જર્નલ’ શરૂ કરી તેનું તંત્રીપદ સંભાળ્યું. આ માસિકનો અમેરિકાનાં ગ્રંથાલયોની ઉન્નતિ, પ્રગતિ તથા સુવ્યવસ્થિત સંચાલનમાં સંગીન  ફાળો છે. ડ્યૂઈ અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશનના એક સ્થાપક સભ્ય હતા. 1876–1891 સુધી સંઘના મંત્રી તથા 1891 અને 1893માં સંઘના પ્રમુખ પણ બન્યા હતા. 1883માં ડ્યૂઈ કોલમ્બિયા કૉલેજના ગ્રંથપાલ બન્યા. બીજે વર્ષે તેમણે ત્યાં ગ્રંથપાલોને તાલીમ  આપવાની સૌપ્રથમ સંસ્થા સ્કૂલ ઑવ્  લાઇબ્રેરી ઇકૉનૉમી સ્થાપી. આ સંસ્થાને 1890માં આલ્બની ન્યૂયૉર્કમાં ખસેડવામાં આવી અને ન્યૂયૉર્ક સ્ટેટ લાઇબ્રેરી સ્કૂલ તરીકે ડ્યૂઈના માર્ગદર્શન નીચે તેની નવેસર સ્થાપના થઈ. 1889–1906 સુધી ન્યૂયૉર્ક સ્ટેટ લાઇબ્રેરીના નિયામક તરીકે કામ કર્યું. 1889–1900 સુધી તેમણે સ્ટેટ યુનિવર્સિટી ઑવ્ ન્યૂયૉર્કના મંત્રીપદે રહીને તે રાજ્યના શિક્ષણ-વિષયક કાયદા સુધાર્યા અને સંગઠિત કર્યા તથા પ્રૌઢશિક્ષણ વિભાગ પણ શરૂ કર્યો. 1904-1906 સુધી ડ્યૂઈએ સ્ટેટ ડિરેક્ટર ઑવ્ લાઇબ્રેરીઝ તરીકે કામ કર્યું. તેમણે રાજ્ય ગ્રંથાલયને વ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવ્યું તથા રાજ્યમાં ફરતાં પુસ્તકાલયોની તથા ચિત્રસંગ્રહોની શરૂઆત કરી. આ ઉપરાંત ડ્યૂઈએ સ્પેલિંગ રિફૉર્મ ઍસોસિયેશન, મેટ્રિક બ્યૂરો તથા લાઇબ્રેરી બ્યૂરોની સ્થાપના કરી.

મેલ્વિલ ડ્યૂઈ

ગ્રંથાલયમાંનાં પુસ્તકો, સામયિકો વગેરે સામગ્રીને વિષયવાર વર્ગીકરણ કરવાની ડ્યૂઈએ પહેલી વખત 1876માં રજૂ કરેલી આ પદ્ધતિ ઘણી જ ઉપયોગી, સરળ, સહેલી તથા મોકળાશભરી હોવાના કારણે  એ એટલી લોકપ્રિય તથા વિશ્વવ્યાપક બની છે કે અત્યાર સુધીમાં એની અનેક આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ છે. એની સાપેક્ષસૂચિ-(relative index)નો પણ આ સિદ્ધિમાં મહત્વનો ફાળો છે. આ પદ્ધતિનું અનેક ભાષાઓમાં ભાષાંતર થયું છે. નાનાંમોટાં બધાં ગ્રંથાલયોની જરૂરિયાત પ્રમાણે અનુકૂળ બનાવી આ પદ્ધતિનો ઉત્તમ ઉપયોગ થઈ શકે છે. આ પદ્ધતિની આંતરસંવાદિતા તથા તેના વિનિયોગની સહજતા ધ્યાન ખેંચે એવાં છે. તર્કબદ્ધ રીતે તૈયાર થયેલા એના માળખામાં નવીન વિષયો માટેની એટલી ક્ષમતા છે કે ફેરફારો કરવા છતાં એના મૂળ માળખાને જરા સરખી આંચ આવતી નથી. સમયના વહેણ સાથે અને જ્ઞાનના વિકાસ સાથે, નવા કોઠા તૈયાર કરવા તથા જૂના કોઠામાં વૃદ્ધિ કરી, પદ્ધતિને અદ્યતન રાખવાનું કાર્ય પણ નિરંતર ચાલે છે.

નિપુણ પંડ્યા