(ડૉ.) નઝીર એહમદ (જ. 3 જાન્યુઆરી 1915, કોલ્હી ગરીબ ગામ, જિ. ગોન્ડા, ઉત્તરપ્રદેશ; અ. 19 ઑક્ટોબર 2008, અલીગઢ) : ઉર્દૂ-ફારસીના સંશોધક, પ્રખર વિદ્વાન, વિશાળ દૃષ્ટિ ધરાવતા વિચારક, બુદ્ધિવાન સાહિત્યકાર અને દીર્ઘદૃષ્ટિવાળા વિવચક હતા. તેઓ ઉર્દૂ, ફારસી તથા અંગ્રેજી – ત્રણે ભાષાઓમાં નિપુણતા ધરાવતા હતા. ઉપરાંત અરબી અને હિન્દીમાં કુશળ હતા. તેઓ અરબી, ફારસી, ઉર્દૂ તથા દિન્દીની પ્રાચીન હસ્તપ્રતોની ઓળખાણ નિશ્ચિત કરવામાં આગવું સ્થાન ધરાવતા હતા. તેમણે શાસ્ત્રીય સંગીત વિશેની સોળમા સૈકાની એક હિન્દી-ઉર્દૂ કૃતિની હસ્તપ્રત શોધી તેની ઉપર જે સંશોધનાત્મક કામ કરીને ‘કિતાબે નવરસ’ નામે ભારતીય કલા કેન્દ્ર દ્વારા પ્રથમ 1955માં ઉર્દૂમાં અને 1956માં અંગ્રેજી અનુવાદ સાથે પ્રસિદ્ધ કરાવીને નામના મેળવી હતી. તેમણે ‘ફારસી શબ્દકોશ શાસ્ત્ર’ રચનાના ક્ષેત્રમાં કેટલીય અપરિચિત કૃતિઓની હસ્તપ્રતો શોધીને તેમનું સંપાદન કર્યું હતું. આમાંથી પ્રખ્યાત રચનાઓ ‘ફરહંગે કવાસ; દસ્તુરૂલ અફાઝિલ, ફરહંગે ઝફફાને ગુયા’ વગેરે છે. તેમણે પ્રાથમિક શિક્ષણ, સરકારી પ્રાથમિક શાળાઓમાં મેળવ્યું હતું. 1934માં માધ્યમિક શાળાના દસમા ધોરણની પરીક્ષા ફર્સ્ટ ડિવિઝનમાં પાસ કરી હતી અને ગણિત તથા ફારસીમાં ઉચ્ચ કોટિ (Distinction) મેળવ્યું હતું. તેમણે ઉચ્ચ અભ્યાસ, લખનઉ યુનિવર્સિટી, લખનઉમાં કર્યો. ફારસી મુખ્ય વિષય સાથે 1939માં બી.એ. (ફર્સ્ટ કલાસ ફર્સ્ટ), 1940માં એમ.એ. (ફર્સ્ટ કલાસ) અને 1945માં પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી હતી. ઉપરાંત 1950માં ફારસીમાં ડી.લિટ. અને 1955માં ઉર્દૂમાં પણ ડી.લિટ.ની ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા. 1950મા્ં લખનઉ યુનિવર્સિટીમાં ફારસીના વ્યાખ્યાતાના પદ ઉપર તેમની નિમણૂક થઈ હતી. 1956માં સરકારી શિષ્યવૃત્તિ લઈને તેઓ ઈરાનની તેહરાન યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે જોડાયા અને એક વર્ષથી પણ ઓછા સમયમાં, ઈરાનની પ્રાચીન ભાષાઓ ઉપર સંશોધન કરીને ત્રણ ‘ડિપ્લોમા’ પદવીઓ મેળવવા ભાગ્યશાળી થયા. તેઓ 1957માં અલીગઢ યુનિવર્સિટીના ફારસી વિભાગમાં પહેલા રીડર તરીકે જોડાયા અને 1960માં પ્રોફેસર તથા વિભાગ – અધ્યક્ષ બન્યા. તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓની જેમ તેમની સંશોધન અને લેખનપ્રવૃત્તિઓ પણ અજોડ છે. તેમના ઉર્દૂમાં પ્રસિદ્ધ લેખો 200 અને અંગ્રેજી લેખો લગભગ 70 જેટલા થાય છે. તેમની ઉર્દૂ, અંગ્રેજી તથા ફારસીની નોંધપાત્ર કૃતિઓની સંખ્યા 30 જેટલી થવા જાય છે. તેમને 1978માં ભારતના રાષ્ટ્રપતિ તરફથી સર્ટિફિકેટ ઑવ્ ઑનર (President Award) વડે સન્માનવામાં આવ્યા હતા.

(ડૉ.) એહમદ નઝીર

1978માં ગાલિબ ઇન્સ્ટિટ્યૂટ, દિલ્હી તરફથી તેમને 1976નો ફખ્રૂદ્દીન અલી એહમદ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ભારતમાં મધ્યયુગમાં ફારસી ભાષા તથા સાહિત્યનો જે વિકાસ થયો હતો તે નઝીર એહમદના સંશોધનકાર્યનું મુખ્ય ક્ષેત્ર છે. ગુજરતમાં ફારસીના વિકાસ સંબંધે પણ તેમણે સંશોધન-લેખો લખ્યા છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી